ગુજરાતમાં મતદાન : 26 બેઠકો પર ક્યાં કેટલું મતદાન થયું?

મતદાન

ગુજરાતની 26 બેઠકો પર ચૂંટણીપંચના આંકડા પ્રમાણે દિવસ દરમિયાન 63.84 ટકા મતદાન નોંધાયું હતું.

લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાત ઉપરાંત 13 રાજ્ય અને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં મતદાન યોજાયું હતું.

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં દેશની 117 બેઠકો પર સરેરાશ 67 ટકા મતદાન થયું છે.

મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં હિંસાની ઘટનાઓ નોંધાઈ હતી. ઝારખંડ-છત્તીસગઢ સરહદ પર આઈડી બ્લાસ્ટ થયો હતો.

આ સિવાય ગુજરાતમાં મતદાન દરમિયાન હિંસાની કોઈ મોટી ઘટના નોંધાઈ નહોતી.


2014ની તુલનામાં મતદાનમાં વધારો

લોકસભા બેઠકનું નામ મતદાનની ટકાવારી (2019) મતદાનની ટકાવારી (2014)
ગુજરાત 63.84% 63.31%
કચ્છ 57.54% 61.44%
બનાસકાંઠા 64.70% 58.29%
પાટણ 61.75% 58.36%
મહેસાણા 65.06% 66.63%
સાબરકાંઠા 67.23% 67.35%
ગાંધીનગર 64.95% 65.10%
અમદાવાદ પૂર્વ 60.77% 61.26%
અમદાવાદ પશ્ચિમ 59.84% 62.64%
સુરેન્દ્રનગર 57.86% 56.70%
રાજકોટ 63.16% 63.59%
પોરબંદર 56.79% 52.31%
જામનગર 60.05% 57.80%
જૂનાગઢ 60.72% 63.16%
અમરેલી 55.74% 54.21%
ભાવનગર 58.42% 57.27%
આણંદ 66.02% 64.63%
ખેડા 60.65% 59.50%
પંચમહાલ 61.70% 58.84%
દાહોદ 66.04% 63.38%
વડોદરા 67.60% 70.57%
છોટા ઉદેપુર 73.54% 71.25%
ભરૂચ 71.79% 74.53%
બારડોલી 73.57% 74.59%
સુરત 63.98% 63.77%
નવસારી 66.42% 65.12%
વલસાડ 74.15% 73.99%

'નરેન્દ્ર મોદીએ આચારસંહિતાનો ભંગ નથી કર્યો'

Image copyright Twitter/@narendramodi

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ અમદાવાદમાં મતદાન કરવા માટે આવ્યા હતા.

અમિત શાહ અને નરેન્દ્ર મોદીએ મતદાનમથક બહાર સમર્થકોનું અભિવાદન ઝીલ્યું હતું.

કૉંગ્રેસ દ્વારા ચૂંટણીપંચને ફરિયાદ કરવામાં આવી હતી. કૉંગ્રેસે અમિત શાહ અને નરેન્દ્ર મોદીના રોડ શૉને આચારસંહિતાનો ભંગ ગણાવ્યો હતો.

મતદાન પૂર્ણ થયા બાદ ગુજરાતના ચૂંટણીપંચે યોજેલી પત્રકાર પરિષદમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ. એસ. મુરલીક્રિશ્નાએ જણાવ્યું હતું કે આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારીને તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા અને આચારસંહિતાનો ભંગ ન થયો હોવાનું જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

મતદાન દરમિયાન 43 ફરિયાદ

પત્રકાર પરિષદમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી ડૉ. એસ. મુરલીક્રિશ્નાએ જણાવ્યું હતું કે મતદાન દરમિયાન ગેરરીતિ અને આચારસંહિતા ભંગની કુલ 43 ફરિયાદો આવી હતી.

સૌથી વધારે 11 ફરિયાદો અમદાવાદ જિલ્લામાં નોંધાઈ હતી. આ ઉપરાંત આણંદમાં પાંચ, ભાવનગર તથા જામનગરમાં ત્રણ ફરિયાદો અને અમરેલીમાં ચાર ફરિયાદ નોંધાઈ હતી.

આ ફરિયાદોમાં લેખિત ફરિયાદો ઉપરાંત, ઈ-મેઇલ મારફતે આવેલી ફરિયાદો અને મીડિયા અહેવાલો આધારે મળેલી માહિતી પણ સામેલ છે.

આ ઉપરાંત કેટલાંક મતદાનમથકોમાં વીવીપેટ મશીન ખોટકાયાં હતાં, જેને બદલી લેવામાં આવ્યાં હતાં.

મુખ્ય ચૂંટણી અધિકારીના જણાવ્યા પ્રમાણે જે ફરિયાદોમાં જરૂર જણાય એમાં જિલ્લા ચૂંટણી અધિકારીઓને તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા.

સરવાળે મતદાન શાંતિપૂર્ણ રહ્યું હોવાનું તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

આ ઉપરાંત ડાંગ જિલ્લામાં બે ગામોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો, જે પૈકી એક ગામમાં મતદાન શરૂ થયું હતું. પરંતુ દાવડાહાટ ગામમાં મતદાન શરૂ થયું ન હતું.


બપોરે મતદાન ઘટ્યું

મતદાનના પ્રાથમિક તબક્કામાં ગ્રામ્ય વિસ્તારોમાં નોંધપાત્ર મતદાન જોવા મળ્યું હતું પણ શહેરોમાં પ્રમાણમાં ઓછું મતદાન થયું હતું.

બપોરે 2 વાગ્યા બાદ મતદાનનું પ્રમાણ ખૂબ ઘટી ગયું હતું અને ગ્રામ્ય વિસ્તારોનાં મતદાનમથકો પર પણ સન્નાટો જોવા મળ્યો હતો.

4 વાગ્યા બાદ મતદાનની ટકાવારી ફરી એક વાર વધી હતી.

દેશમાં સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં નોંધાયું હતું અને સૌથી ઓછું મતદાન જમ્મુ-કાશ્મીરની બેઠકો પર નોંધાયું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ