લોકસભા ચૂંટણીનો ત્રીજો તબક્કો : 13 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદાન શરૂ

  • ટીમ બીબીસી ગુજરાતી
  • નવી દિલ્હી
મતદાન કર્મચારીની તસવીર

ઇમેજ સ્રોત, ani

મંગળવારે 2019 લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 સહિત 117 બેઠકો ઉપર મતદાન થશે.

ચૂંટણીપંચની પ્રેસનોટ પ્રમાણે 13 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદાન થશે.

ગુજરાત (26), કેરળ (20), ગોવા (બે), દમણ અને દીવ (એક), દાદરા અને નગર હવેલી (એક) એમ તમામ બેઠક ઉપર એકસાથે મતદાન યોજાશે.

આ સિવાય મહારાષ્ટ્ર (14), કર્ણાટક (14), ઉત્તર પ્રદેશ (10) છત્તીસગઢ (સાત) બિહાર (પાંચ), પશ્ચિમ બંગાળ (પાંચ), આસામ(ચાર), ઓડિશા (છ), ત્રિપુરા (એક) તથા જમ્મુ અને કાશ્મીરની એક બેઠક ઉપર તબક્કાવાર મતદાન યોજાશે.

ગુજરાતની ગાંધીનગર બેઠક ઉપરથી ભાજપના અધ્યક્ષ અમિત શાહની અને કેરળની વાયનાડ બેઠક ઉપરથી કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની રાજકીય કિસ્મત આજે ઈવીએમમાં સીલ થઈ જશે.

લોકસભા ચૂંટણી ત્રીજા તબક્કા વિશે

Getty Images
ત્રીજા તબક્કાનું મતદાન

  • 117બેઠકો પર મતદાન

  • 13રાજ્ય

  • 2કેન્દ્રશાસિત પ્રદેશ

  • 18.85 કરોડ મતદારો

  • 1640ઉમેદવારો

  • 2.10 લાખ મતદાનમથક

Source: ECI

117 બેઠક સાથે લોકસભા ચૂંટણીનો આ સૌથી મોટો તબક્કો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા લાલકૃષ્ણ અડવાણી ગુજરાત આવીને તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

ગુજરાતના 4 કરોડ 51 લાખ મતદારો સાથે દેશના 18 કરોડ 85 લાખ મતદાતા તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

ત્રીજા તબક્કાના મતદાન માટે 2 લાખ 10 હજાર મતદાનમથક ઊભા કરવામાં આવ્યાં છે.

18.85 કરોડ મતદારો પૈકી 9.65 કરોડ જેટલા પુરુષ મતદારો છે અને 8.62 કરોડ જેટલાં મહિલા મતદારો છે તથા 7043 અન્ય મતદારો પણ છે.

ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાઈ રહી છે એવી 117 બેઠકો પર 1640 ઉમેદવારો મેદાનમાં છે.

ગુજરાતના 4.51 કરોડ મતદારો પૈકી 2.34 કરોડ પુરુષ મતદારો છે અને 2.16 કરોડ જેટલાં મહિલા મતદારો છે. આ ઉપરાંત 990 જેટલા અન્ય મતદારો છે.

ગુજરાતના 26 બેઠકો પર 371 ઉમેદવારો મેદાનમાં છે, ગુજરાતમાં 51,709 મતદાન મથક ઊભા કરવામાં આવ્યાં છે.

આપને આ પણ વાચવું ગમશે

કોનું-કોનું રાજકીય ભાવિ દાવ ઉપર

ઇમેજ કૅપ્શન,

સાત તબક્કામાં કુલ 543 સાંસદ ચૂંટાશે

આ સિવાય સમાજવાદી પાર્ટીના પીઢ નેતા મુલાયમસિંહ યાદવ (મૈનપુરી), મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ રાવસાહેબ દાનવે (જાલના) અને રામપુરથી જયાપ્રદાના રાજકીય ભાવિનો પણ ફેંસલો થશે.

અમિત શાહની આ પ્રથમ લોકસભા ચૂંટણી હશે, હાલમાં તેઓ રાજ્યસભાથી સાંસદ છે.

રાહુલ ગાંધી તેમની પરંપરાગત અમેઠી ઉપરાંત વાયનાડ બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે. વિપક્ષનો આરોપ છે કે અમેઠીમાં હારનું જોખમ દેખાતા રાહુલ ગાંધી એકસાથે બે બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યા છે.

કાયદા મુજબ કોઈપણ ઉમેદવાર બે બેઠક ઉપર ચૂંટણી લડી શકે, પરંતુ જો બંને બેઠક ઉપરથી ચૂંટણી જીતી જાય તો કોઈ એક બેઠક છોડવી પડે.

તા. 23મી મેના દિવસે દેશભરના ચૂંટણી પરિણામો એકસાથે જાહેર થશે.

ચાલુ વખતે લોકસભા બેઠક હેઠળ આવતી દરેક વિધાનસભા મતવિસ્તારમાંથી પાંચ ટકા મતના EVM પરિણામની સરખામણી VVPATની સ્લીપ સાથે કરવાના સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો