TOP NEWS: મોદી, શાહ પર આચારસંહિતાના ભંગ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

મોદી Image copyright Getty Images

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પર થયેલા આદર્શ આચારસંહિતા ભંગના આરોપ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં પણ નિર્ણય લેશે એમ એનડીટીવીનો એક અહેવાલ જણાવે છે.

ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ સામે ચૂંટણીપંચ કોઈ કાર્યવાહી કરતું ન હોવાની ફરિયાદ કરી છે. જેની આજે સુનાવણી થવાની છે.

આ સુનાવણી અગાઉ આજે ચૂંટણીપંચની બેઠક મળવાની છે જેમાં આ ત્રણ મોટા નેતાઓ સામે થયેલી ફરિયાદ અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા છે.

ચૂંટણીપંચના ડૅપ્યુટી કમિશ્નર ભૂષણ કુમારે કહ્યું છે કે આજે મળનારી બેઠક ફક્ત આદર્શ આચારસંહિતા ભંગના આરોપને મામલે છે અને તેને સુપ્રીમ કોર્ટની સુનાવણી સાથે કોઈ લેવાદેવા નથી.


'ભાજપ હારશે, ઉત્તર પ્રદેશમાં ફક્ત 17 બેઠકો મળશે'

Image copyright Getty Images

તૃણમૂલ કૉંગ્રેસનાં વડાં મમતા બેનરજીએ એવો દાવો કર્યો છે કે લોકસભાની ચૂંટણી ભાજપ હારશે અને તેમને ઉત્તર પ્રદેશમાં ફક્ત 17 બેઠકો જ મળશે. આ દાવો તેમણે એક ચેનલ સાથેની વાતચીતમાં કર્યો હતો.

આ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં એક સભા સંબોધિત કરતાં કહ્યું કે તૃણમૂલ કૉંગ્રેસના 40 ધારાસભ્યો તેમના સંપર્કમાં છે.

એમણે એમ પણ કહ્યું કે 23 મે પછી તમામ ધારાસભ્યો પક્ષ છોડી દેશે.

મોદીની આ ટિપ્પણી પર ટીએમસીના નેતા ડેરેક ઓ બ્રેને વડા પ્રધાન પર ધારાસભ્યોની ખરીદીનો આરોપ મૂક્યો છે.

આપને આ પણ વાચવું ગમશે


ઓડિશા પર ફૅનિ ચક્રવાતનો ખતરો

Image copyright Getty Images

ભારતનાં કેટલાંક રાજ્યો પર ફૅની વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે.

ફૅનિ વાવાઝોડું ઓડિશાના દરિયાકિનારે 4 મે સુધીમાં પહોંચે એવી શક્યતા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ફૅની વાવાઝોડું સોમવારથી ચેન્નઈથી 700 કિલોમિટર દક્ષિણ-પૂર્વમાં બંગાળની ખાડીમાં સ્થિત છે.

જે પ્રતિકલાક 18 કિલોમિટરની ઝડપે આગળ વધી રહ્યું છે. આ ચક્રવાતની ઝડપ આગામી સમયમાં વધવાની સંભાવના છે.

આ ચક્રવાત તામિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશ થઈને ઓડિશા સુધી પહોંચે એવી સંભાવના છે.

જોકે, તે ચોક્કસ કયા વિસ્તારને અસર કરશે તે અંગે હવામાન ખાતાએ હજુ સુધી ચોક્કસ માહિતી આપી નથી.


અમેરિકાના ડેપ્યુટી ઍટર્ની જનરલનું રાજીનામું

Image copyright AFP

ટ્રમ્પની ચૂંટણી ઝુંબેશમાં રશિયાની સામેલગીરી અંગે દેખરેખ કરનારા અમેરિકાના ડેપ્યુટી ઍટર્ની જનરલ રૉડ રોસેન્સ્ટેઇને પદ પરથી રાજીનામું આપી દીધું છે.

રૉડ રોસેન્સ્ટેઇનની પ્રમુખ ટ્રમ્પ સાથેની કામગીરી વિવાદમાં રહી છે. તેઓ 11 મેના રોજ કાર્યભાર છોડશે.

અગાઉ ટ્રમ્પે રૉડ રોસેન્સ્ટેઇન રાજદ્રોહના આરોપસર જેલમાં હોય એવી તસવીર ટ્ટીટ કરી હતી.

રૉડ રોસેન્સ્ટેઇનની નિમણૂક રિપબ્લિકન પ્રમુખ જ્યોર્જ ડબલ્યૂ બુશ દ્વારા કરવામાં આવી હતી.

વિલિયમ બારે માર્ચ મહિનામાં ચાર્જ લીધા બાદ તેઓ આ પદ છોડશે એમ માનવામાં આવતું હતું.


વધુ હુમલાની શક્યતાઓને પગલે શ્રીલંકામાં એલર્ટ

Image copyright Getty Images

ગત 21 એપ્રિલે શ્રેણીબદ્ધ વિસ્ફોટ બાદ હજી શ્રીલંકન સુરક્ષા અધિકારીઓએ વધુ હુમલાની શક્યતાઓ જોઈ રહ્યા છે.

'હિન્દુસ્તાન ટાઇમ્સ' સમાચાર સંસ્થા રૉઇટર્સના હવાલાથી લખે છે કે મંત્રીગણ સુરક્ષાના વડાએ લખેલા પત્રમાં હજી વધારે હુમલાઓની ચેતવણી આપવામાં આવી છે.

આ પત્રમાં લશ્કરી પોષાક ધરાવતી વ્યકિત હુમલો કરી શકે છે અને તેમાં વાનનો ઉપયોગ થઈ શકે છે તેવી માહિતી આપવામાં આવી છે.

અલબત્ત, પત્રમાં સેવાયેલી ભીતિ મુજબ રવિવાર અને સોમવારના રોજ હુમલાની કોઈ ઘટના બની નથી.

આપને આ પણ વાચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો