નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી કુપોષિત બાળકોનાં મોત માટે જવાબદાર?

સીતા તેની માતા સાથે

"ફૂલાયેલું પેટ, ધ્રૂજતા હાથ અને ઊંડી ઊતરી ગયેલી નાની-નાની આંખો... તેનો દરેક શ્વાસ જિંદગી સાથે સંઘર્ષ કરતો જણાય છે."

માંડ પાંચ કિલોની સીતા માત્ર બાળકોમાં જ નહીં પણ સરકારી તંત્રમાં પણ ફેલાયેલા કુપોષણનો જીવતોજાગતો દસ્તાવેજ છે.

વારાણસીના સજોઈ ગામમાં રહેતાં આ બાળકીનાં માતા અશરફીના મનમાં એક જ સવાલ છે કે પોતાની દીકરીના સ્વાસ્થ્ય માટે સરકાર કેમ પગલાં લેતી નથી?

આવો જ સવાલ અમેઠીમાં રહેતી લીલાવતીનો પણ છે, જેની દોહિત્રી પલક પણ કુપોષણથી પીડાઈ રહી છે.

આ એવી મહિલાઓ છે જેમણે 2014માં નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીના રાજકીય ભવિષ્યનો નિર્ણય કરવામાં મતદાર તરીકે ભૂમિકા ભજવી હતી.

2019ના વર્ષમાં ફરી એકવાર આ બંને મહિલાઓ આ બંને દિગ્ગજ નેતાઓના રાજકીય ભાવીનું ઘડતર કરવાની છે.

તમે આ વાંચ્યું કે નહીં?

'મોદીજી અમારાં બાળકોને બચાવી લો'

ફોટો લાઈન પોતાની માતાના ખોળામાં સીતા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક વારાણસીના સજોઈ ગામમાં રહેતી અશરફીની આંખો પોતાની દીકરી સીતાની વાત કરતી વખતે ભીની થઈ જાય છે.

ભૂખથી પીડાતી સાત મહિનાની સીતાને તેડીને અશફરી કહે છે, "જન્મી ત્યારથી જ મારી દીકરી પીડાઈ રહી છે. સુવાવડ વખતે ચાર ચાર દવાખાને ધક્કા ખાધા પણ કોઈ દાખલ કરવા તૈયાર નહોતું. જેથી ઘરમાં જ તેનો જન્મ થયો. ત્યારથી જ તે બીમાર છે."

જન્મ થયો ત્યારે સીતાનું વજન એક કિલોથી પણ ઓછું હતું.

વિશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડ પ્રમાણે જન્મ વખતે શીશુનું વજન 2.4 કિલોથી ઓછું હોવું જોઈએ નહીં.

સાત મહિનાની થયેલી સીતાનું વજન 6 કિલોથી વધારે થવું જોઈએ. પરંતુ તેનું વજન માંડ પાંચ કિલો થયું છે.

આટલા ઓછા વજનના કારણે સીતા અતિકુપોષણથી પીડાતા શીશુઓના વર્ગમાં આવે છે.

આટલું ઓછું વજન ધરાવતાં શીશુ અને બાળકોને કુપોષણમાંથી બહાર કાઢવા માટે જ સરકાર બાલ વિકાસ અને પૌષ્ટિક આહાર તથા મધ્યાહ્ન ભોજન જેવી યોજનાઓ ચલાવે છે.

1975થી શરૂ થયેલી આ યોજનાઓનો ઉદ્દેશ ભારતમાં કુપોષણથી પીડાતાં 40 ટકા જેટલાં બાળકોને તેમાંથી બહાર કાઢવાનો છે.


'દવા ચાલે ત્યાં સુધી સાજાં રહે બાળકો'

આ જ રીતે આંગણવાડી કાર્યકરોએ 6 મહિના સુધીનાં બાળકો હોય તેવા પરિવારોને દર મહિને પંજીરી, ગળ્યા અને ખારા દલિયા (છડેલા કે ફાડા ઘઉં) એક એક કિલો આપવાના હોય છે.

જોકે, પૌષ્ટિક આહારની આવી વિતરણ વ્યવસ્થા સામે ફરિયાદ કરતાં અશરફી કહે છે, "તે માત્ર દલિયા આપી દે છે. તે પણ હંમેશાં મળતા નથી. ક્યારેક મળે, ક્યારેક ના મળે. "

"કાર્યકરે ક્યારેય એવું પણ નથી સમજાવ્યું કે બાળકીને આ કેવી રીતે ખવડાવવું. હું તેને રાંધીને ખવડાવું છું તો બીમાર થઈ જાય છે."

"એટલે ફરી દવાખાને ધક્કા ખાવા પડે. આવી રીતે રોજ મજૂરી કરીને ખાનારા મારા જેવા શું કરે? દવાનો ખર્ચ કરવો કે આને ખવડાવવું-પીવડાવવું?"

આંગણવાડી કાર્યકરોની રીતરસમ સામે બનારસના પરમંદાપુર ગામમાં રહેતાં અને બે વર્ષના બાળક સાજનનાં માતા સોનીને પણ અસંતોષ છે.

સોની કહે છે, "આંગણવાડી વાળા ક્યારેક કહી દે કે પાંચ તારીખે પૌષ્ટિક આહાર મળશે."

"વળી ક્યારેક ક્યારે મળશે તે જણાવે જ નહીં. આમાં દર મહિને ક્યાંથી પૌષ્ટિક આહાર મેળવવો"

આપને આ પણ વાંચવું ગમશે

રોજમદાર તરીકે કામ કરતા સાજનના પિતા જયપ્રકાશ પણ પોતાના બાળકની હાલત જોઈને પોતાના સાંસદ સામે રોષ વ્યક્ત કરે છે.

તેઓ કહે છે, "અમારા બાળકોની હાલત બહુ ખરાબ છે. તેની ઉંમર બે વર્ષની થઈ ગઈ છે, ત્યારે તેનું વજન 10 કિલોથી વધવું જોઈએ. તેના બદલે વજન ઊતરતું જાય છે."

"દવા ચાલતી હોય ત્યારે જ મારો દીકરો સાજો રહે છે. દવા ખલાસ થાય એટલે પાછી બીમારી લાગી જાય છે."

"હું તો મજૂર છું. સમજાતું નથી કે મારા દીકરાના ખોરાક પાછળ પૈસાનો ખર્ચ કરું કે દવા પાછળ."

"અમારા સાંસદ નરેન્દ્ર મોદી છે તેઓ આમાં કશુંક તો કરી જ શકેને."


દલિત સમાજમાં કુપોષણની પીડા

ફોટો લાઈન પોતાના બાળક સાથે સોની

2015ના વર્ષમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યૂટ્રિશને કુપોષણનાં સામાજિક પાસાં સાથે જોડાયેલો એક અહેવાલ આપ્યો હતો.

આ અહેવાલનું તારણ એ હતું કે બીજા સમાજ કરતાં દલિત સમુદાયમાં બાળકો કુપોષણનો ભોગ વધારે બને છે.

અહેવાલમાં જણાવ્યા અનુસાર અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિમાં જન્મ લેતાં છોકરાંમાંથી 32.4 ટકા કુપોષણથી પીડાતાં હોય છે. તેની સામે બીજા સમાજોમાં આ પ્રમાણ 21 ટકાનું હોય છે.

અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ પરિવારમાં જન્મતી છોકરીઓમાં 31.7 ટકા કુપોષણનો ભોગ બને છે. તેની સામે અન્ય સમાજોમાં આ પ્રમાણ 20.1 ટકાનું હોય છે.

આ અહેવાલ સ્પષ્ટ દર્શાવે છે કે આ જ્ઞાતિઓમાં જન્મતાં બાળકો સરકારી યોજનાઓનો લાભ લેવામાંથી વંચિત રહી જાય છે.

હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર એસ. વી. સુબ્રમણ્યને હાલમાં જ અંગ્રેજી સ્ક્રૉલ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં પણ આ વાતનો ઉલ્લેખ કર્યો છે.

સુબ્રમણ્યને કહ્યું કે, "સામાજિક-આર્થિક સ્તરની બહુ મોટી ભૂમિકા કુપોષણ ફેલાવવામાં હોય છે.

જ્ઞાતિના ભેદભાવોને કારણે પણ બાળકો કુપોષણનો ભોગ બને છે.

મને લાગે છે કે ઘરમાં અને ગામમાં આર્થિક સંકડામણને કારણે બાળકો કુપોષણનો ભોગ બને છે."

બીબીસીના ગ્રાઉન્ડ રિપોર્ટમાં પણ આવી જ વાત સામે આવી હતી.


મુસહર જ્ઞાતિની ઉપેક્ષા

વારાણસીના પિંડારા ગામમાં રહેતી ગીતા મુસહર જ્ઞાતિનાં છે. સમાજમાં આ જ્ઞાતિ સૌથી વધારે ઉપેક્ષાનો ભોગ બની છે.

ગીતા કહે છે, "અમારું ઘર પણ નથી કે મઢી પણ નથી, ખેતર પણ નથી ને વંડો પણ નથી. "

"કુનબી અને ઠાકુર જ્ઞાતિના લોકો પણ અમને મારે છે. આવામાં અમે જઈએ તો ક્યાં જઈએ."

"મારે ત્રણ-ત્રણ દીકરીઓ છે. પતિ અપંગ છે, તો પણ આમને ખવડાવવા ભઠ્ઠા પર જઈને કામ કરે છે."

"ભઠ્ઠાવાળાનું 20 હજારનું કરજ અમારી માથે છે. ત્યાં કામ કરવા જવું જ પડે."

"ભઠ્ઠા પર કામ કરતા રહીએ તેના કારણે અમારો છોકરો પણ કુપોષિત રહી ગયો."

"અમે જ પેટ ભરીને ખાઈ શકતાં નથી, ત્યારે બાળકો માટે દૂધ ક્યાંથી લાવીએ."

આપને આ પણ વાંચવું ગમશે

મુસહર જ્ઞાતિનાં બાળકોને કુપોષણમાંથી બહાર લાવવા માટે કામ કરી રહેલા સામાજિક કાર્યકર સોમારું કહે છે કે આ જ્ઞાતિના લોકોને આંગણવાડી અને આશા વર્કરો તરફથી પણ કોઈ સહકાર મળતો નથી.

તેઓ કહે છે, "મુસહરનાં બાળકો માટે કુપોષણનો સામનો કરવો બહુ મુશ્કેલ છે."

"સમસ્યા એ છે કે આર્થિક અને સામાજિક રીતે સક્ષમ જ્ઞાતિઓ વચ્ચે કામ કરવા જતી આંગણવાડી કાર્યકરો આ લોકો વચ્ચે કામ કરવા આવતી નથી."

"મેં એક આંગણવાડી કાર્યકર પાસેથી એવું પણ સાંભળ્યું કે મુસહર જ્ઞાતિના લોકો બહુ ગંધ મારતા હોય છે."

"અમે આ બાબતમાં ફરિયાદ પણ દાખલ કરી છે. હવે તમે જ કહો આવી કાર્યકર સમાજના લોકો સાથે કેવી રીતે તાલમેલથી કામ કરી શકે?"

"આવી રીતે આ યોજનાઓથી આ લોકોનું શું ભલું થવાનું હતું?"


વારાણસીમાં પણ કુપોષણ ગંભીર સમસ્યા

બીબીસીએ કરેલી તપાસમાં એવું પણ જોવા મળ્યું કે સામાજિક ભેદભાવ ઉપરાંત ભાષા અને બોલીમાં તફાવત, સંવેદનશીલતાનો અભાવ, સમાજસેવા ક્ષેત્રમાં કામ કરવા માગતા લોકો માટે જરૂરી તાલીમનો અભાવ વગેરેને કારણે પીડિત લોકો અને તેમને મદદ કરનારા લોકો વચ્ચે અંતર વધી જાય છે.

વારાણસી જિલ્લાના કાર્યક્રમ અધિકારી મંજૂ દેવી પણ આ વાત સ્વીકારે છે.

મંજૂ દેવી કહે છે, "એ વાત સાચી કે જ્યારે ગામમાં જઈને મહિલાઓને કહીએ કે તેમનાં બાળકો કુપોષિત છે ત્યારે તે વાત સમજી નથી શકતી."

"તેથી અમારે તેમને કહેવું પડે કે બાળક નબળું હોય તો તે ચિંતાનું કારણ છે. નબળું બાળક મોટું થઈને રોગોનો સામનો નહીં કરી શકે."

"હમણાં સુધી અમારો વિભાગ આવા મુદ્દાઓ વિશે મહિલાઓને સમજાવવા માટે ચૌપાલ જેવા કાર્યક્રમો કરતો હતો".

"હમણાં તેવા ચૌપાલ ઓછા થાય છે. પણ એ વાત સાચી કે આ મુદ્દા પર લોકોને જાણકારી આપવાનું કામ કરવું પડે તેમ છે."

એ જ રીતે વારાણસી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી વી. બી. સિંહ પણ માને છે કે કુપોષણ એક ગંભીર સમસ્યા છે.

તેઓ કહે છે, "વારાણસીમાં અતિકુપોષિત બાળકો છે તે બાબત બહુ ચિંતાજનક છે. તેના માટે અમારે ત્યાં આઈસીડીસી મિશન હેઠળ કામ ચાલી રહ્યું છે."

"એવી કોશિશ થઈ રહી છે કે અતિકુપોષિત બાળકોને બહુ ઝડપથી કુપોષણમાંથી બહાર કાઢવામાં આવે."


'રાહુલે અમારા માટે કશું નથી કર્યું'

રાહુલ ગાંધીની બેઠક અમેઠીના મુસાફરખાના વિસ્તારમાં રહેતી લીલાવતી દુબેની દોહિત્રી પલક અતિકુપોષિત બાળકોની શ્રેણીમાં આવે છે.

લીલાવતી પોતાના સાંસદ રાહુલ ગાંધી અને દેશના વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી નારાજ છે.

લીલાવતી કહે છે, "અમારે માટે રાહુલ ગાંધીએ કે નરેન્દ્ર મોદીએ કશું કર્યું નથી. આ નેતા લોકો પહેલાં પોતાના પેટ ભરે છે. રાહુલ ગાંધી અમારા નેતા છે."

"આજ સુધી પૂછવા આવ્યા નથી કે તમારી હાલત કેવી છે? ખાવાનું મળે છે કે મરી રહી છો, તમારા બાળકોને જમવાનું મળે છે કે ભૂખે મરે છે?"

હવાની જેમ આવે છે અને હવાની જેમ જતા રહે છે. મારી તો ઉંમર થઈ ગઈ, હજી સુધી દર્શન થયાં નથી."

આપને આ પણ વાંચવું ગમશે

પલકના પિતા રઘુરામ દુબે પણ રાજકીય નેતાઓની ઉદાસિનતાથી નિરાશ થયેલા છે.

તેઓ કહે છે, "આજ સુધીમાં કોઈ નેતા પાસે માંગવાથી શું મળ્યું છે કે હવે મળી જશે."

"અમારી બાળકી બહુ નબળી છે. પહેલાં તો ઘી વગેરે મળી જતું હતું, તે પણ હવે બંધ થઈ ગયું છે."

"તમે જ કહો બાળકોને ઘી નહીં ખવડાવીએ તો કેવી રીતે મજબૂત થશે. હું તો વિકલાંગ છું. ખાનગી કંપનીઓ નોકરીએ રાખતી નથી."

"આવી સ્થિતિમાં દીકરીને કેવી રીતે કુપોષણમાંથી બચાવવી. તેને કાયમ તાવ રહે છે, ક્યારેક પેટમાં ગરબડ થઈ જાય છે."

"આંગણવાડીમાંથી પૂરતી મદદ મળતી નથી. ક્યારેક આના માટે પૌષ્ટિક ખોરાક મળે ક્યારેક ના મળે."

બીબીસીએ અમેઠીના જિલ્લા આરોગ્ય અધિકારી સરોજિની દેવીનો સંપર્ક કરવાની વારંવાર કોશિશ કરી.

તેમને ફોન કરીને તથા મૅસેજ મૂકીને વારંવાર પ્રયાસ કર્યો છતાં તેઓ વાત કરવા તૈયાર થયાં નહોતાં.

બીજી બાજુ અમેઠીના ડીએમ રામ મનોહર મિશ્રાએ ચૂંટણી આચારસંહિતાનું બહાનું આપીને અત્યારે કુપોષણ વિશે કશું પણ કહેવાનો ઇનકાર કરી દીધો.

આજથી ત્રણેક વર્ષ પહેલાં પોતાની દોહિત્રીને ગુમાવનારાં ફૂલકલી દેવી પણ રાજકીય નેતૃત્ત્વથી હતાશ થયેલાં છે.

તેઓ કહે છે, "ઘણા નેતા મત માગવા માટે અમારા ઘરે આવ્યા. તેના ફોટા પાડીને પણ લઈ ગયા હતા અને આશ્વાસન આપ્યું હતું કે ઇલાજ કરાવી આપીશું."

"પરંતુ કશું થયું નહીં. દોઢેક વર્ષની થઈ ત્યાં સુધીમાં તેનું માથું બહુ મોટું થવા લાગ્યું હતું."

"તે બહુ જ મોટું થઈ ગયું હતું. સાવ પથારીવશ થઈ ગઈ હતી અને એક દિવસ આખરે અમને છોડીને જતી રહી."

"અમને સૌએ આશ્વાસન આપ્યું હતું પણ કોઈ મદદ મળી નહોતી."


કુપોષણ રોકવામાં નિષ્ફળતાની જવાબદારી કોની?

ભારતમાં લગભગ 40 ટકા બાળકો કુપોષણથી પીડાય છે. દર વર્ષે લાખો બાળકોનાં કુપોષણને કારણે મોત થાય છે.

ત્યારે સવાલ એ થાય છે કે કુપોષણ રોકવા માટે ચાલતી યોજનાઓ ખરેખર કેટલી ઉપયોગી છે? બીજું આ યોજનાઓની નિષ્ફળતા માટેની જવાબદારી કોની?

કુપોષણ નિવારણ માટે લાંબા સમયથી કામ કરી રહેલા સામાજિક કાર્યકર શ્રુતિ નાગવંશી કહે છે કે નીતિઓમાં રહેલી ખામીઓને કારણે આ યોજનાઓ નિષ્ફળ નીવડી છે.

નાગવંશી કહે છે, "અમને લાગે છે કે જ્યાં સુધી નીતિવિષયક બાબતમાં કોઈ કામ નહીં થાય ત્યાં સુધી કોઈ કાયમી પરિવર્તન આવવાનું નથી."

"આપણા સાંસદોને એ ખબર હોવી જોઈએ કે તેમના વિસ્તારમાં રહેતા નાગરિકોની હાલત કેવી છે. કેમ કે આ નાગરિકોની ક્ષમતાને આધારે જ દેશનો વિકાસ થતો હોય છે."

"ભારતમાં વિકાસનો અર્થ એટલે માળખાકીય સુવિધાઓ એવો જ કરી લેવામાં આવે છે."

"તેને સંપૂર્ણ વિકાસ કઈ રીતે કહી શકાય? જ્યાં સુધી માનવ સંસાધનના વિકાસમાં સાંસદોની ભૂમિકા અને જવાબદારી નક્કી કરવામાં નહીં આવે ત્યાં સુધી માત્ર જિલ્લા કક્ષાના અધિકારીઓને જ ખામી માટે દોષ દેવાતો રહેશે."


શું સાંસદોની જવાબદારી નક્કી કરી શકાય ખરી?

ભારતમાં કુપોષણના આંકડાં જિલ્લા કક્ષાએ એકઠા કરવામાં આવે છે.

તે આંકડાં આધારે કુપોષણ નિવારણ માટેની ઝુંબેશ સફળ રહી કે નિષ્ફળ તે જિલ્લાકક્ષાએ જ નક્કી કરી શકાય તેમ છે.

તેના કારણે આજે કોઈ સાંસદને તેમના મતવિસ્તારમાં કુપોષણની સ્થિતિ માટે જવાબદાર ઠરાવી શકાતા નથી.

જોકે, એ પણ હકીકત છે કે કોઈ પણ રાષ્ટ્રીય સંકટનો સામનો કરવા માટે સાર્થક નીતિઓ ઘડવાની આવે ત્યારે તે જવાબદારી સાંસદોની જ હોય છે.

સાંસદો જ સમયાંતરે જુદી જુદી બાબતો પર સંસદમાં ચર્ચા કરીને નીતિ નિર્ધારણનું કામ કરતા હોય છે.

આમ છતાં નવાઈની વાત એ છે કે કુપોષણ દૂર કરવા માટે બનાવાયેલી કોઈ પણ નીતિની નિષ્ફળતા માટે સાંસદને જવાબદાર ઠેરવવાનો કોઈ માપદંડ નથી.


હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધનમાં છે દિશાસૂચન?

હાર્વર્ડ યુનિવર્સિટી પ્રોફેસર અક્ષય સ્વામીનાથન અને એસ. વી. સુબ્રમણ્યન સહિત ઘણા નિષ્ણાતોએ એક નવું સંશોધન જાહેર કર્યું છે, જેના આધારે કુપોષણની બાબતમાં જે તે સંસદીય બેઠકની સ્થિતિ શું છે તેનું આકલન કરી શકાય.

ઇકૉનોમિક એન્ડ પબ્લિક વીકલીમાં છપાયેલા આ અભ્યાસ અનુસાર રાહુલ ગાંધીની બેઠક અમેઠી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસી બેઠક બંનેમાં કુપોષણનું સ્તર રાષ્ટ્રીય સ્તર કરતાં ઘણું વધારે છે.

આ અભ્યાસમાં સ્ટન્ટિંગ, વેસ્ટિંગ, અંડરવેટ અને એનિમિયાના આધારે લોકસભાની 543 બેઠકોમાં શું સ્થિતિ છે તેનું તારણ કાઢવામાં આવ્યું હતું.

આ અભ્યાસ માટે 2015-16માં નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં જાહેર થયેલા આંકડાંનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વારાણસીમાં સ્ટન્ટિંગ 43 ટા, અંડરવેટ 46 ટકા, વેસ્ટિંગ 24 અને એનિમિયાનું પ્રમાણ 60 ટકા છે.

ભારતમાં સરેરાશ સ્ટન્ટિંગ 38 ટકા, અંડરવેટ 36 ટકા, વેસ્ટિંગ 23 ટકા અને એનિમિયાનું પ્રમાણ 59 ટકા છે.


કુપોષણના મામલે રાહુલ અને મોદી કેટલા ગંભીર છે?

આ બાબત જાણવા માટે જ બીબીસીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક વારાણસી અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીની બેઠક અમેઠીનો પ્રવાસ કર્યો હતો.

આંકડાં પ્રમાણે કુપોષણ દૂર કરવાની બાબતમાં આ બંને બેઠકોનો દેખાવ રાષ્ટ્રીય સરેરાશ કરતા ખરાબ છે.

રાહુલ ગાંધીએ પાંચ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર વખતે મધ્ય પ્રદેશમાં કુપોષણના મામલે મોદીની આકરી ટીકા કરતાં કહ્યું હતું કે મધ્ય પ્રદેશમાં બાળકો કુપોષણથી મરી રહ્યા છે, જ્યારે મોદીજી માર્કટિંગમાં વ્યસ્ત છે.

તેની સામે નરેન્દ્ર મોદી પણ જુદા જુદા સમયે કોંગ્રેસ પક્ષ અને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ પર કુપોષણના મામલે દોષારોપણ કરતા રહ્યા છે.

રાહુલ ગાંધીએ છેલ્લાં પાંચ વર્ષોમાં સાંસદ તરીકે કુપોષણની સમસ્યા વિશે ગૃહમાં એક પણ વાર સવાલ ઊઠાવ્યો નહોતો.

દેશના આ બંને મોટા નેતાઓના મતવિસ્તારમાં કુપોષણનો ભોગ બનેલા બાળકોની સ્થિતિ કંઈક જુદી જ વાત જણાવી રહ્યા છે.

કમર પર કાળો દોર બાંધેલો છે, ગળામાં લોકેટ છે અને હાથમાં પણ કાળો દોરો બાંધેલો છે.

આ વિશે વધુ વાંચો

આ વિસ્તારના ગામડાંમાં નગ્ન ફરી રહેલાં બાળકોનાં શરીર પર આવા કાળા દોરા ચોક્કસ જોવા મળી જાય.

આ બાળકોની માતાઓને કુપોષણ શું કહેવાય તેની ભાગ્યે જ કોઈ સમજ છે.

આજે પણ આ મહિલાઓ પોતાના બાળકો નબળાં કે બીમાર રહે ત્યારે દેવી પ્રકોપને જવાબદાર સમજી લે છે.

વારાણસી જિલ્લામાં અતિકુપોષિત બાળકોની સંખ્યા ચાર હજારથી પણ વધારે છે.

અમેઠીમાં દર છઠ્ઠું બાળક કુપોષણથી પીડાય છે.

આ સરકારી આંકડા જ છે અને દેશના બે સૌથી મોટા અને ચર્ચામાં રહેલા મતવિસ્તારના જ છે.

આ બેમાંથી એક મતવિસ્તારના નેતા (નરેન્દ્ર મોદી)એ છેલ્લાં પાંચ વર્ષમાં નીતિઓ નક્કી કરવાનું કામ કર્યું છે, જ્યારે બીજા મતવિસ્તારનું નેતૃત્ત્વ છેલ્લાં 15 વર્ષથી રાહુલ ગાંધી કરી રહ્યા છે.

આના પરથી જ અંદાજ આવી જાય છે કે કુપોષણ જેવી સમસ્યાઓ માટે સરકાર અને તેના નેતાઓ કેટલા ગંભીર હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ