બિલકીસબાનો કેસ : જ્યારે સુપ્રીમ કોર્ટે 50 લાખ રૂપિયાના વળતરનો આદેશ આપ્યો, બિલકીસબાનોએ શું કહ્યું હતું?

બિલકીસબાનો

ઇમેજ સ્રોત, Dakshesh shah

ઇમેજ કૅપ્શન,

બિલકીસબાનોએ દેવગઢ-બારિયામાં મતદાન કર્યું હતું

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને વર્ષ 2002નાં રમખાણોનાં પીડિતા બિલકીસબાનોને વળતર પેઠે રૂ. 50 લાખ ચૂકવવાનો આદેશ આપ્યો છે.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપક ગુપ્તાની ખંડપીઠે આ વચગાળાનો નિર્દેશ આપ્યો છે.

કોર્ટે બિલકીસબાનોને સરકારી નોકરી અને નિયમાનુસાર તેમના માટે રહેઠાણની વ્યવસ્થા કરવા પણ સૂચન કર્યું છે.

બિલકીસે કહ્યું કે આ ચુકાદાથી મહિલા અને નાગરિક તરીકેની તેમની ગરિમા પુનઃસ્થાપિત થઈ.

ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને સૂચિત કર્યું કે દોષિત અધિકારીઓ કે જેમણે 'બિલકીસ સામૂહિક બળાત્કાર મામલે' પુરાવા સાથે ચેડાં કરવાનો પ્રયાસ કર્યો હતો, એમાંથી ઘણાના પેન્શનના લાભ પરત લઈ લેવાયા છે.

ગુજરાતમાં વર્ષ 2002માં થયેલાં રમખાણો દરમિયાન બિલકીસબાનો પર સામૂહિક બળાત્કાર કરાયો હતો અને તેમનાં પરિવારનાં 14 સભ્યોની હત્યા કરી દેવાઈ હતી.

આ મામલે ગુજરાતના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે કહ્યું છે, "સુપ્રીમ કોર્ટનો જે ઑર્ડર હોય એનો કોઈ પણ બાબતમાં અમલ કરવાનો હોય. બિલકીસ બાનો કેસમાં સુપ્રીમનો જે ચુકાદો આવ્યો છે તેનો અમે અમલ કરીશું."

રાજ્ય સરકારની આલોચના થઈ છે, તમે કબૂલો છો કે ખોટું થયું છે? એ સવાલના જવાબમાં નીતિનભાઈ પટેલે કહ્યું, "કોઈ પણ સંસ્થાએ કે વ્યક્તિએ સુપ્રીમનો જે આદેશ હોય તેનો અમલ કરવાનો હોય. સુપ્રીમે જે આદેશ આપ્યો છે તે સ્પષ્ટ છે એ મુજબ કાર્યવાહી કરવાની હોય છે."

બિલકીસ : મહિલા તરીકેની ગરિમા મળી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

ચુકાદા બાદ બિલકીસબાનોએ એક નિવેદન દ્વારા કહ્યું, 'ગત વર્ષ દરમિયાન મેં મારા આત્મા, બંધારણ અને ન્યાયતંત્ર ઉપર ભરોસો રાખ્યો હતો. આજે સર્વોચ્ચ અદાલતે મને જણાવ્યું કે તે પણ મારી સાથે છે.'

'2002ની હિંસામાં મારી પાસેથી જે બંધારણીય અધિકાર ઝૂંટવી લેવાયા હતા, તેને પરત મેળવવાનાં મારાં દર્દ, તકલીફ તથા સંઘર્ષને અદાલતે ધ્યાને લીધાં છે.'

'ચુકાદામાં સંદેશ છે કે સરકારની ફરજ સુરક્ષા આપવાની છે. મને સરકાર તરફથી જે પીડા મળી છે તે કોઈને ન મળે. એ નફરતભર્યા માહોલની વચ્ચે નૈતિકતાને સંપૂર્ણપણે ખતમ કરી દેનારી સરકારે કિંમત ચૂકવવી રહી.'

'એક પીડિતા તરીકે મેં મારાં તમામ સપનાં મારી નાખ્યાં. એ સપનાં મારાં, મારાં બાળકો તથા અન્યો માટે છે. આ નાણાંનો ઉપયોગ હું મારાં સંતાનોને શિક્ષણ તથા સ્થિર જીવન આપવા માટે કરીશ.'

'મારી દીકરી વકીલ બનવા માગે છે. એક દિવસ તે કોર્ટ સામે ઊભી રહીને બીજા માટે ન્યાય માગે એવી મારી દુઆ છે.'

'મેં હંમેશાં કહ્યું છે કે આ વિજય એ મહિલાઓનો પણ વિજય છે, જેમણે અનેક તકલીફો વેઠી, પરંતુ કોર્ટ સુધી પહોંચી ન શકી.'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

'જાવેદ અને હું તેની અંતિમવિધિ ન કરી શક્યાં'

'હું આ રકમનો અમુક હિસ્સો કોમી હિંસાનો ભોગ બનેલી અન્ય મહિલાઓને ન્યાય અપાવવા તથા તેમનાં સંતાનોના અભ્યાસ માટે ખર્ચ કરવા માગું છું.'

'આ બધું હું મારી સૌથી મોટી દીકરી સાલેહાના નામથી કરવા ચાહું છું.'

'તેનું શરીર 2002માં ગુજરાતમાં આવેલા નફરતના ઘોડાપૂરમાં તણાઈ ગયું હતું.'

'હું તથા યાકુબ રીતરિવાજ મુજબ દફન કરવાની ફરજ પણ ન બજાવી શક્યાં. સાલેહાની કોઈ કબર પણ નથી કે જ્યાં જઈને હું રડી શકું.'

'આ વાત મને કેટલી પીડા આપે છે તે હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી. તેનો આત્મા હંમેશાં મારી સાથે રહેશે.'

'મને એવું લાગે છે કે આજે પણ તે આસપાસ છે. અન્યોને મદદ દ્વારા તે અન્ય બાળોકમાં જીવિત રહેશે.'

'હું પ્રાર્થના કરું છું કે આજે નફરત અને ડરે દેશને જકડી લીધા છે, તેને નાબૂદ કરવામાં તથા મારા જેવી પીડિતાનો આત્મા, હયાત રહી ગયેલા લોકોની હિંમત તથા સામાન્ય નાગરિકના સંઘર્ષની બાબતે આ લોકતાંત્રિક સંસ્થાઓ વારંવાર આગળ આવશે.'

આપને આ પણ વાચવું ગમશે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

અમદાવાદની નીચલી કોર્ટમાં હાજર થતી વેળાએ આરોપીની તસવીર

'હું કોર્ટ તથા મારાં વકીલ શોભાની આભારી છું, જેઓ વર્ષ 2003થી મારી પડખે ઊભા છે. અવિશ્વાસથી ભરેલા એ સમયમાં તેમણે મારી ઉપર વિશ્વાસ મૂક્યો અને સાથ આપ્યો. '

'આ વર્ષો દરમિયાન NHRCએ મારી ઉપર ભરોસો મૂક્યો. CBIએ કોઈ પણ જાતના ભેદભાવ વગર ફેરતપાસ હાથ ધરી.

હરીશ સાલ્વે એવા પ્રથમ મોટા વકીલ હતા, જે મારી પડખે ઊભા રહ્યા અને મારી આ સફર દરમિયાન સાથે રહ્યા.

હું તેમનો આભાર માનું છું. આ ક્ષણ સુધી પહોંચવામાં તેમણે મને ખૂબ જ મદદ કરી.'

'અંતે હું અનેક નામી-અનામી મિત્રોનો આભાર માનું છું, જેમણે મારી જિંદગીને ફરી પાટે ચડાવવા માટે મદદ કરી.

તેમણે મને નાગરિક અને મહિલા તરીકેની ગરિમા ફરીથી મેળવી શકું તે માટે મદદ કરી.

મારા, યાકુબ અને અમારા સંતાનો માટે તમે અમારો પરિવાર છો. હવે મને શાંતિ થઈ છે.'

આ સરકારને દંડ છે

આ પહેલાં ચુકાદા બાદ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં બિલકીસબાનોએ જણાવ્યું હતું, "અદાલતનો જે ચુકાદો આવ્યો છે એનો મને ઘણો આનંદ છે."

તો બિલકીસના પતિ યાકુબ રસૂલે આ ચુકાદો શાંતિ આપનારો ગણાવ્યો છે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં યાકુબે જણાવ્યું, "આ આખા કેસ દરમિયાન અમને અનેક તકલીફો પડી છે. પરંતુ અદાલતે જે નિર્ણય આપ્યો છે, એ શાંતિ આપનારો છે."

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં બિલકીસબાનોનાં વકીલ શોભા ગુપ્તાએ કોર્ટના આ આદેશને રાજ્ય સરકારને ફટકારેલો દંડ ગણાવ્યો.

શોભા ગુપ્તાએ કહ્યું, "આ કેસમાં આપવામાં આવેલું વળતર ખરેખર તો રાજ્ય સરકારને કરાયેલા દંડ સમાન છે. અદાલતનો હુકમ એમ કહેવા માગે છે કે જો તમે કાયદાનું પાલન નહીં કરો તો દંડ કરાશે."

તેમણે 15 દિવસમાં સરકાર દ્વારા બિલકીસબાનોને વળતર ચૂકવાશે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે. ન્યાય માટે બિલકીસની 15 વર્ષ લાંબી લડાઈના અંતે વર્ષ 2017માં બૉમ્બે હાઈકોર્ટે બળાત્કાર અને હત્યાના મામલે 11 લોકોને જન્મટીપ ફટકારી હતી.

આ પહેલાં વર્ષ 2008માં ટ્રાયલ કોર્ટે 11 લોકોને જન્મટીપ સંભળાવી હતી. જ્યારે પાંચ પોલીસ અધિકારી અને બે સરકારી ડૉક્ટરોને શંકાનો લાભ આપી આરોપમુક્ત કર્યા હતા.

ગત મહિને સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને બૉમ્બ હાઈકોર્ટ દ્વારા દોષિત જાહેર કરાયેલા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક પગલાં લેવાં નિર્દેશ આપ્યા હતા.

આ પહેલાં બિલકીસબાનોએ રાજ્ય સરકાર દ્વારા પ્રસ્તાવિત 5 લાખ રૂપિયાનું વળતર ફગાવી દીધું હતું.

શો છે બિલકીસબાનોનો મામલો?

ગુજરાતમાં વર્ષ 2002માં થયેલાં રમખાણો દરમિયાન બિલકીસબાનોના પરિવારનાં 14 લોકોની હત્યા કરી દેવાઈ હતી અને તેમના પર સામૂહિક બળાત્કાર પણ ગુજારાયો હતો.

એ વખતે બિલકીસની ઉંમર લગભગ 20 વર્ષની હતી. હત્યા કરી દેવાયેલા લોકોમાં બિલકીસની પુત્રીનો પણ સમાવેશ થતો હતો.

બળાત્કાર ગુજારાયા બાદ અધમરી હાલતમાં છોડી દેવાયેલાં બિલકીસ જેમતેમ કરીને નજીકની ટેકરી પર પહોંચ્યાં હતાં અને પોતાનો જીવ બચાવ્યો હતો.

આ ઘટના બાદ કેટલાક પોલીસકર્મીઓ દ્વારા બિલકીસને ડરાવવા તેમજ પુરાવાને નષ્ટ કરવાના પણ પ્રયાસ કરાયા હતા.

તેમના પરિવારજનોના મૃતદેહોને પોસ્ટમૉર્ટમ કરાયા વગર દફનાવી દેવાયા હતા.

બિલકીસની તપાસ કરનારા તબીબે તેમનો બળાત્કાર ન થયો હોવાનું જણાવ્યું હતું અને આ મામલે બિલકીસને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી.

આમ છતાં બિલકીસની લડાઈ ચાલુ રહી હતી અને તેમણે હુમલાખોરોને ઓળખી કાઢ્યા હતા.

સુપ્રીમ કોર્ટે આ મામલો સીબીઆઈને સોંપ્યા બાદ 2004માં પ્રથમ ધરપકડ હાથ ધરાઈ હતી.

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની મદદથી બિલકીસનો કેસ મહારાષ્ટ્રમાં ટ્રાન્સફર કરાયો હતો અને આરોપીઓને સજા સંભળાવાઈ હતી.

ગુજરાતની અદાલતો ન્યાય આપી શકશે નહીં એવી બિલકીસની અરજી એ વખતે સુપ્રીમ કોર્ટે માન્ય રાખી હતી.

ન્યાય માટેની 17 વર્ષની લડાઈમાં બિલકીસ અને તેમના પતિ યાકુબ રસૂલને પાંચ સંતાનો સાથે દસ ઘર બદલવાં પડ્યાં હતાં.

બીબીસીનાં ગીતા પાંડે સાથેની વાતચીતમાં બિલકીસે કહ્યું હતું, "પોલીસ અને તંત્રે હંમેશાં હુમલાખોરોનો સાથ આપ્યો છે. ગુજરાતમાં પણ અમે અમારું મોં ઢાંકીને રહીએ છીએ. અમે કોઈને પણ અમારું સરનામું આપતા નથી."

2002માં બિલકીસ પર જ્યારે સામૂહિક બળાત્કાર ગુજારાયો ત્યારે તેઓ ગર્ભવતી હતાં. એ વખતે તેમની ત્રણ વર્ષની પુત્રી સાલેહાની પણ નિર્મમતાથી હત્યા કરી દેવાઈ હતી.

આજે બિલકીસનાં બાળકોમાં મોટી પુત્રી હાજરા, બીજી પુત્રી ફાતિમા અને પુત્ર યાસીન તેમજ નાની પુત્રી સાલેહાનો સમાવેશ થાય છે.

આંખોની સામે હત્યા કરી દેવાયેલી પોતાની પુત્રીના નામ પરથી બિલકીસે સૌથી નાની પુત્રીનું નામ સાલેહા રાખ્યું છે.

2002નાં રમખાણો

27 ફેબ્રુઆરી, 2002ના રોજ ઉત્તર પ્રદેશથી આવી રહેલી સાબરમતી એક્સ્પ્રેસને ગોધરા પાસે અટકાવવામાં આવી હતી.

ત્યારબાદ ટ્રેન પર મુસ્લિમ ટોળાંએ હુમલો કરતા ટ્રેનના એસ 6 કોચને આગ ચાંપવામાં આવી હતી.

જેમાં ટ્રેનમાં સફર કરી રહેલા 59 કારસેવકોનાં મૃત્યુ થયાં હતાં. ગોધરા પાસે બનેલી આ ઘટના બાદ રાજ્યભરમાં તેના પડઘા પડ્યા હતા.

જે બાદ રાજ્યભરમાં રમખાણો ફાટી નીકળ્યાં હતાં. જેમાં 1000થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી એ વખતે રાજ્યના મુખ્ય મંત્રી હતા અને રમખાણોને અટકાવવાં માટે કોઈ પગલાં ન લીધાં હોવાના આરોપ લાગ્યા હતા, બાદમાં તેમને કોર્ટમાંથી ક્લીનચિટ મળી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો