અહીં આઝાદીનાં 72 વર્ષ પછી પણ પીવાનું પાણી નથી

  • કીર્તિ દૂબે
  • બીબીસી સંવાદદાતા, નૂંહથી વિશેષ અહેવાલ
ગામવાસી

નૂંહ જિલ્લાના ગામડાંમાં હજી પણ પાણી સૌથી મોટી સમસ્યા છે, પણ સાત દાયકામાં ક્યારેય તેના પર ધ્યાન અપાયું નથી.

'જળ એ જ જીવન છે' આ પંક્તિ આપણે શાળાનાં પુસ્તકોમાં ભણ્યા હતા. પરંતુ પાણી મેળવવા માટે લોકોએ દરરોજ જહેમત ઉઠાવવી પડે તો તેને શું કહેવું તે પણ એક સવાલ છે.

દેશની રાજધાની દિલ્હીથી ફક્ત 100 કિમી દૂર હરિયાણાના નૂંહ જિલ્લામાં આવ્યું છે ભાદસ ગામ.

આ ગામનું દુર્ભાગ્ય છે કે આઝાદીનાં 72 વર્ષ પછીય અહીંના લોકોને પીવાનું પાણી મળતું નથી.

1200 પરિવારોની વસતિ ધરાવતા આ ગામમાં લોકોએ પૈસા ખર્ચીને પાણીનાં ટૅન્કરો મગાવવાં પડે છે.

પાણીનો સંગ્રહ કરવા માટે દરેક ઘરમાં મોટા મોટા ટાંકા બનાવાયા છે. લોકો સ્થાનિક ભાષામાં તેને 'કુંડા' કહે છે.

જોકે, ઘણા ગરીબ પરિવારો એવા પણ છે જેમની પાસે પાણીનું ટૅન્કર ખરીદવાના પૈસા નથી. તેઓ ઘરમાં ટાંકા બનાવી શકે તેવી સ્થિતિમાં પણ નથી. તેને કારણે ગરીબ પરિવારોની મહિલાઓએ પાણી ભરવા માટે દૂર-દૂર સુધી જવું પડે છે.

મેવાત તરીકે ઓળખાતા આ વિસ્તારનું ભૂગર્ભ જળ ક્ષારવાળું છે.

આ પાણી પીવાલાયક નથી તથા બીજા કોઈ કામમાં પણ ઉપયોગી નથી. તેના કારણે આ વિસ્તારના લોકોએ પાણી માટે કેટલાય કિમી દૂર ભટકવું પડે છે અને પૈસા ખર્ચીને ટૅન્કર મગાવવું પડે છે.

આ કહાની માત્ર ભાદસ ગામની નથી, પરંતુ નૂંહના નગીના તાલુકાના લગભગ બધાં ગામોની હાલત આવી છે.

ભાદસના ધૂળિયા રસ્તા પર અમારી મુલાકાત 80 વર્ષનાં વૃદ્ધા ભજરી સાથે થઈ.

મેં તેમને પાણીની સમસ્યા વિશે પૂછ્યું તો મારો હાથ જ પકડી લીધો. મને કહે બહુ તકલીફમાં છીએ દીકરી, વસતિમાં પાણી આવે તેવું કંઈક કરી દે.

ધ્રૂજતા અવાજે તેઓ કહે છે, "ઘરમાં એક ટીપું પાણી નથી, નહાવું તો શેનાથી. રોજા કેવી રીતે રાખવા. ટૅન્કર બોલાવ્યું હતું પણ આવ્યું નહીં."

"આખું ઘર જોઈ લો જરાય પાણી નથી. 15 દિવસ પછી રમઝાન આવશે. રોજ ભારે ગરમી પડે છે. થાય છે કે નહાઈ લઈએ, ગંદકી તો નાપાક(અપવિત્ર) છે. પણ નાહી જ ન શકીએ તો પાક(પવિત્ર) ક્યાંથી રહીએ."

મને 2000 રૂપિયાનું પેન્શન મળે છે. દીકરો ચાની લારી ચલાવે છે. કેવી રીતે પીવાનું પાણી મેળવીએ છીએ એ અમે જ જાણીએ છીએ."

"પાંચ દિવસ થઈ ગયા છે, ટૅન્કરવાળો પાણી આપવા જ આવ્યો નથી. ઉનાળામાં મનફાવે તેટલા પૈસા માગે છે. મહિને 5000 રૂપિયા ખર્ચવા પડે છે."

બાજુમાં રાખેલા માટલા તરફ ઇશારો કરીને કહે છે કે જોઈ લે બેટા, બસ આટલું જ પાણી બચ્યું છે. અમને પાણી પીવા નથી મળતું ત્યારે આ પશુઓને ક્યાંથી પીવડાવવું.

અમારી વાતચીત ચાલતી હતી ત્યારે જ તેમણે વચ્ચે પોતાના પૌત્રને ટોક્યો કે તડકામાં બહુ ના રમીશ.

તેને બહુ તરસ ના લાગે તે માટે તેઓ ટોકી રહ્યા હતા. ઘરમાં માત્ર એક માટલું પાણી વધ્યું છે અને ટૅન્કરની રાહ જોવાની છે.

ભાદસ ગામમાં સરકારે પણ કેટલાક ટાંકા બનાવ્યા છે, પણ તે ગામથી દૂર છે. તેમાં ક્યારેક પાણી હોય, ક્યારેક ના હોય. તેના કારણે ગામના લોકોએ પાણીના ટૅન્કર મગાવીને જ ચલાવવું પડે છે.

ગામમાં રહેતા સૈફુ કહે છે કે અમે તેલની જેમ પાણી વાપરીએ છીએ. શાકભાજીમાં જરૂર હોય તેટલું જ તેલ નાખીએ અને પાણીનો જરૂર પ્રમાણે જ ઉપયોગ કરીએ છીએ. મજૂરી કરીને બે પૈસા મળે તેમાંથી બે ટંકની રોટી ખરીદતા પહેલાં પાણી ખરીદવાનો વિચાર કરવો પડે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

15 વર્ષ જૂની યોજના પછીય મેવાત તરસ્યું

ઇમેજ કૅપ્શન,

ભાદસ ગામમાં રહેતાં 80 વર્ષનાં ભજરી

ઑક્ટોબર 2004માં હરિયાણાના તત્કાલીન મુખ્ય પ્રધાન ઓમ પ્રકાશ ચૌટાલાએ મેવાત માટે 425 કરોડ રૂપિયાના ખર્ચે રેનીવેલ યોજના શરૂ કરાવી હતી.

આ યોજનામાં યમુનાનું પાણી બૂસ્ટર અને પાઇપ લાઇન મારફતે ગામો સુધી પહોંચાડવાનું હતું. બાદમાં કૉંગ્રેસની સરકાર આવી ત્યારે આ યોજનાનું નામ બદલીને 'રાજીવ ગાંધી પેયજલ યોજના' કરી દેવાયું.

ગામમાં વ્યક્તિદીઠ 55 લટર પાણી આપવાની યોજના હતી.

ગામ અને વિસ્તાર પ્રમાણે આ યોજનાને બે તબક્કામાં વહેંચવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં અઢી કરોડ રૂપિયાનો ખર્ચ થયો, પણ તે પછી યોજના ઠપ થઈ ગઈ.

રાજ્યમાં હવે પાંચ વર્ષથી ભાજપની સરકાર છે. આ 15 વર્ષોમાં સરકારો બદલાઈ ગઈ અને યોજનાઓનાં નામો પણ બદલાઈ ગયાં, પણ લોકોની સ્થિતિમાં કોઈ ફરક આવ્યો નથી.

ગામની આ સ્થિતિને કારણે ઊભા થયેલા સવાલો સાથે અમે ગુરુગ્રામના સાંસદ રાવ ઇન્દ્રજિતસિંહને મળવા તેમના કાર્યાલયે પહોંચ્યા હતા. તેમણે મળવાનો સમય આપ્યો હતો, પણ આવા પ્રશ્નોના જવાબ આપવાની ના પાડી દીધી.

મજબૂરી, આશા અને નિરાશા

ભાદસ મોટું ગામ છે. તેનો એક હિસ્સો ઊંચાઈ પર આવેલો છે, જેને અહીં ખેડા કહેવામાં આવે છે.

ગામમાં પાણીની પાઇપલાઈનો નાખવામાં આવી પણ તેમાં પાણી આવતું નથી.

ગામની એક વ્યક્તિના જણાવ્યા અનુસાર 10 દિવસ પહેલાં જ પાઇપલાઇન નાખવામાં આવી છે અને ભાજપની સરકાર પાણી આપશે એવી તેમને આશા છે.

પાણીની પાઇપની વાત કરતી વખતે ઝરીનાની આંખોમાં પણ આશાની ચમક દેખાઈ હતી.

તેઓ કહે છે, "જેઈ સાહેબે પાઇપલાઇન નખાવી છે તો પાણી પણ આવશે. ભાજપ અમને પાણી આપશે."

ઝરીનાની ગોદમાં બાળક રમતું હતું. તેને સંભાળતાં-સંભાળતાં જોકે, ચહેરા પર નિરાશાના ભાવ સાથે કહે છે, "સરકારી કુંડામાં પણ ક્યારેક પાણી આવે, ક્યારેય ના આવે. અહીં વીજળી તો આવતી જ નથી અને કેટલાય દિવસો સુધી પાણી છોડવામાં આવતું નથી."

"પછી ગામમાંથી કોઈક પાસેથી પાણી ઉછીનું લાવવું પડે છે. તે પછી નીચેથી પાણી ભરી આવીએ અને પાછું આપીએ. અમે તો ગરીબ માણસ છીએ. મારો મરદ મજૂર છે. કામ મળી જાય તો પાણી ખરીદી લઈએ છીએ, નહીંતર આ જ પાણી પીને ચલાવીએ છીએ."

ઝરીનાની વાત અટકાવીને એક મોટી ઉંમરની મહિલા કહે છે, "અમને શું ખબર ભાજપે કર્યું છે કે નહીં. અમે તો જેઈ સાહેબને માનીએ છીએ. તેઓ જ પાઇપલાઇન નાખવા આવ્યા હતા. અમે નહીં કહીએ કે ભાજપે કર્યું, અમને શું ખબર."

પાણી ભરવાનું કામ મહિલાઓએ કરવું પડે છે. સવારથી સાંજ સુધી પાણી ભરવામાં જ તેમનો સમય જાય છે. વચ્ચે બપોરના સમયે એકાદ કલાક માંડ આરામ કરી શકે. પાણી ભરવા જવું પડે છે તેના કારણે ગામની દીકરીઓએ ભણવાનાં સપનાં ભૂલી જવા પડે છે.

તેમાંની એક છે સુનિતા. 18 વર્ષની સુનિતાને ભણવું હતું, પણ 10માં ધોરણથી આગળ ભણી શકી નથી.

રોજ સવારે ઊઠીને તેમણે પાણી ભરવા માટે જવું પડતું હતું. દિવસભર કેટલાય ફેરા કરીને ડોલમાં પાણી ભરી લાવવું પડતું હતું.

ઘરના લોકોની પાણીની જરૂરિયાત પૂરી કરવા માટેની આ જવાબદારીને કારણે તેમણે ભણવાનું છોડી દેવું પડ્યું.

મેવાતનાં આ ગામોના કાચા રસ્તા પર તમને બે જ વસ્તુઓ જોવા મળે. પાણીનાં ટૅન્કરો અને મોટાં-મોટાં બેડાં લઈને પાણી ભરીને જઈ રહેલી મહિલાઓ.

પોતાનું નામ પણ બરાબર ના બોલી શકતી ચાર વરસની દીકરી પણ નાનકડા ઘડામાં પાણી ભરવા નીકળી પડે છે.

સરકારી તંત્રની આ ઉપેક્ષા જોયા પછી ગામના લોકોને પોતાના નેતાઓ પાસે પણ કોઈ આશા નથી.

વીડિયો કૅપ્શન,

ગુજરાતની જીવાદોરી નર્મદા કેમ લોકો માટે બની રહી છે ખતરો?

ગંડુરી ગામ, જ્યાં નેતાઓ નજરે નથી ચડતા

હવે અમે નગીના તાલુકાના ગામ ગંડુરી પહોંચ્યા. આ ગામની હાલત વધારે ખરાબ છે. અહીં એક પણ સરકારી ટાંકો નથી. તેના કારણે ગામના લોકોએ ક્ષારવાળું પાણી પીવું પડે છે અથવા તો પૈસા ખર્ચીને પાણીનું ટેન્કર મગાવવું પડે છે.

અમે ગામમાં દાખલ થયા ત્યારે એક મહિલા સાથે મુલાકાત થઈ.

બાળકો સાથે આવેલી મહિલા કૂવામાંથી પાણી ભરી રહી હતી. અમે કૂવામાં ડોકિયું કરીને જોયું તો તળિયે થોડું પાણી હતું.

આ મહિલા પાણી ખરીદી શકે તેમ નહોતી તેથી આજે ખારા પાણીથી જ ચલાવી લેવું પડશે.

અમે વાતચીત કરવાની કોશિશ કરી તો તેમણે ઘૂમટો તાણી લીધો અને અમારી સાથે વાત કરવાની ના પાડી.

ગામમાં અમે સર્ફુદ્દીન નામના ખેડૂતને મળ્યા. પાણી માટેનો સવાલ પૂછવાનું હું પૂરું કરું તે પહેલાં જ બોલ્યા, "મેડમ કંઈ થવાનું નથી. આ લોકો ચૂંટણી વખતે આવે છે. વાતો કરીને જતા રહે છે. અમારા મતોથી જીતે છે, પણ કોઈ કામ કરતા નથી."

"અહીં તો સરકારી કુંડા પણ નથી. અમે સૌએ જાતે કુંડા બનાવ્યા છે અને પાણી પણ અમે જ ભરીએ છીએ. 1000થી 1500 રૂપિયાનું એક ટૅન્કર આવે છે. અહીં ઇંદ્રજિતજી (ગુરુગ્રામના સાંસદ) તો આવ્યા જ નથી. મેવાતનું નામ પડે એટલે નેતાઓ આવે જ નહીં."

"કોઈ નેતા સાંભળતા હોય તો અમારે કહેવું છે કે સૌપ્રથમ પાણીની મુશ્કેલી દૂર કરો. કોઈ પણ પક્ષના નેતાઓ હોય, અમારા માટે તો કોઈએ કામ કર્યું નથી. મજબૂરીથી અમે મત આપીએ છીએ, પણ અમારું કોઈ સાંભળતું નથી."

સર્ફુદ્દીન વર્ષે એક વખત સરસવની ખેતી કરે છે. ખેતી માટે પણ પૂરી રીતે વરસાદ પર આધાર રાખવો પડે છે. વરસાદ ના આવે ત્યારે ખારા પાણીથી સિંચાઈ કરવી પડે છે. તેના કારણે ઘણી વખત તેમના પાકને નુકસાન થયું છે.

આ ગામના લોકોને બધા જ રાજકીય પક્ષો અને સરકારો સામે ફરિયાદ છે, પણ ઓમ પ્રકાશ ચૌટાલાના વખાણ કરે છે.

ચૌટાલાની સરકારે વૃદ્ધો માટે 2000 રૂપિયાની પેન્શનની યોજના શરૂ કરી હતી તેને આ લોકો સારી ભેંટ ગણે છે.

2000 રૂપિયાનું પેન્શન મળે છે એટલે છોકરાઓ થોડું માન આપે છે એમ એક વૃદ્ધાએ કહ્યું.

પાણી અને વીજળી વિનાની શાળા

ગામમાં પાણી જ ના મળતું હોય ત્યાં શાળા ચલાવવાનું કામ પડકારજનક હોય છે.

સરકારે શાળા બનાવી આપી છે, પણ બાળકો માટે પાણીની વ્યવસ્થા નથી થઈ કે નથી મળી વીજળી.

ગંડુરી ગામની સરકારી શાળામાં વીજળીનું કનેક્શન જ નથી. દેશના છેલ્લા બાકી રહેલા ગામમાં પણ વીજળી પહોંચાડી દેવાના સરકારી દાવાની પોલ અહીં ખુલી જાય છે.

શાળાના પ્રાથમિક વિભાગના હેડ માસ્ટર મોહમ્મદ સિદ્દીક કહે છે, "ગંડુરી જ નહીં, સમગ્ર મેવાતમાં પાણી સૌથી મોટી સમસ્યા છે. બધી શાળાઓમાં આવી જ સમસ્યા છે. શાળા માટે ટૅન્કરથી પાણી મગાવવું પડે છે. પણ તે માટે સરકારી નાણાં મળતા નથી."

"અમે બધા શિક્ષકો ફાળો કરીને પાણીનું ટૅન્કર મગાવીએ છીએ. ટૅન્કર સમયસર ના આવે ત્યારે હું મારા ઘરથી 20 લીટરની પાણીની બૉટલ લઈને આવું છે. ઘણી વખત પાણી ના હોય ત્યારે બાળકોને રજા આપી દેવી પડે છે."

2007માં શાળાની નવી ઇમારત બનાવવામાં આવી હતી, પણ હજી સુધી તેમાં વીજળીનું કનેક્શન આપવામાં આવ્યું નથી.

શું પાણીની તરસ ક્યારેય બૂઝાશે?

ઇમેજ કૅપ્શન,

18 વર્ષનાં સુનિતાએ અભ્યાસ છોડવો પડ્યો હતો

મેવાતના સામાજિક વિકાસ અને પાણીની સમસ્યા પર છેલ્લાં 25 વર્ષોથી કામ કરી રહેલા ઇતિહાસકાર સિદ્દીક મોહમ્મદ કહે છે, "મેવાત માટે બે વખત પાણીની યોજના બની. એક વખત બંસીલાલજીએ ધનતરી ગામથી શરૂઆત કરાવી હતી, પણ તે પૂરી થઈ નહીં."

"ત્યારબાદ ઓમપ્રકાશ ચૌટાલા 2003-04માં રેનીવેલ યોજના લાવ્યા હતા. ચૌટાલા સરકાર ગઈ તે પછી કૉંગ્રેસની સરકાર આવી. તેણે યોજનાનું નામ 'રાજીવ ગાંધી પેયજલ યોજના' કરી દીધું.

એ યોજના હેઠળ પુન્હાના અને નગીના તાલુકાનાં 52 ગામોને આવરી લેવાનાં હતાં. પ્રથમ તબક્કે 200 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો, પણ તે પછી એ યોજનાનું કામ બંધ થઈ ગયું છે."

"આ વખતે 2018માં ભાજપ સરકારે કહ્યું હતું કે રેનીવેલ યોજના ફરી શરૂ કરાશે. બાકી રહી ગયેલાં ગામોમાં યોજનાના બીજા તબક્કામાં પાણી પહોંચાડવામાં આવશે. જોકે, તે માટે કેટલું બજેટ હશે, કામ ક્યારથી શરૂ થશે તે સરકારે હજી સુધી જણાવ્યું નથી."

12મી મેના રોજ હરિયાણામાં લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે.

દેશમાં બૂલેટ ટ્રેન, સ્માર્ટ સિટી, ન્યાય યોજનાની વાતો થાય છે, ત્યારે મેવાત પ્રદેશના લોકો પોતાના માટે માત્ર પીવાનું ચોખ્ખું પાણી જ માગી રહ્યા છે. શું આ લોકોની માગણી કાને ધરવામાં આવશે ખરી તે સવાલ છે.

આ ગામના લોકો છેલ્લા સાત દાયકાથી મુશ્કેલીઓ સહન કરતા આવ્યા છે. તેઓ હવે એક એવા નેતાની રાહ જોઈ રહ્યા છે, જે માત્ર વાયદાઓ ન કરે પણ પીવાનું ચોખ્ખું પાણી પહોંચાડે.

આ ગામોમાં ફરતી વખતે સાહિરની કેટલીક પંક્તિઓ યાદ આવી ગઈ...

'જરા મુલ્ક કે રહબરો કો બુલાઓ

યે કૂચે યે ગલિયાં યે મંઝર દિખાઓ

જિન્હે નાઝ હે હિંદ પર ઉન્હે બુલાઓ

જિન્હે નાઝ હે હિંદ પર વો કહાં હે?'

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો