આરોપના વિવાદ વચ્ચે એ મહત્ત્વના કેસો જેના પર જસ્ટિસ ગોગોઈ સુનાવણી કરશે

ઇમેજ સ્રોત, Getty Images
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ પર તેમના પૂર્વ જુનિયર સહાયકે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. જસ્ટિસ ગોગોઈ આગામી દિવસોમાં ઘણા મહત્ત્વપૂર્ણ કેસની સુનાવણી કરી રહ્યા છે.
સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ ડૉક્ટર સૂરત સિંહનું કહેવું છે કે આગામી દિવસોમાં ચીફ જસ્ટિસ કેટલાક મહત્ત્વના મુદ્દાઓ પર સુનાવણી કરવાના છે, એવામાં તેમના માટે આ સ્થિતિ લિટમસ ટેસ્ટથી ઓછી નહીં હોય.
સૂરત સિંહે સુપ્રીમ કોર્ટનું રિપોર્ટિંગ કરતા વરિષ્ઠ પત્રકાર સુચિત્ર મોહંતીને જણાવ્યું, "આગામી સમય મુશ્કેલીથી ભરપૂર હશે. ચીફ જસ્ટિસ મોદીની બાયૉપિકથી માંડીને રાહુલ ગાંધી વિરુદ્ધ અદાલતની માનહાનિનો કેસ તેમજ ચૂંટણી સંલગ્ન કેસોની સુનાવણી કરશે. આ એમના માટે લિટમસ ટેસ્ટ હશે."
પૂર્વ જુનિયર સહાયકના યૌન શોષણના આરોપના સમાચાર કેટલીક વેબસાઇટ્સ પર પ્રકાશિત થયા બાદ સુપ્રીમ કોર્ટમાં શનિવારે ત્રણ જજોની બેન્ચ બેઠી હતી.
શારીરિક શોષણના આરોપ પર ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે ન્યાયપાલિકાની સ્વતંત્રતા ખતરામાં છે અને આ ન્યાયપાલિકાને અસ્થિર કરવાનું મોટું ષડયંત્ર છે.
એક નજર એ કેસો પર જેની સુનાવણી આગામી દિવસોમાં મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ગોગોઈ કરવાના છે.

રાહુલ ગાંધી વિરુદ્ધની અરજી

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય જનતા પાર્ટીનાં સંસદસભ્ય મીનાક્ષી લેખીએ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ રફાલ ડીલ અંગે આપેલા એક નિવેદનમાં સુપ્રીમ કોર્ટના ઉલ્લેખને લઈને અદાલતના તિરસ્કારની અરજી દાખલ કરેલી છે. રાહુલ ગાંધીએ આજે રજૂ કરેલા જવાબમાં બિનશરતી ખેદ પ્રગટ કર્યો છે. આ કેસની સુનાવણી આવતીકાલે થવાની છે.
અગાઉ જ્યારે સુપ્રીમ કોર્ટે રફાલ કેસ પર ફરી વિચારણાના કેસમાં કેન્દ્ર સરકારે દસ્તાવેજોની યોગ્યતા અંગે રજૂ કરેલો વાંધો ફગાવી દીધો હતો.
એ વખતે રાહુલ ગાંધીએ 'ચોકીદાર ચોર હૈ' અંગે નિવેદન આપ્યુ હતું અને એમાં સુપ્રીમ કોર્ટનો ઉલ્લેખ કર્યો હતો.
મીનાક્ષી લેખીનું કહેવું છે કે રાહુલ ગાંધી સુપ્રીમ કોર્ટના હવાલાથી વડા પ્રધાન મોદી વિરુદ્ધ 'ચોકીદાર ચોર હૈ, 30હજાર કરોડ રૂપિયા આપ્યા' જેવા નિવેદન આપતા રહ્યા છે, જ્યારે સુપ્રીમ કોર્ટે ક્યારેય આવા શબ્દોનો ઉપયોગ કર્યો નથી.
આ મામલે ચીફ જસ્ટિસ આવતીકાલે સુનાવણી કરશે.

તમે આ વાંચ્યું કે નહીં?

મોદીની બાયૉપિક અને ચૂંટણીપંચ
લોકસભાની ચૂંટણી ચાલી રહી છએ ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક પર ચૂંટણીપંચે લાદેલા પ્રતિબંધ સામે ફિલ્મનિર્માતાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ પણ એક મહત્ત્વપૂર્ણ કેસ છે જેની સુનાવણી ચીફ જસ્ટિસ ગોગોઈ કરી શકે છે.

તામિલનાડુનો મતદારોને લાંચનો આપવાનો કેસ

ઇમેજ સ્રોત, Reuters
તામિલનાડુમાં કથિત રીતે ચૂંટણીને પ્રભાવિત કરવાના ઉદ્દેશથી મોટાપાયે મતદારોમાં પૈસા વેચવાના મામલે દાખલ કરાયેલી અરજીની સુનાવણી ચીફ જસ્ટિસ ગોગોઈ કરશે.
સુપ્રીમ કોર્ટે ગયા અઠવાડિયે આ કેસમાં ચૂંટણીપંચ પાસેથી જવાબ માગ્યો હતો.
એ સિવાય ચીફ જસ્ટિસ ગોગોઈ જનહિત સાથે જોડાયેલી અન્ય અરજીઓ પર પણ સુનાવણી કરી શકે છે.

આરોપો વિશે શું બોલ્યા ચીફ જસ્ટિસ?

ચીફ જસ્ટિસના નેતૃત્વવાળી બેન્ચે શારીરિક શોષણના આરોપ પર કોઈ આદેશ પસાર કર્યો નથી અને મીડિયાથી ન્યાયપાલિકાની સ્વતંત્રતાની રક્ષા અંગે સંયમ જાળવવા કહ્યું. ચીફ જસ્ટિસે કહ્યું કે આ આક્ષેપ પાયાવિહોણા છે.
ચીફ જસ્ટિસે કહ્યું કે જે મહિલાએ કથિત રીતે તેમના પર આરોપ લગાવ્યા છે તે ગુનાહિત ભૂતકાળના કારણે ચાર દિવસ માટે જેલમાં પણ હતાં અને ઘણી વખત પોલીસે તેમને સારું વર્તન કરવા માટે આદેશ પણ આપ્યો હતો.
વરિષ્ઠ વકીલ રેબેકા જૉને સોશિયલ મીડિયા પર લખ્યું હતું, "એક મહિલાએ ગંભીર આરોપ લગાવ્યો છે. મેં પ્રેસમાં છપાયેલા અહેવાલોમાં વાંચ્યું છે એ પ્રમાણે તેમણે પોતાની ફરિયાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચાડી દીધી છે."
"સ્વાભાવિક રીતે આ આરોપોની તપાસ બાકી છે."
તેમણે લખ્યું હતુ, "શિષ્ટતાની માગ હતી કે ભવિષ્યમાં કાર્યવાહી નિર્ધારિત કરવા પહેલાં ન્યાયાધીશોની એક બેન્ચનું ગઠન કરવામાં આવતું હતું."
"ષડયંત્રની વાત કરીને હકીકતમાં તમે આ ફરિયાદને બંધ કરી એ સંસ્થાની સ્વતંત્રતા સાથે સમાધાન કર્યું છે, જેના પ્રમુખ તમે પોતે છો."


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો