શ્રીલંકા હુમલો : મૃતદેહો લઈને પરત ફરેલા ભારતીયો કેમ નારાજ છે?

ઇમેજ સ્રોત, Getty Images
શ્રીલંકામાં ઇસ્ટર સન્ડેના રોજ થયેલા બૉમ્બ વિસ્ફોટોમાં મૃતકોની સંખ્યા 359 પર પહોંચી ગઈ છે અને 500થી વધુ લોકો ઘાયલ થયા છે.
શ્રીલંકાએ સુરક્ષામાં મોટી ચૂકનો સ્વીકાર કર્યો છે. રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરીસેનાએ સુરક્ષા સચિવ અને પોલીસ પ્રમુખને પદ પરથી હટાવી દીધા છે.
આ દરમિયાન જેમના પર હુમલાનું કાવતરું ઘડવાની શંકા છે તે હાશિમનાં બહેન હાશિમ મદાનિયાએ બીબીસી સાથેની વાતચીતમાં પોતાના ભાઈની ટીકા કરતાં કહ્યું કે તેમને આ વિશે કોઈ માહિતી ન હતી.
મદાનિયાએ કહ્યું, "મને તેના કૃત્ય અંગે માત્ર મીડિયા દ્વારા જ જાણ થઈ છે. મને ક્યારેય એક પળ માટે પણ નથી લાગ્યું કે તે આવું કંઈ કરશે."
"તેણે જે કર્યું તેની હું કડક નિંદા કરું છું. ભલે તે મારો ભાઈ કેમ ના હોય, હું તેને સ્વીકાર કરી શકતી નથી. મને હવે તેની કોઈ ચિંતા નથી."
બીજી તરફ આ હુમલામાં માર્યા ગયેલા ભારતીય પરિવારોમાં પણ ભારે ગુસ્સો અને નારાજગી જોવા મળી રહ્યાં છે.
ગુસ્સે થયેલા ભારતીયોના સવાલો
ઇમેજ સ્રોત, IMRAN QURESHI
આ હુમલામાં માર્યા ગયેલા ભારતીયોના મૃતદેહો ભારત પહોંચવા લાગ્યા છે. કર્ણાટકના બેંગલૂરુના જે લોકોનાં મોત આ વિસ્ફોટોમાં થયાં તેમના પરિવારો અને સંબંધીઓ આઘાતમાં છે.
જોકે, જે સંબંધીઓ મૃતદેહો લઈને ભારત પહોંચ્યા છે તેઓ સુરક્ષાની સ્થિતિને લઈને ગુસ્સે છે.
પોતાના સંબંધીનો મૃતદેહ લઈને બેંગલૂરુ પહોંચેલા અભિલાષ લક્ષ્મીનારાયણે બીબીસીને કહ્યું, "શ્રીલંકાએ સુરક્ષામાં થયેલી ચૂકની જવાબદારી લેવી પડશે. તે સેવન સ્ટાર હોટલ હતી પરંતુ ત્યાં મૅટલ ડિટેક્ટર પણ લાગેલાં ન હતાં."
અભિલાષના પિતા કે. એમ. લક્ષ્મીનારાયણ નીલમાંગલા તાલુકા પંચાયતના પૂર્વ અધ્યક્ષ હતા અને જનતાદળ સેક્યુલર સાથે જોડાયેલા હતા.
18 એપ્રિલના લોકસભાના મતદાન બાદ તેઓ પક્ષના અન્ય સાત સભ્યો સાથે શ્રીલંકા રજા માણવા ગયા હતા.
તમે આ વાંચ્યું કે નહીં?
'ક્યાંય પોલીસ જોવા ના મળી'
ઇમેજ સ્રોત, IMRAN QURESHI/BBC
શ્રીલંકામાં થયેલા હુમલામાં કુલ 11 ભારતીયો માર્યા ગયા છે જેમાં આઠ જનતાદળ સેક્યુલરના સભ્યો હતા.
વ્યવસાયે ડૉક્ટર એવા મંજુનાથ કહે છે, "મારાં માતા ખૂબ આઘાતમાં છે. તેઓ બોલી પણ શકતાં નથી. મારા પિતાએ જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યો હતો. આ તેમના આરામ કરવાના દિવસો હતા. મેં વેપારની જવાબદારી સંભાળવાની શરૂઆત કરી દીધી હતી."
પોતાના સંબંધી નાગરાજ રેડ્ડીને શોધવા અને ઘાયલ પુરસોત્તમ રેડ્ડીની મદદ કરવા કોલંબો ગયેલા ભાજપના ધારાસભ્ય એસ. આર. વિશ્વનાથ પણ શ્રીલંકામાં સુરક્ષાની સ્થિતિને લઈને ખૂબ ગુસ્સામાં છે.
વિશ્વનાથ કહે છે, "આટલો મોટો હુમલો થઈ ગયો અને હજી બૉમ્બ મળી આવે છે. તેમ છતાં તમને ઍરપોર્ટ પર માત્ર કેટલાક સૈનિકો જોવા મળે છે. રવિવારે રાત્રે હુમલા બાદ જ્યારે કોલંબો પહોંચ્યા તો અમને ચોકમાં ક્યાંય પોલીસ જોવા ના મળી."
તેમણે કહ્યું, "જ્યારે અમે હોટલ ગયા તો કિંગ્સબરી હોટલમાં મૅટલ ડિટેક્ટર તો હતું પરંતુ સુરક્ષાની તપાસ કરવા માટે કોઈ હાજર ન હતું."
"વિશ્વમાં આ એક લોકપ્રિય પ્રવાસનસ્થળ છે તો અહીં તો સુરક્ષા હોવી જોઈએ."
'હૉસ્પિટલમાં સડી રહ્યા છે મૃતદેહો'
ઇમેજ સ્રોત, IMRAN QURESHI/BBC
જ્યારે વિસ્ફોટ થયો ત્યારે નાગરાજ રેડ્ડી અને પુરષોત્તમ રેડ્ડી કિંગ્સબરી હોટલના કૅફેમાં નાસ્તો કરવા ગયા હતા.
તેમના બે મિત્રો ભાગ્યાશાળા રહ્યા જેઓ તેમની સાથે નાસ્તા માટે નીચે ન આવ્યા.
પુરષોત્તમ રેડ્ડીને ઍર ઍમ્બુલન્સ મારફતે હૉસ્પિટલ લવાયા હતા.
બીજી તરફ શ્રીલંકાથી બનેવીનો મૃતદેહ લઈને બેંગલૂરુ આવેલા શિવકુમારની ફરિયાદ અલગ છે.
તેઓ કહે છે, "હૉસ્પિટલમાં મૃતદેહો સડી રહ્યા હતા કારણ કે ત્યાં તેને રાખવા માટે પર્યાપ્ત ફ્રીઝર નહોતાં. અમારે મૃતદેહને સંપૂર્ણ રીતે ઢાકવો પડ્યો કારણ કે તેની હાલત ખૂબ જ ખરાબ હતી."
ધનવાન અને ભણેલા હતા હુમલાખોરો
ઇમેજ સ્રોત, Getty Images
નવ હુમલાખોરોમાંથી આઠ શ્રીલંકાના નાગરિક હોવાનું બહાર આવ્યું છે. તેમાંથી બે રાજધાની કોલંબોના સમૃદ્ધ વિસ્તારમાં રહેતા બે પૈસાદાર કારોબારી ભાઈઓ હતા.
એવું પણ જાણવા મળ્યું છે કે એક હુમલાખોર બ્રિટન અને ઑસ્ટ્રેલિયામાં ભણ્યો હતો.
બ્રિટનના ઍન્ટિ-ટેરેરિઝ્મ સિક્યુરિટી ઑફિસના પૂર્વ પ્રમુખ ક્રિસ ફિલિપ્સ કહે છે કે તેમના માટે આ વાત હેરાનીભરી નથી.
તેમનું કહેવું છે કે આતંકવાદીઓ ખૂબ જ અમીર હતા અને તેમની પાસે એટલા પૈસા હતા કે દુનિયા ફરી શકે.
તેમણે કહ્યું, "હેરાનીભરી વાત એ છે કે અમારી બ્રિટનની સુરક્ષા એજન્સીઓ પાસે તેમની અંગે કોઈ માહિતી નહોતી. પરંતુ તેનો મતલબ એ નથી કે તેની પર અમારો કોઈ પ્રભાવ હશે કારણ કે શ્રીલંકા પરત ફરીને આતંકવાદી બની ગયો હતો. આ દરેક બાબતની તપાસ થશે."
ડર અને તણાવનો માહોલ
ઇમેજ સ્રોત, REUTERS
શ્રીલંકાની સરકારે સ્થાનિક જેહાદી સંગઠનને હુમલાના જવાબદાર ઠેરવ્યા છે. આ મામલે અત્યાર સુધી 60થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.
હાલમાં સમગ્ર દેશમાં કટોકટી જાહેર કરી દેવામાં આવી છે.
ઇસ્લામિક સ્ટેટે પણ આ હુમલાની જવાબદારી લીધી છે અને તેમના દાવાઓની તપાસ થઈ રહી છે. દરમિયાન એવો પણ ડર છે કે હુમલાખોરો અન્ય જગ્યાએ હુમલો કરવાની ફિરાકમાં ન હોય.
શ્રીલંકામાં હજુ ડર અને તણાવનો માહોલ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો