મોદી સામે લડતા પૂર્વ જવાન તેજ બહાદુરની ઉમેદવારી પર લટકતી તલવાર, ચૂંટણી પંચે ફટકારી નોટિસ

તેજ બહાદુર યાદવ Image copyright TEJ BAHADUR YADAV FB

વારાણસી લોકસભા બેઠક પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ ઉમેદવારી કરી રહેલા તેજ બહાદુરને જિલ્લા ચૂંટણી અધિકારીએ નોટિસ ફટકારી છે.

તેજ બહાદુર બીએસએફમાં ફરજ બજાવતા હતા અને હવે તેઓ સપા-બસપા ગઠબંધનના વારાણસીથી ઉમેદવાર છે.

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ તેજ બહાદુર પર પોતાના ઉમેદવારી પત્રકમાં બે અલગ-અલગ દાવા કરવાનો આરોપ છે.

43 વર્ષના તેજ બહાદુરે ગયા અઠવાડિયે અપક્ષ ઉમેદવાર તરીકે પોતાનું ઉમેદવારી નોંધાવી હતી.

એ બાદ સોમવારે સમાજવાદી પાર્ટીએ શાલિની યાદવની જગ્યાએ વારાણસીમાં તેજ બહાદુરને પોતાના ઉમેદવાર ઘોષિત કર્યા હતા.

જે બાદ તેમણે સપા-બસપા ઉમેદવાર તરીકે ફરીથી ઉમેદવારીપત્રક દાખલ કર્યું હતું.

જિલ્લા ચૂંટણી અધિકારીનું કહેવું છે કે તેજ બહાદુરે એક જ સવાલના બે અલગ-અલગ જવાબ આપ્યા છે.

જેમાં પૂછવામાં આવ્યું હતું કે આવેદનકર્તા સરકારી કર્મચારી રહ્યા છે અને શું તેમને ભ્રષ્ટાચાર અથવા દેશદ્રોહને કારણે કાઢવામાં આવ્યા છે?


નરેન્દ્ર મોદીને આચારસંહિતા ભંગ મામલે ચૂંટણી પંચની ક્લીનચિટ

નરેન્દ્ર મોદી Image copyright TWITTER/@BJP4INDIA

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આચારસંહિતાના ઉલ્લંઘન મામલે ચૂંટણીપંચે ક્લીનચિટ આપી છે.

'એનડીટીવી ઇન્ડિયા'ની વેબસાઇટ પ્રમાણે ચૂંટણીપંચે કહ્યું છે કે નરેન્દ્ર મોદીએ આદર્શઆચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું નથી.

કૉંગ્રેસ સાંસદ સુષ્મિતા દેવે મોદી વિરુદ્ધ આચારસંહિતા ઉલ્લંઘનની ફરિયાદ કરી હતી.

નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે સભાઓ અને પ્રચાર દરમિયાન કરેલા આચારસંહિતાના ભંગની અનેક કથિત ઘટનાઓને સુષ્મિતા દેવે ફરિયાદમાં સૂચિબદ્ધ કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 1 એપ્રિલે મહારાષ્ટ્રમાં પહેલી વખત આચારસંહિતાનો ભંગ કર્યો હતો, તેમણે ભાષણ દરમિયાન ભગવા આતંકવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો.

આ ઉપરાંત દેશના સશસ્ત્ર બળના નામના ભાષણમાં ઉલ્લેખ અંગે પણ તેમણે આચારસંહિતાનો ભંગ થયાનો દાવો કર્યો હતો.


વેનેઝુએલા : ખ્વાન ગ્વાઇદો પર તખ્તાપલટનો આરોપ

Image copyright Reuters

વેનેઝુએલામાં વિપક્ષી નેતા ખ્વાન ગ્વાઇદોએ રાષ્ટ્રપતિ નિકોલસ મદુરો વિરુદ્ધ ફરી મોરચો ખોલ્યો છે.

તેમણે રાષ્ટ્રપતિ મદુરોને હટાવવા માટે નિર્ણાયક કાર્યવાહીની અપીલ કરી છે, જેના પછી મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે.

રાજધાની કરાકસમાં સૈન્યમથક બહાર ખ્વાન ગ્વાઇડોના સમર્થકો અને સુરક્ષકર્મીઓ વચ્ચે ઘર્ષણ થયું છે.

ખ્વાન ગ્વાઇડોએ સેનાનું સમર્થન માગ્યું છે. વેનેઝુએલાના આર્મી જનરલ વ્લાદિમીર પડ્રિનોએ કહ્યું છે કે સેના રાષ્ટ્રપતિ મદુરોની સાથે છે.

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૉન બોલ્ટને કહ્યું છે કે સેના લોકો પર બળપ્રયોગ કરશે તો તે બહુ ખોટું હશે.

તમે આ વાંચ્યું કે નહીં?

પાણીનો સંગ્રહ ન કરશો, જુલાઈ સુધી પાણી મળશે : મુખ્ય મંત્રી

Image copyright FACEBOOK/VIJAY RUPANI

ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પાણીની અછતની બૂમો પડી રહી છે અને પીવાનાં પાણીની પણ ગંભીર સમસ્યા છે.

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે જુલાઈ સુધી થઈ રહે એટલું પાણી છે. તમને પાણી મળી રહેશે સંગ્રહ ન કરશો.

'ધ ઇંડિયન એક્સ્પ્રેસ'ની અમદાવાદ આવૃત્તિમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે મુખ્ય મંત્રીએ મંગળવારે પત્રકાર પરિષદ સંબોધી હતી.

મુખ્ય મંત્રીએ કહ્યું, "31 જુલાઈ સુધી લોકોને પાણી પહોંચાળવા માટે સરકાર તૈયાર છે. લોકોએ ડરાના માર્યા પાણીનો સંગ્રહ કરવાની જરૂર નથી."

"સૌરાષ્ટ્રના ડૅમો લગભગ ખાલી જ છે, પણ નર્મદાનું પાણી પહોંચાળવામાં આવશે."


'ફૅની' વાવાઝોડું શુક્રવારે ઓડિશાથી પસાર થઈ શકે

Image copyright Getty Images

'ધ ટાઇમ્સ ઑફ ઇંડિયા'ની વેબસાઇટ પ્રમાણે 'ફૅની' વાવાઝોડું શુક્રવારે બપોરે ઓડિશાથી પસાર થાય એવી આગાહી છે.

આધારે આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના દરિયાકિનારાના જિલ્લાઓને ઍલર્ટ કરી દેવાયા છે. આઈએમડીની માહિતી પ્રમાણે શુક્રવારે બપોરે 'ફૅની' 175-185 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે પસાર થઈ શકે છે.

'ફૅની'થી પ્રભાવિત થી શકે એવા જિલ્લાઓનાં નામો પણ જાહેર કરવામાં આવ્યાં છે.

કેન્દ્ર સરકારે સ્થિતિને પહોંચી વળવા માટે આંધ્ર પ્રદેશ, ઓડિશા, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળ એમ ચાર રાજ્યો માટે 1086 કરોડ રૂપિયાના પૅકેજની જાહેરાત કરી છે.

એનડીઆરએફ(નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફૉર્સ)ની 41 ટીમોને તહેનાત કરવામાં આવી છે, જે પૈકી 28 ટીમો તો માત્ર ઓડિશામાં છે.


ચોકીદાર ડરી ગયા છે, નોકરી અને લૉનમાફીની વાત નથી કરતા : રાહુલ ગાંધી

Image copyright Getty Images

રાહુલ ગાંધીએ કહ્યું, "ચોકીદાર હલી ગયા છે, ડરી ગયા છે. તેમણે બેરોજગારી, સિલિન્ડર અને દેવામાફી વિશે બોલવાનું બંધ કરી દીધું છે."

'ધ ઇન્ડિયન એક્સ્પ્રેસ'ની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ પ્રમાણે રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશના દામોહ જિલ્લામાં ચૂંટણીપ્રચારમાં નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે.

ચૂંટણીસભામાં રાહુલ ગાંધીએ કહ્યું, "ચોકીદારનો ચહેરો ધ્યાનથી જૂઓ હલી ગયા છે. ડરતાં-ડરતાં બોલી રહ્યા છે."

"ચોકીદાર હલી ગયા છે, ડરી ગયા છે. હવે તેઓ બેરોજગારી, સિલિન્ડર અને દેવામાફીની વાત નથી કરી રહ્યા."

મંગળવારે રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશમાં અન્ય બે સ્થળે પણ સભા સંબોધી હતી.

જેમાં તેમને પૂર્વમુખ્ય મંત્રી શિવરાજસિંહ ચૌહાણની સરકારમાં બુંદેલખંડમાં 3,760 કરોડના પૅકેડ મુદ્દે નિશાન સાધ્યું હતું.

રાહુલ ગાંધીએ કહ્યું, "બંદુલેખંડના કોઈ પણ ગામ, સ્કૂલ કે કૉલેજમાં જાઓ, તમને 'ચોકીદાર ચોર હે' સાંભળવા મળશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો