ભાજપના નેતા દ્વારા દલિત યુવક સાથે મારપીટનું સત્ય - ફૅક્ટ ચેક

સોશિયલ મીડિયા વાઇરલ પોસ્ટ Image copyright SM VIRAL POST
ફોટો લાઈન ભારતીય જનતા પક્ષના નેતા અનિલ ઉપાધ્યાયે દલિત યુવક સાથે મારપીટ કરી હોવાનો દાવો કરાયો છે

સોશિયલ મીડિયા પર એક યુવક સાથે મારપીટનો વીડિયો એ દાવા સાથે શૅર કરવામાં આવી રહ્યો છે કે ભારતીય જનતા પક્ષના કોઈ નેતાએ એક દલિત યુવક સાથે ખુલ્લેઆમ મારપીટ કરી.

આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેટલાક લોકો એક યુવકને પકડીને ડંડાથી તેની સાથે મારપીટ કરી રહ્યા છે.

બીબીસીના ઘણા વાચકોએ વૉટ્સઍપના માધ્યમથી અમને આ વીડિયો ફૉરવર્ડ કર્યો છે અને તેની સત્યતા જાણવા પ્રયાસ કર્યો છે.

Image copyright SM VIRAL POST
ફોટો લાઈન દલિત યુવક સાથે મારપીટનો આશરે દોઢ મિનિટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે

આશરે દોઢ મિનિટના આ વીડિયોની સાથે અમને જે મૅસેજ મળ્યા છે, તેમાં લખ્યું છે કે "ભાજપના ધારાસભ્ય અનિલ ઉપાધ્યાયની આ હરકત પર વડા પ્રધાન મોદી શું કહેશે. દલિત અને પછાત વર્ગના લોકો વૈભવી કારમાં પણ ફરી શકતા નથી?"

અમને જાણવા મળ્યું છે કે 29 એપ્રિલ બાદ આ વીડિયો ફેસબુક પર ઘણા મોટા ગ્રૂપ્સમાં શૅર કરવામાં આવ્યો છે.

જે લોકોએ આ વીડિયોને ફેસબુક પર પોસ્ટ કર્યો છે, તેમનો દાવો છે કે ભાજપના નેતા અનિલ ઉપાધ્યાયે પોતાના ગુંડાઓ સાથે મળીને દલિત યુવક સાથે મારપીટ કરી કેમ કે તે યુવક એક વૈભવી કારમાં ફરી રહ્યા હતા.

પરંતુ અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે આ દાવો એકદમ ખોટો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

વીડિયોની વાસ્તવિકતા

Image copyright FB SEARCH RESULT

રિવર્સ ઇમેજ સર્ચથી ખબર પડે છે કે આ વીડિયો બે વર્ષ જૂનો છે.

4 એપ્રિલ 2017ના રોજ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આ વીડિયોને ઉપયોગ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટ્સ પ્રમાણે વીડિયોમાં જે વ્યક્તિ સાથે મારપીટ થઈ રહી છે, તેઓ ગુજરાતના અમદાવાદ શહેરમાં રહેતા હાર્દિક ભરવાડ છે.

હાર્દિકને પારિવારિક વિવાદના પગલે તેમના સાસરા પક્ષે માર્યા હતા. સાથે જ તેમની ગાડીમાં પણ તોડફોડ કરી હતી.

Image copyright SM VIRAL POST
ફોટો લાઈન ફૅક્ટ ચેક ટીમની તપાસમાં આ વીડિયો બે વર્ષ જૂનો હોવાનું સામે આવ્યું છે

આ મામલાની જાણકારી લેવા માટે અમે ગુજરાત પોલીસ સાથે વાત કરી.

ગુજરાત પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ અમને જણાવ્યું કે આ વીડિયો ગાંધીનગરમાં સ્થિત સેક્ટર-7નો છે.

તેમણે જણાવ્યું, "આ સમગ્ર મામલો ઘરેલુ હિંસાનો હતો જેમાં યુવતીએ પોતાના પતિ હાર્દિક ભરવાડ પર ઘરેલુ હિંસા અને દહેજ માગવાનો આરોપ લગાવ્યો હતો."

તેમણે જણાવ્યું કે જ્યારે યુવતીએ પોતાના ઘરે જઈને તેમની સાથે થયેલી હિંસા વિશે જણાવ્યું તો યુવતીનાં પરિવારજનોએ હાર્દિક ભરવાડ સાથે મારપીટ કરી હતી.

પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર આ મામલે બન્ને પક્ષોએ એકબીજા વિરુદ્ધ કેસ દાખલ કર્યા હતા અને કેસ હજુ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે.

ગુજરાત પોલીસે એ સ્પષ્ટ કર્યું છે કે યુવકની મારપીટ પારિવારિક કારણોસર થઈ હતી અને તેનો કોઈ રાજકીય સંબંધ નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો