લોકસભાની ચૂંટણીમાં આ રીતે શેરડી નક્કી કરે છે હારજીતનો સ્વાદ

શેરડી વચ્ચે બેઠેલી એક વ્યક્તિ Image copyright AFP
ફોટો લાઈન ભારતમાં આશરે 3 કરોડ ખેડૂત શેરડીની ખેતી કરે છે

તાજેતરમાં જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશમાં એક ચૂંટણી સભા કરી રહ્યા હતા ત્યારે તેમણે શેરડીના ખેડૂતોને એક વાયદો કરવો પડ્યો હતો.

જ્યાં ભાજપની સરકારો છે એ રાજ્યોના શેરડીના ખેડૂતો ખાંડની મિલો દ્વારા કાયદેસર ચૂકવણી ન થવાના કારણે નારાજ હતા.

તેમણે વિરોધ પ્રદર્શન કર્યું અને રેલ પરિવહન ઠપ્પ કરી દીધું હતું.

નરેન્દ્ર મોદીએ સભામાં કહ્યું, "મને ખબર છે કે શેરડીનું ઉધાર બાકી છે. હું એની ખાતરી આપું છું કે તમારા એક-એક પૈસાની ચૂકવણી કરી દેવામાં આવશે."

ભારતના શેરડીના ખેડૂતો પરેશાન છે અને 5 કરોડ ખેડૂતોના કરોડો રૂપિયા બાકી છે. તેમાંથી મોટાભાગના ખેડૂતોને આશરે એક વર્ષથી પૈસા આપવામાં આવ્યા નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

જોખમમાં ખાંડનો વેપાર

Image copyright Getty Images
ફોટો લાઈન ભારતમાં ખાંડનો વેપાર જોખમમાં છે

નીતિ આયોગનું કહેવું છે કે બાકી રકમનો આંકડો ઘણો મોટો થઈ ગયો છે. મિલોમાં 1.2 કરોડ ટન કરતાં વધારે ખાંડની બોરીઓ પડી છે, જેનું વેચાણ થઈ શક્યું નથી.

એની નિકાસ પણ થઈ શકતી નથી કેમ કે વિદેશોમાં ભારતની સરખામણીએ ખાંડ સસ્તી મળે છે.

ભારતમાં ખાંડનો વેપાર જોખમમાં છે. ઓક્ટોબર 2018થી એપ્રિલ 2019 વચ્ચે દેશની આશરે 525 મિલોએ 3 કરોડ ટનથી વધારે ખાંડનું ઉત્પાદન કર્યું.

ત્યારબાદ ભારત દુનિયાનો સૌથી મોટો ખાંડનો ઉત્પાદક દેશ બની ગયો. તેણે બ્રાઝિલને આ ક્ષેત્રે પાછળ છોડી દીધું છે. આ 525 પૈકી મોટાભાગની ખાંડની મિલો સહકારી સંસ્થાઓ દ્વારા સંચાલિત છે.

આશરે 3 કરોડ ખેડૂત એક ખાસ ભૌગોલિક ક્ષેત્રમાં રહે છે અને શેરડીની ખેતી સાથે જોડાયેલા છે. લાખો મજૂર ખેતરોમાં અને મિલોમાં કામ કરે છે અને શેરડી સાથે જોડાયેલી મજૂરી કરે છે.

આ જ કારણ છે કે શેરડીના ખેડૂતોને રાજકીય પાર્ટીઓ એક વોટબૅન્ક તરીકે જુએ છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર એ બે રાજ્યો દેશની 60% ખાંડનું ઉત્પાદન કરે છે. આ બન્ને રાજ્યોમાં લોકસભાની 128 બેઠકો છે.

એક અનુમાન પ્રમાણે ખાંડ ઉત્પાદન સાથે જોડાયેલા ઉદ્યોગ લોકસભાની 543 બેઠકોમાંથી 150ને અસર કરે છે. મહારાષ્ટ્રના ખાંડ આયુક્ત શેખર ગાયકવાડનું માનવું છે કે સંભવત: "ખાંડ દુનિયાનો સૌથી મોટો રાજકીય પાક છે."

Image copyright AFP
ફોટો લાઈન શેરડીના ખેડૂતોને રાજકીય પાર્ટીઓ એક વોટ બૅન્ક તરીકે જુએ છે

ભારતમાં ખાંડનો ઉપયોગ મોટાં પ્રમાણમાં થાય છે. એક મોટો ભાગ મીઠાઈ અને પીવાલાયક પદાર્થો બનાવવામાં વપરાય છે.

સરકાર શેરડી અને ખાંડની કિંમતો નિર્ધારિત કરે છે. તે જ ઉત્પાદન અને નિકાસની માત્રા નક્કી કરે છે અને સબસિડી પણ આપે છે.

સરકારી બૅન્ક ખેડૂતો અને ખાંડની મિલોને લોન આપે છે.

મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના ખેડૂત સંજય અન્ના કોલે કહે છે, "શેરડીની ખેતીથી હું દર મહિને આશરે સાત હજાર રૂપિયા કમાઉં છું. આ મોટી રકમ તો નથી પણ આ એક સુનિશ્ચિત આવક છે."

સંજય પાસે 10 એકર જમીન છે, જેમાં તેઓ શેરડીની ખેતી કરે છે.

ભારતમાં ખાંડના ઉત્પાદન પર બ્રાઝિલ કરતાં પણ વધારે ખર્ચ

Image copyright MANSI THAPLIYAL
ફોટો લાઈન મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના ખેડૂત સંજય અન્ના કોલે શેરડીની ખેતીથી મહિને સાત હજાર રૂપિયાની જ કમાણી કરે છે

જે કિંમતે મિલો શેરડી ખરીદે છે, તેના કરતાં વધારે કિંમતે ખાંડ વેચે છે. થાઇલૅન્ડ, બ્રાઝિલ, ઑસ્ટ્રેલિયા જેવા મોટા ઉત્પાદક દેશોમાં ભારત એક એવો દેશ છે જે ખેડૂતોને શેરડીનું સૌથી વધારે મૂલ્ય ચૂકવે છે.

ભારત ખાંડના ઉત્પાદનમાં બ્રાઝિલ કરતાં ઘણો વધારે ખર્ચ કરે છે.

જોકે, રાજકારણીઓની ભાગીદારીથી આ ક્ષેત્રને વધારે લાભ થઈ શક્યો નથી. 1950ના દાયકામાં મિલોની સ્થાપના પછી રાજકારણીઓ સહકારી મિલોની ચૂંટણીઓ જીતીને તેના પર નિયંત્રણ મેળવવામાં સફળ રહ્યા.

Image copyright Getty Images
ફોટો લાઈન ખાંડના ઉત્પાદનમાં ભારત બ્રાઝીલ કરતાં ઘણો વધારે ખર્ચ કરે છે

મહારાષ્ટ્રના આશરે અડધો ડઝન મંત્રીઓ પાસે ખાંડની મિલો છે. શેરડી ઉત્પાદનના મામલે મહારાષ્ટ્ર બીજું મોટું રાજ્ય છે.

વર્જિનિયા વિશ્વવિદ્યાલયમાં અર્થશાસ્ત્રના ઍસોસિએટ પ્રોફેસર સંદીપ સુખતંકરે રાજનેતાઓ અને ખાંડની મિલો વચ્ચેના સંબંધ પર એક અભ્યાસ કર્યો છે. જેમાં તેમને જાણવા મળ્યું છે કે 183માંથી 101 મિલોના અધ્યક્ષોએ 1993થી 2005 વચ્ચે કોઈને કોઈ ચૂંટણી લડી છે.

તેમને એ પણ જાણવા મળ્યું કે ચૂંટણીના સમયમાં આ મિલોએ શેરડીના ખેડૂતોને ઓછી કિંમત ચૂકવી હતી જેને ઉત્પાદનમાં થયેલા નુકસાન સાથે કોઈ લેવા દેવા નહોતા.

'શેરડીનો ઉદ્યોગ એક ડૂબતો ઉદ્યોગ'

Image copyright MANSI THAPLIYAL
ફોટો લાઈન શેરડી ઉત્પાદનના મામલે મહારાષ્ટ્ર બીજું મોટું રાજ્ય છે

આ મિલો પર એ આરોપ લાગે છે કે તેઓ ઇરાદાપૂર્વક ખેડૂતોના પૈસા બાકી રાખે અને ચૂંટણી પહેલા પૈસા આપે છે જેથી તેનો લાભ ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરવામાં મળી શકે.

રાજકીય પાર્ટીઓ પર મિલો પાસેથી ભંડોળ લેવાના આરોપ પણ લાગતા રહ્યા છે.

ડૉ. સુખતંકર કહે છે કે ખાંડની મિલોનો ઉપયોગ રાજકીય લાભ માટે ખૂબ થાય છે.

કોલ્હાપુરના શેરડીના ખેડૂત સુરેશ મહાદેવ ગટાગે કહે છે, "શેરડીનો ઉદ્યોગ ડૂબતો ઉદ્યોગ છે. જ્યાં સુધી સરકાર કૃષિ નીતિઓમાં ફેરફાર નહીં કરે ત્યાં સુધી તેનું કોઈ ભવિષ્ય નથી."

Image copyright MANSI THAPLIYAL
ફોટો લાઈન કોલ્હાપુરના શેરડીના ખેડૂત સુરેશ મહાદેવ ગટાગેના આધારે શેરડીનો ઉદ્યોગ ડૂબતો ઉદ્યોગ છે

ખેડૂતોની સ્થિતિ ચિંતાજનક છે. જાન્યુઆરીમાં હજારો નારાજ શેરડી ખેડૂતઓ પૂણે શહેરમાં શેખર ગાયકવાડની ઓફિસ બહાર ધરણાં પર બેસી ગયા અને બાકી રકમ આપવાની માગ કરી.

સાંસદ અને શેરડીના ખેડૂતોના નેતા રાજૂ શેટ્ટી કહે છે કે મૂલ્ય નિયંત્રણમાં ઢીલ આપવી જોઈએ અને ઠંડુ પાણી તેમજ દવાઓ બનાવતી કૉર્પોરેટ કંપનીઓએ ખાંડની વધારે કિંમત ચૂકવવી જોઈએ.

તેમણે કહ્યું, " જેમની આર્થિક સ્થિતિ સારી નથી એ લોકોને જ ખાંડ સસ્તા ભાવે આપવી જોઈએ. સક્ષમ લોકોએ તેના માટે વધારે પૈસા ખરચવા જોઈએ. જો એવું નહીં થાય તો ઉદ્યોગ ખતમ થઈ જશે અને ખેડૂતો મરી જશે. રાજનેતા પણ તેમને બચાવી નહીં શકે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ