લોકસભાની ઉમેદવારી પહેલા વારાણસીમાં નરેન્દ્ર મોદીનો રોડ શો

નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, BJP twitter

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વાર વારાણસી બેઠકથી ઉમેદવારી કરશે. ઉમેદવારી દાખલ કરતાં અગાઉ તેઓ વારાણસીમાં ભવ્ય રોડ શો કરી રહ્યા છે.

6થી 7 કિલોમીટર લાંબા આ રોડ શોની શરૂઆત અગાઉ નરેન્દ્ર મોદીએ પંડિત મદન મોહન માલવીયની પ્રતિમાને માલ્યાર્પણ કર્યુ હતું.

વારાણસીના લંકા વિસ્તારમાંથી પસાર થઈ રહેલો આ રોડ શો અંદાજે 6થી સાત કિલોમીટર લાંબો છે જેનો અંત દશાશ્ર્વમેઘ ઘાટ પર થશે. આ ઘાટ પર નરેન્દ્ર મોદી ગંગા આરતીમાં કરશે.

ઉત્સવ બૈંસના આરોપની તપાસ કરવા પૂર્વ જજ એ. કે. પટનાયકની નિયુક્તિ

ઇમેજ સ્રોત, REUTERS

સુપ્રીમ કોર્ટના વકીલ ઉત્સવ બૈંસના ઍફિડેવિટના આરોપોની તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત ન્યાયાધીશ એ. કે. પટનાયકની નિયુક્તિ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટે સીબીઆઈના નિદેશક અને આઈબી પ્રમુખને ન્યાયાધીશ એ. કે. પટનાયક સાથે સહયોગ કરવાનું કહ્યું છે.

જસ્ટિસ અરુણ મિશ્રાની આગેવાનીવાળી ત્રણ ન્યાયાધીશોની બૅન્ચે વકીલ ઉત્સવ બૈંસને એ તમામ પુરાવા સ્મિતિને સોંપવાનું કહ્યું છે જેમાં તેમણે ઍફિડેવિટ મારફતે આરોપ મુક્યા હતા કે અમુક ફિક્સર અને કોર્પોરેટ સાથે જોડાયેલા લોકો ન્યાયપાલિકાને પ્રભાવિત કરવાના પ્રયાસ કરે છે.

ઉલ્લેખનીય છે કે ઉત્સવ બૈંસે ઍફિડેવિટમાં દાવો કર્યો હતો કે તેમને જસ્ટિસ રંજન ગોગોઈ વિરુદ્ધ જાતીય સતામણીનો કેસ કરનારાં મહિલાનો કેસ લડવા અને તે અંગે પ્રેસ કૉન્ફરન્સ કરવા માટે લાંચ આપવાની વાત કરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે સીબીઆઈ અને આઈબી પાસે માગી મદદ

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય સુપ્રીમ કોર્ટે બુધવારના રોજ સીબીઆઈ અને આઈબી પાસે મદદ માગી છે.

અદાલતે ન્યાયની પ્રક્રિયામાં ખલેલ અને જાતીય સતામણી મામલે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ વિરુદ્ધ 'ષડયંત્ર' કરનારા ફિક્સરને શોધવા માટે તપાસ એજન્સીઓની મદદ માગી છે.

આ મામલે જસ્ટિસ અરુણ મિશ્રા, જસ્ટિસ આરએફ નરીમન અને જસ્ટિસ દીપક ગુપ્તાની સ્પેશિયલ બૅન્ચે સીબીઆઈ, આઈબી અને દિલ્હી પોલીસના વડા સાથે બેઠક યોજી હતી.

સુપીમ કોર્ટે અનિલ અંબાણીના અવમાનના કેસ મામલે હેરફેર કરવાના આરોપમાં કોર્ટના બે કર્મચારીઓને કાઢી મૂકવા મામલે પણ ચિંતા વ્યક્ત કરી છે.

ભારતે 10 દિવસ અગાઉ જ હુમલા અને હુમલાખોરો અંગે માહિતી આપી હતી

ઇમેજ સ્રોત, Getty Images

'એનડીટીવી'ના અહેવાલ અનુસાર ભારતે શ્રીલંકા હુમલા અંગે અગાઉથી જ જાણકારી આપી હતી.

બૉમ્બ બ્લાસ્ટના 10 દિવસ પહેલાં ભારતે એડવાઇઝરી મારફતે શ્રીલંકાને હુમલામાં સામેલ સમૂહ, તેના લીડર તથા અન્ય સદસ્યો અંગે જાણકારી આપી હતી.

'એનડીટીવી' એવું પણ લખે છે કે તેમની પાસે ત્રણ પેજની એડવાઇઝરી છે, જેમાં સમૂહનું નામ 'નેશનલ તૌહીદ જમાત'નો ઉલ્લેખ છે. તેમજ તેમનાં રહેઠાણો અને ફોન-નંબર સુધીની પણ માહિતી છે.

દસ્તાવેજ મુજબ 11 એપ્રિલના રોજ હુમલાના નિશાન તરીકે ચર્ચ અને ભારતીય દૂતાવાસનો પણ ઉલ્લેખ છે.

બીબીસીના અહેવાલ અનુસાર શ્રીલંકાની સરકારે કબૂલ્યું છે કે હુમલા અંગેની માહિતી પર કાર્યવાહી કરવામાં તેમનાથી ચૂક થઈ છે.

ભારતે હુમલા અંગે મહિના અગાઉ ચેતવણી આપી હતી, પરંતુ આ માહિતી અધિકારીઓ દ્વારા યોગ્ય રીતે આગળ પહોંચાડવામાં આવી નહોતી.

ઉલ્લેખનીય છે કે ઈસ્ટરના દિવસે શ્રીલંકામાં થયેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટમાં 359 લોકોનાં મૃત્યુ થયાં છે, જ્યારે 500થી વધુ ઘાયલ થયા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

મદ્રાસ હાઈકોર્ટે ટિક-ટૉક પરથી પ્રતિબંધ હઠાવ્યો

ઇમેજ સ્રોત, CREDIT: TIK TOK/BYTE DANCE

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર મદ્રાસ હાઈકોર્ટે ટિક-ટૉક પરથી પ્રતિબંધ હઠાવી લીધો છે.

બુધવારના રોજ કોર્ટે આદેશ આપ્યો કે ઍપ ખાતરી કરે કે તેનો ઉપયોગ અશ્લીલ સામગ્રી માટે ન થાય.

પીઠે નિર્ણય સંભળાવતા એવું પણ કહ્યું કે જો ઍપમાં કોઈ વિવાદિત વીડિયો મારફતે શરતોનું ઉલ્લંઘન થશે તો તે કોર્ટની અવમાનના ગણાશે.

કોર્ટે ત્રણ એપ્રિલના રોજ કેન્દ્રને મોબાઇલ ઍપ ટિક-ટૉક પરથી પ્રતિબંધ હઠાવી લેવા નિર્ણય કર્યો.

બીજી તરફ પ્રતિબંધ દૂર કર્યા બાદ ચાઇનીઝ ઍપ 'ટિક-ટૉક'એ કહ્યું છે કે તે ભારતના 12 કરોડ યૂઝર્સના સુરક્ષા ફીચરને લઈને પ્રતિબદ્ધ છે.

સુદાન- ત્રણ વિવાદિત નેતાઓનાં રાજીનામાં

ઇમેજ સ્રોત, REUTERS

સુદાનમાં અસ્થાયી સત્તા ચલાવી રહેલી સેના પરિષદના ત્રણ સૌથી વિવાદિત નેતાઓએ રાજીનામું આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

ત્રણેય નેતાઓ ઇસ્લામવાદી અને સત્તા પરથી હઠાવાયેલા પૂર્વ રાષ્ટ્રપતિ ઓમર અલ બશીરના સમર્થક છે.

પ્રદર્શનકારીઓ આ ત્રણેયને હઠાવવાની માગ કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ અને સૈન્ય પરિષદ વચ્ચે વાતચીત થયા બાદ તેમણે રાજીનામું આપવાની વાત કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો