વાજપેયીની સરકાર તોડી પાડવાવાળાં માયાવતી ક્યારેય વડાં પ્રધાન બની શકશે?

માયાવતી Image copyright Getty Images

થોડા દિવસ પહેલાં દેવબંદમાં માયાવતી, અખિલેશ યાદવ અને અજિત સિંહની સંયુક્ત સભા યોજાઈ હતી. તેમાં અજિત સિંહ મંચ પર જવા લાગ્યા ત્યારે બીએસપીના એક નેતાએ તેમને કહ્યું કે તમે ચંપલ નીચે ઉતારજો. મંચ પર કોઈ જૂતાં પહેરીને આવે તે વાત માયાવતીને પસંદ નથી.

અજિત સિંહે જૂતાં નીચે ઉતાર્યાં તે પછી મંચ પર જઈ શક્યા અને માયાવતી સાથે હાથ મિલાવી શક્યા. સ્વચ્છતા માટેનો આ આગ્રહ માત્ર નહોતો, પરંતુ વસતિના પ્રમાણના આધારે સતત બદલાતાં રહેતાં સામાજિક સમીકરણોનું ચિત્ર પણ અહીં દેખાતું હતું.

માયાવતીની જીવનકથા લખનારા અજય બોઝના જણાવ્યા અનુસાર સ્વચ્છતા માટેની માયાવતીની 'ધૂન' પાછળ પણ એક કથા છે.

અજય બોસે 'બહનજી અ પોલિટિકલ બાયૉગ્રાફી ઑફ માયાવતી' પુસ્તકમાં લખ્યું છે, 'માયાવતી પહેલી વાર લોકસભામાં જીતીને આવ્યાં ત્યારે તેમણે માથામાં તેલ નાખ્યું હોય અને ગામડાની નારી હોય તેવાં વસ્ત્રો પહેર્યાં હોય.

તેથી કહેવાતાં ભદ્ર મહિલા સાંસદો તેમની મજાક ઉડાવતાં હતાં. મહિલા સાંસદો ફરિયાદ કરતી હતી કે માયાવતીને બહુ પરસેવો થતો હતો. એક વરિષ્ઠ મહિલા સાંસદે તો માયાવાતીને સલાહ પણ આપી હતી કે તમે સારું પરફ્યૂમ લગાવીને સંસદમાં આવજો.

માયાવતીની નિકટના લોકોના જણાવ્યા અનુસાર વારંવાર તેમની જ્ઞાતિનો ઉલ્લેખ કરાતો હતો અને તેમને એવું ઠસાવવાની કોશિશ થતી હતી કે દલિત મોટા ભાગે ગંદાં રહેતાં હોય છે.

આ બાબતની તેમના દિમાગ પર ઊંડી અસર પડી હતી. તેના કારણે તેમણે હુકમ કર્યો કે ગમે તેવી મોટી વ્યક્તિ હોય તેમના રૂમમાં કોઈ જૂતાં પહેરીને આવશે નહીં.'

માયાવતીની જીવનકથા લખનારા અન્ય એક લેખિકા નેહા દીક્ષિતે પણ કારવાં મૅગેઝિનમાં તેમના પર એક લાંબો લેખ લખ્યો હતો.

'ધ મિશન - ઇનસાઇડ માયાવતીઝ બેટલ ફૉર ઉત્તર પ્રદેશ'માં તેમણે લખ્યું હતું કે 'માયાવતીને સ્વચ્છતાની બાબતમાં એવી ધૂન લાગી હતી કે તેઓ પોતાના ઘરમાં દિવસમાં ત્રણ વાર પોતાં કરાવતાં હતાં.'

તમે આ વાંચ્યું કે નહીં?

વાજપેયી સરકારનું પતન

Image copyright Getty Images

માયાવતીનો મિજાજ ક્યારે કેવો હશે તે કહેવું મુશ્કેલ હોય છે. આ વાત છે 17 એપ્રિલ, 1999ની. રાષ્ટ્રપતિ કે. આર. નારાયણને અટલ બિહારી વાજપેયીની સરકારને લોકસભામાં વિશ્વાસનો મત લેવાનું જણાવ્યું હતું.

સરકારને જીતી જવાનો વિશ્વાસ હતો, કેમ કે ચૌટાલા ફરીથી એનડીએના ગઠબંધનમાં જોડાઈ ગયા હતા. માયાવતીએ એવા અણસાર આપ્યા હતા કે તેમનો પક્ષ મતદાનમાં ભાગ નહીં લે.

તે દિવસે સંસદભવનના પોર્ટિકોમાં અટલ બિહારી વાજપેયી પોતાની કારમાં બેસવા જઈ રહ્યા હતા ત્યારે પાછળ આવી રહેલાં માયાવતીએ બૂમ મારીને કહ્યું હતું, 'આપે ચિંતા કરવાની જરૂરી નથી.'

16 એપ્રિલની રાત્રે લોકસભામાં માયાવતીનું ભાષણ પૂરું થયું તે સાથે જ અર્જુન સિંહ એવી વ્યક્તિની શોધમાં લાગી ગયા, જેમનો એક શબ્દ તે પક્ષમાં આદેશ સમાન હતો. તે હતા કાંશીરામ.

કાંશીરામ તે રાત્રે પટણામાં હતા. બીજા દિવસે સવારે ઇન્ડિયન ઍરલાઇન્સની ફ્લાઇટથી દિલ્હી આવી જવા માટે અર્જુન સિંહે તેમને મનાવી લીધા.

કૉંગ્રેસને ચિંતા એ હતી કે સરકારને જાણ થઈ ગઈ તો ઇન્ડિયન ઍરલાઇન્સની ફ્લાઇટને મોડી કરી દેવાશે. તેથી બિહારના તે વખતનાં મુખ્ય મંત્રી રાબડી દેવીનું સરકારી વિમાન પણ તૈયાર રખાયું હતું.

તે દિવસે મોડી રાત્રે બહુજન સમાજ પક્ષના બે સાંસદો આરિફ મોહમ્મદ ખાન અને અકબર અહમદ ડમ્પીએ માયાવતીને ફોન કરીને જણાવ્યું કે તેઓ વિશ્વાસના મત વખતે ગેરહાજર રહેશે તો તેમના મુસ્લિમ મતદારો નારાજ થશે.

માયાવતીએ તેમને રાત્રે બે વાગ્યે ફોન કરીને કહ્યું, 'તમારી ચિંતાને ધ્યાનમાં લેવામાં આવશે. તમે સવારે 9 વાગ્યે મારા ઘરે આવી જજો.'

ત્યાં સુધીમાં સરકારને પણ અણસાર મળવા લાગ્યા હતા કે કશીક ગડબડ થઈ રહી છે. સરકાર પણ કોઈ જોખમ લેવા માગતી નહોતી.

Image copyright Getty Images

કાંશીરામ વિમાનમાં દિલ્હી આવી પહોંચ્યા કે તરત જ વાજપેયીએ તેમને ફોન કર્યો. તેમણે ફરીથી વાજપેયીને ખાતરી આપી કે તેમનો પક્ષ મતદાન નહીં કરે.

મતદાનને થોડી વાર હતી ત્યારે સંસદીય બાબતોના પ્રધાન કુમારમંગલમે બીએસપીના સાંસદોનો સંપર્ક સાધીને તેમને લલચાવ્યા કે તમે સહયોગ આપશો તો સાંજ સુધીમાં માયાવતીને ઉત્તર પ્રદેશનાં મુખ્ય મંત્રી બનાવી દેવાશે.

સરકારી તંત્રમાં હલચલ તેજ થઈ ગઈ હતી, તે જોઈને શરદ પવાર માયાવતીને મળવા પહોંચ્યા હતા. માયાવતીએ તેમને સીધો જ સવાલ પૂછ્યો, 'શું અમે સરકારની વિરુદ્ધમાં મતદાન કરીએ તો સરકાર પડી જશે?' પવારનો જવાબ હતો 'હાં'.

સંસદમાં ચર્ચા પૂરી થઈ અને મતદાનનો સમય આવ્યો તે સાથે જ સન્નાટો છવાઈ ગયો હતો. માયાવતીએ આરિફ મોહમ્મદ ખાન અને ડમ્પીની સામે જોઈને બૂમ મારી, 'લાલ બટન દબાવો.'

એ જમાનાની તે સૌથી મોટી 'રાજકીય કરામત' હતી. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં આંકડો પ્રગટ થયો અને તે સાથે જ વાજપેયીની સરકાર વિશ્વાસનો મત હારી ગઈ હતી.

માયાવતી આ પ્રકારના આકરા નિર્ણયો લેવામાં ક્યારેય અચકાતાં નથી.

કાંશીરામ સાથે માયાવતીની પહેલી મુલાકાત

Image copyright SANJAY SHARMA

આવો જ એક મહત્ત્વનો નિર્ણય તેમણે ડિસેમ્બર 1977ની એક ઠંડીગાર રાતે લીધો હતો. બન્યું હતું એવું કે દિલ્હીની કૉન્સ્ટિટ્યૂશન ક્લબમાં 21 વર્ષનાં માયાવતીએ તે વખતના આરોગ્ય પ્રધાન રાજનારાયણ પર જબરદસ્ત વાકપ્રહારો કર્યા હતા.

રાજનારાયણ વારંવાર પોતાના ભાષણમાં હરિજન શબ્દનો ઉપયોગ કરી રહ્યા હતા.

પોતાનો બોલવાનો વારો આવ્યો ત્યારે માયાવતીએ રોષ સાથે કહ્યું, 'તમે અમને હરિજન કહીને અપમાન કરી રહ્યા છો.' બીજા દિવસે રાત્રે 11 વાગ્યે તેમના ઘરની ઘંટડી કોઈએ વગાડી.

માયાવતીના પિતા પ્રભુદયાલે દરવાજો ખોલ્યો તો બહાર લઘરવઘર વસ્ત્રો, ગળામાં મફલર અને લગભગ ટાલ સાથેના એક આધેડ ઊભા હતા.

તેમણે પોતાનો પરિચય આપતા કહ્યું કે તેમનું નામ કાંશીરામ છે અને પોતે 'બામસેફ'ના પ્રમુખ છે. તેઓ પુણેમાં એક ભાષણ આપવા માટે માયાવતીને આમંત્રણ આપવા માટે આવ્યા હતા.

તે વખતે માયાવતી દિલ્હીના ઇન્દરપુરીમાં રહેતાં હતાં. તેમના ઘરમાં વીજળી પણ નહોતી. ફાનસના અજવાળે તેઓ ભણી રહ્યાં હતાં.

કાંશીરામની જીવનકથા 'ધ લીડર ઑફ દલિત્સ' લખનારા બદ્રીનારાયણ કહે છે, "કાંશીરામે માયાવતીને પહેલો સવાલ એ જ પૂછ્યો હતો કે તું શું કરવા માગે છે. માયાવતીએ કહ્યું કે પોતે આઈએએસ બનવા માગે છે, જેથી પોતાના સમાજના લોકોની સેવા કરી શકે."

'કાંશીરામે કહ્યું કે તું આઈએએસ બનીને શું કરી શકીશ? હું તને એવી નેતા બનાવીશ, જેની પાછળ એક નહીં, એક ડઝન કલેક્ટરોની લાઈન લાગેલી હશે. તું સાચા અર્થમાં આપણા લોકોની સેવા કરી શકીશ. માયાવતીને તરત ખ્યાલ આવી ગયો કે પોતાનું ભવિષ્ય કઈ દિશામાં છે. જોકે તેમના પિતા આ વાતની વિરુદ્ધમાં હતા.'

આ મુલાકાત બાદ માયાવતી કાંશીરામના આંદોલનમાં જોડાઈ ગયાં હતાં.

માયાવતીએ પોતાની આત્મકથા 'બહુજન આંદોલન કી રાહ મેં મેરી જીવન સંઘર્ષ ગાથા'માં લખ્યું છે - એક દિવસ તેમના પિતા તેમના પર ગુસ્સે ભરાયા હતા કે કાંશીરામ પાછળ ફરવાનું બંધ કરીને આઈએસએસની તૈયારી ફરી શરૂ કરી દે અને નહીં તો મારું ઘર છોડીને જતી રહે.'


ઘર છોડીને કાંશીરામ પાસે આવ્યાં

Image copyright SANJAY SHARMA

માયાવતીએ પિતાની વાત ના માની અને પોતાનું ઘર છોડીને પક્ષના કાર્યાલયમાં રહેવાં માટે આવી ગયાં.

માયાવતીની જીવનકથા લખનારા અજય બોઝે પોતાના પુસ્તકમાં લખ્યું છે, "માયાવતી સ્કૂલમાં શિક્ષિકા તરીકે કામ કરતાં હતાં. તે પગારમાંથી થયેલી બચતનાં નાણાં લીધાં, એક સૂટકેસમાં કપડાં ભર્યાં અને જે ઘરમાં પોતે મોટી થઈ હતી તેમાંથી બહાર નીકળી ગયાં."

કાંશીરામની જીવનકથાના લેખક બદ્રીનારાયણ કહે છે, માયાવતીએ તે વખતે તેમની સામે કેવા પડકારો હતો, લોકો તેમના વિશે શું વિચારતા હતા અને એક યુવતી પોતાનું ઘર છોડીને એકલી રહે તે બહુ મોટી વાત ગણાતી હતી- તે બધા વિશે વિગતે વર્ણન કર્યું છે.

માયાવતી રૂમ ભાડે રાખીને રહેવાં માગતાં હતાં, પરંતુ તે માટે પૂરતાં નાણાં નહોતાં. તેના કારણે મજબૂરીથી પક્ષના કાર્યાલયમાં રહેવું પડ્યું હતું. તેમની અને કાંશીરામ વચ્ચે બહુ સારી 'કેમિસ્ટ્રી' હતી.

કાંશીરામ માટે 'પઝેસિવ' હતાં માયાવતી

બંને વચ્ચે શરૂઆતમાં સ્નેહના સંબંધો રહ્યા હતા, પણ સાથે જ ઝઘડા પણ થતા હતા.

અજય બોઝ લખે છે, 'કાંશીરામ ઉગ્ર મિજાજના માણસ હતા. તેમની ભાષા બહુ આકરી હતી. નારાજ થાય ત્યારે હાથ ઉપાડી લેતા પણ અચકાતા નહોતા. જોકે, માયાવતી પણ કોઈનાથી દબાઈને રહે તેવાં નહોતાં. તેઓ પણ કાંશીરામને એવા જ શબ્દોમાં સામે સંભળાવી દેતાં હતાં. માયાવતી કાંશીરામ માટે બહુ પઝેસિવ હતાં. કોઈ વ્યક્તિ તેમની સાથે પાંચ મિનિટથી વધારે બેસે તો તેઓ કોઈ ને કોઈ બહાને રૂમમાં આવી જતાં હતાં.'

તે વખતના માયાવતી અને કાંશીરામના સંબંધોનો ઉલ્લેખ નેહા દીક્ષિતે પણ 'કારવાં' મૅગેઝિનના લખેલા પોતાના લેખમાં કર્યો હતો.

દીક્ષિતે લખ્યું હતું કે, "કાંશીરામ હુમાયુ રોડ પરના ઘરમાં રહેવા આવ્યા ત્યારે ત્યાં માયાવતી માટે કોઈ રૂમ નહોતો. કાંશીરામ ભારતીય રાજકારણના દિગ્ગજ નેતાઓ સાથે દીવાનખાનામાં ચર્ચા કરી રહ્યા હોય ત્યારે માયાવતી ઘરની પાછળના વરંડામાં સાદડી પાથરીને બેઠાં હોય.

"ગ્રામીણ વિસ્તારોમાંથી આવેલા કાર્યકરો સાથે તેઓ ત્યાં બેસીને ચર્ચાઓ કરતાં રહેતાં. કાંશીરામ પોતાના ઘરના ફ્રિઝને લૉક કરીને ચાવી પોતાની પાસે રાખતા હતા."

"તેમણે માયાવતી અને બીજા સાથીઓને એવી સૂચના આપી રાખી હતી કે દીવાનખાનામાં તેઓ જે લોકોને મળે તેમને તે ફ્રીઝમાં રાખેલાં કોલ્ડ-ડ્રિંક્સ આપવાં."


પોતાના હાથે કાંશીરામને ખવડાવતાં હતાં

Image copyright Getty Images

જોકે, કાંશીરામના અંતિમ દિવસોમાં માયાવતીએ તેમની જે રીતે સેવા કરી તેનું બીજું ઉદાહરણ મળવું મુશ્કેલ છે.

અજય બોઝ લખે છે, "છેલ્લાં વર્ષોમાં કાંશીરામ પડી ગયા હતા અને તેના કારણે લગભગ અપંગ જેવી સ્થિતિમાં આવી ગયા હતા. ત્રણ વર્ષ સુધી તેઓ માયાવાતીના ઘરમાં રહ્યા હતા."

"માયાવતી જાતે તેમનાં વસ્ત્રો ધોતાં હતાં અને તેમને પોતાના હાથે જમાડતાં હતાં. તેના પરથી ખ્યાલ આવી જતો હતો કે તેમનાં દિલમાં કાંશીરામનું કેવું સ્થાન હતું."

"તે વખતે કાંશીરામ માયાવતીને કંઈ આપી શકવાની સ્થિતિમાં નહોતા. માયાવતી તે વખતે તેમના પ્રત્યેના સ્નેહના કારણે જ આ સેવા કરી રહ્યાં હતાં."

માયાવતી પહેલી વાર 1985માં બિજનૌરથી લોકસભાની પેટાચૂંટણી લડ્યાં હતાં. તેઓ જગજીવન રામનાં પુત્રી મીરા કુમાર સામે હારી ગયાં હતાં.

બાદમાં 1989માં બિજનૌરથી ફરી લડ્યાં અને જિત્યાં અને પહેલી વાર લોકસભામાં પહોંચ્યાં હતાં. તે જમાનામાં માયાવતી વારંવાર મુદ્દાઓ ઉઠાવીને લોકસભા ગૃહના મધ્યમાં, ગૃહના 'વૅલ'માં ધસી જવા માટે જાણીતાં થયાં હતાં.

માયાવતીના જીવનનું સૌથી મોટું અપમાન

Image copyright Getty/PTI

1993માં ઉત્તર પ્રદેશમાં ભાજપને હરાવવા માટે દિલ્હીની અશોકા હોટેલમાં કાંશીરામ અને મુલાયમ સિંહ યાદવ વચ્ચે ચૂંટણી-સમજૂતી કરાઈ હતી.

તે પછી યોજાયેલી ચૂંટણીમાં સમાજવાદી પક્ષને 109 અને બહુજન સમાજ પક્ષને 67 બેઠકો મળી હતી. બંનેની સંયુક્ત સરકાર બની હતી, પણ આ સમજૂતી લાંબી ના ચાલી.

બંને પક્ષો વચ્ચે મતભેદો વધવા લાગ્યા હતા. અજય બોઝ લખે છે, "કાંશીરામ જ્યારે પણ લખનૌ આવતા હતા, ત્યારે મળવા માટે મુલાયમ સિંહના ઘરે નહોતા જતા."

"તેમને મળવા માટે મુલાયમ સિંહે ગેસ્ટહાઉસ જવું પડતું હતું. કાંશીરામ તેમને અડધો કલાક રાહ જોવરાવતા હતા. તેઓ રૂમમાંથી બહાર આવે ત્યારે લુંગી અને બનિયાન પહેરેલાં હોય."

"સામે મુલાયમ સિંહ મુખ્ય મંત્રી તરીકે યોગ્ય વસ્ત્રો પહેરીને પહોંચ્યા હોય. તેઓ મુલાયમ સિંહનું અપમાન કરવાની એક પણ તક જતી કરતા નહોતા." તેના કારણે ગઠબંધન લાંબું ચાલ્યું નહીં.

માયાવતીએ મુલાયમ સિંહનો સાથ છોડીને ભાજપનો સાથ લીધો અને પહેલી વાર મુખ્ય મંત્રી બન્યાં. પરંતુ તેના એક દિવસ પહેલાં બીજી જૂન 1995ના રોજ માયાવતીએ જીવનનું સૌથી કડવું અપમાન સહન કરવું પડ્યું હતું.

સાંજે ચાર વાગ્યે ગેસ્ટહાઉસના સ્યૂટમાં મુલાયમ સિંહના 200 જેટલા સમર્થકોએ હુમલો કરી દીધો હતો. ગેસ્ટહાઉસનો મુખ્ય દરવાજો તોડીને તેઓ અંદર ઘૂસી ગયા હતા.

તેઓએ માયાવતીના સમર્થકોની જોરદાર ધોલાઈ કરી હતી. માયાવતી માટે અપશબ્દોનો મારો ચાલ્યો. માયાવતી પોતાના રૂમમાં રાતના એક વાગ્યા સુધી પૂરાઈ રહ્યાં હતાં.

લોકોએ તેમના રૂમની લાઇટ પણ કાપી નાખી હતી અને પાણીનું કનેક્શન પણ તોડી નાખ્યું હતું. માયાવતી આ અપમાન ક્યારેય ભૂલી શક્યા નહોતા.


નામ બદલવાં અને મૂર્તિ-સ્થાપનાનો સિલસિલો

Image copyright Getty Images

મુખ્ય મંત્રી બન્યાં પછી તેમણે શહેરો અને જિલ્લાઓનાં નામો બદલવાનું શરૂ કર્યું. આગ્રા વિશ્વવિદ્યાલયનું નામ બદલીને ભીમરાવ આંબેડકર અને કાનપુર વિશ્વવિદ્યાલયનું નામ બદલીને છત્રપતિ શાહૂજી મહારાજ વિશ્વવિદ્યાલય કરી દીધું.

માયાવતીએ સૌથી મહત્ત્વાકાંક્ષી યોજના શરૂ કરી હતી અને તે હતી લખનૌમાં આંબેડકર પાર્ક બનાવવાની.

પરિવર્તન ચોક બનાવીને ત્યાં બધા જ દલિતનાયકોની પ્રતિમાઓ લગાવવાની યોજના તેમણે કરી હતી. ભાજપને થોડા સમયમાં જ ખ્યાલ આવી ગયો કે માયાવતી તેમનો ઍજન્ડા નહીં ચલાવે, તેથી થોડા મહિના બાદ જ ભાજપે ટેકો પાછો ખેંચી લીધો.


જ્યારે રાજા ભૈયાને જેલ મોકલ્યા

Image copyright Getty Images

થોડાં વર્ષો બાદ તેમણે ફરીથી ભાજપ સાથે સમજૂતી કરી, પણ તે પ્રયોગ પણ લાંબો ચાલ્યો નહીં.

દરમિયાન તેમણે કડક શાસક તરીકેની છાપ ઊભી કરી દીધી હતી. તેમણે પ્રતાપગઢના જાણીતા નેતા રઘુરાજ પ્રતાપ સિંહ ઉર્ફે રાજા ભૈયા સામે રાષ્ટ્રીય સુરક્ષા ધારા હેઠળ કામ કરીને તેમને જેલમાં ધકેલી દીધા.

રાજા ભૈયા 20 વર્ષથી રાજકારણમાં પોતાની પકડ જમાવીને બેઠા હતા અને તેમના પર મુલાયમ સિંહ અને રાજનાથ સિંહ જેવા મોટા નેતાઓનો હાથ હતો.

માયાવતીને કારણે રાજા ભૈયાએ એક વર્ષ સુધી જેલમાં રહેવું પડ્યું. મુલાયમ સિંહ યાદવ ફરી સત્તામાં આવ્યા ત્યારપછી તેમનો છુટકારો થયો હતો.


કલેક્ટરને કહ્યું, 'તૂ તો ગયા'

Image copyright Getty Images

માયાવતીની નિકટ રહેલા એક અમલદાર 2008નો એક કિસ્સો જણાવે છે, "માયાવતીએ અચાનક હેલિકૉપ્ટરમાં મથુરા જઈને બે મહિના પહેલાં બનેલા એક નાળાનું ઉદ્ધાટન કરવાનું નક્કી કર્યું."

"માયાવતીનો પ્રવાસ અચાનક ગોઠવાયો હતો, પરંતુ કલેક્ટરને કોઈક રીતે ખ્યાલ આવી ગયો કે માયાવતી આવવાનાં છે. તેમણે તરત જ નાળાનું ફરીથી સમારકામ કરાવી દીધું."

"માયાવતીએ પગથી નાળા પર રહેલું કવર દૂર કર્યું ત્યારે જોયું કે તાજું સમારકામ કરાયેલું છે. આખું ગામ આ બધું જોઈ રહ્યું હતું. હેલિકૉપ્ટરમાં બેસતાં બેસતાં માયાવતીએ કલેક્ટરને કહ્યું, 'તૂ તો ગયા.' તે રાત્રે જ કલેક્ટરની બદલી કરી દેવામાં આવી."


રાજકીય પંડિતોને ખોટા સાબિત કર્યા

Image copyright BADRI NARAYAN

2007માં માયાવતીએ કોઈની સાથે ગઠબંધન કર્યા વિના એકલા હાથે ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પોતાના પક્ષને બહુમતી અપાવી હતી.

તે વર્ષે 'ન્યૂઝવીક' મૅગેઝિનમાં વિશ્વની 100 સિદ્ધિ પ્રાપ્ત કરનારી મહિલાઓની યાદીમાં તેમનું નામ સામેલ થયું હતું. એટલું જ નહીં, મુખપૃષ્ઠ પર તેમની તસવીર પણ છપાઈ હતી.

જોકે, તેમની રાજકીય યાત્રાના માર્ગદર્શક કાંશીરામ આ સિદ્ધિ જોવા માટે જીવિત નહોતા. કાંશીરામના અવસાન બાદ માયાવતીનું કોઈ રાજકીય ભવિષ્ય નહીં હોય તેવી ભવિષ્યવાણી કરનારા મોટા ભાગના રાજકીય પંડિતોને માયાવતીએ ખોટા પાડ્યા હતા.

બીએસપીને એકલે હાથે સત્તા મળી તેની બહુ નાટકીય અસરો દેખાવા લાગી હતી.

એક દલિત બીએસપી કાર્યકરે ટિપ્પણી કરી હતી કે તેમને લોકો પહેલાં રમુઆ કહીને બોલાવતા હતા. પરંતુ બહેનજીએ 2007માં જીત મેળવી તે પછી લોકો હવે તેમને રામજી કહીને બોલાવતા થયા હતા.


ભ્રષ્ટાચારના આરોપોથી ઘેરાયાં

Image copyright Getty Images

સારો વહીવટ આપનારાં માયાવતી જોકે ભ્રષ્ટાચારના આરોપોથી મુક્ત રહી શક્યાં નહોતાં. તાજ કૉરિડૉરથી માંડીને રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશનના ફંડના દુરુપયોગના વિવાદમાં તેમનું નામ ખરડાયું હતું.

2012માં તેમણે રાજ્યસભા માટે તેમનું ઉમેદવારીપત્ર ભર્યું ત્યારે તેમણે પોતાની કુલ સંપત્તિ 112 કરોડ રૂપિયા હોવાનું જણાવ્યું હતું.

દિલ્હીના ભદ્ર વિસ્તાર સરદાર પટેલ રોડ પર તેમણે 22 અને 23 નંબરની બે કોઠીઓ કરોડો રૂપિયામાં ખરીદી હતી. આ ઉપરાંત પોતાના વતનના ગામ બાદલપુરમાં પણ તેમણે આલીશાન હવેલી જેવું મકાન બનાવ્યું હતું.

2012માં તેમણે રજૂ કરેલા સોગંદનામામાં તેમણે એવું પણ જણાવ્યું હતું કે તેમની પાસે એક કરોડનાં ઘરેણાં છે. માયાવતીનાં ઘણાં સગાંઓ પર પણ તેમની આવક કરતાં વધુ સંપત્તિ હોવાના આક્ષેપો થયા છે.

માયાવતીએ આ વિશે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે લોકોએ તેમને ભેટ આપી હતી.

તેમની નિકટના સાથીઓ પર એવો આક્ષેપ લાગવા લાગ્યા હતા કે તેઓ પૈસા લઈને ચૂંટણીમાં ટિકિટો વેચતા હતા.

હાલમાં જ સુપ્રીમ કોર્ટે પણ આદેશ આપ્યો છે કે સરકારી ખર્ચે તેમણે કાંશીરામની પ્રતિમાઓ બનાવી છે, તેના પૈસા તેમની પાસેથી વસૂલવામાં આવે.

એક બાદ એક સતત હાર

Image copyright Getty Images

જોકે, માયાવતી પોતાની સફળતા લાંબો સમય સુધી જાળવી શક્યાં નહીં. 2012ની વિધાસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીએ તેમને હરાવીને સત્તા કબજે કરી.

બાદમાં 2014માં લોકસભાની ચૂંટણીમાં મોદીની લહેરમાં માયાવતી ઉત્તર પ્રદેશમાંથી લોકસભાની એક પણ બેઠક જીતી શક્યાં નહીં.

2017માં ચૂંટણી યોજાઈ તેમાં પણ કમબૅક કરવાની આશા પર પાણી ફરી વળ્યું. આખરે 2019ની ચૂંટણીમાં તેમણે આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે એવો ઉપાય અજમાવ્યો કે પોતાના કાયમી દુશ્મન એસપી સાથે ગઠબંધન કરવાનું નક્કી કર્યું.

કાગળ પર આ બંને પક્ષોનું ગઠબંધન બહુ મજબૂત દેખાઈ રહ્યું છે. ચૂંટણીઓના અગાઉના આંકડા પર નજર નાખીએ તો હવે દરેક બેઠક પર ભાજપે જીતવા માટે લોઢાના ચણા ચાવવા પડશે.

જોકે, ગઠબંધનની બાબતમાં બીએસપીનો ભૂતકાળ બહુ સારો રહ્યો નથી. 1996માં કોંગ્રેસ સાથે પણ ચૂંટણી સમજૂતી કરવામાં આવી હતી.

તે વખતે બીએસપીએ 315 બેઠકો અને કૉંગ્રેસે 110 બેઠકો પર ચૂંટણી લડી હતી. જોકે, બંનેને મળીને 100 બેઠકો પણ મળી નહોતી. તે વખતે કાંશીરામે એક બહુ અગત્યની વાત કહી હતી, "આજ પછી અમે હવે ક્યારેય કોઈ પક્ષ સાથે ગઠબંધન નહીં કરીએ. અમારા વોટ બીજા પક્ષને ટ્રાન્સફર થાય છે, પણ બીજી પાર્ટીના ટેકેદારોના વોટ અમારા તરફ ક્યારેય ટ્રાન્સફર થતા નથી."

માયાવતીની કોશિશ એવી છે કે પોતાના રાજકીય ગુરુ કાંશીરામના આ વિશ્લેષણને ખોટું સાબિત કરે.

Image copyright Getty Images

બહુજન સમાજ પાર્ટીનો ઇતિહાસ રહ્યો છે કે તે પ્રતિભાવાન નેતાઓને પોતાની સાથે રાખી શકતી નથી.

બીએસપી છોડીને જનારા સૌપ્રથમ નેતા હતા મસૂદ અહમદ. અજય બોઝ લખે છે, 'મસૂદ મુલાયમ સિંહ પ્રધાનમંડળમાં શિક્ષણ મંત્રી હતા. જૂન 1994માં તેમણે માયાવતી પર તાનાશાહીનો આક્ષેપ મૂકીને શેખ સુલેમાન સાથે પક્ષ છોડી દીધો હતો. બાદમાં અકબર અહમદ ડમ્પી, આરિફ મોહમ્મદ ખાન અને અલ્વી જેવા નેતાઓ પણ પક્ષમાં જોડાયા હતા, પરંતુ માયાવતીએ બાદમાં તેમને દરવાજો દેખાડી દીધો."

હાલમાં જ સ્વામી પ્રસાદ મૌર્ય અને માયાવતીના ખાસ મનાતા નસીમુદ્દીન સિદ્દિકી પક્ષ છોડીને જતા રહ્યા છે.


માયાવતી ક્યારેય વડાં પ્રધાન બની શકશે?

Image copyright Getty Images

માયાવતીના દિલની ઇચ્છા છે કે એક દિવસ તેઓ ભારતનાં વડાં પ્રધાન બને. ગઠબંધનના તેમના સાથી અખિલેશ યાદવે જાહેરમાં કહ્યું છે કે તેઓ માયાવતીના માર્ગમાં કોઈ અવરોધ ઊભો નહીં કરે.

જોકે, સવાલ એ છે કે ઉત્તર પ્રદેશમાં માત્ર 38 બેઠકો પર ચૂંટણી લડનારા પક્ષનાં નેતા ભારતનાં વડાં પ્રધાન બનવાનું સપનું જોઈ શકે ખરાં?

માયાવતી હંમેશાં પોતાની સામેના પડકારો સામે લડતાં આવ્યાં છે અને અવરોધોને પાર કરીને સફળતા મેળવતાં રહ્યાં છે. પિતા સામે વિદ્રોહ કરીને તેમણે ઘર છોડી દીધું હતું.

તેમના પક્ષના લોકો રાહ જોઈને બેઠા હતા કે કાંશીરામનું અવસાન થશે તે સાથે જ માયાવતીનું પણ પતન થશે. તેના બદલે આવી રાહ જોનારાને જ માયાવતીએ પક્ષમાંથી હાંકી કાઢ્યા.

મુલાયમ સિંહ યાદવે તેમને ડરાવવાની કોશિશ કરી હતી, પણ તેમણે પછડાટ ખાવી પડી હતી. 2007માં ઉત્તર પ્રદેશમાં ત્રિશંકુ વિધાનસભા રચાશે તેવી આગાહી રાજકીય વિશ્લેષકોએ કરી હતી, પરંતુ તેઓ ખોટા પડ્યા હતા.

સતત ત્રણ ચૂંટણી હાર્યાં પછી માયાવતીની વડાં પ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષાને ફટકો જરૂર પડ્યો છે, પણ તેનો અર્થ એવો કરી શકાય ખરો કે તેમની રાજકીય કારકિર્દી હવે અસ્ત થવા તરફ જઈ રહી છે?

ભારતીય રાજકારણનો ઇતિહાસ દર્શાવે છે કે કોઈ નેતા ભલે ગમે તેટલી ચૂંટણી હારી ગયા હોય, તેમની રાજકીય કારકિર્દીના અંતની શ્રદ્ધાંજલિ આપી તેવી અસ્થાને સાબિત થઈ શકે છે.

રાજકીય વિશ્લેષકો અને લોકોએ કોરાણે કરી દીધા હોય તે પછીય કેટલાક લોકો કલ્પનાતીત ઊંચાઈએ પહોંચવામાં સફળ રહ્યા હોય તેવા દાખલા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ