નરેન્દ્ર મોદી પાટણની જનસભામાં અપશબ્દો નથી બોલ્યા : ફૅક્ટ ચેક
- ફૅક્ટ ચેક ટીમ
- બીબીસી ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાટણની જનસભામાં અપશબ્દ બોલ્યા એવા આરોપ સાથે કથિત વાઇરલ વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરાઈ રહ્યો છે.
ટ્વિટર હૅન્ડલના બાયૉમાં પોતાને કૉંગ્રેસ સમર્થક ગણાવતા ગૌરવ પંધીએ રવિવારે ટ્વીટ કર્યું, "મિસ્ટર પીએમ, આ કયા પ્રકારની ભાષા છે? જાહેરમાં આ પ્રકારની ભ્રષ્ટ ભાષા દેશના વડા પ્રધાનને શોભે? બીજું કંઈ ન હોય તો પણ પદ માટે થોડું માન છે."
આ વીડિયો 2,70,000થી વધારે વખત જોવાઈ ચૂક્યો છે. છેલ્લા 24 કલાકમાં આ વીડિયો હજારો વખત શૅર પણ થઈ ચૂક્યો છે.
વીડિયોની હકીકત
ઇમેજ સ્રોત, BBC/SCREEN SHOT
અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે નરેન્દ્ર મોદીએ અપશબ્દોનો ઉપયોગ નથી કર્યો.
રવિવારે વડા પ્રધાન મોદીએ પાટણમાં આપેલા ભાષણના વીડિયોમાંથી 15 સેકન્ડનો નાનો ભાગ કાપી લેવામાં આવ્યો હતો.
આ ક્લિપમાં ન્યૂઝ વેબસાઇટ ક્વિન્ટનો લોગો છે. વેબસાઇટે સ્પષ્ટતા કરી છે કે તેમણે આવો કોઈ અહેવાલ પ્રકાશિત કર્યો નથી અને વાઇરલ વીડિયો નરેન્દ્ર મોદીના ભાષણના લાંબા વીડિયોમાંથી કાપવામાં આવ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતીમાં જે શબ્દો બોલ્યા તેનું વીડિયોમાં વારંવાર પુનરાવર્તન કરીને મૂંઝવણ ઊભી કરવામાં આવી છે.
ભાષણમાં વડા પ્રધાન મોદી બોલ્યા છે, "લોકો એમ કહે છે કે ભવિષ્યમાં લડાઈ પાણીની થવાની છે, અલ્યા બધા કહો છો પાણીની લડાઈ થવાની છે તો પછી અમે અત્યારથી પાણી પહેલાં પાળ કેમ ના બાંધીએ."
નરેન્દ્ર મોદીના શબ્દો 'લડાઈ થવાની છે'ને એડિટ કરાયા છે અને મોદી અપશબ્દો બોલ્યા એવો દાવો કરાયો છે.
ભાજપના ટ્વિટર હૅન્ડલ પર નરેન્દ્ર મોદીના આ ભાષણનો 47 મિનિટનો આખો વીડિયો મૂકવામાં આવ્યો છે.
ગુજરાતમાં પાણીની સમસ્યા અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાષણમાં વાત કરતા હતા.
તેમણે આ ભાષણમાં આયુષ્માન ભારત યોજના અને કુંભમેળામાં સ્વચ્છતા જેવા મુદ્દાઓ અંગે પણ વાત કરી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો