વડા પ્રધાનના હેલિકૉપ્ટરની તપાસ કરવાની ચૂંટણી અધિકારીને સત્તા ખરી?

મોહમ્મદ મોહસિન

ભારતના ચૂંટણીપંચે ઓડિશામાં સામાન્ય પર્યવેક્ષકના રૂપે તહેનાત કર્ણાટકના કૅડરના IAS અધિકારી મોહમ્મદ મોહસિનને આગામી આદેશ સુધી સસ્પેન્ડ કરી દીધા છે.

પોતાના આદેશમાં ચૂંટણીપંચે કહ્યું છે કે મોહસિને 'એસપીજી સુરક્ષાપ્રાપ્ત વ્યક્તિઓ' સાથે જોડાયેલા પ્રોટોકૉલનું ઉલ્લંઘન કર્યું અને પોતાની ફરજ ના બજાવી.

મોહસિન પર આ કાર્યવાહી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકૉપ્ટરની તપાસ કર્યા બાદ કરવામાં આવી છે.

જોકે, ચૂંટણીપંચે પોતાના પત્રમાં 16 એપ્રિલના રોજ ઘટેલી આ ઘટનાનો કોઈ ઉલ્લેખ કર્યો નથી.

બીબીસીએ જ્યારે ચૂંટણીપંચનાં પ્રવક્તા શૈફાલી શરણને પૂછ્યું કે ચૂંટણીપંચના અધિકારી એસપીજી સુરક્ષાપ્રાપ્ત વ્યક્તિઓના વાહનોની તપાસ કરી શકે કે કેમ, તો તેમણે તેના પર કોઈ સ્પષ્ટ જવાબ ન આપ્યો.

શૈફાલી શરણે બીબીસીને કહ્યું, "આ અંગે દિશાનિર્દેશ ચૂંટણીપંચની વેબસાઇટ પર છે. હાલ આ અંગે વધુ કંઈ નથી કહેવું."

તેમણે કહ્યું, "ઓડિશા ગયેલા ડેપ્યુટી ચૂંટણી કમિશનરે આ મામલે તૈયાર કરેલો વિસ્તૃત રિપોર્ટ હજુ સુધી મળ્યો નથી. તેમનો રિપોર્ટ રજૂ થયા બાદ જ કંઈ કહી શકાશે."

તમે આ વાંચ્યું કે નહીં?

મોહસિનને સસ્પેન્ડ કરવાના પોતાના આદેશમાં ચૂંટણીપંચે કહ્યું છે કે મોહસિને 2019ના દિશાનિર્દેશ સંખ્યા 76 અને 2014ના ચૂંટણીના દિશાનિર્દેશ સંખ્યા 464ની અવહેલના કરી છે.

આ દિશાનિર્દેશ ચૂંટણી અભિયાન દરમિયાન ઉમેદવારોનાં વાહનોના ઉપયોગ સંબંધિત છે.

તે અંતર્ગત કોઈ ચૂંટણી અભિયાન દરમિયાન ઉમેદવારના સરકારી વાહનોના પ્રયોગ કરવા પર રોક છે.

જોકે, વડા પ્રધાન અને એસપીજી સુરક્ષાપ્રાપ્ત અન્ય વ્યક્તિઓને તેમાં છૂટ અપાઈ છે અને તેઓ ચૂંટણીપ્રચાર દરમિયાન પણ સરકારી વાહનોનો ઉપયોગ કરી શકે છે.

આ છૂટ માત્ર એસપીજી સુરક્ષાપ્રાપ્ત નેતાઓને જ મળે છે.

પરંતુ કોઈ ચૂંટણી અધિકારી વડા પ્રધાન કે એસપીજી સુરક્ષાપ્રાપ્ત કોઈ અન્ય વ્યક્તિના વાહનની તપાસ કરી શકે છે કે કેમ તે અંગે કોઈ સ્પષ્ટ નિર્દેશ નથી.

ચૂંટણીપંચે પણ આ સવાલનો કોઈ જવાબ આપ્યો નથી.

જે દિશાનિર્દેશોનો ઉલ્લેખ ચૂંટણીપંચે પોતાના આદેશમાં કર્યો છે તેમાં પણ આ અંગે કોઈ સ્પષ્ટ જાણકારી અપાઈ નથી.

10 એપ્રિલ, 2010ના રોજ જાહેર દિશાનિર્દેશ સંખ્યા 464/INST/2014/EPSમાં કહેવામાં આવ્યું છે કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સરકારી વાહનનો ઉપયોગ પોતાના ચૂંટણીપ્રચારમાં કરી શકે નહીં.

તેમાં કહેવામાં આવ્યું છે, "આ પ્રતિબંધમાં છૂટ માત્ર વડા પ્રધાન કે એવા રાજકીય લોકોને અપાઈ છે કે જેમને ઉગ્રવાદીઓ કે આતંકવાદી ગતિવિધિઓ અથવા તો જીવલેણ હુમલાના જોખમને કારણે ઉચ્ચ સ્તરીય સુરક્ષાની જરૂર હોય."

"આ જરૂરિયાત બંધારણીય જોગવાઈઓ કે સંસદ અથવા વિધાનસભાના કાયદાથી નક્કી કરાયેલી હોવી જોઈએ."

ચૂંટણીપંચે તક ગુમાવી

બદલો Twitter કન્ટેન્ટ, 1

Twitter કન્ટેન્ટ પૂર્ણ, 1

ભારતના પૂર્વ ચૂંટણી કમિશનર એસ. વાય. કુરૈશીનું કહેવું છે કે વડા પ્રધાનના હેલિકૉપ્ટરની તપાસના મામલે ચૂંટણીપંચે પોતાની છબી સુધારવાની તક ગુમાવી દીધી છે.

ટ્વિટર પર કુરૈશીએ કહ્યું છે, "વડા પ્રધાનના હેલિકૉપ્ટરની તપાસ કરનારા ઓડિશામાં તહેનાત IAS અધિકારીને સસ્પેન્ડ કરવાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે."

"ચૂંટણીપંચ અને સ્વયં વડા પ્રધાને પણ પોતાની છબી સુધારવાની એક સારી તક ગુમાવી દીધી છે.?"

"આ બન્ને સંસ્થાઓ પર લોકોની દેખરેખ વધી રહી છે. વડા પ્રધાન પર વારંવાર આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન અને ચૂંટણીપંચ પર તેની અવગણના કરવાનો આરોપ લાગે છે."

"વડા પ્રધાનના હેલિકૉપ્ટરની તપાસથી એ દર્શાવવા પ્રયાસ કરવાની જરૂર હતી કે કાયદાની નજરમાં દરેક વ્યક્તિ એકસમાન છે. એક જ ઝટકામાં બન્નેની ટીકા પર જવાબ આપી શકાયો હોત."

વિપક્ષે કરી ટીકા

બદલો Twitter કન્ટેન્ટ, 2

Twitter કન્ટેન્ટ પૂર્ણ, 2

કૉંગ્રેસે ચૂંટણીપંચના આ પગલાની ટીકા કરતાં કહ્યું છે, "વાહન તપાસવાનું કામ કરી રહેલા એક અધિકારીને ચૂંટણીપંચે સસ્પેન્ડ કરી દીધા છે. જે નિયમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે વડા પ્રધાનને કોઈ છૂટ આપતો નથી."

કૉંગ્રેસે સવાલ કર્યો છે, "મોદી હેલિકૉપ્ટરમાં એવું શું લઈ જઈ રહ્યા હતા કે જેના અંગે તેઓ નથી ઇચ્છતા કે ભારત જાણે."

બદલો Twitter કન્ટેન્ટ, 3

Twitter કન્ટેન્ટ પૂર્ણ, 3

આ તરફ કર્ણાટકના પૂર્વ મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું, "સ્વઘોષિત ચોકીદારે હેલિકૉપ્ટરની તપાસ કરનારા કર્ણાટકના કૅડરના IAS અધિકારીને સસ્પેન્ડ કરવાની ઘટનાની હું નિંદા કરું છું. મિસ્ટર ચૂંટણીચોકીદાર, જ્યારે છુપાવવા માટે કંઈ નથી તો આટલા ડરી શા માટે રહ્યા છો?"

સોશિયલ મીડિયા પર પણ સવાલ

બદલો Twitter કન્ટેન્ટ, 4

Twitter કન્ટેન્ટ પૂર્ણ, 4

ચૂંટણીપંચના પગલા પર સવાલ ઉઠાવતા સુપ્રીમ કોર્ટના વકીલ ઋષિકેશ યાદવે ટ્વિટર પર સવાલ કર્યો છે,

"ચૂંટણીપંચે એ પણ સ્પષ્ટ કરવું જોઈએ કે કોની ફરિયાદ પર મોહમ્મદ મોહસિન પર કાર્યવાહી કરવામાં આવી? 16 એપ્રિલની સાંજે શું થયું જેના કારણે મોહસિનને સસ્પેન્ડ કરવામાં આવ્યા?"

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો