મતદાન સમયે EVMમાં ખામી છે કે નહીં, કેવી રીતે ખબર પડે?

  • ટીમ બીબીસી ગુજરાતી
  • નવી દિલ્હી
મતદાતાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

સોમવારે ગુજરાતની છ સહિત દેશભરમાં 51 વિધાનસભા બેઠક ઉપર પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ સિવાય મહારાષ્ટ્ર તથા હરિયાણામાં નવી વિધાનસભાનું ગઠન થશે.

ગુજરાતમાં રાધનપુર (પાટણ જિલ્લો), બાયડ (અરવલ્લી જિલ્લો), અમરાઈવાડી (અમદાવાદ જિલ્લો), ખેરાલુ (મહેસાણા જિલ્લો), થરાદ (બનાસકાંઠા જિલ્લો) અને લુણાવડા (મહિસાગર) ઉપર પેટાચૂંટણી યોજાઈ રહી છે.

ચૂંટણીપંચ દ્વારા 'સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર' નક્કી કરવામાં આવી છે, જેથી મતદાન પૂર્વે કે પછી ઈવીએમ સાથે ચેડા ન થઈ શકે.

છતાં મતદારના મગજમાં સવાલ રહે, 'મારો મત બરાબર રીતે નોંધાયો છે કે કેમ?'

અમુક સાવચેતી, કાળજી અને સતર્કતા દ્વારા આ વાતની ખાતરી થઈ શકે છે.

ગુરુવારે તમામ પેટાચૂંટણીની સાથે હરિયાણા અને મહારાષ્ટ્રમાં આગામી સરકાર કોણ બનાવશે તે નક્કી થશે?

ખાતરી કઈ રીતે થાય?

ઇમેજ કૅપ્શન,

પોલિંગ અધિકારી બૅલેટ બટન દબાવે પછી જ મતદાન થઈ શકે

પસંદગીના ઉમેદવારોનાં નામ અને ચૂંટણીચિહ્ન સામેનું 'બ્લૂ બટન' દબાવો એટલે તેની સામે રહેલી લાઇટ થશે અને બીપનો અવાજ સંભળાશે.

આમ 'દૃશ્ય અને શ્રાવ્ય' માધ્યમથી મતદાર તેનો મત રેકર્ડ થયો હોવાની ખાતરી કરી શકે છે.

મતદાનના દિવસે વહેલી સવારે EVMs પોલિંગ બૂથ પર પહોંચે અને મતદાન શરૂ થાય તે પહેલાં રાજકીય પક્ષોનાં પ્રતિનિધિઓની હાજરીમાં કમ સે કમ 50 મતોનું 'મૉક પૉલ' કરાવવામાં આવે છે, જેથી કરીને સંદિગ્ધતાને કોઈ અવકાશ ન રહે.

રાજકીય પક્ષો અવારનવાર ઈવીએમની વિશ્વસનિયતા ઉપર સવાલ ઉઠાવતા રહ્યા છે, પરંતુ ચૂંટણીપંચે દરેક વખતે આ આરોપોને નકાર્યા છે.

ફરી બટન દાબીએ તો?

ઇમેજ કૅપ્શન,

લાખના સીલ, વિશિષ્ટ પટ્ટી તથા પોલિંગ એજન્ટ્સની સહી EVMની પેટી ઉપર લેવામાં આવે છે

એક વખત બૅલેટ યુનિટ ઉપરનું બ્લૂ બટન દબાવો એટલે ચોક્કસ ઉમેદવારને આપવામાં આવેલો મત નોંધાય જાય છે અને મશીન ફરી 'લૉક' થઈ જાય છે.

જો ફરીથી કે વારંવાર બટન દબાવવામાં આવે તો પણ મત રેકર્ડ થતો નથી. આમ 'એક વ્યક્તિ, એક મત'ના સિદ્ધાંત સાથે ચેડા નથી થઈ શકતા.

પ્રિસાઇડિંગ ઓફિસર કંટ્રોલ યુનિટમાં 'બૅલેટ બટન' દબાવે પછી જ બીજો મત નોંધાય શકે છે.

સોશિયલ મીડિયા ઉપર ઘણી વખત એવી અફવાઓ વહેતી થાય છે કે બટન દબાવવાથી શોક લાગી શકે છે.

ચૂંટણીપંચનું કહેવું છે કે આ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપશો અને EVM સંપૂર્ણપણે સુરક્ષિત છે.

જો આપના મતવિસ્તારમાં લોકસભાની સાથે વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજાઈ રહી હોય તો તેના માટે અલગથી EVM અને VVPAT સેટ મૂકવામાં આવશે.

VVPAT સાથે શું કરવાનું?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

VVPATમાં સાત સેકંડ સુધી સ્લીપ દેખાશે

મતદાર મતદાન કરવા પહોંચે તે પહેલાં VVPATમાંથી બરાબર રીતે પ્રિન્ટ નીકળે છે કે કેમ તેની ખાતરી 50 મત નાખીને 'મૉક પૉલ' રાજકીયપક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં કરવામાં આવે છે.

મતદારે VVPATની સાથે કશું નથી કરવાનું હોતું. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ, દરેક EVM (ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન)ની સાથે VVPAT (વોટર વૅરિફાયેલબલ પેપર ઑડિટ ટ્રૅલ)માંથી એક સ્લીપ નીકળશે, જેની ઉપર ઉમેદવારનું નામ અને પક્ષ છપાયેલાં હશે.

આ સ્લીપ સાત સેકંડ સુધી તમારી નજરની સામે રહેશે અને પછી એક ડબ્બામાં પડી જશે.

આમ વધુ એક રીતે મતદાર ખાતરી કરી શકે છે કે તેણે જે પાર્ટી કે ઉમેદવારને મત આપ્યો છે, તેને જ મળ્યો છે કે કેમ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો