24 વખત ચૂંટણી હારનાર વ્યક્તિ જેમણે હજુ હાર નથી માની

  • ઓંકાર ખાંડેકર
  • બીબીસી ગુજરાતી માટે
પ્રકાશ કોંડેકર

ઇમેજ સ્રોત, OmKAR KHANDEKAR

ઇમેજ કૅપ્શન,

પ્રકાશ કોંડેકર

વિજય પ્રકાશ કોંડેકર હવે પુણેની એક જાણીતી વ્યક્તિ બની ગયા છે.

73 વર્ષના પ્રકાશ છેલ્લા બે મહિનાથી મહોલ્લામાં ફરી-ફરીને ચૂંટણી પ્રચાર અભિયાન માટે લોકોનું સમર્થન મેળવવાની કોશિશ કરી રહ્યા છે.

તેઓ કહે છે, "લોકોને માત્ર એટલું જણાવવા માગુ છું કે દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં માત્ર પાર્ટી પોલિટિક્સ જ રસ્તો નથી. મારો વિચાર દેશને મારા જેવા સ્વતંત્ર ઉમેદવાર આપવાનો છે. દેશમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો આ એક માત્ર રસ્તો છે."

પ્રકાશ કોંડેકર એક લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં ત્રીજા ચરણમાં 23 એપ્રિલના રોજ મતદાન થશે. તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે અને તેમને આશા છે કે તેઓ એક દિવસ ભારતના વડા પ્રધાન બનશે.

તેમનું માનવું છે કે એવું થયું તો તેઓ ભારતના દરેક નાગરિકને 17,000 રૂપિયા આપશે. પ્રકાશ માને છે કે જો સરકાર બાકીના અન્ય ખર્ચમાં કાપ મૂકે તો આ વચન પૂરું કરવું સરળ થઈ જશે.

વર્ષ 1980 સુધી પ્રકાશ મહારાષ્ટ્ર વીજળી વિભાગમાં કામ કરતા હતા. હવે તેમને ઘણી વખત પુણેની ગલીઓમાં સાઇનબૉર્ડ લાગેલી સ્ટીલની એક ગાડી ધકેલતા જોઈ શકાય છે.

સ્થાનિક લોકો કહે છે કે પહેલાં આ સાઇન બોર્ડ પર 100 રૂપિયા દાન કરવાની અપીલ લખેલી હતી પણ આજકાલ આ બોર્ડ પર 'બૂટ જિતાડો' લખેલું દેખાય છે.

પ્રકાશ કોંડેકરનું ચૂંટણી ચિહ્ન બૂટ છે, જે તેમને ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવ્યું છે.

ઘણા લોકોને શહેરની ગલીઓમાં આ નજારો જોઈને હસું આવે છે તો કેટલાક લોકો તેમને નજરઅંદાજ કરે છે, તો કેટલાક તેમની સાથે સેલ્ફી લેવા આવે છે.

પ્રકાશ સેલ્ફી માટે ખુશી-ખુશી તૈયાર થઈ જાય છે કારણ કે તેમને લાગે છે કે સોશિયલ મીડિયા પર મફતમાં પબ્લિસિટી મળી જશે.

કેટલાક પ્રકાશનો દેખાવ જોઈને તેમની મજાક પણ ઊડાવે છે-એક નબળો અને ઉંમરલાયક માણસ, જેના સફેદ વાળ વિખાયેલા છે અને દાઢી વધેલી છે.

પ્રકાશ એપ્રિલના ધોમ ધખતા તાપમાં પણ માત્ર સુતરાઉ ચડ્ડામાં પોતાનું ચૂંટણી અભિયાન ચલાવતા દેખાય છે.

પ્રકાશ કોંડેકર આ પહેલાં અલગ-અલગ 24 ચૂંટણીઓ લડી ચૂક્યા છે અને હારી ગયા છે. તેઓ લોકસભા ચૂંટણીથી લઈને સ્થાનિક એકમોની ચૂંટણીમાં પોતાની ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે.

પ્રકાશ એ સેંકડો અપક્ષ ઉમેદવારોમાં સામેલ છે જે લોકસભા ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

2014ની સામાન્ય ચૂંટણીમાં 3000 સ્વતંત્ર ઉમેદવારોએ ભાગ લીધો હતો જેમાંથી માત્ર ત્રણ જીત્યા હતા.

જોકે, વર્ષ 1957ની ચૂંટણી એવી હતી જેમાં મોટી સંખ્યામાં અપક્ષ ઉમેદવારોનો વિજય થયો હતો. એ ચૂંટણીમાં 42 અપક્ષ ઉમેદવારો ચૂંટાયા હતા.

વર્ષ 1952માં યોજાયેલી પ્રથમ લોકસભા ચૂંટણી પછી અત્યાર સુધીમાં ભારતમાં 44,962 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણીમાં ભાગ લીધો છે. તેમાંથી માત્ર 222ને જીત હાંસલ થઈ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

અપક્ષ ઉમેદવાર કેમ જીતતા નથી?

ઇમેજ સ્રોત, Getty Images

ભારતમાં અપક્ષ ઉમેદવારો બહુ મુશ્કેલીથી જીતી શકે છે કારણ કે તેમની પાસે રાજકીય પક્ષોની સરખામણીએ પૈસા અને સંસાધનો ઓછાં હોય છે. તે ઉપરાંત દેશમાં રાજકીય પક્ષો પણ ઓછા નથી.

ભારતમાં લગભગ 2,293 નોંધાયેલા સ્થાનિક રાજકીય પક્ષો છે જેમાંથી 7 રાષ્ટ્રિય છે અને 59 રાજ્ય કક્ષાના છે.

સત્તાધારી ભારતીય જનતા પાર્ટી(ભાજપ) અને વિપક્ષ કૉંગ્રેસ દેશના મુખ્ય રાષ્ટ્રિય પક્ષો છે. પરંતુ ઘણાં રાજ્યોમાં મજબૂત સ્થાનિક પક્ષો અને લોકપ્રિય સ્થાનિક નેતાઓ પણ છે.

જોકે, પ્રકાશ કોંડેકર માને છે કે તેમણે એક નવી રણનીતિ અપનાવી છે, જેનાથી તેમને ફાયદાની અપેક્ષા છે.

ચૂંટણી નિયમો અનુસાર ઈવીએમ પરની યાદીમાં પહેલા રાષ્ટ્રિય પક્ષોનાં ઉમેદવારનાં નામ હોય છે પછી રાજ્ય કક્ષાના અને પછી અપક્ષ ઉમેદવાર સૌથી નીચે હોય છે.

પ્રકાશ કહે છે, "મારી લોકોને અપીલ છે કે તેઓ યાદીમાં સૌથી નીચે રહેલા ઉમેદવારને મત આપે. આ નામ 'નોટા' પહેલા લખેલું હશે, જે એક અપક્ષ ઉમેદવારનું નામ હશે."

23 એપ્રિલે યોજાનારી ચૂંટણીમાં તેમણે પોતાની અટક 'znysho' કરી લીધી છે, તેથી તેમનું નામ યાદીમાં સૌથી નીચે આવે.

હારવા છતાં કેમ લડે છે ચૂંટણી?

ઇમેજ સ્રોત, OMKAR KHANDEKAR

તમામ મુશ્કેલીઓ અને નુકસાન છતાં અપક્ષ ઉમેદવાર દરેક ચૂંટણીમાં ખૂબ ઉત્સાહથી ભાગ લે છે તેના ઘણાં કારણો છે.

કેટલાક લોકો માટે તે સૌથી મહત્ત્વનો મુદ્દો હોય છે તો ઘણાને રાજકીય પક્ષો જ મેદાનમાં ઊતારે છે જેથી તેમના હરીફ વિપક્ષોના મત વહેંચાઈ જાય.

તે ઉપરાંત કે. પદ્મરાજન જેવા જેમના માટે ચૂંટણી લડવી એ માત્ર એક દેખાવ છે. તેઓ અત્યાર સુધીમાં 170 જેટલી ચૂંટણીઓમાં ભાગ લઈને હારી ચૂક્યા છે. તેમની પાછળ તેમનું માત્ર એક જ લક્ષ્ય છે, ગિનીસ બુકમાં પોતાનું નામ નોંધાવાવું.

'જીતીશ તો હાર્ટ ઍટેક આવી જશે'

ઇમેજ સ્રોત, Getty Images

પદ્મરાજન વાયનાડમાં કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી સામે ચૂંટણી લડી રહ્યા છે. તેઓ કહે છે કે જો તેઓ ચૂંટણી જીતી ગયા તો તેમને હાર્ટ ઍટેક આવી જશે.

ઘણા અપક્ષ ઉમેદવારોના આ વલણને ધ્યાનમાં લઈને લૉ કમિશને તેમના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવાની પણ માગ કરી પરંતુ એવું થયું નહીં.

જેમ-જેમ સમય જઈ રહ્યો છે તેમ-તેમ અપક્ષ ઉમેદવારોની સંખ્યા વધી રહી છે પરંતુ તેમની જીતમાં કોઈ વધારો જોવા મળતો નથી.

ભારતીય ચૂંટણી વ્યવસ્થા અપક્ષ ઉમેદવારો માટે અયોગ્ય

ઇમેજ સ્રોત, Getty Images

આ અંગે ચૂંટણી પર નજર રાખનારી સંસ્થા ઍસોસિયેશન ફોર ડેમૉક્રેટિક રિફૉર્મ્સ(એડીઆર)ના સંસ્થાપક જગદીપ ચોકર કહે છે કે રાજકીય પક્ષોની ભારતીય રાજનીતિક વ્યવસ્થા પર મજબૂત પકડ છે.

ચોકર કહે છે, "અપક્ષ ઉમેદવારોને ચૂંટણી લડવાના માર્ગમાં ઘણી મુશ્કેલીઓ, વિઘ્નો અને વિરોધાભાસ છે. એક ઉમેદવાર પોતાના ચૂંટણી પ્રચાર માટે કેટલા પૈસા ખર્ચ કરી શકે તેની મર્યાદા છે, પરંતુ રાજકીય પક્ષ માટે આવી કોઈ મર્યાદા નથી. રાજકીય પક્ષોની જેમ અપક્ષ ઉમેદવારોને કર રાહત પણ મળતી નથી."

ચોકર કહે છે, "કેટલાક અપક્ષ ઉમેદવાર એવા જરૂર છે જે પરિવર્તન લાવવા માગે છે. પરંતુ ફંડિંગની મર્યાદા, ઓછો પ્રભાવ અને લોકોની ગેરમાન્યતાઓને કારણે પક્ષો તેમના જીતના માર્ગમાં અડચણ ઊભી કરે છે."

'લોઢાની તલવાર અને કાગળના પૂતળા વચ્ચે લડાઈ'

ઇમેજ સ્રોત, AFP

પ્રકાશ કોંડેકર કહે છે કે તેમને ખબર છે કે તેમની જીતવાની શક્યતા બહુ ઓછી છે.

છેલ્લાં કેટલાક વર્ષોમાં તેમણે પોતાના ચૂંટણી અભિયાન માટે પૈસા ભેગા કરવા બાપ-દાદાઓની જમીન વેંચી દીધી.

ઉમેદવારી નોંધાવતી વખતે પ્રકાશે પોતાની ઍફિડેવિટમાં જણાવ્યા અનુસાર તેમને દર મહિને 1,921 રૂપિયા પૅન્શન મળે છે.

કોંડેકર માને છે તેમની ઉમેદવારી સાંકેતિક છે કારણ કે સતત હાર્યા છતાં તેઓ આશા છોડવા તૈયાર નથી.

તેઓ કહે છે, "આ રાજકીય પક્ષોની લોઢાની તલવાર અને મારા કાગળના પૂતળા વચ્ચે લડાઈ છે પણ હું પ્રયત્નો કરતો રહીશ. મારી ઉંમરને ધ્યાનમાં લઈને કહું તો આ કદાચ મારી છેલ્લી ચૂંટણી હોઈ શકે પણ બની શકે કે આ વખતે અલગ પરિણામ આવે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો