લોકસભા ચૂંટણી 2019 : ગુજરાતમાં છેલ્લાં 57 વર્ષમાં સૌથી વધુ મતદાન, ભાજપ કે કૉંગ્રેસ, લાભ કોને?
- જયદીપ વસંત અને રોક્સી ગાગડેકર છારા
- બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં મંગળવારે ગુજરાતમાં અત્યાર સુધીનું સૌથી ઊંચું 63.89 ટકા મતદાન નોંધાયું છે.
ગુજરાતની મોટા ભાગની બેઠક પર ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા છે, ત્યારે આટલી ઊંચી ટકાવારી શું સૂચવે છે?
2014માં ગુજરાતમાં 63.31 ટકા મતદાન થયું હતું, ત્યારે તમામ 26 બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો.
2014માં ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીને મુખ્ય વિપક્ષ ભાજપ દ્વારા વડા પ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા.
આ મતદાન દ્વારા 17મી લોકસભાનું ગઠન થશે અને 543 સાંસદ નીચલા ગૃહમાં પ્રવેશ મેળવશે.
અત્યારસુધીનું સૌથી વધુ મતદાન
ગુજરાતમાં થયેલા 63.89 ટકા વોટિંગ સાથે 52 વર્ષ જૂનો રેકર્ડ તૂટ્યો છે.
વર્ષ 1967માં સૌથી વધુ 63.77 ટકા (4.85% અમાન્ય મત વગર) મતદાન થયું હતું. એ સમયે ગુજરાત 24 સાંસદને લોકસભામાં મોકલતું હતું.
2014માં 16મી લોકસભાના ગઠન માટે 63.31 ટકા મતદાન થયું હતું. EVMના માધ્યમથી મતદાન થયું હોવાથી તેમાં રિજેક્ટેડ વોટ ન હતા.
જો રિજેક્ટેડ મતને પણ ગણતરીમાં લેવામાં આવે તો 26 બેઠક બન્યા બાદ 1998માં સૌથી વધુ 63.76 ટકા (માન્ય 59.31 તથા રિજેક્ટેડ 4.45 ટકા સહિત) મતદાન થયું હતું.
1977થી ગુજરાતમાં લોકસભાની 26 બેઠક છે.
વધુ મતદાનથી ભાજપને લાભ કે કૉંગ્રેસને?
જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પૂર્વ પ્રાધ્યાપક અને પોલિટિકલ સાયન્ટિસ્ટ ઘનશ્યામ શાહ માને છે :
"પરંપરાગત રીતે એવું જોવા મળ્યું છે કે ગુજરાતમાં વધુ મતદાન થાય તો તેનો સીધો લાભ ભાજપને થાય છે."
"અસરકારક બૂથ મૅનેજમૅન્ટને કારણે ભાજપના કાર્યકરો દરેક શહેરના મતદાર સુધી પહોંચવામાં સફળ રહે છે અને મતદાનની ઊંચી ટકાવારી જોવા મળે છે. આ વખતે પણ એવું થયું હોઈ શકે છે."
શું ઊંચા મતદાનથી હંમેશાં ભાજપને જ લાભ થાય? તેવા સવાલના જવાબમાં પ્રો. શાહ કહે છે :
"ગત વિધાનસભા ચૂંટણી પછી કૉંગ્રેસના કાર્યકરોનું મનોબળ અને સંખ્યામાં વૃદ્ધિ થઈ છે."
"આથી ગ્રામીણ વિસ્તારમાં વધુ મતદાન કૉંગ્રેસ માટે લાભકારક બની શકે છે."
ઇમેજ સ્રોત, Getty Images
પોલિટિકલ રિસર્ચર શારિક લાલીવાલા કહે છે:
"પરંપરાગત રીતે આદિવાસી વિસ્તારોમાં વધુ મતદાન થતું જોવા મળે છે. આ વખતે આદિવાસી વિસ્તારમાં સરેરાશ કરતાં વધુ મતદાન નોંધાયું છે."
"છેલ્લાં અમુક વર્ષો દરમિયાન આદિવાસીઓની સમસ્યાઓ જે રીતે વધી છે, તેને જોતા સત્તાવિરોધી વલણ છવાયેલું રહ્યું હોય તેમ જણાય છે."
ગુજરાતમાં દાહોદ 66.07% (2014માં 63.38%) , બારડોલી 73.58% (2014માં 74.59%), વલસાડ 74.15% (2014માં 73.99%) તથા છોટાઉદેપુર 73.36% (2014માં 71.25%) મતદાન નોંધાયું હતું.
લાલીવાલા માને છે કે 'આદિવાસીઓમાં રાજકીય જાગૃતિ વધી છે, એટલે આદિવાસી પટ્ટામાં થયેલું વધુ મતદાન ચૂંટણી પરિણામોને અસર કરી શકે છે.'
આપને આ પણ વાચવું ગમશે
નરેન્દ્ર મોદી ફૅક્ટર
ઇમેજ સ્રોત, Getty Images
ગત લોકસભા ચૂંટણી વખતે મોદીલહેરમાં ભાજપને ગુજરાતમાં તમામ 26માંથી 26 બેઠક મળી હતી.
ભાજપને આશા છે કે ફરી એક વખત 2014ના પર્ફૉર્મન્સનું પુનરાવર્તન થશે.
ભાજપના પ્રદેશ કન્વીનર (નગરપાલિકા સેલ) પ્રદીપ ખીમાણીના કહેવા પ્રમાણે:
"ગુજરાતમાં ફરી એક વખત નરેન્દ્ર મોદીની લહેર જોવા મળી રહી છે. જનતા નરેન્દ્ર મોદીને ફરી એક વખત વડા પ્રધાનપદ ઉપર બેસાડવા માગે છે."
વરિષ્ઠ પત્રકાર દીપલ ત્રિવેદીના કહેવા પ્રમાણે, "ગ્રામીણ વિસ્તારોમાં કેટલા ટકા મતદાન થયું તેના આંકડા મળે તે પછી શું અપેક્ષિત છે, તેના વિશે સ્પષ્ટ અંદાજ મળે."
"ગુજરાતના ગ્રામીણ મતદારોની સમજ ઉપર શંકા કરવી અયોગ્ય છે. તેમના માટે પાકિસ્તાન અને પુલવામા કરતાં રોજગારી, પાણીની સમસ્યા તથા પાક વીમો વગેરે વધુ મોટા છે."
ખીમાણી કહે છે કે વિધાનસભાવાર મતદાનની ટકાવારીની માહિતી મળ્યે 'વધુ બૃહદ અને વધુ સ્પષ્ટ' ચિત્ર સ્પષ્ટ થશે.
ભારે ગરમી છતાં મતદાન
ઇમેજ સ્રોત, Getty Images
ભારે તાપમાન છતાં રેકર્ડ મતદાન
વરિષ્ઠ પત્રકાર જુમાના શાહના કહેવા પ્રમાણે, "આ ચૂંટણીમાં 2014ની જેમ કોઈ લહેર ન હતી."
"2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં લગભગ 68 ટકા મતદાન થયું હતું, છતાં ભાજપને તેનો લાભ થયો ન હતો."
"વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસની મતની ટકાવારી તથા બેઠકોમાં વધારો જોવાયો હતો."
"કોઈ લહેર વગર જો આટલું ઊંચું મતદાન થયું હોય તો તે ચોક્કસપણે સત્તારૂઢ પક્ષ માટે ચિંતાનો વિષય ગણી શકાય."
ઇમેજ સ્રોત, ANI
મહાસચિવ બન્યાં બાદ પ્રિયંકા ગાંધીએ ગુજરાતમાં પ્રથમ જાહેર ભાષણ આપ્યું
2017માં શિયાળા દરમિયાન ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી, જ્યારે મંગળવારે ગુજરાતભરમાં રાજકીય સાથે ગરમીનો પારો પણ ઊંચો રહ્યો હતો.
worldweatheronline.comના ડેટા પ્રમાણે, મધ્ય ગુજરાતના અમદાવાદમાં 43 ડિગ્રી, સૌરાષ્ટ્રના રાજકોટમાં 40 ડિગ્રી, દક્ષિણ ગુજરાતના સુરતમાં 40 ડિગ્રી, ઉત્તર ગુજરાતના મહેસાણામાં 43 ડિગ્રી, ભુજમાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ગત વખતે પણ મતદારોએ ભારે ગરમી છતાં રેકર્ડ મતદાન કર્યું હતું. ગત વખતે સમગ્ર ગુજરાતમાં એકસાથે તા. 30મી એપ્રિલે મતદાન થયું હતું.
worldweatheronline.comના ડેટા રેકર્ડ પ્રમાણે, એ દિવસે અમદાવાદમાં 43 °, રાજકોટમાં 41°, સુરતમાં 40°, મહેસાણામાં 44° અને ભુજમાં 39 ડિગ્રી તાપમાન રહ્યું હતું.
આમ, બંને મતદાનના દિવસે સરેરાશ એકસમાન જ તાપમાન રહ્યું હતું.
ઇમેજ સ્રોત, ANI
અમદાવાદ યુનિવર્સિટીના આસિસ્ટંટ પ્રોફેસર સાર્થક બાગચી કહે છે, "રેકર્ડ વોટિંગમાં શહેરી તથા ગ્રામીણ વિસ્તારોનું મિશ્રણ છે."
"ભાજપ ફરી એક વખત તમામ 26 બેઠક ઉપર વિજયનો દાવો કરી રહ્યો છે. કૉંગ્રેસને આશા છે કે તે ખાતું ખોલાવી શકશે."
"હું માનું છું કે વર્તમાન સ્થિતિમાં કોઈ આગાહી કરવી મુશ્કેલ છે."
તા. 23મી મેના દિવસે ગુજરાતની 26 સહિત તમામ 543 બેઠક માટે મતગણતરી થશે તથા નવી દિલ્હીમાં આગામી સરકાર કોણ બનાવશે તે નક્કી થશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો