ભાજપ પર નિશાન સાધીને રાજ ઠાકરે કયું લક્ષ્ય સિદ્ધ કરવા માગે છે?

  • અમૃતા કદમ
  • બીબીસી મરાઠી સંવાદદાતા

છેલ્લા કેટલાક દિવસોમાં સોશિયલ મીડિયામાં એવી ઘણી પોસ્ટ જોવા મળી છે જેમાં કહેવાયું છે કે ભાજપને આ વાક્યથી બહુ ડર લાગે છે- અરે, વીડિયો ચલાવો.

સોશિયલ મીડિયાની આ હલચલનો સંબંધ રાજ ઠાકરે અને તેમના મોદી વિરુદ્ધ ચાલી રહેલા અભિયાન સાથે છે.

રાજ ઠાકરે આજકાલ મોદી સરકારની યોજનાઓની ટીકા કરી રહ્યા છે સાથે જ આંકડાઓ પણ રજૂ કરી રહ્યા છે.

ગુડી પડવાના દિવસે આયોજિત એક સભામાં રાજ ઠાકરેએ મોદી સરકાર પર અનોખી રીતે હુમલો કરવાનું શરૂ કર્યું.

તેઓ લોકોને મોદી સરકારની જાહેરાતનો વીડિયો દેખાડવા લાગ્યા.

વીડિયો બતાવ્યા બાદ તેઓ પોતાની પાર્ટી(મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)એ કરેલું એક સ્ટિંગ ઑપરેશન લોકો સમક્ષ મૂકે છે.

તેઓ કહે છે કે ભાજપની કેટલીક જાહેર ખબરોમાં અમરાવતી જિલ્લાના હરિસલ ગામને ડિજીટલ ગામ ગણાવવામાં આવે છે, પણ તેમની પાર્ટીએ કરેલા સ્ટિંગ ઑપરેશનમાં કંઈક અલગ સ્થિતિ જોઈ શકાય છે.

એટલું જ નહીં સોલાપુરની સભામાં રાજ ઠાકરેએ એ વ્યક્તિને બોલાવી જેમને હરિસલ ગામની જાહેરાતમાં પણ જોઈ શકાય છે.

જાહેરાતમાં તે યુવાનને સરકારી યોજનાના લાભાર્થી ગણાવવામાં આવ્યા છે. પરંતુ ઠાકરે કહે છે કે એ વ્યક્તિએ રોજગારની શોધમાં ગામ જ છોડી દીધું છે.

ઠાકરેના આ આક્રમક અભિયાનથી ભાજપને પીછેહઠ કરવી પડી છે. રાજ્યના શિક્ષણમંત્રી વિનોદ તાવડેએ કહ્યું કે હરિસલ ગામની દરેક ટૅક્નિકલ સમસ્યા હલ કરવામાં આવશે.

રાજ ઠાકરેના આ હુમલા માત્ર હરિસલ ગામ સુધી જ સીમિત રહેશે કે ભાજપના મત પર પણ તેની અસર થશે?

ઠાકરેનો પક્ષ લોકસભાની ચૂંટણી લડી રહ્યો નથી. એવું પણ નથી કે રાજ ઠાકરે સમગ્ર મહારાષ્ટ્રમાં ભાજપ વિરુદ્ધ અભિયાન ચલાવી રહ્યા છે.

એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઠાકરેના આ હુમલાઓ પાછળ રાજકીય ગણિત છે.

તમે આ વાંચ્યું કે નહીં?

'અમારી રેલીઓ જાગૃતિ અભિયાન છે'

એમએનએસના નેતા અને પ્રવક્તા અનિલ શિડોરેએ બીબીસી સાથેની વાતચીતમાં પક્ષના આ વલણનું કારણ જણાવ્યું.

તેમણે કહ્યું, "હાલ અમારો ઇરાદો માત્ર એટલો જ છે કે અમે લોકોમાં સત્તાધારી પક્ષ અને શાસક વર્ગને પ્રશ્ન કરવાની આદત પાડી શકીએ."

"એ લોકશાહી માટે ખૂબ જરૂરી છે. લોકોને લાગે છે કે તેમના જીવન સાથે રાજકારણને કોઈ જ સંબંધ નથી. તેઓ અમારું આ અભિયાન જોઈને સમજશે કે રાજનીતિ તેમના જીવન પર અસર કરે છે. રાજ ઠાકરેની આ સભાઓને 'જાગૃતિ અભિયાન' તરીકે જોઈ શકાય છે. અત્યારથી એ અનુમાન લગાવવું મુશ્કેલ છે કે તેનાથી ભાજપના મતમાં કેટલો ફરક પડશે."

પાર્ટીનું કહેવું છે કે લોકસભા ચૂંટણી દરમિયાન આ સભાઓ અને અભિયાનોનો હેતુ મોદી અને શાહની જાહેરાતના અસત્યનો પર્દાફાશ કરવાનો છે.

જોકે, રાજકીય વિશ્લેષકો રાજ ઠાકરેના આ અભિયાનને બીજી રીતે પણ જુએ છે.

આ ચૂંટણીનું 'એક્સ ફૅક્ટર' છે રાજ ઠાકરે

લોકસત્તાના તંત્રી ગિરીશ કુબેર કહે છે, "એવું લાગે છે કે આ લોકસભા ચૂંટણીનો સૌથી વધુ ફાયદો રાજ ઠાકરે જ ઊઠાવી રહ્યા છે. જ્યાં સુધી મહારાષ્ટ્રનો પ્રશ્ન છે તો રાજ ઠાકરે 'એક્સ ફૅક્ટર' છે."

"તેઓ ચતુરાઈપૂર્વક સતત મોદી પર હુમલો કરી રહ્યા છે અને આ રીતે તેમનું લક્ષ્ય પોતાની છબિ મજબૂત કરવાનું છે."

કુબેર કહે છે, "રાજ ઠાકરે આગામી વિધાનસભા ચૂંટણી માટે નિશાન સાધી રહ્યા છે. તેઓ આ સભાઓનો ઉપયોગ રાજ્યમાં પોતાની પાર્ટીનો પાયો મજબૂત કરવા માટે કરે છે, જે સરળતાથી થઈ રહ્યું છે. તેથી જો મનસેનું કોઈ સાથે ગઠબંધન ન થાય તો પણ રાજ ઠાકરે પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહે."

રાજ ઠાકરેની આ સભાઓથી કોને ફરક પડશે?

બદલો Twitter કન્ટેન્ટ, 1

Twitter કન્ટેન્ટ પૂર્ણ, 1

ગિરીશ કુબેરને લાગે છે કે રાજ ઠાકરેની આ સભાઓની અસર ભાજપથી ઘણી વધારે શિવસેના પર પડશે. તેઓ કહે છે, "હાલ શિવસેના એવી મુશ્કેલ સ્થિતીમાં ફસાઈ છે, જ્યાં તે ફરિયાદ પણ કરી શકે તેમ નથી."

"શિવસેનાના કાર્યકરો પાર્ટીના આગેવાનોના તાજેતરના નિર્ણયોથી નારાજ છે. આ સ્થિતીમાં જો શિવસેના લોકસભા ચૂંટણીમાં ધારેલી સફળતા ન મેળવી શકે તો કાર્યકરો મનસેનો હાથ પકડી શકે છે."

રાજકીય વિશ્લેષક અભય દેશપાંડે કહે છે કે હાલ એ અનુમાન લગાવવું મુશ્કેલ છે કે ઠાકરેની આ સભાઓમાંથી ભાજપના કેટલા મત ખરીને કૉંગ્રેસ-એનસીપી ગઠબંધનને મળશે.

અભય કહે છે, "કૉંગ્રેસ-એનસીપી ગઠબંધન પાસે શરદ પવાર સિવાય અન્ય કોઈ સ્ટાર કૅન્પેનર નથી. એ ખાલી જગ્યાને રાજ ઠાકરે ભરી દે છે. પરંતુ મનસે પાસે મોટી મત બૅન્ક નથી. મનસેની ગેરહાજરીમાં સ્વાભાવિક રીતે મતદાતાઓ શિવસેના તરફ જશે."

"પરંતુ હાલની સ્થિતીમાં રાજ ઠાકરેની સભાઓથી પ્રભાવિત અને મૂંઝવણમાં પડેલા મતદાતા ભાજપ તરફથી કૉંગ્રેસ-એનસીપી તરફ જઈ શકે છે."

વરિષ્ઠ પત્રકાર વર્ષા તોલ્ગાકરે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "કૉંગ્રેસ પુલવામા હુમલા મુદ્દે ચૂંટણી અભિયાન ચલાવી રહી છે અથવા રાફાલ પર. પરંતુ રાજ ઠાકરે સામાન્ય જનતાના મુદ્દા પર માત્ર વાત જ નથી કરી રહ્યા તેઓ આંકડા સાથે પુરાવા પણ આપે છે."

"તેઓ ભાજપ દ્વારા કરેલા દરેક દાવાને જૂઠાં સાબિત કરે છે તેથી કેટલાક મતદાતા તો ચોક્કસ ભાજપથી દૂર જશે."

રાજ ઠાકરે સ્ટાર પ્રચારક?

ભાજપના નેતા વિનોદ તાવડેએ પડકારજનક લહેજામાં કહ્યું કે મનસે રાજ ઠાકરેને પોતાના સ્ટાર પ્રચારક તરીકે રજૂ કરી રહી છે. તેમણે સોમવારે થયેલી પ્રેસ કૉન્ફરન્સમાં આ વાત કરી.

તાવડેએ સોલાપુરમાં થયેલી રાજ ઠાકરેની સભાની ટીકા કરતા કહ્યું કે શરદ પવારને રાજ ઠાકરેની દરેક સભાની યાદી આપી દેવામાં આવી છે. તેમનો ઇશારો ખરેખર એ તરફ હતો કે સોલાપુરમાં રાજ ઠાકરે અને શરદ પવાર એક જ હૉટલમાં રોકાયા હતા.

તાવડેએ આ સાથે એવો પણ આક્ષેપ કર્યો, "જ્યારે શરદ પવાર ઓસમાનાબાદથી પરત પરી રહ્યા હતા તો તેમણે પોતાના હૅલિકોપ્ટરનો રસ્તો બદલ્યો અને સોલાપુરમાં જ રોકાઈ ગયા જેથી તેઓ હૉટલમાં રાજ ઠાકરે સાથે ચર્ચા કરી શકે."

જોકે, અનિલ શિડોરેએ આ આરોપ નકારતા કહ્યું, "શરદ પવાર રાત્રે બહુ મોડા હૉટલ પર પહોંચ્યા હતા. જ્યારે અમે તો સવારે વહેલા હૉટલ પરથી નીકળી ગયા હતા. તેથી અમારી મુલાકત થઈ શકી નહીં."

મોદી શાહની જોડીને ટક્કર

રાજ ઠાકરેની સભાઓમાં સ્પષ્ટ દેખાય છે કે તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ પર નિશાન સાધે છે. તેમના નિશાના પર ભાજપ નથી.

અનિલ શિડોરે કહે છે, "ભારતીય લોકશાહી માટે આ એક અગત્યની ચૂંટણી છે. મોદી અને શાહે રાષ્ટ્રવાદની નવી વ્યાખ્યાઓ ઊભી કરી છે. આપણી લોકશાહીમાં ઘણી બાબતો બદલાઈ ગઈ છે. તેથી અમે આ બંનેની રાજકીય ક્ષમતા ઘટાડવા માગીએ છીએ."

જ્યારે અભય દેશપાંડે કહે છે, "એક દૃષ્ટિએ જોઈએ તો મોદીનો સીધો અર્થ ભાજપ સાથે જ છે. ત્યારે રાજ ઠાકરે મોદી પર નિશાન સાધીને ભાજપ પર પણ સવાલ ઉઠાવે છે."

"અહીં વધુ એક મહત્ત્વની વાત આવે છે. ભાજપમાં પણ એક વર્ગ એવો છે, જે મોદી-શાહની રાજનીતિ સાથે સહમત નથી. રાજ ઠાકરેના પ્રચારથી આ વર્ગ ભાજપથી દૂર થઈ શકે છે."

કૉંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન?

રાજ ઠાકરેના પ્રચારથી કૉંગ્રેસ-એનસીપી ગંઠબંધનને ફાયદો થશે તે નક્કી છે. જોકે, એ લોકો સીધી રીતે કૉંગ્રેસ-એનસીપીને મત આપવાની અપીલ કરતા નથી. તેઓ એવી અપીલ કરે છે કે જે મોદી-શાહને હરાવી શકે તેને મત આપો.

આ રીતે રાજ ઠાકરે ભલે બીજી રીતે પણ કૉંગ્રેસ-એનસીપી માટે મતની અપીલ કરી રહ્યા છે. શું આ રીતે તેઓ રાજ્યમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ-એનસીપી સાથે કોઈ ગઠબંધનનો વિચાર કરી રહ્યા છે?

અનિલ શિડોરે આ સવાલનો સીધો જવાબ આપવાનું ટાળે છે.

તેમણે કહ્યું, "ગઠબંધન થઈ પણ શકે છે અને નહીં પણ. આ બધી ભવિષ્યની યોજનાઓ છે. રાજ ઠાકરેએ પોતે જ કહ્યું છે કે તેમની સભાઓ માત્ર લોકસભા ચૂંટણી સુધી જ મર્યાદિત છે."

આપને આ પણ વાંચવું ગમશે

બદલો YouTube કન્ટેન્ટ, 1
વીડિયો કૅપ્શન થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો