શ્રીલંકા હુમલાના મુખ્ય સૂત્રધાર હાશિમનું મોત- મૈત્રિપાલા સિરીસેના

ફોટો લાઈન ઝહરાન હાશિમ

શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરીસેનાએ કહ્યું કે શ્રીલંકા બૉમ્બ બ્લાસ્ટના મુખ્ય સૂત્રધારનું મોત થયું છે.

શુક્રવારના રોજ સિરીસેનાએ કહ્યું હતું કે મુખ્ય હુમલાખોર ઝહરાન હાશિમ વિસ્ફોટ દરમિયાન કોલંબોની શાંગરી-લા હોટલમાં મૃત્યુ પામ્યો હતો. તે એક ક્ટ્ટર ઉપદેશક હતો.

સિરીસેનાએ એવું પણ કહ્યું કે હાશિમે અન્ય હુમલાખોરો સાથે મળીને પર્યટકોમાં લોકપ્રિયમાં શાંગરી-લા હોટલ પર હુમલો કર્યો હતો.

બીજા હુમલાખોરની ઓળખ ઇલ્હામ તરીકે થઈ છે.

સિરીસેનાએ એવું પણ કહ્યું કે શ્રીલંકાની જાસૂસી સંસ્થાઓ અનુસાર ઇસ્લામિક સ્ટેટ સાથે સંબંધિત લગભગ 130 શંકાસ્પદ વ્યક્તિ દેશમાં સક્રિય હતી. પોલીસ હજુ 70 લોકોની શોધખોળ કરી રહી છે.

સિરીસેનાએ કહ્યું કે શ્રીલંકાના પોલીસ પ્રમુખ પુજિત જયસુંદરે રાજીનામું આપી દીધું છે. આ સિવાય સંરક્ષણ મંત્રી હેમાસિરી ફર્નેડોએ પણ રાજીનામું આપી દીધું છે.

પ્રથમ વખત હાશિમનું નામ બૌદ્ધ મૂર્તિઓ નષ્ટ કરનાર સમૂહ સાથે બહાર આવ્યું હતું. ત્યારબાદ તેમણે યૂટ્યૂબ પર અમુક વીડિયો પોસ્ટ કર્યા જેમાં તે બિનમુસ્લિમો સાથે હિંસા કરવાની વાત કરે છે.

હુમલા બાદ આઈએસ દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયોમાં હાશિમ સ્પષ્ટ દેખાય છે જ્યારે અન્ય લોકોએ પોતાનો ચહેરો છુપાવેલો છે.


શ્રીલંકામાં મૃત્યુઆંક 100 ઘટ્યો

શ્રીલંકા બૉમ્બ વિસ્ફોટ Image copyright EPA

શ્રીલંકા સરકારે રવિવારે થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બ વિસ્ફોટમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં ફેરફાર કર્યો છે અને મૃતકોની સંખ્યા 100 જેટલી ઘટાડી દીધી છે.

શ્રીલંકાના સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે વિસ્ફોટમાં મૃત્યુ પામનાર લોકોની સંખ્યા આશરે 253 છે.

મંત્રાલયે અગાઉ જાહેર કરાયેલી મૃતકોની સંખ્યાની ગણતરીમાં ક્ષતિ હોવાનું જણાવ્યું છે.

કોલંબો અને બટ્ટીકાલોઆમાં થયેલા વિસ્ફોટોમાં કેટલાક વિદેશી નાગરિકોનાં પણ મૃત્યુ થયાં હતાં.

નવ પૈકી આઠ હુમલાખોર શ્રીલંકાના જ નાગરિક હોવાનું જાણવા મળે છે અને હુમલામાં આઈએસની સંડોવણી છે કે કેમ એ અંગે તપાસ કરાઈ રહી છે.

ગુરુવારે સંરક્ષણ સચિવ હમસિરી ફર્નાન્ડોએ રાજીનામું આપી દીધું હતું.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી હટાવવાની કૉંગ્રેસની માગ

અલ્પેશ ઠાકોર Image copyright FB/ALPESHTHAKOR

રાધનપુર બેઠકથી કૉંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદ માટે ગેરલાયક ઠેરવવાની માગ કરાઈ છે.

'ધ ઇન્ડિયન એક્સ્પ્રેસ'માં પ્રકાશિત અહેવાલ પ્રમાણે ગુરુવારે કૉંગ્રેસના ધારાસભ્યો અશ્વિન કોટવાલ અને બલદેવ ઠાકોરે વિધાનસભાના સેક્રેટરી ડી. એમ. પટેલને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી કે શિસ્તભંગ બદલ અલ્પેશ ઠાકોરને ધારાસભ્ય પદેથી હઠાવવામાં આવે.

2017ની વિધાનસભા ચૂંટણી પૂર્વે અલ્પેશ ઠાકોર કૉંગ્રેસમાં જોડાયા હતા. જે બાદ 2019ની ચૂંટણી પહેલાં કૉંગ્રેસમાં સન્માન જળવાતું ન હોવાનું કહીને રાજીનામું આપી દીધું હતું.

કૉંગ્રેસના સભ્યપદેથી રાજીનામું આપતી વખતે અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે તેઓ ધારાસભ્ય પદ નહીં છોડે.

લોકસભાની ચૂંટણી દરમિયાન બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર માટે અલ્પેશ ઠાકોરે પ્રચાર કર્યો હતો, એ અપક્ષ ઉમેદવાર સામે કૉંગ્રેસે પણ પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા.

કૉંગ્રેસે જણાવ્યું હતું કે તેમની માગને સેક્રેટરી વિધાનસભાના સ્પીકર સુધી પહોંચાડશે.

ગિરિરાજ સિંહ પર ચૂંટણીપંચની આચારસંહિતા ભંગની ફરિયાદ

Image copyright Getty Images

'એનડીટીવી' પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે ભાજપના મંત્રી અને લોકસભા ચૂંટણીના ઉમેદવાર ગિરિરાજ સિંહના નિવેદન બદલ ચૂંટણીપંચે આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધી છે.

ગિરિરાજ સિંહે કહ્યું હતું કે જો કબર માટે આ દેશમાં ત્રણ હાથ જેટલી જગ્યા જોઈતી હોય તો વંદે માતરમ અને ભારત માતા કી જય કહેવું પડશે.

ગિરિરાજ સિંહ બિહારની બેગૂસરાય બેઠક પરથી કનૈયા કુમાર સામે ચૂંટણી લડી રહ્યા છે અને તેઓ ઉગ્ર ભાષણો માટે હંમેશાં ચર્ચામાં રહે છે.

ગિરિરાજ સિંહ વિરુદ્ધ બેગૂસરાયના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.


પ્રથમ મુલાકાત બાદ પુતિનને કિમ જોંગનું આમંત્રણ

Image copyright AFP

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉને ઉત્તર કોરિયા આવવા માટે આમંત્રણ આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે બુધવારે રશિયાના વ્લાદિવોસ્તૉકમાં બન્ને નેતાઓની પ્રથમ મુલાકાત થઈ હતી.

સ્થાનિક મીડિયાનો દાવો છે કે પુતિને આ આમંત્રણ સ્વીકાર્યું છે.

સમાચાર એજન્સી એએનઆઈએ લખ્યું છે કે પ્યોંગયાંગના સ્થાનિક મીડિયાના માધ્યમથી કિમ જોંગે આક્ષેપ કર્યો હતો કે તાજેતરની મુલાકાતોમાં યૂએસની 'બદદાનત' જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં કિમ જોંગ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બેઠકો થઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો