હાર્દિક પટેલની જાહેરસભામાં ફરી બબાલ, ખુરશીઓ ઊછળી

હાર્દિક પટેલ

કૉંગ્રેસના સ્ટાર પ્રચાર હાર્દિક પટેલની અમદાવાદ ખાતેની સભામાં બબાલ થઈ હતી.

શનિવારે યોજાયેલી આ સભામાં હાર્દિક પટેલે જેવું જ સંબોધન શરૂ કર્યું કે સભામાં હોબાળો શરૂ થયો.

સભામાં થઈ રહેલા હોબાળાનો એક વીડિયો પણ વાઇરલ થયો છે, જેમાં કેટલાક લોકો તોડફોડ કરતા દેખાઈ રહ્યા છે.

આ મામલે હાર્દિક પટેલે આક્ષેપ કર્યો છે કે તેમના વિરોધીઓએ આ તોડફોડ કરી છે.

તેમણે ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે ભાજપના કાર્યકરો આવાં વિધ્નો ઊભાં કર્યા કરશે તેમને કરવા દો.

આ પહેલાં સુરેન્દ્રનગરની સભામાં એક વ્યક્તિએ મંચ પર ચઢીને ચાલુ ભાષણમાં હાર્દિક પટેલને લાફો મારી દીધો હતો.

હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલને 20-20 લાખનો દંડ

ભારતીય ક્રિકેટરો હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ પર એક ટીવી શૉમાં મહિલાઓ અંગે વિવાદીત નિવેદન કરવા માટે બીસીસીઆઈના લોકપાલ ડી. કે. જૈને શનિવારે 20-20 લાખ રૂપિયાનો દંડ કર્યો છે.

બીસીસીઆઈની વેબસાઈટ પર પ્રકાશિત જસ્ટિસ ડી. કે. જૈનના આદેશમાં લખ્યું છે કે પંડ્યા અને રાહુલ પર આગળ કોઈ જ કાર્યવાહી કરવામાં આવશે નહીં.

આ આદેશ મુજબ દંડની અડધી રકમ એટલે કે 10-10 લાખ રૂપિયા અર્ધસૈનિક દળોના 10 જવાનોની વિધવાઓને આપવાના તેમજ બાકીના 10-10 લાખ રૂપિયા પ્રજ્ઞાચક્ષુ ક્રિકેટ ટીમના ફંડમાં આપવાના રહેશે.

જાન્યુઆરી મહિનામાં 'કૉફી વિથ કરન' શૉમાં બંનેનું ઇન્ટરવ્યુ પ્રસારિત થયું હતું.

તેમાં વિવાદીત નિવેદન બાદ બંને ખેલાડીઓ પર અસ્થાઈ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને બંને ખેલાડીઓ પાંચ વન-ડે મૅચ રમી શક્યા નહોતા.

અબુ ધાબીમાં પ્રથમ હિંદુ મંદિરનો શિલાન્યાસ

અબુ ધાબીમાં પ્રથમ હિંદુ મંદિરનો શનિવારે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો.

સંયુક્ત અરબ અમીરાતના ક્રાઉન પ્રિન્સ અને સશસ્ત્ર સેનાઓના ઉપ-કમાંડર શેખ મોહમ્મદ બિન ઝાયેદે અબુ-ધાબી શહેરથી 30 મિનિટ દૂર એક હિંદુ મંદિરના નિર્માણ માટે જમીન આપી છે.

શનિવારે યોજાયેલા શિલાન્યાસ સમારોહમાં દુનિયાભરના સ્વયંસેકો પણ હાજર રહ્યા હતા.

55 હજાર ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયલા આ મંદિર માટે રાજસ્થાનના પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે.

મંદિરમાં સાત મિનારા ઊભા કરવામાં આવશે, જે આરબ-અમીરાતની ઓળખ દર્શાવશે.

ભારતીય રાજદૂતના જણાવ્યા અનુસાર આ મંદિરને બનતાં બે વર્ષ જેટલો સમય લાગશે.

પ્રજ્ઞા ઠાકુરના નિવેદન પર પરિવારે શું અનુભવ્યું

ઇમેજ કૅપ્શન,

હેમંત કરકરે(ફાઇલ ફોટો)

તાજેતરમાં જ ભોપાલ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને માલેગાંવ બૉમ્બ બ્લાસ્ટનાં આરોપી પ્રજ્ઞા ઠાકુરે કહ્યું હતું, "કરકરેએ તેમને પરેશાન કર્યાં હતાં અને તેમણે કરકરેને સર્વનાશનો શાપ આપ્યો હતો, તેથી આતંકવાદીઓએ તેમને મારી નાખ્યા."

તેમનું આ નિવેદન વિવાદમાં રહ્યું, ત્યાર બાદ તેમણે આ નિવેદન પાછું પણ ખેંચ્યું અને કરકરેને શહીદ ગણાવીને પોતાના નિવેદનને વ્યક્તિગત પીડા ગણાવી.

આ અંગે મુંબઈ એટીએસના પૂર્વ પ્રમુખ હેમંત કરકરેના સાળા કિરન દેવે કહ્યું, "લાખો જન્મમાં એક આવો માણસ જન્મે છે અને તે છે શહીદ શ્રી હેમંત કરકરે."

"અમને બધાને હેમંતની શહીદીનું ગૌરવ છે. હું પ્રજ્ઞાને કોઈ બદદુઆ નહીં આપું. હું નહીં ઇચ્છું તે તેમની સાથે કંઈ જ ખરાબ થાય."

"તેમનું પણ પોતાનું જીવન છે પણ તેમણે હેમંત વિશે આવું નિવેદન કરવાની જરૂર ન હતી."

અભિનંદન વર્થમાનને શ્રીનગરથી દૂર પોસ્ટિંગ અપાશે

પાકિસ્તાનથી પરત આવેલા ભારતીય પાઇલટ અભિનંદન વર્થમાનને હવે શ્રીનગરથી દૂર પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિંગ કમાંડર અભિનંદન વર્થમાનને ઍરફોર્સ દ્વારા શ્રીનગરથી દૂર પશ્ચિમ ભારતના પાકિસ્તાન સીમા પર આવેલા અન્ય મહત્ત્વના એર બેઝ પર પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

સરકારના જણાવ્યા અનુસાર, "તેમના પોસ્ટિંગનો આદેશ જાહેર થઈ ગયો છે અને તેઓ ટૂંક સમયમાં શ્રીનગર છોડી દેશે, તેમજ નવા સ્થળની જવાબદારી સંભાળશે."

પોસ્ટિંગના નવા સ્થળનું નામ જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ તે પણ એક ફાઇટર બેઝ છે અને જો કમાંડર ફ્લાઇંગની પરીક્ષા પાર કરી લે તો તેઓ ફરી ફ્લાઇંગ ડ્યૂટી સંભાળશે.

આપને આ પણ વાંચવું ગમશે

બદલો YouTube કન્ટેન્ટ, 1
વીડિયો કૅપ્શન થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો