મુકેશ અંબાણી કૉંગ્રેસ ઉમેદવાર મિલિંદ દેવરાના સમર્થનમાં આવ્યા

મિલિંદ દેવડા

ઇમેજ સ્રોત, @MILINDDEORA

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણીએ કૉંગ્રેસ નેતા મિલિંદ દેવરાના સમર્થનમાં નિવેદન આપ્યું છે. મિલિંદ દેવરા દક્ષિણ મુંબઈ લોકસભા ક્ષેત્રમાંથી ચૂંટણી લડી રહ્યા છે.

મિલિંદે એક વીડિયો ટ્વીટ કર્યો છે અને તેમાં મુકેશ અંબાણી તેમના સમર્થનમાં બોલતા જોવા મળી રહ્યા છે.

એક તરફ મુકેશ અંબાણી ચૂંટણીમાં કૉંગ્રેસ ઉમેદવારને સમર્થન આપી રહ્યા છે તો બીજી તરફ તેમના નાના ભાઈ અનિલ અંબાણી પર કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કટાક્ષ કરી રહ્યા છે.

મુકેશ અંબાણીએ વીડિયોમાં કહ્યું છે, "મિલિંદ દક્ષિણ મુંબઈના જ છે. મિલિંદને દક્ષિણ બૉમ્બેના સમાજ, અર્થશાસ્ત્ર અને સંસ્કૃતિનું જ્ઞાન છે."

પોતાના ટ્વીટમાં મિલિંદે લખ્યું છે, "નાના દુકાનદારથી મોટા ઉદ્યોગપતિ સુધી- દક્ષિણ મુંબઈ સૌના વેપારનું માધ્યમ છે. દક્ષિણ મુંબઈમાં વેપારને ફરી પાટા પર લાવવો છે અને નોકરીઓની તક ઊભી કરવી છે. યુવાનો અમારી પ્રાથમિકતા છે."

આ એક અપવાદ જ છે કે કોઈ ધનકુબેર ઉદ્યોગપતિ કોઈ ઉમેદવારને ચૂંટણીમાં ખુલ્લેઆમ સમર્થન કરી રહ્યા છે.

મિલિંદ દેવરાએ કહ્યું છે, "મને ખબર છે કે મુકેશ અંબાણી અને ઉદય કોટકનું સમર્થન અન્ય લોકોની સરખામણીએ વધુ લોકોનું ધ્યાન આકર્ષશે. મને તેમના સમર્થન પર ગર્વ છે પરંતુ એટલો જ ગર્વ પાનવાળા, નાના દુકાનદારો, નાના ઉદ્યોગકારોના સમર્થન પર પણ છે."

મિલિંદ દેવરા મુકેશ અંબાણીની ટેલિકૉમ કંપની જિયોના કૅમ્પેનમાં સામેલ થયા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

અનિલ પર રાહુલનું નિશાન

ઇમેજ સ્રોત, Getty Images

મુકેશ અંબાણીના આ સમર્થનની ચર્ચા એ માટે થઈ રહી છે, કેમ કે રાહુલ ગાંધી તેમના ભાઈ પર ચૂંટણી રેલીઓમાં શાબ્દિક હુમલા કરતા રહે છે.

રાહુલ ગાંધી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર અનિલ અંબાણીના સહારે ક્રૉની કૅપિટલિઝમને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવે છે.

રાહુલ ગાંધી રફાલ ડીલમાં અનિલ અંબાણીને ફાયદો પહોંચાડવાનો આરોપ લગાવતા રહે છે.

મુકેશ અંબાણીએ ગત મહિને પોતાના ભાઈ અનિલ અંબાણીનું 458.77 કરોડ રૂપિયાનું દેવું ચૂકવીને જેલ જતાં બચાવ્યા હતા.

જો અનિલ અંબાણીએ ઍરિક્સનનાં દેવું ન ચૂકવ્યું હોત તો તેમણે જેલમાં જવું પડ્યું હોત. દેવું ચૂકવ્યા બાદ અનિલ અંબાણીએ પોતાના મોટાભાઈ મુકેશ અને ભાભી નીતા અંબાણીનો આભાર વ્યક્ત કરતું એક નિવેદન પણ જાહેર કર્યું હતું.

આ નિવેદનમાં તેમણે કહ્યું હતું, "મુશ્કેલ પરિસ્થિતિમાં મને મારા પરિવાર તરફથી મદદ મળી છે. આ અમારા પરિવારનાં મજબૂત મૂલ્યોને જ દર્શાવે છે. જે સમયે મને સૌથી વધારે મદદની જરૂર હતી, મારો પરિવાર મારી સાથે ઊભો હતો."

ઇમેજ સ્રોત, @MILINDDEORA

એક સમય હતો જ્યારે બન્ને ભાઈઓ વચ્ચે સંબંધો સારા નહોતા અને બન્નેમાં હરીફાઈ હતી.

અનિલ અંબાણીએ લખ્યું હતું, "હું અને મારો પરિવાર એ વાત માટે આભારી છીએ કે અમે ભૂતકાળમાંથી બહાર આવી ગયા છીએ. આ મદદ માટે હું મનથી આભાર વ્યક્ત કરું છું."

અનિલ અંબાણીએ ગત વર્ષે જ દાવો કર્યો હતો કે વર્ષના અંત સુધી તેઓ એરિક્સનનું દેવું ચૂકવી દેશે.

સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે ચાર અઠવાડિયાંની અંદર જો એરિક્સનને પૈસા નહીં મળે તો અંબાણી અને તેમના બે સહયોગીઓએ ત્રણ મહિના માટે જેલ જવું પડશે.

દક્ષિણ મુંબઈમાં 29 એપ્રિલના રોજ મતદાન થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો