શું ગુજરાતના મુસ્લિમો 2002નાં હુલ્લડ ભૂલી ગયા છે? - દૃષ્ટિકોણ

ગોધરાના ડબ્બાની તસવીર Image copyright Getty Images
ફોટો લાઈન ગોધરામાં કારસેવકોને સળગાવતા સમગ્ર ગુજરાતમાં મુસ્લિમ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા

લોકસભા ચૂંટણીની જાહેરાત પછીના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં જાહેરભાષણોને સાંભળું છું, તો તેમની ભાષા અને ટોન મને 2002નાં હુલ્લડો પછી ડિસેમ્બર 2002માં ગુજરાતમાં આપેલા ભાષણની યાદ અપાવે છે.

2002થી પત્રકારો, રિપોર્ટર્સ અને સંશોધકો દ્વારા એક સવાલ ચોક્કસથી પૂછવામાં આવે છે, "શું ગુજરાતના મુસ્લિમો 2002ને ભૂલી આગળ વધી ગયા છે?"

મને એવું લાગે છે કે માત્ર ગુજરાત જ નહીં ભારતભરના મુસ્લિમો માટે આ સવાલ આજે પણ એટલો જ સાંપ્રત છે.

ગત પાંચ વર્ષ દરમિયાન દેશભરના મુસ્લિમોએ અનુભવ્યું છે કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર હેઠળ જીવવું એટલે કેવું લાગે.

આ સવાલ મને ફરી 2002માં ખેંચી જાય છે અને હું મારી જાતને પૂછતો રહું છું કે હું શા માટે ભૂલી નથી શકતો અને માફ નથી કરી શકતો.

અનેક ગુજરાતી મુસ્લિમો 1969, 1985 અને 1992નાં હુલ્લડો ભૂલી ચૂક્યા છે અને કદાચ કૉંગ્રેસને માફ પણ કરી દેશે.

કદાચ કેટલાક લોકો દલીલ આપશે કે શાસક પક્ષે હુલ્લડ નહોતાં કરાવ્યાં, તેની યોજના નહોતી ઘડી કે રાજ્ય સરકાર દ્વારા પ્રાયોજિત નહોતાં. પણ ગુજરાતના મુસ્લિમોએ હુલ્લડો સહન કર્યાં છે અને તેમના દિમાગમાંથી દૂર ન કરી શકાય.


ભૂલી જવું અને માફ કરવું

Image copyright Getty Images
ફોટો લાઈન 'કેટલાક શખ્સો ગળામાં ઑરેન્જ સ્કાર્ફ હાથમાં ખુલ્લી તલવારો સાથે...'

તા. 28મી ફેબ્રુઆરી, 2002ના દિવસે બાર વાગ્યે હું મારી કૉલેજ-નોટ્સ વાંચી રહ્યો હતો.

ત્યારે મેં જોયું તો કેટલીક મહિલાઓ ખુલ્લા ખેતરમાં બંગડીઓ સાથે આવી રહી હતી અને કેટલાક શખ્સો ગળામાં ઑરેન્જ સ્કાર્ફ, હાથમાં ખુલ્લી તલવારો સાથે અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલી અમારી સોસાયટી તરફ ધસી રહ્યા હતા.

અમારી સોસાયટીની આગળ ખુલ્લાં ખેતર હતાં, તેની પેલી બાજુએ દલિત અને OBC સમુદાયની કેટલીક સોસાયટીઝ આવેલી હતી.

પાસેની ઝૂંપડપટ્ટીમાંથી મુસ્લિમ યુવાનો અમને બચાવવા માટે ધસી આવ્યા. જોતજોતામાં ખુલ્લાં ખેતરો સંઘર્ષનું સ્થળ બની ગયાં.

હુલ્લડખોરોમાં અમારાં ઘરોમાં કામવાળી બાઈ તરીકે કામ કરતી દલિત મહિલાઓ પણ સામેલ હતી, તે જાણીને આંચકો લાગ્યો. તે ખેતરોની પેલી બાજુએ જ રહેતી હતી.

પોલીસ આવી અને સ્થિતિને કાબૂમાં લીધી. 22 વર્ષીય એન્જિનિયરિંગના વિદ્યાર્થી માટે આ ખૂબ જ આંચકાજનક અનુભવ હતો.

આશરા અને રક્ષણ માટે અમે પાસેની મુસ્લિમ વસ્તીમાં ધસી ગયા અને ત્યાં છુપાઈ ગયા.

અમે પરત ફર્યા ત્યારે અમારાં ઘરોમાં પથ્થર, ઈંટ અને લાકડીઓ પડ્યાં હતાં. આવું તો અનેક વખત બન્યું. 

આ વિશે વધુ વાંચો

Image copyright Getty Images
ફોટો લાઈન હુલ્લડમાં 1000થી વધુ લોકોનાં મૃત્યુ થયાં

સ્થિતિ કથળતાં રાજ્યભરમાંથી દુષ્કર્મ, લૂંટ અને હત્યાના સમાચાર આવવા લાગ્યા.

અમારા પાડોશમાં ઘર છોડીને નાસવાનો પ્રયાસ કરી રહેલાં 10 લોકોનાં મૃત્યુ થયાં.

મારા પિતાના સહ-કર્મચારીઓએ જણાવ્યું કે તેમની ઓફિસની સામે જ બે પુરુષોને જીવતા ભૂંજી નખાયા હતા.

અમે ઘરમાં જ રહેવાનું નક્કી કર્યું. ચાર મહિના સુધી અમે અમારા વિસ્તારમાં રીતસર બંધક બની ગયા હતા. હું કે મારો ભાઈ કૉલેજે કે મારા પિતા ઓફિસે ગયા ન હતા.

થોડા સમય બાદ મેં બહાર નીકળવાનું નક્કી કર્યું. અમારા વિસ્તારમાં સ્થિતિ ડરામણી હતી. કોઈ હુમલાખોર જોઈ ન જાય તેની સતર્કતા સાથે ચહેરા ઉપર રૂમાલ વીંટીને હું કૉલેજે પહોંચ્યો.

ત્યાં પહોંચતા જ સહ-વિદ્યાર્થીઓએ 'મિયો આયો છે એને કાપો'ની બૂમો પાડી. એ જ વર્ષે મેં એન્જિનિયરિંગની પરીક્ષા પાસ કરી.

અનેક કંપનીઓએ મને નોકરી આપવાનો ઇન્કાર કરી દીધો અને મોં પર જ કહ્યું કે તેમને મુસ્લિમ ઉમેદવારમાં રસ નથી.

હુલ્લડની અસર એટલી ગાઢ હતી કે અનેક વર્ષો સુધી મને તેનાં દુઃસ્વપ્ન આવતાં. 

આટલાં વર્ષો સુધી મુસ્લિમોએ બહુ બધું સહન કરવું પડ્યું છે, પરંતુ તેમનામાં બિનમુસ્લિમો પ્રત્યે ધિક્કારની લાગણી જન્મી નથી.

Image copyright Reuters
ફોટો લાઈન 'મુસ્લિમોએ હજુ પણ કૉંગ્રેસ તથા અન્ય બિનસાંપ્રદાયિક રાજકીય પક્ષો ઉપર આધાર રાખવો પડે છે.'

મુખ્ય મંત્રી તરીકે હુલ્લડ રોકવામાં અને નાગરિકોને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહેલા (કૉંગ્રેસનો ઇતિહાસ પણ ભાજપ જેટલો જ ખરાબ છે) મોદીને માફ કરી દીધા હોત.

પરંતુ 'પાંચ, પચીસ અને છસ્સો પચીસ' તથા 'મિયાં મુશર્રફ' જેવા નારા દ્વારા મોદીએ ગામેગામ, નગરેનગર અને શહેરેશહેર જઈને જે નફરત ફેલાવી તેને ભૂલી ન શકાય.

રાજ્યના નેતા તરીકે લોકોની વચ્ચે એકતા, પ્રેમ, સુમેળ અને સન્માન કેળવવાના બદલે તેમણે નફરતની દીવાલ ઊભી કરી અને લોકોને વિભાજિત કરી દીધા.

નફરતના રાજકારણે તેમને પ્રસિદ્ધિ અને કીર્તિ અપાવ્યાં.

આપણે હુલ્લડની અસરો ભૂલી શકીએ છીએ, પરંતુ તેમને અને ભાજપને દેશ તથા રાજ્યને ધર્મના આધારે વિભાજિત કરવા બદલ માફ ન કરી શકીએ.

જો અમદાવાદના 2002નાં હુલ્લડ માટે મોદી જવાબદાર છે, તો 1969, 1985 અને 1992નાં હુલ્લડ માટે કૉંગ્રેસ પણ એટલી જ જવાબદાર છે. પરંતુ કૉંગ્રેસે જનતામાં અને રાજકારણમાં આટલી હદે ધિક્કાર ફેલાવ્યા ન હતા.

ગુજરાતના મુસ્લિમો

Image copyright Getty Images
ફોટો લાઈન SITએ ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીનું નિવેદન નોંધ્યું હતું

હુલ્લડોને કારણે ગુજરાતના મુસ્લિમોને માત્ર આર્થિક જ નહીં સામાજિક અસર પણ પહોંચી છે.

હુલ્લડને કારણે તેમનામાં લઘુતાગ્રંથિ આવી ગઈ છે અને તેમને લાગે છે કે તેઓ દેશના 'સેકન્ડક્લાસ સિટીઝન' છે.

આ ભાવનામાંથી બહાર નીકળતા મુસ્લિમોને વર્ષો લાગી ગયા.

મુસ્લિમોને અહેસાસ થયો કે કૉંગ્રેસ કે ભાજપ તેમને ફરી બેઠા થવામાં મદદ નહીં કરે.

મુસ્લિમોને અહેસાસ થયો કે કૉંગ્રેસે તેમનામાં પરાધીનતાનો ભાવ પેદા કર્યો છે.

કૉંગ્રેસ દ્વારા મુસ્લિમોને શું મળી શકે તે વિશે જણાવવામાં આવતું, પણ ક્યારેય તેમને હક માગવાની તક આપવામાં આવતી ન હતી.

મુસ્લિમ વિદ્વાનો, ધાર્મિક નેતાઓ તથા અન્ય નેતાઓને ઇફ્તાર તથા ઈદની પાર્ટી માટે બોલાવવામાં આવતા. પણ તેમને પ્રોત્સાહન આપવા કે ટેકો આપવા માટે ક્યારેય કશું ન કર્યું. 

Image copyright Getty Images
ફોટો લાઈન 'મોદી અને ભાજપને દેશ તથા ગુજરાતને ધર્મના આધારે વિભાજીત કરવા બદલ માફ ન કરી શકાય'

2011ની વસ્તીગણતરી પ્રમાણે ગુજરાતમાં મુસ્લિમોની વસ્તી માત્ર 7.1 ટકા છે. તેઓ આર્થિક બાબતો, શિક્ષણ, આરોગ્યલક્ષી સેવા અને રાજકીય પ્રતિનિધિત્વ માટે બિનમુસ્લિમ સમુદાયો ઉપર આધારિત છે. 

90ના દાયકાના અંત ભાગમાં ગુજરાત વિધાનસભાના કુલ 182 ધારાસભ્યોમાંથી માત્ર એક-બે મુસ્લિમ હતા.

મુસ્લિમ વિસ્તારોમાં સ્કૂલ, પબ્લિક હેલ્થ સેન્ટર, હૉસ્પિટલ, કૉમ્યુનિટી હૉલ કે કૉમ્યુનિટી સેન્ટર ન હતાં.

2002નાં હુલ્લડોએ સમગ્ર કોમને હચમચાવી નાખી. બાળકોને ભણાવી નહીં શકવાની, પ્રાથમિક તબીબી સેવાઓ નહીં મેળવી શકવાની અને સામાન્ય આજીવિકા નહીં રળી શકવાની લાચારી સ્પષ્ટ વર્તાતી હતી.

મુસ્લિમોએ સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડ્યો. લોકો મુસ્લિમોને મળતા અને તેમની સાથે વાત કરતા ખચકાતા હતા.

Image copyright Getty Images
ફોટો લાઈન 2011ની વસ્તીગણતરી પ્રમાણે ગુજરાતમાં મુસ્લિમોની વસ્તી માત્ર 7.1 ટકા

આથી, મુસ્લિમોએ રાજ્ય કે કેન્દ્ર સરકાર કે રાજકીય પક્ષોની મદદની રાહ જોયા વગર ખુદની અને કોમની મદદ કરવાનું શરૂ કરી દીધું.

શૈક્ષણિક પૃષ્ઠભૂમિ ન હોવા છતાં મુસ્લિમોએ સ્કૂલો શરૂ કરી.

મુસ્લિમ સમુદાયની દરેક જમાતમાં આવનારી પેઢીના સશક્તીકરણ માટે તેમને શિક્ષિત કરવાની જરૂરિયાત જાણાઈ.

ગુજરાતમાં 2019માં મુસ્લિમ ટ્રસ્ટ કે વ્યક્તિ દ્વારા સંચાલિત 200થી વધુ સ્કૂલ કાર્યરત છે, જેમાંથી મોટાં ભાગની અમદાવાદમાં છે.

મુસ્લિમ વિસ્તારોમાં 10થી વધુ હૉસ્પિટલ ખૂલી છે. રાજ્યના અન્ય ભાગોમાં પણ અનેક ક્લિનિક ખૂલ્યાં છે.

મુસ્લિમ વિસ્તારોમાં કૉમ્યુનિટી હૉલ, કૉમ્યુનિટી સેન્ટર તથા મુસ્લિમ છોકરા-છોકરીઓ માટે હૉસ્ટેલ ખૂલ્યાં છે.

મુસ્લિમ યુવા તેમના વિસ્તારોને રહેવાલાયક બનાવવા માટે પ્રયાસરત છે. પોતાના વિસ્તારને હરિયાળો અને સુઘડ બનાવવા માટે વૃક્ષોનું વાવેતર, જૂના અખબાર, કચરો એકઠો કરવા જેવા કાર્યક્રમો ચલાવી રહ્યા છે.

મુસ્લિમ વિસ્તારોને જે પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવતી ન હતી તે અપાવવા પ્રયાસરત છે.

ગરીબ અને શેરીમાં રહેતાં બાળકોને ભણાવવાં, જૂનાં કપડાં એકઠાં કરીને જરૂરિયાતમંદોમાં વિતરણ કરે છે.  

Image copyright Getty Images

મુસ્લિમ યુવાનો રાજ્ય તથા કેન્દ્રીય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરી શકે તે માટે અનેક સંગઠનોએ તાલીમ-કાર્યક્રમો હાથ ધર્યા છે.

આ સિવાય વ્યવસાયલક્ષી તાલીમ-કાર્યક્રમો પણ હાથ ધર્યા છે.

સમુદાયના ઉદ્યોગ સાહસિક, તબીબો, દંતચિકિત્સક, વકીલ અને શાળાનાં સંગઠનો અસ્તિત્વમાં આવ્યાં.  

ગુજરાતમાં શિયા, સુન્ની તથા અન્ય જમાતના લોકો સાથે મળીને કામ કરે તેની જરૂર જણાઈ હતી.

દેશના અન્ય ભાગોમાં અને તેમાં પણ ખાસ કરીને ઉત્તર ભારતમાં આવું અસામાન્ય લાગે.

મુસ્લિમોએ બિનમુસ્લિમ સમુદાયો, બિનમુસ્લિમ સંગઠન, ટ્રસ્ટ તથા વ્યક્તિઓ પાસેથી મદદ માગી.

વૈચારિક મતભેદ હોવા છતાં તેમણે સકારાત્મક પ્રતિસાદ આપ્યો, જે મોટો સ્રોત બની રહ્યો.

Image copyright ANI
ફોટો લાઈન 'કૉંગ્રેસના સૉફ્ટ હિંદુત્વમાં મુસ્લિમો માટે ક્યાંય સ્થાન નથી'

ગુજરાતના મુસ્લિમોને લાગ્યું કે વિકાસ અને સશક્તીકરણ માટે કોમના લોકો જ નહીં, પરંતુ અન્ય કોમના લોકો સાથે પણ મળીને કામ કરવાની જરૂર છે.

તાજેતરમાં યુવાનોના એક જૂથે દારૂના વેપારીઓ અને બુટલેગરો સામે પોલીસની મદદથી શાંતિપૂર્ણ દેખાવો કર્યા હતા.

ઉચ્ચ શિક્ષણ મેળવનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તબીબ તથા વકીલોએ સમાજને માટે કામ કરવાનું શરૂ કર્યું.

સમાજ અને રાષ્ટ્રનું સકારાત્મક નિર્માણ, સશક્તીકરણ, પ્રેમ અને કરુણા એ ધિક્કાર અને કોમી હિંસાનો પ્રતિકાર કરવાનો સર્વશ્રેષ્ઠ માર્ગ છે.

આત્મનિર્ભરતા તરફના અભિયાને મુસ્લિમોને હિંમત અને આત્મવિશ્વાસ આપ્યા કે તેઓ રાજનેતાઓ તથા સરકારી તંત્રને સવાલ પૂછી શકે. જોકે, તેના કારણે સમુદાય વધુ અળગો પણ થતો ગયો.

ઘેટો (એક જ કોમના લોકો રહેતા હોય એ વિસ્તાર) વિસ્તરી રહ્યા છે. મોટા ભાગના મુસ્લિમ વિદ્યાર્થીઓ હવે તેમના જ વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરે છે.

મુસ્લિમો તેમના વિસ્તારના તબીબોને ત્યાં જ જાય છે અને સ્થાનિક રેસ્ટોરાં કે કાફેમાં જ જવાનું પસંદ કરે છે, જેના કારણે મુસ્લિમ તથા અન્ય કોમ વચ્ચેના સંવાદનાં માધ્યમ ઘટી ગયાં છે.

શું નથી બદલાયું?

Image copyright Getty Images

મુસ્લિમોએ હજુ પણ કૉંગ્રેસ તથા અન્ય બિનસાંપ્રદાયિક રાજકીય પક્ષો પર આધાર રાખવો પડે છે.

તેઓ ભૂલી જાય છે કે આ નેતાઓ (મુસ્લિમ વિસ્તારોમાં) મુસ્લિમોના ભારે સમર્થનને કારણે ચૂંટણી જિત્યા છે.

મુસ્લિમોએ તેમની પોતાની નેતાગીરી ઊભી કરવાની જરૂર છે.

મુસ્લિમ ધર્મગુરુઓ તથા રાજનેતાઓ કોમમાંથી જ નવું નેતૃત્વ ઊભું થવા નથી દેતા.

મુસ્લિમોને બિનસાંપ્રદાયિક ચહેરાની જરૂર છે, જે અલગઅલગ પક્ષો સાથે મળીને કામ કરી શકે અને છેવાડાના માણસની જરૂરિયાતને સમજે.

લાંબા સમય સુધી કૉંગ્રેસે મુસ્લિમોને ટેકન ફૉર ગ્રાન્ટેડ લીધા છે. તેના સૉફ્ટ હિંદુત્વમાં મુસ્લિમોને માટે કોઈ સ્થાન નથી.

કૉંગ્રેસ પાસે ગરીબી, શિક્ષણ અને આરોગ્ય માટે સંઘર્ષ કરી રહેલા મુસ્લિમોને કેવી રીતે મદદ કરવી તેની દૂરંદેશી જ નથી.

સહાનુભૂતિના અભાવે મુસ્લિમો કૉંગ્રેસથી દૂર થઈ રહ્યા છે.

ટોપી પહેરીને ભવ્ય ઇફ્તાર પાર્ટી આપવાને કારણે કૉંગ્રેસ ઉપર મુસ્લિમ તૃષ્ટિકરણના આરોપ લાગતા, પરંતુ મુસ્લિમોને આ પ્રકારનાં ગતકડાંની જરૂર નથી.

મુસ્લિમો નકલી ઍન્કાઉન્ટર અને મૉબ લિચિંગ સામે સુરક્ષા અને સંરક્ષણ ઇચ્છે છે.

કૉંગ્રેસ તથા અન્ય સેક્યુલર પક્ષોને સવાલ પૂછવાને બદલે તેમને જવાબદાર બનાવવાની દિશામાં આગળ વધવાની જરૂર છે.

કોમમાંથી જ જે યુવા નેતા પેદા થઈ રહ્યા છે તેમને મદદ કરવાની જરૂર છે.

જે સમુદાયનું પ્રતિનિધિત્વ કરશે અને તેના મુદ્દા ઉઠાવશે. ઉપરાંત તે અન્ય કોમ તથા રાજકીય પક્ષો સાથે મળીને કામ પણ કરશે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગતછે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો