લોકસભા ચૂંટણી 2019 : જાણો, ગુજરાતની 26 બેઠક, કઈ બેઠક ઉપર કોણ ઉમેદવાર

 • ટીમ બીબીસી ગુજરાતી
 • નવી દિલ્હી
મતદારની તસવીર

ઇમેજ સ્રોત, Bipin Tankaria

2019ની લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં મંગળવારે ગુજરાતની તમામ 26 બેઠક ઉપર ચૂંટણીજંગ જામશે. રાજ્યમાં મુખ્ય સ્પર્ધા ભાજપ અને કૉંગ્રેસની વચ્ચે છે.

ભાજપના અધ્યક્ષ અમિત શાહ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી (કૉંગ્રેસ), તુષાર ચૌધરી (કૉંગ્રેસ) અને મોહન કુંડારિયા (ભાજપ)નાં ભાવિ ઈવીએમમાં સીલ થઈ જશે.

ગુજરાત ઉપરાંત પાડોશના બે કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવમાં મતદાન યોજાશે.

દેશભરમાં 14 રાજ્ય (અને કેન્દ્ર શાસિત પ્રદેશ)ની 115 બેઠક પર મતદાન યોજાશે.

ગુજરાતની 26 સહિત દેશભરની તમામ 543 બેઠકનાં પરિણામ 23મી મેના દિવસે જાહેર થશે.

ગાંધીનગર : અમિત શાહ વિ. ડૉ. સી. જે. ચાવડા

ઇમેજ સ્રોત, GETTY IMAGES/FACEBOOK

ગાંધીનગર (નંબર- 6) બેઠક ઉપર કૉંગ્રેસના ડૉ. સી. જે. ચાવડા તથા ભાજપના અધ્યક્ષ અમિત શાહની વચ્ચે મુખ્ય મુકાબલો રહેશે.

ગત વખતે ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી આ બેઠક પરથી વિજેતા થયા હતા.

 • 2012માં થાનગઢમાં ગોળીબારમાં પુત્ર ગુમાવનારા વાલજીભાઈ રાઠોડ અપક્ષ ઉમેદવાર છે. એ સમયે અમિત શાહ રાજ્ય કક્ષાના ગૃહ મંત્રી હતા.
 • 2002માં ગોધરાકાંડ બાદ ફાટી નીકળેલાં હુલ્લડના પીડિત ફિરોઝખાન પઠાણે અપના દેશ પાર્ટીની ટિકિટ પર અમિત શાહ સામે ઝંપલાવ્યું છે.
 • આ સિવાય પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયી અને શંકરસિંહ વાઘેલા (એ સમયે ભાજપમાં) પણ આ બેઠક પરથી સંસદ સુધી પહોંચ્યા હતા.
 • ગાંધીનગરની લોકસભા બેઠક હેઠળ ગાંધીનગર-પૂર્વ, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી વિધાનસભા આવે છે.
 • આ બેઠક ઉપર 1003707 પુરુષ, 941395 તથા 47 અન્ય સહિત કુલ 1945149 મતદાતા છે.

અમરેલી : પરેશ ધાનાણી વિ. નારણભાઈ કાછડિયા

ઇમેજ કૅપ્શન,

પરેશ ધાનાણી ગુજરાત વિધાનસભામાં વિરોધપક્ષના નેતા

અમરેલી (નંબર- 14) પરથી ભાજપે નારણભાઈ કાછડિયાને રિપીટ કર્યા છે.

તેમની સામે ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી મેદાનમાં છે.

ગત વખતે વીરજીભાઈ ઠુમ્મરને કૉંગ્રેસે ટિકિટ આપી હતી.

 • કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી આ વિસ્તારમાં બે જાહેરસભા સંબોધી ચૂક્યા છે.
 • ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા, મહુવા અને ગારિયાધાર આ લોકસભા બેઠક હેઠળ આવતી વિધાનસભાની બેઠકો છે.
 • 843668 પુરુષ, 784291 મહિલા અને 21 અન્ય સહિત આ બેઠક ઉપર કુલ 1627980 મતદાતા છે.

આણંદ: ભરતસિંહ સોલંકી વિ. મિતેષ પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

અમૂલનું મુખ્ય મથક આણંદમાં

આણંદ (નંબર- 16) બેઠક ઉપર ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને ડૉ. મનમોહનસિંઘ સરકારમાં પૂર્વ મંત્રી ભરતસિંહ સોલંકી ઉમેદવાર છે.

સોલંકી ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી તથા પૂર્વ વિદેશ મંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર છે.

માધવસિંહે ગુજરાતમાં KHAM (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ) સમાજને સાધીને 149 બેઠક ઉપર કૉંગ્રેસને વિજય અપાવ્યો હતો. આ રેકર્ડ હજુ સુધી તૂટ્યો નથી.

સોલંકીની સામે ભાજપે મિતેષ પટેલને ઉતાર્યા છે. પટેલની પર ગોધરાકાંડ બાદ થયેલાં તોફાનમાં સંડોવણીના આરોપ લાગ્યા હતા.

બાદમાં કોર્ટે તેમને આરોપમુક્ત જાહેર કર્યા હતા, જેની સામે ગુજરાત સરકાર હાઈકોર્ટમાં ગઈ છે.

સોલંકીના પિતરાઈ તથા ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ અમિત ચાવડા આ મતક્ષેત્ર હેઠળ આવતી અંકલાવ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે.

અહીં જ અમૂલ મારફત દેશભરમાં 'શ્વેતક્રાંતિ'નાં મંડાણ થયાં હતાં.

આ બેઠક પરંપરાગત રીતે કૉંગ્રેસનો ગઢ રહી છે. ભરતસિંહ સોલંકીના નાના ઇશ્વરસિંહ ચાવડા આ બેઠક ઉપરથી કૉંગ્રેસનું પ્રતિનિધિત્વ કરતા હતા.

ખંભાત, બોરસદ, અંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજિત્રા એમ સાત વિધાનસભા બેઠક આ લોકસભા મતક્ષેત્ર હેઠળ આવે છે.

આ બેઠક ઉપર 854202 પુરુષ, 801032 મહિલા, 108 અન્ય સહિત કુલ 1655342 મતદાતા છે.

આપને આ પણ વાચવું ગમશે

બારડોલી : ડૉ. તુષાર ચૌધરી વિ. પ્રભુભાઈ વસાવા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

બારડોલી સત્યાગ્રહે વલ્લભભાઈ પટેલને 'સરદાર'નું બિરુદ અપાવ્યું

બારડોલી (નંબર- 23) બેઠક પર ડૉ. મનમોહનસિંઘ સરકારમાં મંત્રી ડૉ. તુષાર ચૌધરી અને ભાજપના પ્રભુભાઈ વસાવા વચ્ચે મુખ્ય સ્પર્ધા છે.

ડૉ. ચૌધરી ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર છે. આ બેઠક શિડ્યુલ્ડ ટ્રાઇબ માટે અનામત છે.

 • આ બેઠક પરંપરાગત રીતે કૉંગ્રેસનો ગઢ રહી છે અને મહારાષ્ટ્રની નંદુરબાર બેઠક તેની સાથે જોડાયેલી રહી છે.
 • માંગરોળ (ST), માંડવી (ST), કામરેજ, બારડોલી (SC), મહુવા (ST), વ્યારા (ST) અને નિઝર (ST) વિધાનસભા બેઠકો આ બેઠક હેઠળ આવે છે.

અમદાવાદ-પૂર્વ: એચ. એસ. પટેલ વિ. ગીતાબહેન પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

અમદાવાદની પોળનો અભ્યાસ સંશોધકો માટે રસનો વિષય

અમદાવાદ પૂર્વની બેઠક ઉપર ભાજપના એચ. એસ. પટેલ તથા કૉંગ્રેસનાં ગીતાબહેન પટેલની વચ્ચે મુખ્ય ટક્કર છે.

ગત વખતે ફિલ્મ અભિનેતા પરેશ રાવલ આ બેઠકના સાંસદ હતા.

ગીતાબહેન ગુજરાતમાંથી કૉંગ્રેસનાં એકમાત્ર મહિલા ઉમેદવાર છે.

 • ગુજરાતના એકમાત્ર 'અધર' ઉમેદવાર નરેશ જ્યસ્વાલ ઉર્ફે રાજુ માતાજી આ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર છે.
 • ગીતાબહેન કૉંગ્રેસમાં જોડાયાં તે પહેલાં પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે સંકળાયેલાં હતાં.
 • અમદાવાદમાં નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર તથા બાપુનગર પાટીદાર આંદોલનના ગઢ રહ્યા હતા.
 • ગાંધીનગર દક્ષિણ, દહેગામ, વટવા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર તથા બાપુનગર વિધાનસભા મતવિસ્તાર આ લોકસભાક્ષેત્ર હેઠળ આવે છે.
 • 954055 પુરુષ, 855719 મહિલા અને 67 અન્ય સહિત કુલ 1809841 મતદાતા આ બેઠક ઉપર નોંધાયેલા છે.

અમદાવાદ પશ્ચિમ : ડૉ. કિરીટ સોલંકી વિ. રાજુ પરમાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

અમદાવાદની ત્રણ દરવાજા ખરીદી માટે વિખ્યાત

અમદાવાદ પશ્ચિમ (નંબર- 8) બેઠક પર ભાજપના ડૉ. કિરીટ સોલંકી અને રાજુભાઈ પરમાર વચ્ચે મુખ્ય સ્પર્ધા છે.

ભાજપે ડૉ. સોલંકીને રિપીટ કર્યા છે, ગત વખતે કૉંગ્રેસે ઈશ્વર મકવાણાને ચૂંટણીજંગમાં ઉતાર્યા હતા.

આ બેઠક શિડ્યુલ્ડ કાસ્ટ (SC)ના ઉમેદવારો માટે અનામત છે.

 • કાપડની મીલોને કારણે એક સમયે અમદાવાદ 'માન્ચેસ્ટર' તરીકે ઓળખાતું
 • આ લોકસભા બેઠક હેટળ ઍલિસબ્રિજ, અમરાઈવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા અને અસારવા (SC) બેઠક આવે છે.
 • આ બેઠક ઉપર 851291 પુરુષ, 791404 મહિલા, 25 અન્ય સહિત 1642720 મતદાતા છે.

વડોદરા: રંજનબહેન ભટ્ટ વિ. પ્રશાંત પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

વડોદરાનો લક્ષ્મીવિલાસ પેલેસ દેશના સૌથી મોટા ખાનગી નિવાસસ્થાનોમાંથી એક

વડોદરા (નંબર-20) બેઠક પર ભાજપનાં રંજનબહેન ભટ્ટ અને કૉંગ્રેસના પ્રશાંત પટેલ વચ્ચે મુખ્ય મુકાબલો છે. ભાજપે આ બેઠક પર રંજનબહેનને રિપીટ કર્યાં છે.

કૉંગ્રેસ દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રથમ યાદીમાં જ પ્રશાંત પટેલનું નામ હતું.

ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી વારાણસીની બેઠક ઉપરાંત વડોદરાની બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.

મોદીએ આ બેઠક પરથી રાજીનામું આપતાં રંજનબહેન ભટ્ટને ટિકિટ અપાઈ હતી અને તેઓ વિજેતા થયાં હતાં.

 • સાવલી, વાઘોડિયા, વડોદરા શહેર, સયાજીગંજ, અકોટા, રાવપુરા અને માંજલપુર વિધાનસભા બેઠકો આ લોકસભાક્ષેત્ર હેઠળ આવે છે.
 • આ બેઠક ઉપર 922118 પુરુષ, 872132 મહિલા, 133 અન્ય સહિત કુલ 1794383 મતદાર છે.

સુરત : દર્શનાબહેન જરદોશ વિ. અશોક અધવેડા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

હીરા તથા સાડી ઉદ્યોગ માટે સુરત હબ

સુરત (બેઠક નંબર 24) બેઠક ઉપર ભાજપે દર્શનાબહેન જરદોશને રિપીટ કર્યાં છે, તેમની સામે કૉંગ્રેસે અશોક અધવેડાને ઉતાર્યા છે. ગત વખતે કૉંગ્રેસે નૈષધ દેસાઈને ઉતાર્યા હતા.

કૉંગ્રેસે પાટીદાર નેતા અશોક અધવેડાને ઉતાર્યા છે, જ્યારે દર્શનાબહેન જરદોશ અધર બૅકવર્ડ કાસ્ટનાં નેતા છે.

 • હીરા અને સાડી ઉદ્યોગના હબમાં કાશીરામ રાણાએ ભાજપનો પાયો નાખ્યો હતો.
 • એક સમયે પૂર્વ વડા પ્રધાન મોરારજીભાઈ દેસાઈ આ બેઠક ઉપરથી ઉમેદવાર રહી ચૂક્યા છે.
 • પાટીદાર અનામત આંદોલન સમયે સુરત ગઢ રહ્યું હતું. વિધાનસભા ચૂંટણી દરમિયાન ભાજપનો વિજય થયો હતો.
 • ઓલપાડ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કરંજ, કતારગામ અને સુરત પશ્ચિમ બેઠક આ લોકસભા વિસ્તાર હેઠળ આવે છે.

રાજકોટ : મોહન કુંડારિયા વિ. લલિત કગથરા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

રાજકોટની તત્કાલીની આલ્ફ્રેડ સ્કૂલમાં ગાંધીજીએ અભ્યાસ કર્યો હતો

રાજકોટની બેઠક ઉપર ભાજપે પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયાને રિપીટ કર્યા છે, તો કૉંગ્રેસે લલિત કગથરાને ઉતાર્યા છે. બંને પાટીદાર નેતા છે.

2014માં વડા પ્રધાન મોદીની સાથે તેમણે મંત્રી તરીકે શપથ લીધા બાદમાં 2016માં મોદીએ પ્રધાનમંડળનું પુનર્ગઠન કર્યું ત્યારે તેમને પડતા મૂકવામાં આવ્યા હતા.

વર્ષ 2002માં નરેન્દ્ર મોદીએ જીવનની પ્રથમ ચૂંટણી રાજકોટ-2 (હવે રાજકોટ પશ્ચિમ) પરથી લડી હતી.

મુખ્ય મંત્રી વિજયભાઈ આ બેઠક હેઠળ આવતી રાજકોટ પશ્ચિમનું પ્રતિનિધિત્વ કરે છે.

 • કેશુભાઈ પટેલ તથા વજુભાઈ વાળાએ રાજકોટમાં ભાજપના ગઢ સ્થાપિત કર્યો.
 • 2009માં ભાજપ પાસેથી આ બેઠક ઝૂંટવનારા કુંવરજીભાઈ બાવળિયા હવે ભાજપમાં છે અને રાજ્ય સરકારમાં કૅબિનેટ કક્ષાના મંત્રી છે.
 • ટંકારા, વાંકાનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામીણ (SC) અને જસદણ વિધાનસભા બેઠકો તેના હેઠળ આવે છે.
 • 979670 પુરુષ, 904178 મહિલા, 18 અન્ય સહિત કુલ 1883866 મતદાતા આ લોકસભા બેઠક હેઠળ આવે છે.

ભરૂચ : મનસુખ વસાવા વિ. શેરખાન પઠાણ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ભરૂચનું કબીરવડ તેના વિસ્તારને કારણે વિખ્યાત

1999થી ભરૂચ (નંબર- 23) બેઠક ઉપર વિજેતા મનસુભ વસાવાને ભાજપે આ બેઠક પર રિપીટ કર્યા છે, તેમની સામે કૉંગ્રેસે શેરખાન અબ્દુલ શકુર પઠાણને ઉતાર્યા છે.

કૉંગ્રેસે રાજ્યભરમાંથી જે એકમાત્ર મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે, તે શેરખાન પઠાણ છે.

આ સિવાય ભારતીય ટ્રાઇબલ પાર્ટી છોટુભાઈ વસાવાની ઉમેદવારીએ આ બેઠક ઉપર ત્રિપાંખિયા જંગનો ઘાટ ઊભો કર્યો છે.

રાજ્યભરમાં આ બેઠક ઉપર સૌથી વધુ મુસ્લિમ મતદાર ધરાવે છે.

વિધાનસભા ચૂંટણી પૂર્વે છોટુભાઈ વસાવાએ ભારતીય ટ્રાઇબલ પાર્ટીની સ્થાપના કરી હતી, જે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના આદિવાસી સમુદાય ઉપર પ્રભુત્વ ધરાવે છે.

 • કૉંગ્રેસના અહમદ પટેલ આ બેઠક ઉપરથી 1984માં ચૂંટાયા હતા. ત્યારથી કોઈ મુસ્લિમ ઉમેદવાર ભરૂચ કે ગુજરાતમાંથી ચૂંટાયા નથી.
 • આ લોકસભા બેઠક હેઠળ નર્મદા જિલ્લો આવે છે, જેને પછાત વિસ્તારની ગ્રાન્ટ મળે છે.
 • કરજણ, ડેડિયાપાડા (ST), જંબુસર, વાગરા, ઝઘડિયા (ST), ભરૂચ અને અંકલેશ્વર વિધાનસભા ક્ષેત્ર આ લોકસભા બેઠક હેઠળ આવે છે.
 • 804547 પુરુષ, 759617 મહિલા તથા 41 અન્ય સહિત કુલ 1564205 મતદાર આ બેઠક ઉપર નોંધાયેલા છે.

મહેસાણા: શારદાબહેન પટેલ વિ. એ. જે. પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

દૂધસાગર ડેરીનો મહેસાણાના લાખો પશુપાલકો ઉપર પ્રભાવ

ભાજપે મહેસાણા (નંબર 4) પર શારદાબહેન પટેલને ચૂંટણીજંગમાં ઉતાર્યાં છે. તેમના પતિ અનિલ પટેલ ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકારમાં ઉદ્યોગ મંત્રી હતા. ગત વર્ષે તેમનું નિધન થયું હતું.

કૉંગ્રેસે એ. જે. પટેલને ઉમેદવાર બનાવ્યા છે. મહેસાણાનું વીસનગર પાટીદાર અનામત આંદોલનનું ઍપિસેન્ટર મનાતું.

 • 1984માં ભાજપનો માત્ર બે બેઠક ઉપર વિજય થયો હતો, જેમાં મહેસાણા પણ સમાવિષ્ટ હતી.
 • દૂધસાગર ડેરી સાથે સંકળાયેલા પશુપાલક આ બેઠક ઉપર નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
 • ઊંઝાની બેઠક ઉપરથી કૉંગ્રેસનાં ધારાસભ્ય આશાબહેન પટેલ આ વખતે પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી મેદાનમાં ઊતર્યાં છે.
 • ઊંઝા, વીસનગર, બેચરાજી, કડી (SC), મહેસાણા, વીજાપુર અને માણસા વિધાનસભા બેઠકો આ લોકસભા ક્ષેત્ર હેઠળ આવે છે.
 • ઊંઝાની બેઠક ઉપર 113995 પુરુષ, 105578 મહિલા તથા અન્ય ત્રણ સહિત કુલ 219576 મતદાતા છે.
 • 853200 પુરુષ, 794234 મહિલા, 36 અન્ય સહિત આ બેઠક ઉપર કુલ 1647470 મતદાતા છે.

જામનગર: પૂનમ માડમ વિ. મૂળુભાઈ કંડોરિયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

જામનગરમાં હવાઈદળ, નૌકાદળ તથા સેનાના મથક

જામનગર (નંબર 12) બેઠક ઉપરથી ભાજપે પૂનમબહેન માડમને રિપીટ કર્યાં છે, જ્યારે કૉંગ્રેસે મૂળુભાઈ કંડોરિયાને ચૂંટણીમેદાનમાં ઉતાર્યા છે.

લોકસભાની સાથે જામનગર ગ્રામીણની બેઠક ઉપર વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ રહી છે.

કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા વલ્લભ ધારવિયાએ રાજીનામું આપતા પેટાચૂંટણી યોજવાની જરૂરિયાત ઊભી થઈ હતી.

ભાજપે આ બેઠક ઉપરથી અગાઉ કૉંગ્રેસના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલને ઉમેદવાર બનાવ્યા છે, તેમની સામે જયંતીભાઈ સભાયા છે.

 • જામનગરની બેઠકને 'બૅલવેધર' સીટ માનવામાં આવે છે. ગત પાંચ વખતના ટ્રૅન્ડ જોઈએ તો આ બેઠક ઉપર જે પાર્ટી વિજેતા થાય તે કેન્દ્રમાં સરકાર બનાવે.
 • રિલાયન્સ અને ઍસ્સાર જેવી પેટ્રોલિયમ રિફાઇનરી આવેલી હોવાથી આ જિલ્લાને દેશના 'પેટ્રો-કૅપિટલ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
 • હિંદુઓનાં ચાર પવિત્ર ધામમાંથી એક દ્વારકા આ બેઠક હેઠળ આવે છે.
 • કાલાવડ (SC), જામનગર ગ્રામીણ, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા તથા દ્વારકા,
 • જામનગર ગ્રામીણની બેઠક ઉપર 120045 પુરુષ અને 111543 મહિલા સહિત કુલ 231588 મતદાતા છે.
 • 856751 પુરુષ, 799231 મહિલા, 24 અન્ય સહિત કુલ 1656006 મતદાતા આ લોકસભા બેઠક હેઠળ નોંધાયેલા છે.

ભાવનગર : ડૉ. ભારતીબહેન શિયાળ વિ. મનહર પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ભાવનગરના અલંગમાં દેશ-વિદેશથી જહાજ ભાંગવા માટે આવે છે

ભાવનગર (નંબર 15) બેઠક પરથી ભાજપે મહિલા ઉમેદવાર ડૉ. ભારતીબહેન શિયાળને રિપીટ કર્યાં છે, ગત વખતે તેમણે કૉંગ્રેસના પ્રવીણ રાઠોડને પરાજય આપ્યો હતો.

આ વખતે કૉંગ્રેસે પાટીદાર સમાજના મનહર પટેલને ટિકિટ આપી છે. જ્યારે ડૉ. શિયાળ કોળી સમુદાયનાં છે.

ડૉ. ભારતીબહેન શિયાળ આ બેઠક ઉપરથી ચૂંટાયેલાં પ્રથમ મહિલા સાંસદ છે.

બોટાદ અને ગઢડા વિધાનસભા બેઠક ઉપર સ્વામિનારાયણ સમુદાયના અનુયાયીઓનું પ્રભુત્વ છે.

તળાજા, પાલિતાણા, ભાવનગર ગ્રામીણ, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ગઢડા તથા બોટાદ આ લોકસભા હેઠળ આવતી વિધાનસભા બેઠકો છે.

919883 પુરુષ, 847122 મહિલા, 35 અન્ય સહિત કુલ 1767040 મતદાતા નોંધાયેલા છે.

જૂનાગઢ : રાજેશ ચૂડાસમા વિ. પૂંજા વંશ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

એશિયાટિક સિંહો માટે ગુજરાતનું જૂનાગઢ વિખ્યાત

જૂનાગઢની બેઠક ઉપર ભાજપે રાજેશ ચૂડાસમાને રિપીટ કર્યા છે, સામે કૉંગ્રેસે પૂંજા વંશને ટિકિટ આપી છે.

2014માં પણ ચૂડાસમાએ તેમના હરીફ વંશને પરાજય આપ્યો હતો. બંને ઉમેદવાર કોળી સમુદાયના છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ગુજરાતના ચૂંટણીપ્રચારની શરૂઆત જૂનાગઢ ખાતેથી કરી હતી.

 • હિંદુઓનાં 12 પવિત્ર શિવલિંગોમાંનું એક સોમનાથ આ બેઠક હેઠળ આવે છે.
 • કેસર કેરી માટે વિખ્યાત તાલાલા પણ આ લોકસભા બેઠક હેઠળ જ આવે છે.
 • જૂનાગઢ, વીસાવદર, માંગરોળ, સોમનાથ, તાલાલા, કોડીનાર તથા ઊના લોકસભા ક્ષેત્ર હેઠળ આવતી વિધાનસભા બેઠકો છે.
 • 847660 પુરુષ, 793852 મહિલા અન્ય 16 સહિત કુલ 1641528 મતદાતા છે.

સુરેન્દ્રનગર : ડૉ. મહેન્દ્ર મુંજપરા વિ. સોમાભાઈ પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

સુરેન્દ્રનગરનું ખારઘોડા મીઠાના ઉત્પાદન માટે વિખ્યાત

કૉંગ્રેસે સુરેન્દ્રનગર (નંબર- 9) બેઠકથી સોમાભાઈ પટેલને રિપીટ કર્યા છે. જ્યારે ભાજપે દેવજીભાઈ ફતેપરાના સ્થાને ડૉ. મહેન્દ્ર મુંજપરાને ટિકિટ આપી છે.

લગભગ 40 કોળી સમુદાયની વસ્તી ધરાવતી આ બેઠક પર બંને પક્ષ પરંપરાગત રીતે કોળી ઉમેદવારને જ મેદાનમાં ઉતારે છે.

ધ્રાંગધ્રા બેઠક ઉપર કૉંગ્રેસે દિનેશ પટેલને ટિકિટ આપી છે. કૉંગ્રેસના ધારાસભ્ય પરસોતમ સાબરિયાના રાજીનામાને કારણે આ બેઠક ખાલી પડી હતી. સાબરિયા આ વખતે ભાજપમાંથી ઉમેદવાર છે.

 • ચોટીલા હેઠળ આવતું થાનગઢ સિરામિક ઉદ્યોગ માટે વિખ્યાત છે.
 • ચોટીલાના ડુંગર ઉપર આવેલું ચામુંડા માતાનું મંદિર પણ જાણીતું છે. વઢવાણનાં મરચાં વખણાય છે.
 • વીરમગામ, ધંધૂકા, દસાડા (SC), લીમડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા વિધાનસભા ક્ષેત્ર આ લોકસભા બેઠક હેઠળ આવે છે.
 • 969752 પુરુષ, 878093 મહિલા, 33 અન્ય સહિત આ બેઠક પર કુલ 1847878 મતદાતા છે.

પોરબંદર : રમેશ ધડુક વિ. લલિત વસોયા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પોરબંદરના કીર્તિ મંદિર ખાતે મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો

પોરબંદરની (નંબર- 11) બેઠક ઉપરથી ભાજપે રમેશભાઈ ધડૂકને અને કૉંગ્રેસે લલિત વસોયાને ટિકિટ આપી છે.

ગત વખતે ભાજપના વિઠ્ઠલભાઈ રાદડિયાએ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના કાંધલ જાડેજાને પરાજય આપ્યો હતો. ગત વખતે એનસીપી તથા કૉંગ્રેસ વચ્ચે ગઠબંધન હતું.

આ સાથે માણાવદરની પણ પેટાચૂંટણી યોજાઈ રહી છે. ભાજપે કૉંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા આહીર સમુદાયના નેતા જવાહર ચાવડાને ટિકિટ આપી છે. કૉંગ્રેસે અરવિંદભાઈ લાડાણીને ઉમેદવાર બનાવ્યા છે.

લલિત વસોયા પાટીદાર અનામત આંદોલનમાંથી બહાર નીકળેલા નેતા છે.

 • પોરબંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ છે.
 • જેતપુરનો સાડી ઉદ્યોગ ગુજરાતમાં વિખ્યાત છે.
 • ગોંડલ, જેતપુર, ધોરાજી, પોરબંદર, કુતિયાણા, માણાવદર અને કેશોદ વિધાનસભાક્ષેત્ર આ બેઠક હેઠળ આવે છે.
 • આ બેઠક ઉપર 863973 પુરુષ, 796947મહિલા તથા 12 અન્ય સહિત કુલ 1660932 મતદાતા નોંધાયેલા છે.

કચ્છ : વિનોદભાઈ ચાવડા વિ. નરેશ મહેશ્વરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

કચ્છનું રણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર

ગુજરાતમાં શિડ્યુલ્ડ કાસ્ટ માટે અનામત બે બેઠકમાંથી એક કચ્છ (નંબર- 1) બેઠક છે. ભાજપે વિનોદભાઈ ચાવડા તથા કૉંગ્રેસે નરેશ મહેશ્વરીને ચૂંટણીજંગમાં ઉતાર્યા છે. વિનોદ ચાવડા ગત વખતે પણ ભાજપમાંથી ચૂંટાયા હતા.

1996થી આ બેઠક ભાજપનો ગઢ રહી છે. પુષ્પદાન ગઢવી આ બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા.

 • અંજાર ગુજરાત સહિત દેશભરમાં સૂડી-ચપ્પાં માટે જાણીતું છે.
 • આ બેઠક હેઠળ આવતું મોરબી ઘડિયાળ તથા સિરામિક ઉદ્યોગ માટે વિખ્યાત છે.
 • અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર તથા મોરબી આ લોકસભા બેઠક હેઠળ આવતી વિધાનસભા બેઠકો છે.
 • 908813 પુરુષ, 835000 મહિલા તથા 12 અન્ય સહિત કુલ 1743825 મતદાતા કચ્છ લોકસભા બેઠક હેઠળ નોંધાયેલા છે.

ખેડા: દેવુસિંહ ચૌહાણ વિ. બિમલ શાહ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ધોળકાનો પશુ મેળો ગુજરાતમાં વિખ્યાત

ખેડા (નંબર- 17) બેઠક ઉપર ભાજપના દેવુસિંહ ચૌહાણ વિરુદ્ધ બિમલ શાહ ચૂંટણીજંગમાં છે. શાહ કૉંગ્રેસે ચૂંટણીજંગમાં ઉતારેલા એકમાત્ર વણિક ઉમેદવાર છે.

ભાજપે ચૌહાણને રિપીટ કર્યા છે, ગત વખતે તેમની સામે કૉંગ્રેસે દીનશા પટેલને ઉતાર્યા હતા.

 • ધોળકામાં આવેલા લોથલ સંસ્કૃતિના અવશેષો દેશભરના પુરાતત્ત્વવિદોને આકર્ષે છે.
 • આ વિસ્તાર તમાકુના વાવેતર માટે વિખ્યાત છે
 • દસક્રોઈ, ધોળકા, માતર, નડિયાદ, મહેમદાબાદ, મહુધા અને કપડવંજ આ લોકસભા હેઠળ આવતી વિધાનસભા બેઠકો છે.
 • 930096 પુરુષ, 872965 મહિલા તથા 72 અન્ય સહિત કુલ 1803133 મતદાતા નોંધાયેલા છે.

પંચમહાલ: રતનસિંહ રાઠોડ વિ. વી. કે. ખાંટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

બાલાસિનોરનો ડાયનોસોર પાર્ક ભારતમાં વિખ્યાત

પંચમહાલ (નંબર- 18) રતનસિંહ રાઠોડની સામે કૉંગ્રેસે વી. કે. ખાંટને ઉતાર્યા છે. ગત લોકસભામાં ચૂંટાયેલા પ્રભાતસિંહ ચૌહાણને ભાજપે પડતા મૂક્યા છે.

2002માં ગોધરા ખાતે રેલવે સળગાવી નાખવામાં આવી હતી, જેના કારણે રાજ્યભરમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં.

 • અહીં આવેલું ડાયનોસોર પાર્ક ભારતભરમાં વિખ્યાત છે.
 • ઠાસરા, બાલાસિનોર, લુણાવાડા, શેહરા, મોરવાહરફ (ST), ગોધરા અને કલોલ વિધાનસભા ક્ષેત્રો છે.
 • 897121 પુરુષ, 846097 મહિલા તથા અન્ય 15 સાથે આ બેઠક કુલ 1743233 મતદાર ધરાવે છે.

દાહોદ: જસવંતસિંહ ભાભોર વિ. બાબુભાઈ કટારા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ગરબાડામાં નવવર્ષના દિવસે માલિકો તેમના પશુને પોતાની ઉપરથી પસાર થવા દે છે

દાહોદ (નંબર 19) બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠક છે. વર્તમાન સાંસદ જશવંતસિંહ ભાભોર ફરી એક વખત આ બેઠક ઉપરથી કિસ્મત અજમાવશે.

ગત વખતે તેમની સામે ડૉ. પ્રભાબહેન તાવિયાડ હતાં.

 • દાહોદ બેઠક હેઠળ આવતી દેવગઢ બારિયા વિધાનસભા એકમાત્ર બિનઅનામત બેઠક છે.
 • સંતરામપુર (ST), ફતેપુરા (ST), ઝાલોદ (ST), લીમખેડા (ST), દાહોદ, ગરબાડા (ST) અને દેવગઢ બારિયા આ લોકસભા ક્ષેત્ર હેઠળ આવતી વિધાનસભા બેઠકો છે.
 • 802793 પુરુષ, 795061 મહિલા તથા 16 અન્ય સહિત આ બેઠક કુલ 1597870 મતદાર નોંધાયેલા છે.

છોટા ઉદેપુર : ગીતાબહેન રાઠવા વિ. રણજિત રાઠવા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

હાલોલની મધ્યમાં આવેલા સિકંદર ખાનના રોજાને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો

ભાજપે રામસિંહ રાઠવાને પડતા મૂકીને મહિલા ઉમેદવાર ગીતાબહેન રાઠવાને છોટા ઉદેપુર(નંબર 21)થી ચૂંટણીજંગમાં ઉતાર્યાં છે. તેમની સામે રણજિત રાઠવા છે.

ગત વખતે કૉંગ્રેસે મનમોહનસિંઘ સરકારમાં મંત્રી નારણ રાઠવાને ટિકિટ આપી હતી.

 • ગુજરાતમાં જેતપુર નામથી બે વિધાનસભા ક્ષેત્ર આવેલાં છે. છોટા ઉદેપુરના જેતપુરનો બેઠક ક્રમાંક 138 છે, જે એસટી ઉમેદવારો માટે અનામત છે.
 • જ્યારે પોરબંદરની બેઠક હેઠળ આવતા જેતપુરનો બેઠક ક્રમાંક 74 છે.
 • સંખેડાનાં લાકડાંનાં રમકડાં ગુજરાત સહિત દેશભરમાં વિખ્યાત છે.
 • છોટાઉદેપુર લોકસભા ક્ષેત્ર હેઠળ હાલોલ, છોટા ઉદેપુર (ST), જેતપુર(ST), સંખેડા, ડભોઈ, પાદરા અને નાંદોદ, આવે છે.
 • 861728 પુરુષ, 808813 મહિલા તથા 11 અન્ય સહિત કુલ 1670552 મતદાર ઉમેદવારોનાં ભાવિનો નિર્ણય લશે.

બનાસકાંઠા : પરબત પટેલ વિ. પર્થી ભટોળ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

ડીસાના બટાટા ફ્રેન્ચ ફ્રાઇઝ માટે અનુકૂળ મનાય છે

ભાજપે મોદી સરકારના મંત્રી હરિભાઈ ચૌધરીને પડતા મૂકીને પરબત પટેલને ટિકિટ આપી છે. તેમની સામે પર્થી ભટોળને કૉંગ્રેસે ટિકિટ આપી છે. ગત વખતે જોઈતા પટેલ કૉંગ્રેસના ઉમેદવાર હતા.

અહીં આવેલી બનાસ ડેરી વિખ્યાત છે અને સ્થાનિક પશુપાલકો પર તેનું પ્રભુત્વ છે.

 • ડીસાના બટાટા તથા પાલનપુરનું અત્તર વિખ્યાત છે.
 • વાવ, થરાદ, ધાનેરા, દાંતા, પાલનપુર, ડીસા તથા દિયોદર વિધાનસભા ક્ષેત્ર આ લોકસભા બેઠક હેઠળ આવે છે.
 • આ બેઠક ઉપર 889561 પુરુષ, 806548 મહિલા તથા ચાર અન્ય સહિત કુલ 1696113 મતદાતા નોંધાયેલા છે.

સાબરકાંઠા : દીપસિંહ રાઠોડ વિ. રાજેન્દ્ર ઠાકોર

ઇમેજ સ્રોત, gUJARAT TOURISM

ઇમેજ કૅપ્શન,

ઇડરનો ગઢ

આ વખતે વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડ તથા રાજેન્દ્ર ઠાકોર વચ્ચે ચૂંટણીજંગ જામશે. દીપસિંહ ફરી એક વખત ભાજપની ટિકિટ ઉપર કિસ્મત અજમાવશે.

ગત વખતે કૉંગ્રેસે શંકરસિંહ વાઘેલાને ટિકિટ આપી હતી. ભાજપથી રાજકીય કારકિર્દી શરૂ કરનારા શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પાર્ટીની સ્થાપના કરી હતી.

 • કૉંગ્રેસમાંથી અલગ થયા બાદ 2017ની વિધાનસભા ચૂંટણી સમયે તેમણે જનવિકલ્પ મોરચા નામનો પક્ષ સ્થાપ્યો હતો. આ વખતે તેઓ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીમાં સામેલ છે.
 • ઇડરનો ગઢ ગુજરાતમાં વિખ્યાત છે.
 • હિંમતનગર, ઇડર (SC), ખેડબ્રહ્મા (ST), ભિલોડા (ST), મોડાસા, બાયડ તથા પ્રાંતિજ વિધાનસભા બેઠળ આ લોકસભા મતવિસ્તાર હેઠળ આવે છે.
 • 921444 પુરુષ, 875714 મહિલા અને 53 અન્ય સહિત 1797211 મતદાર નોંધાયેલા છે.

પાટણ: ભરતસિંહ ડાભી વિ. જગદીશ ઠાકોર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

રૂ. 100ની નવી નોટ ઉપર રાણી કી વાવને સ્થાન

ગત વખતે ભાજપના લીલાધર વાઘેલા તથા કૉંગ્રેસના ભાવસિંહ રાઠોડ વચ્ચે ચૂંટણીજંગ થયો હતો. આ વખતે ભાજપે ભરતસિંહ ડાભી, તો કૉંગ્રેસે જગદીશ ઠાકોરને ટિકિટ આપી છે.

 • પાટણમાં આવેલી ઐતિહાસિક રાણકી વાવને રૂ. 100ની નવી ચલણી નોટ પર સ્થાન આપવામાં આવ્યું છે.
 • હિંદુઓ માટે સિદ્ધપુર માતૃશ્રાદ્ધ માટેનું સ્થાન છે.
 • વડગામ, કાંકરેજ, રાધનપુર, ચાણસ્મા, પાટણ, સિદ્ધપુર અને ખેરાલુ આ લોકસભા બેઠક હેઠળનાં વિધાનસભા ક્ષેત્રો છે.
 • 936818 પુરુષ, 868384 મહિલા તથા 21 અન્ય સહિત કુલ 1805223 મતદાર નોંધાયેલા છે.

વલસાડ: ડૉ. કે. સી. પટેલ વિ. જીતુ ચૌધરી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ધરમપુરના લેડી વિલ્સન મ્યૂઝિયમ ખાતે બ્લૂ વ્હેલનું હાડપિંજર

એસટી સમુદાય માટે અનામત વલસાડ (26 નંબર) બેઠક ઉપર ડૉ. કે. સી. પટેલ ફરી વખત ભાજપની ટિકિટ ઉપર ચૂંટણીજંગમાં છે.

ગત વખતે ડૉ. પટેલની સામે કિશન પટેલ હતા તો આ વખતે જીતુ ચૌધરીએ તેમની સામે ચૂંટણીજંગમાં ઝંપલાવ્યું છે.

 • આ બેઠક માટે એવું કહેવાય છે કે જે પક્ષ આ બેઠક જીતે, તે કેન્દ્રમાં સરકાર બનાવે છે.
 • વલસાડની હાફૂસ કેરી તથા ચીકૂ રાજ્યભરમાં વિખ્યાત છે.
 • ડાંગ (ST), વાંસદા (ST), ધરમપુર (ST), વલસાડ, પારડી, કપરાડા (ST) અને ઉંબરગાંવ (ST)એ આ લોકસભાક્ષેત્ર હેઠળની વિધાનસભા બેઠકો છે.
 • 853031 પુરુષ, 817823 મહિલા, 14 અન્ય સહિત કુલ 1670868 મતદાર આ લોકસભા ક્ષેત્ર માટે નોંધાયેલા છે.

નવસારી: સી. આર. પાટીલ વિ. ધર્મેશ પટેલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

13મી સદીમાં પારસીઓ ગુજરાતમાં આવ્યાં

નવસારી (નંબર 25) બેઠક ઉપર ભાજપના સાંસદ સી. આર. પાટીલ ફરી એક વખત ચૂંટણીજંગમાં છે.

ગત વખતે કૉંગ્રેસે મકસૂદ મિર્ઝાને ટિકિટ આપી હતી, આ વખતે ધર્મેશ પટેલને ચૂંટણીમેદાનમાં ઉતાર્યા છે.

 • લિંબાયત, ઉધના, મજૂરા, ચોર્યાસી, જાલાપોર, નવસારી તથા ગણદેવી (ST) આ લોકસભા બેઠક હેઠળ આવતી વિધાનસભા બેઠકો છે.
 • 1076400 પુરુષ, 894988 મહિલા તથા 77 અન્ય સહિત કુલ 1971465 મતદાર આ બેઠક ઉપર નોંધાયેલા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો