વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી પૂર્વ સૈનિકો નાખુશ કેમ છે?

બિશાન ગામના લોકો
ફોટો લાઈન હરિયાણામાં રોહતકના બિશાન ગામમાં લગભગ દરેક ઘરમાંથી કોઈને કોઈ વ્યક્તિ ભારતીય સેનામાં સામેલ રહી છે

હરિયાણાના રોહતકના બિશાન ગામનાં લગભગ તમામ ઘરોમાંથી કોઈને કોઈ વ્યક્તિએ ભારતીય સૈન્યમાં સેવા આપી છે.

લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રવાદ, સૈન્ય અને સરહદની સુરક્ષા એક મોટો મુદ્દો છે અને ભારતીય જનતા પક્ષ મોટી જાહેરાત કરીને આ જ મુદ્દાને ધ્યાનમાં રાખીને મત માગી રહી છે, આ વચ્ચે અમે પહોંચ્યા હરિયાણાના બિશાન ગામમાં જ્યાં લગભગ તમામ ઘરોમાંથી કોઈ એક સભ્યએ સૈન્યમાં સેવાઓ આપી છે.

પૂર્વ આર્મી ચીફ દલબીર સિંહ સુહાગ પણ આજ ગામથી છે. લગભગ દોઢ હજારની વસતી ધરાવતા આ ગામે અત્યાર સુધી 89 રૅન્ક ઓફિસર આપ્યા છે.

જ્યાંના મોટાભાગના લોકો સૈન્યમાં કામ કરે છે, તે ગામ રોહતક લોકસભા ક્ષેત્ર હેઠળ આવે છે.

ગામના ચોકમાં પહોંચવા પર થોડી હેરાનગતિ થઈ કારણકે કૉંગ્રસના નેતા અને રોહતક સંસદીય બેઠકના ઉમેદવાર દીપેન્દ્ર હુડ્ડાનું પોસ્ટર લાગ્યું હતું અને ગામના લોકો તેમની રાહ જોઈ રહ્યા હતા.

અહીં સેનાના નિવૃત્ત સૈનિક તૈયારીમાં લાગ્યા હતા. દેશમાં સેનાને લઈને જે માહોલ છે, તેનાથી વિપરીત તેઓ એક-એક કરીને પોતાની સમસ્યાઓ કહેવા લાગ્યા.

તમે આ વાંચ્યું કે નહીં?

'OROPથી માત્ર અધિકારીઓને ફાયદો'

ફોટો લાઈન નિવૃત્ત સૈનિકોનું માનવું છે કે OROP સ્કીમ લાગુ તો થઈ પણ તેનો ફાયદો ઉચ્ચ રૅન્કના અધિકારીઓને જ થયો

નિવૃત્ત કૅપ્ટન રાજેન્દ્ર સુહાગ 32 વર્ષ ભૂમિદળની સેવામાં રહ્યા, તેઓ નરેન્દ્ર મોદીને માત્ર એટલી જ વિનંતી કરી રહ્યા છે કે તેઓ સાચું બોલે અને દેશને મૂર્ખ ન બનાવે.

તેઓ કહે છે કે તેમણે વન રૅન્ક વન પેન્શન સ્કીમ લાગુ તો કરી પરંતુ તેનો મુખ્ય ફાયદો ઉચ્ચ રૅન્કના અધિકારીઓને થયો છે.

તેઓ કહે છે, "એક જુનિયર કમિશન ઓફિસર એટલે જેસીઓની OROPમાં 298 રૂપિયાથી માંડીને 900 રૂપિયા સુધીનો વધારો થયો અને જ્યારે અધિકારીઓના પેન્શનમાં 70,000 રૂપિયા સુધીનો વધારો થયો."

તેઓ વધુમાં કહે છે, "આ વન રેન્ક વન પેન્શન નથી, કારણ કે તે માત્ર એક વખતનો વધારો છે. જ્યારે બીજી વખત પગાર વધશે તો પેન્શન એ રીતે નહીં વધે."

"અમે એમ નથી કહેતા કે તમામનો પગાર સરખો હોવો જોઈએ. જે અધિકારી વધારે ભણેલો છે તેનો વધારે હોવો જોઈએ પરંતુ આ એવાં ભથ્થાં છે જેમાં અંતર રાખવું ન જોઈએ."

તેઓ ઉદાહરણ આપતા કહે છે, "જીવ જોખમમાં નાખવાનું ભથ્થું (મિલિટ્રી સર્વિસ પે) કે જે ફિલ્ડ પર રહેવાવાળાને મળે છે."

"પરંતુ જે અધિકારી ઓફિસમાં બેઠા છે, તેમને ભથ્થું વધારે મળે છે જ્યારે જેઓ ફ્રન્ટ પર છે તથા જેમનું જીવન જોખમમાં છે, તેમને ઓછું મળે છે."

'તેજ બહાદુરે સાચું કહ્યું હતું'

ફોટો લાઈન નાયક ઇશ્વર સિંહ અહલાવતે 17 વર્ષ સુધી સેનામાં નોકરી કરી છે

નાયક ઇશ્વર સિંહ અહલાવતે 17 વર્ષ સુધી સેનામાં નોકરી કરી છે. તેમણે કહ્યું કે તેજ બહાદુરે જે સવાલ ઊભા કર્યા છે, તે હંમેશાંથી થાય છે.

"અમે પોતે સેનામાં રહીને આવ્યા છીએ. આ ખરેખર સેનામાં કેટલાક ઓફિસરો દ્વારા કરાયેલા ભ્રષ્ટાચારના કારણે થાય છે."

"જેમ કે અધિકારીએ કોઈ ફળનો કૉન્ટ્રેક્ટ કોઇ કૉન્ટ્રેક્ટરને આપ્યો છે, તો કૉન્ટ્રેક્ટર તેનાથી સસ્તું ફળ સપ્લાય કરે છે અને આ રીતે ઓફિસર ભ્રષ્ટાચાર કરે છે."

સેનામાં ભ્રષ્ટાચારને અંગે પૂર્વ સૈનિક કપિલ સેનાના મોટા અધિકારીઓને જવાબદાર માને છે.

"હથિયારોની દલાલી હોય, આદર્શ હાઉસિંગ કૌભાંડ, તાર ફેન્સિંગનો મામલો હોય, એમાં આપણા સેનાના અધિકારીઓના તાર જોડાયેલા છે."

"આ સિવાય મહિલા ઓફિસરોની છેડતી. દેશની સુરક્ષા કરનારી સેના પોતાની મહિલા અધિકારીઓની સુરક્ષા કરી શકી નથી. આ તમામ રિપોર્ટ સરકારની પાસે જાય છે. કમિટી બેસે છે અને આ તમામ પ્રકારની ફાઇલો ગુમ થઈ જાય છે."

અધિકારીનો હાથ મોંઘો, સિપાહીનો સસ્તો ?

ફોટો લાઈન નાયક જયપાલે 17 વર્ષ સુધી સેનામાં સેવા આપી છે

નાયક જયપાલ 17 વર્ષ સેનામાં રહ્યા છે અને તેઓ સવાલ પૂછે છે કે જો ઓફિસર શારીરિક રીતે અક્ષમ થઈ જાય, તેના હાથ-પગ ન રહે તો અલગ પેન્શન અને એક સિપાહી ડિસેબલ થઈ જાય તો અલગ પેન્શનની જોગવાઈ છે.

"અહીં તો અંગોની બોલી લાગી રહી છે તો પછી આ કેવો ન્યાય છે."

"સૌથી વધારે જે આશ્ચર્યની વાત છે એ છે સેનામાં સહાયકની સ્થિતિનું ન સુધરવું. તેમણે કહ્યું કે સહાયકનું કામ પોતાના ઓફિસરની ફિલ્ડ પર મદદ કરવાનું છે, ન કે તેમના પરિવારનું કામ કરવાનું. પરંતુ સારા રિપોર્ટના નામે સહાયકોનું શોષણ કરવામાં આવે છે."

"આપણે આપણી સેનાને અમેરિકા-ઇઝરાયલની સેનાની જેમ જોવા માગીએ છીએ કે પછી તેમના હાથમાં જાડું અને જૂતાં જોવા માગીએ છીએ."

સેના રાજકારણમાં આવશે તો...

કૅપ્ટન દલ સિંહ 31 વર્ષ સુધી સેનામાં સેવા આપી નિવૃત્ત થયા છે. તેમનું કહેવું છે કે આજથી 5 વર્ષ પહેલાં એવો કોઈ સવાલ જ નહોતો સર્જાતો કે સેના ઈ પાર્ટીની સાથે છે.

"સેનાએ પોતાનું કામ કરવું જોઈએ. જો સેના રાજકારણમાં આવશે તો એકદમ બેકાર થઈ જશે."

"લોકો ભૂલી ગયા કે પુલવામામાં CRPFના 40 જવાન શહીદ થયા છે. ટીવીમાં દેખાડવામાં આવ્યું કે તેઓ શહીદ થયા છે પરંતુ તેમને શહીદનો દરજ્જો નથી. તેમને આર્મીના લોકો જેવી સુવિધા આપવામાં આવી નથી."

કૉંગ્રેસના નેતાઓને સમર્થન કેમ?

આ ગામમાં પહેલાં ઇન્ડિયન નેશનલ લોકદળને પણ ઘણા વોટ મળતા રહ્યા છે. આ વખતે પણ તેમને ઘણા વોટ મળશે.

આ સિવાય ભાજપના સમર્થકો પણ છે. પરંતુ અમે જેમને મળ્યા તે તમામ પૂર્વસૈનિક હરિયાણા કૉંગ્રેસના નેતા અને રોહતકના સાંસદ દીપેન્દ્ર હુડ્ડાનું સમર્થન કરતા હતા.

જ્યારે તેમને પૂછ્યું કે 10 વર્ષ સુધી કૉંગ્રેસની સરકાર હતી તો તેણે OROP કેમ લાગુ કર્યું નથી?

આનો જવાબ મળે છે કે એક વખત 1988માં તેમણે માત્ર 500 કરોડ રૂપિયા આપ્યા છે અને દીપેન્દ્ર હુડ્ડાની સાથે એટલે છીએ કારણ કે સંસદમાં તેમણે બે વખત મુદ્દો ઉઠાવ્યો છે.

સાથે જ કૉંગ્રેસના મૅનિફેસ્ટો પ્રમાણે જમ્મુ-કાશ્મીરમાં લાગુ AFSPA પર બીજી વખત વિચાર કરવામાં આવશે.

આ મુદ્દે સવાલ પર કૅપ્ટન રાજેન્દ્ર સુહાગ જવાબ આપે છે, "કૉંગ્રેસે જે આફસ્પા પર વિચાર કરવાની, તેને ઘટાડવાની વાત કરી છે અમે તેના વિરોધમાં છીએ. અમે કૉંગ્રેસને પણ કહ્યું છે કે આ ખોટું છે અને અમે તમારી સાથે છીએ પરંતુ આમાં તમારું સમર્થન નહીં કરીએ."

ભારતીય સેનાના 96 ટકા સુધીના જુનિયર કમિશન ઓફિસર(JCO) છે જેનો મુદ્દો પૂર્વ સૈનિકો ઉઠાવી રહ્યા છે. જ્યારે રૅન્ક ઓફિસરોની સંખ્યા 4 ટકા જ છે.

પૂર્વ સૈનિકોએ કહ્યું કે પોતાની સમસ્યાઓને લઈને તેઓ ભૂખહડતાલ કરી રહ્યા છે, કોર્ટમાં કેસ પણ દાખલ કરાયો છે અને નેતાઓને પણ પોતાની માગણી વિશે કેટલીય વખત લખીને આપ્યું છે.

આ તમામ વાત પરથી એ નિષ્કર્ષ કાઢી શકાય છે કે દરેક સૈનિક વડા પ્રધાનની વિરુદ્ધ છે, પરંતુ આ ગામમાં આવીને એ સમજાયું કે આર્મીનો મતલબ માત્ર સેનાના અધિકારી નથી.

જુનિયર કમિશન ઓફિસરના મુદ્દા અને ઓફિસરોના મુદ્દા અલગ છે અને કદાચ એટલે જ તેમના મત પણ અલગ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ