જસ્ટિસ ગોગોઈ સામે જાતીય શોષણની ફરિયાદ અને પ્રક્રિયાના પાલન અંગે પ્રશ્નાર્થ

  • દિવ્યા આર્ય
  • બીબીસી સંવાદદાતા
રંજન ગોગોઈ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ ત્રણ સદસ્યોની બેન્ચની તાત્કાલિક બેઠક યોજીને પોતાના પરના શારીરિક શોષણના આરોપોને ખોટા ગણાવ્યા હતા.

ઘણી મહિલા વકીલોએ આ પ્રકારની સુનાવણીને શારીરિક શોષણ મામલે નિર્ધારિત પ્રક્રિયાનું ઉલ્લંઘન ઘણાવ્યું છે.

આ સુનાવણી દરમિયાન જ એટૉર્ની જનરલ કે. કે. વેણુગોપાલે એ જ પ્રક્રિયાનો હવાલો આપતા ચિંતા વ્યક્ત કરી છે કે શારીરિક શોષણના મામલામાં લોકોનાં નામો જાહેર કરવાની મનાઈ છે પણ અહીં નામ જાહેર કરાયું છે.

ગોગોઈ માટે કામ કરી રહેલાં તેમનાં જુનિયર આસિસ્ટન્ટે ગોગોઈ પર શારીરિક શોષણના આરોપો લગાવ્યા છે, જે અંગે કેટલાંક અખબારોએ અહેવાલ પ્રકાશિત કર્યા છે.

મહિલાએ સુપ્રીમ કોર્ટના 22 જજોને પત્ર લખીને આ આરોપો અંગે તપાસ કરવા માટે વિશેષ સમિતિ રચવાની માગ કરી છે.

આરોપી તરીકે મુખ્ય ન્યાયાધીશનું નામ જાહેર કરવું, ન્યાયાધીશનું ત્રણ અન્ય જજ સાથે બેસીને આદેશ પસાર કરવો અને સુપ્રીમ કોર્ટમાં શારીરિક શોષણની ફરિયાદોની સુનાવણી કરવા માટે કમિટી હોવા છતાં પીડિતા દ્વારા કરાયેલી વિશેષ કમિટીની માગ કેટલી યોગ્ય છે?

શારીરિક શોષણ રોકવા માટે બનાવાયેલા, 'સેક્સ્યુઅલ હૅરેસમેન્ટ ઑફ વુમેન એટ વર્કપ્લેશ (પ્રિવેંશન, પ્રોહિબિશન ઍન્ડ રિડ્રેસલ) 2013'ના કાયદામાં શારીરિક શોષણની પરિભાષા અને આ પ્રકારના કેસોની સુનાવણી અંગે સ્પષ્ટ નિર્દેશ છે.

શારીરિક શોષણની પરિભાષા અને આરોપીની ઓળખ

ઇમેજ સ્રોત, Reuters

કોઈની મનાઈ છતાં સ્પર્શ કરવો, સ્પર્શ કરવાનો પ્રયાસ કરવો, શારીરિક સંબંધ બાંધવાની માગ કરવી, સેક્સ્યુઅલ ભાષાવાળી ટિપ્પણી કરવી, પોર્નોગ્રાફી દેખાડવી અથવા સંમતિ વગર સેક્સ્યુઅલ વર્તન કરવું એ શારીરિક શોષણ છે.

જો આવું વર્તન કામની જગ્યાએ અથવા કામ કરવા સંદર્ભે કરવામાં આવે તો તે અંગે કામના સ્થળે કાર્યરત 'ઇંટર્નલ કમ્પ્લેંટ્સ કમિટી'ને ફરિયાદ કરવી જોઈએ.

કાયદાની કલમ 16 પ્રમાણે ફરિયાદની સુનાવણી સમયે બન્ને પક્ષોની ઓળખ ગુપ્ત રાખવી જોઈએ. જોકે, આ મામલે હજી સુધી આવી કોઈ કમિટીએ સુનાવણી શરૂ કરી નથી.

વરિષ્ઠ વકીલ વૃંદા ગ્રોવર પ્રમાણે, "સેક્શન 16ની જોગવાઈને વાંચતી વખતે આ કાયદાનો ઉદ્દેશ (મહિલાઓનું શોષણ અટકાવવું) ધ્યાનમાં રાખવો જોઈએ, કાયદો અને પબ્લિક પૉલિસી માને છે કે મહિલાઓને હેરાનગતિથી બચાવવા માટે તેમની ઓળખ છૂપી રાખવી જરૂરી છે."

આરોપીની ઓળખ છુપાવવા સંદર્ભે આ જોગવાઈના ઉલ્લેખને તેઓ તર્કહીન ગણાવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

શારીરિક શોષણની ફરિયાદની સુનાવણી

કાયદા પ્રમાણે 10થી વધારે કર્મચારીઓ ધરાવતી દરેક સંસ્થા માટે એક 'ઇંટર્નલ કમ્પ્લેંટ્સ કમિટી' બનાવવી ફરજિયાત છે, જેની અધ્યક્ષતા એક સિનિયર મહિલા કરે એ પણ અનિવાર્ય છે. કુલ 10 સભ્યો પૈકી ઓછામાં ઓછા 50 ટકા સભ્યો મહિલાઓ હોય અને મહિલાઓનાં હિત માટે કામ કરતી કોઈ બિનસરકારી સંસ્થાના એક પ્રતિનિધિ પણ સભ્ય હોવા જોઈએ.

આ કેસમાં કામની જગ્યા સુપ્રીમ કોર્ટ છે, જ્યાં 'ઇંટર્નલ કમ્પ્લેંટ્સ કમિટી' કાર્યરત છે જેનાં તમામ સભ્યો મુખ્ય ન્યાયાધીશ કરતાં જુનિયર છે.

કોઈ પણ પ્રશાસનિક તપાસ માટે જરૂરી છે કે તપાસ કરનાર વ્યક્તિ પદના મામલે નીચે ન હોવા જોઈએ, એટલે જ ફરિયાદ કરનાર મહિલાએ રિટાયર્ડ જજોની વિશેષ તપાસ સમિતિ બનાવવાની માગ કરી છે.

આવી કોઈ કમિટીના ગઠન પહેલાં જ મુખ્ય ન્યાયાધીશે પોતાની અધ્યક્ષતામાં આજે આ કેસોની સુનાવણી કરી છે.

દિલ્હી હાઈકોર્ટમાં વરિષ્ઠ વકીલ રેબેકા મેનન જૉન એને 'એક્સ્ટ્રાઑર્ડિનરી પગલું' ગણાવતાં કહે છે કે મુખ્ય ન્યાયાધીશ પર પણ એ જ કાયદા લાગુ થવા જોઈએ જે સામાન્ય નાગરિકો પર લાગુ થાય છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું, "આવી સુનાવણી દ્વારા આપણે કાયદાના મૂળ સિદ્ધાંતને ભૂલી રહ્યા છીએ કે આપણે પોતાના જ મામલામાં જજ ન બની શકીએ, દરેક ફરિયાદની નિષ્પક્ષ રીતે સુનાવણી જરૂરી છે, એ પછી ભલેને ગમે તે કાર્યવાહી નક્કી કરવામાં આવે."

ન્યાયપાલિકામાં વિશ્વાસ

ઇમેજ સ્રોત, Reuters

વૃંદા ગ્રોવર પ્રમાણે 'પબ્લિક ઇંટરેસ્ટ' અંતર્ગત મહત્ત્વનાં પદો પર નિયુક્ત લોકોનાં વર્તન અંગે થતી ફરિયાદ જાહેર થવી જોઈએ.

તેઓ કહે છે, "ન્યાયાલય પ્રત્યે લોકોનો વિશ્વાસ જાળવી રાખવા માટે, પારદર્શકતા માટે તમામ માહિતી જાહેર થવી જોઈએ."

રેબેકા મેમન જૉન માને છે કે મુખ્ય ન્યાયાધીશ 'ઘણું સેંસેટિવ' પદ છે અને સ્વાયત્તતા સુરક્ષિત રાખવી જરૂરી છે, સાથે-સાથે તેઓ કહે છે, "ફરિયાદની ન્યાયસંગત પ્રક્રિયા અંતર્ગત તપાસ જરૂરી છે."

કાયદા પ્રમાણે 'ઇંટર્નલ કમ્પ્લેંટ્સ કમિટી' બન્ને પક્ષની વાત સાંભળીને અને તપાસ કરીને નક્કી કરતી હોય છે કે ફરિયાદ સાચી છે કે નહીં. માત્ર એક પક્ષની વાતથી ગુનો નક્કી કરી શકાતો નથી. ગુનો સાચો સાબિત થાય તો નોકરી સસ્પેન્ડ કરવા, કાઢી મૂકવા અને ફરિયાદીને વળતર આપવાની સજા આપી શકાય છે.

આ કાયદો મહિલાઓને તેમના કામના સ્થળે કામ કરતાં રહીને ગુનેગારને સજા અપાવવાનો ઉપાય આપે છે.

એટલે કે જેલ અને પોલીસના કડક રસ્તાઓથી અલગ ન્યાય માટે એક વચ્ચેનો રસ્તો આ કાયદો ખોલી આપે છે, જેમ કે સંસ્થાના સ્તરે આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી, ચેતાવણી, દંડ , સસ્પેન્શન, વગેરે.

મહિલા ઇચ્છે અને મામલો વધારે ગંભીર જણાય તો પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય કરી શકે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો