શ્રીલંકામાં વિસ્ફોટો બાદ એએનઆઈએ કેરળમાં શા માટે દરોડા પાડ્યા?

ઝાહરાન હાસિમ
ફોટો લાઈન શ્રીલંકામાં થયેલા વિસ્ફોટો પાછળ જાફરાન હાસિમનો હાથ હોવાનું જણાવાઈ રહ્યું છે

ભારતની નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ કેરળમાં અનેક સ્થળો ઉપર રેડ કરી છે અને ત્રણ શખ્સની પૂછપરછ હાથ ધરી છે.

એનઆઈએએ કાસરગોડ ખાતે બે અને પાલાકાડ ખાતે એક ઘર ઉપર રેડ કરી હતી.

એનઆઈએના જણાવ્યા પ્રમાણે, આ શખ્સો કથિત રીતે શ્રીલંકામાં ઇસ્ટરના દિવસે થયેલા ઉગ્રપંથી હુમલા માટે જવાબદાર જાફરાન હાસિમના અનુયાયી છે.

તા. 21મી એપ્રિલે શ્રીલંકા ખાતે થયેલા હુમલામાં 250થી વધુ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

હાસિમના કથિત અનુયાયીઓના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની તપાસ કરતા એનઆઈએને તેમની ઉપર શંકા ગઈ હતી. સંગઠનને લાગે છે કે આ લોકો હિંસક જેહાદમાં વિશ્વાસ રાખે છે.

તેમની ઉપર શંકા કરવા પાછળ અનેક કારણ છે. પહેલું એ કે કેરળમાં હાસિમની અનેક ઓડિયો ટેપ ફરી રહી છે. ઇસ્લામના જાણકારોના કહેવા પ્રમાણે, આ ટેપ્સમાં જે વાતો કરવામાં આવી છે, તે ઇસ્લામના મૂળભૂત શિક્ષણથી વિપરીત છે.

બીજું કે જે છોકરાઓ પાસેથી આ ઓડિયો ટેપ્સ મળી છે, તેઓ તામિલનાડુના કોઈમ્બ્તૂરમાં બહુચર્ચિત 'ઇસ્લામિક સ્ટેટ કેસ'માં આરોપી છે.

એવું કહેવાય છે કે તેમની પૂછપરછ દરમિયાન જ એનઆઈએને કેટલાક સગડ મળ્યા હતા, જેના આધારે ભારત સરકારે શ્રીલંકામાં થનારા ઉગ્રપંથી હુમલા અંગે ઍલર્ટ આપ્યું હતું.

ત્રીજું એ છે કે આ શખ્સો ઉપર આરોપ છે કે વર્ષ 2016માં કેરળના 21 યુવાનો શ્રીલંકા થઈને સીરિયા અને અફઘાનિસ્તાન જવામાં મદદ કરી હતી.


કેટલું મોટું ગ્રૂપ?

Image copyright Reuters

એવું કહેવાય છે કે હાસિમે શ્રીલંકામાં નેશનલ તૌહીદ જમાત (એનટીજે)ની સ્થાપના કરી હતી. જે અન્ય એક વિખ્યાત મુસ્લિમ સંસ્થા શ્રીલંકા તૌહીદ જમાતથી (એસએલટીજે) અલગ થઈને આ સંસ્થાની સ્થાપના કરી હતી, કારણ કે SLTJએ તેમના હિંસક માર્ગનો વિરોધ કર્યો હતો.

તામિનાડુમાં તૌહીદ જમાત નામની સંસ્થા છે, પરંતુ કેરળમાં આવી કોઈ સંસ્થા કે શાખાનું અસ્તિત્વ નથી. જાણકારોના જણાવ્યા પ્રમાણે, શ્રીલંકામાં આ સિવાય ત્રણ એવા સંગઠન છે જે સલાફી ઇસ્લામ (કટ્ટરપંથી ઇસ્લામ)ને અનુસરે છે.

શ્રીલંકામાં NTJ જેવી ભાષા બોલે છે એવી જ ભાષા આ સંગઠનના કેટલાક સભ્યો પણ બોલે છે.

એનઆઈએના એક અધિકારીએ નામ ન આપવી શરતે બીબીસીને જણાવ્યું કે આ ગ્રૂપ કેટલું મોટું છે તે કહેવું મુશ્કેલ છે, કારણ કે આજકાલ મોટા ભાગનો સંપર્ક ઑનલાઇન થતો હોય છે.


'અલ-વલ્લા' તથા 'અલ-બર્રા' પુસ્તક

Image copyright EAP

એક અધિકારીનું કહેવું છે, "હાસિમે તમિળ ભાષામાં જે ભાષણ આપ્યાં હતાં, તેની ઓડિયો ટેપ્સ કેરળમાંથી મળી હતી. આ ભાષણોમાં હાસિમે હિંસક જેહાદની હિમાયત કરી છે."

કેરળ યુનિવર્સિટીમાં ઇસ્લામિક સ્ટડીઝના પ્રાધ્યાપક અશરફ કડ્ડાકલે બીબીસી સાથે વાતચીતમાં કહ્યું, "ઓડિયો ટેપ્સમાં હાસિમ સલાફી વિદ્વાન શેખ ફૌજાનના પુસ્તક 'અલ-વલ્લા' તથા 'અલ-બર્રા'નો ઉલ્લેખ કરે છે."

પ્રો. કડ્ડાકલના કહેવા પ્રમાણે, હાસિમ માત્ર મુસલમાન અને મુસલમાન વચ્ચે જ સંબંધ રાખવાની વાત કહે છે અને બિન-મુસ્લિમ સાથે સંબંધ નહીં રાખવા કહે છે. એટલું જ નહીં, તમે જો બિન-મુસ્લિમ વિસ્તારમાં રહેતા હો, તો તમારે મુસ્લિમ વિસ્તારમાં શિફ્ટ થઈ જવું જોઈએ.

શ્રીલંકામાં હાસિમ દ્વારા સ્થાપિત નેશનલ તૌહીદ જમાત સાથે ભળતું નામ ધરાવતી હોવાને કારણે તામિલનાડુના અધિકારીઓની નજર તામિલનાડુ તૌહીદ જમાત ઉપર પડી હતી.

જોકે, આ સંસ્થાના ઉપાધ્યક્ષ અબ્દુર્રહમાને બીબીસી ગુજરાતીને જણાવ્યું, "એનટીજે અને અમારે કોઈ લેવાદેવા નથી. અમને હિંસામાં વિશ્વાસ નથી. ઊલટું, અમે ગામેગામ ફરીને લોકોને શાંતિનો સંદેશ આપીએ છીએ."

અબ્દુર્રહમાન કહે છે કે ગત 30 વર્ષથી તેઓ પરસ્પર સૌહાર્દ માટે આ કાર્ય કરી રહ્યા છે.

તેઓ કહે છે, "ભારત જેવા દેશમાં હિંદુ, મુસ્લિમ, ઈસાઈ અને નાસ્તિક એમ તમામ પ્રકારના લોકો રહે છે. અમે દહેજપ્રથા તથા અન્ય સામાજિક દૂષણો સામે સંઘર્ષ કરીએ છીએ. અન્ય ધર્મ સામે અમારે કોઈ વાંધો નથી."

પ્રો. કડ્ડાકલના કહેવા પ્રમાણે, "આ લોકોના કોઈ અનુયાયી ન હોવાને કારણે કેરળ પોલીસે તેમને ક્યારેય ગંભીરતાથી લીધા ન હતા., પરંતુ મને લાગે છે કે તેને શરૂઆતથી જ ખતમ કરી દેવાની જરૂર હતી."

"કારણ કે, આ પ્રકારનાં ભાષણોને કારણે સમાજમાં કટ્ટરતા ફેલાય છે."

એનઆઈએના અધિકારીનું કહેવું છે, "અમે ચોક્કસપણે દોષિતો સામે કાર્યવાહી કરીશું. આ સાથે જ અમે એવું અભિયાન હાથ ધર્યું છે, જેથી માર્ગ ભૂલેલા યુવાનોને હિંસાના માર્ગેથી મૂળ રસ્તે પરત લાવવા માટે પ્રયાસ કરીએ છીએ."

"મુંબઈનો એક યુવાન સીરિયા જવા માટે ખાડીના એક દેશમાં પહોંચી ગયો હતો. તેને મનાવીને વતન પરત લાવવામાં અમને સફળતા મળી હતી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ