કૉંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીનું રાજીનામું, શિવસેનામાં જોડાયાં

પ્રિયંકા ચતુર્વેદી

ઇમેજ સ્રોત, Getty Images

પાર્ટીથી નારાજ થઈને કૉંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદીએ રાજીનામું આપી દીધું છે અને તેમણે શિવસેનામાં જોડાવાની જાહેરાત કરી છે.

પ્રિયંકાએ બુધવારે પોતાના સત્તાવાર ટ્ટિટર અકાઉન્ટ પરથી ફરિયાદ કરી કે મથુરામાં કાર્યકરોએ તેમની સાથે ખરાબ વર્તન કર્યું હતું.

નરેન્દ્ર મોદી સામે પ્રિયંકા ગાંધીની ઉમેદવારીને લઈને હજુ રહસ્ય અકબંધ

ઇમેજ સ્રોત, AFP

રાહુલ ગાંધીએ 'ધ હિંદુ' અખબારને આપેલા ઇન્ટરવ્યૂના હવાલાથી 'એનડીટીવી'એ લખ્યું છે કે પ્રિયંકા ગાંધીના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસીથી ચૂંટણી લડવા મુદ્દે હજુ રહસ્ય અકબંધ રહેશે.

વારાણસીમાં વડા પ્રધાન મોદી સામે પ્રિયંકા ચૂંટણી લડશે કે કેમ તે સવાલનો જવાબ આપતા રાહુલ ગાંધી કહ્યું, "હું તમને અસમંજસમાં રાખીશ."

રાહુલ ગાંધીએ એવું પણ કહ્યું હતું કે તેઓ મોદી સામે પ્રિયંકાની ઉમેદવારીની વાતનો સ્વીકાર પણ નથી કરતા અને અસ્વીકાર પણ નથી કરતા.

ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસી બેઠક પરથી પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે તેવી ચર્ચાઓ છે. ખાસ કરીને જ્યારથી પ્રિયંકાએ ગંગા બોટ અભિયાન હાથ ધર્યું ત્યારથી આ ચર્ચાઓએ વધુ વેગ પકડ્યો છે.

ભૂલથી ભાજપને મત આપ્યા બાદ યુવકે આંગળી કાપી

ઇમેજ સ્રોત, Getty Images

'ઇન્ડિયા ટુડે'ના અહેવાલ અનુસાર બીએસપી (બહુજન સમાજ પાર્ટી)ના સમર્થકે ભૂલથી ભાજપને મત આપતા પોતાની જ આંગળી કાપી નાખી.

લોકસભા ચૂંટણીના બીજા ચરણના મતદાનમાં યૂપીના અબ્દુલ્લાપુર હુલાસપુર ગામના 25 વર્ષના દલિત યુવક પવન કુમારે મતદાન સમયે બીએસપીને બદલે બીજેપીનું બટન દબાવી દીધું હતું.

મતદાનમાં થયેલી ભૂલથી નારાજ થઈને પવન કુમારે પોતાની આંગળી કાપી નાખી હતી.

આ ઘટના બાદ તેમને તાત્કાલિક હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

પવન કુમારે આ અંગે સોશિયલ મીડિયામાં વીડિયો પર પોસ્ટ કર્યો હતો.

સોહરાબુદ્દીન ફૅક ઍન્કાઉન્ટર કેસમાં હાઈકોર્ટમાં અપીલ

ઇમેજ કૅપ્શન,

રૂબાબુદ્દીન

સોહરાબુદ્દીન શેખના કથિત ફૅક ઍન્કાઉન્ટર કેસમાં ખાસ અદાલતે તમામ આરોપીઓને નિર્દોષ છોડ્યાના ચાર મહિના બાદ સોહરાબુદ્દીનના ભાઈ રુબાબુદ્દીને મુંબઈ હાઈકોર્ટમાં અપીલ કરી છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'નો અહેવાલ જણાવે છે કે સોહરાબુદ્દીનના ભાઈ રુબાબુદ્દીને ખાસ અદાલતના નિર્ણય સામે અપીલ કરવા સરકારને રજૂઆત કરી હતી પરંતુ સરકાર તરફથી કોઈ પ્રતિભાવ ન મળતા તેમણે જાતે અપીલ કરી છે.

રુબાબુદ્દીને મુંબઈ હાઈકોર્ટને કહ્યું છે કે ખાસ અદાલતનો નિર્ણય ઉપલબ્ધ પુરાવાઓથી તદ્દન વિપરીત છે.

2005માં થયેલા સોહરાબુદ્દીન શેખ ઍન્કાઉન્ટર કેસમાં ગુજરાત, રાજસ્થાન અને આંધ્ર પ્રદેશ સહિતના પોલીસ અધિકારીઓ તેમજ ભાજપના વર્તમાન પ્રમુખ અમિત શાહ પણ આરોપી હતા.

પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓ સહિત તમામને સ્પેશિયલ કોર્ટે નિર્દોષ જાહેર કરેલા છે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે LoC વેપાર માર્ગને સ્થગિત કર્યો

'ધ હિંદુ'ના અહેવાલ મુજબ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કાશ્મીરથી LoC (લાઇન ઑફ કંટ્રોલ) મારફતે પાકિસ્તાન સાથે થતા વેપારને સ્થગિત કરી દીધો છે.

મંત્રાલયે વેપાર અટકાવવા પાછળનું કારણ ગેરકાયદે હથિયારો, નશીલા પદાર્થ અને નકલી નાણાંની તસ્કરી થતી હોવાનું જણાવ્યું છે.

આ પગલાની અસર લગભગ 300 વેપારીઓ અને 1200થી પણ વધુ લોકોને થશે જેઓ પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે વેપાર સાથે જોડાયેલા છે.

આ મુદ્દે ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું, "પાકિસ્તાન સ્થિત કેટલાક તત્વો દ્વારા LoC વેપાર માર્ગનો ઉપયોગ ગેરકાયદે હથિયારો, નશીલા પદાર્થો અને નકલી ચલણની તસ્કરી કરતા હોવાના રિપોર્ટ બાદ આ પગલું ભરવામાં આવ્યું છે."

તેમણે એવું પણ કહ્યું કે ખૂબ જ મોટા પ્રમાણમાં આ માર્ગનો ઉપયોગ ખોટી રીતે કરવામાં આવતો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો