નરેન્દ્ર મોદીએ 'પઠાન કા બચ્ચા' પોતાના માટે કહ્યું હતું? - ફૅક્ટ ચેક

  • ફૅક્ટ ચેક ટીમ
  • બીબીસી ન્યૂઝ
મોદી પઠાન કા બચ્ચા

ઇમેજ સ્રોત, Getty Images

સોશિયલ મીડિયા પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો વાઇરલ રહ્યો છે, જેમાં તેઓ પોતાને 'પઠાન કા બચ્ચા' કહી રહ્યા છે.

10 સેકંડના આ વાઇરલ વીડિયોમાં પીએમ મોદીને એવું કહેતાં સાંભળી શકાય છે કે "મૈં પઠાન કા બચ્ચા હૂં. સચ્ચા બોલતા હૂં ઔર સચ્ચા કરતા હૂં."

જે લોકોએ ફેસબુક અને ટ્વિટર પર આ વીડિયો શૅર કર્યો છે, તેમણે લખ્યું છે, "મૈં પઠાન કા બચ્ચા હું. મોદીએ કાશ્મીરની રેલીમાં આવું કહ્યું અને ભક્તો તેને હિંદુ સિંહ સાબિત કરવામાં લાગ્યા છે."

સોશિયલ મીડિયા પર આ વીડિયો કેટલીય વખત જોવાયો છે. જોકે, અમારી તપાસમાં એ બનાવટી હોવાનું સામે આવ્યું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

વીડિયોનીવાસ્તવિકતા

ઇમેજ સ્રોત, Getty Images

અમે જાણ્યું કે ખોટી માહિતી ફેલાવવામાં માટે આ વીડિયો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એક જૂના ભાષણમાંથી બનાવવામાં આવ્યો છે.

પીએમ મોદીના ભાષણનો આ વીડિયો 23 ફેબ્રુઆરી, 2019નો છે અને કાશ્મીરનો નહીં, પણ રાજસ્થાનના ટોંકમાં યોજાયેલી ભારતીય જનતા પાર્ટીની 'વિજયસંકલ્પ રેલી'નો છે.

ભાજપના અધિકૃત યૂટ્યૂબ પેજ પર આ સભાનો વીડિયો 23 ફેબ્રુઆરીએ પોસ્ટ કરવામાં આવ્યો, જેને જોતાં ખ્યાલ આવે છે કે મોદીએ 'પઠાન કા બચ્ચા' વાક્યનો પ્રયોગ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન માટે કર્યો હતો.

મોદીનું આખું નિવેદન આવું હતું, "પાકિસ્તાનમાં નવી સરકાર બની છે તો સ્વાભાવિક છે કે નવા વડા પ્રધાન પણ બન્યા. પ્રોટોકૉલ અંતર્ગત મેં તેમને ફોન કરીને શુભેચ્છા પાઠવી હતી. મેં તેમને કહ્યું હતું કે હિંદુસ્તાન અને પાકિસ્તાને બહુ લડી લીધું. પાકિસ્તાનને કંઈ મળ્યું નથી."

"મેં તેમને કહ્યું હતું કે હવે આપ રાજકારણમાં આવ્યા છો, રમત-ગમતની દુનિયામાંથી આવ્યા છો, આવો! ભારત અને પાકિસ્તાન મળીને આપણે ગરીબી સામે લડીએ, નિરક્ષરતા વિરુદ્ધ લડીએ, અંધશ્રદ્ધા વિરુદ્ધ લડીએ."

"તેમણે મને એ દિવસે એક વાત કહેલી કે મોદીજી હું પઠાણનો બચ્ચો છું, સાચું બોલું છું અને સાચું કરું છું. આજે પાકિસ્તાનના વડા પ્રધાનને પોતાના એ શબ્દો ફરી ચકાસવાની જરૂર છે. હું જોઉં છું કે તેઓ પોતાના શબ્દો પર ખરા ઊતરે છે કે નહીં."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 14 ફેબ્રુઆરી, 2019એ ભારત પ્રશાસિત કાશ્મીરના પુલવામામાં થયેલા ઉગ્રવાદી હુમલાના સંદર્ભમાં આ નિવેદન આપ્યું હતું.

આ હુમલામાં ભારતના 40 જવાનોનાં મૃત્યુ થયાં હતાં અને ભારત સરકારે પાકિસ્તાનને આ મુદ્દાને ગંભીરતાથી લઈને તપાસ કરવાની અપીલ કરી હતી.

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો