CJI પર જાતીય સતામણીનો આરોપ, #MeToo કરતાં પણ મોટો મામલો કેમ છે?

  • દિવ્યા આર્ય
  • બીબીસી સંવાદદાતા
રંજન ગોગોઈ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ પર એક મહિલા દ્વારા લગાવવામાં આવેલા જાતીય શોષણના મામલે હવે મહિલા વકીલોના સંગઠન 'વુમેન ઇન ક્રિમિનલ લૉ ઍસોસિએશન'એ એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે.

જેમાં લખ્યું છે કે 'હોદ્દા અને શક્તિમાં આટલું અંતર હોવાના કારણે અમને લાગે છે કે આરોપની તપાસ દરમિયાન મુખ્ય ન્યાયાધીશે પોતાના પદ પર ન રહેવું જોઈએ.'

આ મહિલા મુખ્ય ન્યાયાધીશની ઑફિસમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે કામ કરી ચૂક્યાં છે.

જાતીય સતામણીના આવા આરોપ લાગવા પર તપાસની રીત અને કાયદો આ જ કોર્ટે નક્કી કર્યો હતો. પરંતુ હાલ તેઓ તેને લાગુ કરી રહ્યા નથી.

જાતીય સતામણીને રોકવા માટે બનાવવામાં આવેલા કાયદા, 'સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઑફ વુમેન એટ વર્કપ્લેસ (પ્રિવેન્શન, પ્રોહિબિશન એન્ડ રિડ્રેસલ)' 2013નો હવાલો આપીને હવે ન માત્ર આ આરોપની નિષ્પક્ષ તપાસ કરવામાં આવી રહી છે પણ મુખ્ય ન્યાયાધીશની તપાસ દરમિયાન તેમના પદ છોડવાની માગ પણ ઊઠી રહી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ન્યાયપાલિકાની મોટી પરીક્ષા

ઇમેજ સ્રોત, Reuters

સુપ્રીમ કોર્ટમાં વરિષ્ઠ વકીલ ઇંદિરા જયસિંહે બીબીસી સાથે વાતચીતમાં કહ્યું કે આ એ માટે જરૂરી છે કેમ કે સંસ્થાના પ્રમુખ પદે રહીને એક વ્યક્તિ તેના વહીવટી કાર્યમાં દખલગીરી કરી શકે છે.

આ માગ પર મહિલા વકીલો સિવાય એક હજાર કરતાં વધારે લોકોએ હસ્તાક્ષર કર્યા છે.

#MeToo અભિયાન દરમિયાન ગત વર્ષ ઓક્ટોબરમાં સરકારમાં રાજ્ય મંત્રી રહી ચૂકેલા એમ.જે.અકબરે પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

20 મહિલા પત્રકારોએ અકબર પર જાતીય સતામણીના આરોપ લગાવ્યા હતા. આ મહિલાઓ પર આરોપ હતો કે 'ધ એશિયન એજ' અને અન્ય સમાચારપત્રોના તંત્રી તરીકે ફરજ બજાવતા અકબરે તેમનું જાતીય શોષણ કર્યું હતું.

ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ પર લાગેલા આરોપ ન્યાયપાલિકા સામે મોટી પરીક્ષા છે.

આ ગુપ્ત રીતે નામ છુપાવીને સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી ફરિયાદ નથી, પરંતુ કાયદા અંતર્ગત ઍફિડેવિટ સાથે કરવામાં આવેલી ન્યાયની સાર્વજનિક અપીલ છે. તેની સુનાવણી આગામી સમય માટે મોટી પરીક્ષા બનશે.

ઇંદિરા જયસિંહે કહ્યું, "સુપ્રીમ કોર્ટની જવાબદારી છે કે તેઓ મામલાની તપાસ માટે વધારેમાં વધારે વિશ્વસનીયતા ધરાવતા લોકોની કમિટી બનાવે. જો એવું ન થયું તો તે સુપ્રીમ કોર્ટની વિશ્વસનીયતાને જ ઓછી કરી નાખશે."

પ્રેસ રિલીઝમાં પણ આ કાર્યવાહીની ટીકા કરતા એવું કહેવામાં આવ્યું છે કે સુનાવણીનો મુદ્દો આ રીતે નક્કી કરીને મામલાને જાતીય સતામણીના મુદ્દાથી વાળીને બીજી દિશામાં ધકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

'ન્યાયિક શક્તિનો દુરુપયોગ'

ઇમેજ સ્રોત, Getty Images

સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અત્યાર સુધીની કાર્યવાહી સવાલોના ઘેરામાં આવી ગઈ છે.

મુખ્ય ન્યાયાધીશ માટે જુનિયર આસિસ્ટન્ટ તરીકે કામ કરી ચૂકેલાં એક મહિલાએ જ્યારે તેમના પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો તો તપાસના આદેશ આપવાની જગ્યાએ શનિવારના રોજ એક બૅન્ચ રચના કરીને તત્કાલ સુનાવણી થઈ કે જેની અધ્યક્ષતા મુખ્ય ન્યાયાધીશે જાતે કરી હતી.

મુદ્દો હતો, "ન્યાયપાલિકાની સ્વતંત્રતા સાથે જોડાયેલા એક સાર્વજનિક હિતના મામલા"ની સુનાવણી.

વરિષ્ઠ પત્રકાર અને લેખક મનોજ મિટ્ટા સુપ્રીમ કોર્ટ અને કાયદાકીય કેસને લાંબા સમયથી કવર કરી રહ્યા છે.

આ મુદ્દા પર બીબીસી સાથે વાત કરતા તેમણે કહ્યું કે, ઉતાવળમાં સુનાવણી દરમિયાન નક્કી પ્રક્રિયાનું પાલન કરવામાં ન આવ્યું.

બૅન્ચમાં પોતાને સામેલ કરીને મુખ્ય ન્યાયાધીશે એ સિદ્ધાંતનું ઉલ્લંઘન કર્યું, જેમાં કહેવામાં આવે છે કે પોતાના જ મામલે કોઈ વ્યક્તિ જજ બની શકતા નથી.

પોતાના ન્યાયિક અધિકારનો દુરુપયોગ કરતા તેમણે પીડિતાને ન માત્ર દોષી ગણાવ્યા છે પરંતુ તેમની "આપરાધિક પૃષ્ઠભૂમિ"નો હવાલો આપતા પીડિતાને શર્મસાર પણ કર્યાં છે.

ન ફરિયાદી કે ન તેમનાં કોઈ પ્રતિનિધિને તેમની વાત રજૂ કરવાની તક આપી.

તેમણે આગળ કહ્યું કે જાતીય સતામણીની વિસ્તૃત ફરિયાદને ન્યાયપાલિકાની સ્વતંત્રતા પર હુમલો બતાવવાના પ્રયાસથી મામલાને દબાવવાની દુર્ગંધ આવે છે.

સુપ્રીમ કોર્ટની સામે મુખ્ય ન્યાયાધીશની આગેવાની વાળી બૅન્ચની સામે રાજકીય રૂપે સંવેદનશીલ મામલાને જોતા આ એક મોટી ચિંતાની વાત પણ છે કે રજાના દિવસે સ્પેશિયલ સુનાવણી સૉલિસિટર જનરલ તુષાર મહેતાના કહેવા પર થઈ.

મુખ્ય ન્યાયાધીશનું આ સંકટમાંથી પોતાને કાઢવા માટે મહેતા અને અટૉર્ની જનરલ કે. કે. વેણુગોપાલ પર નિર્ભર રહેવું ન્યાયપાલિકાની સ્વતંત્રતા માટે શુભ નથી.

ઇમેજ સ્રોત, Getty Images

પીડિત મહિલાએ સુપ્રીમ કોર્ટના 22 જજને પત્ર લખીને આ આરોપોની તપાસ માટે વિશેષ કમિટી રચવાની માગ કરી હતી.

સુપ્રીમ કોર્ટમાં જાતીય સતામણીના મામલાની સુનાવણી માટે બનેલી ઇન્ટરનલ કમ્પલૅન કમિટી આ મામલે સુનાવણી કરવામાં અસમર્થ છે.

ઇંદિરા જયસિંહનાં જણાવ્યા અનુસાર કમિટીનાં અધ્યક્ષ જજ ઇંદુ મલ્હોત્રા પર આ નૈતિક જવાબદારી છે કે બાકી જજોને મામલાની નિષ્પક્ષ સુનાવણી કરવા માટે રાજી કરે.

તેમણે કહ્યું, "કાયદો પણ એ કહે છે કે એમ્પ્લૉયરની પીડિતા તરફ જવાબદારી છે કે તે તપાસ અને ન્યાય પ્રક્રિયામાં તેમનો સાથ આપે."

પીડિતાને ન્યાયનો અવસર મળશે કે નહીં તે નક્કી કરવા માટે બૉલ હવે સુપ્રીમ કોર્ટના જજની પાસે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો