કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના નાગરિકત્વ પરની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી

રાહુલ ગાંધી Image copyright FB INC

બ્રિટિશ નાગરિકત્વના વિવાદને લઈને રાહુલ ગાંધીની ઉમેદવારી રદ કરવાની પિટિશન સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઈના વડપણ હેઠળ જસ્ટિસ દીપક ગુપ્તા અને સંજીવ ખન્નાની બૅન્ચે જય ભગવાન ગોયલ દ્વારા કરવામાં આવેલી અરજી ફગાવી દીધી છે.

ચીફ જસ્ટિસે કહ્યું કે, આ કેવા પ્રકારની અરજી છે? આમાં કોઈ મેરિટ નથી. અમે આને ડિસમિસ કરીએ છીએ.

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીના નાગરિકત્વની તપાસ કરવાની માગ પણ ફગાવી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે જય ભગવાન ગોયલે રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક છે એવો મુદ્દો ઉપસ્થિત કરીને તેમની ઉમેદવારી રદ કરવાનો ચૂંટણીપંચને આદેશ આપવામાં આવે એવી અરજી કરી હતી અને સાથે એમના નાગરિકત્વની તપાસ માટે માગ કરી હતી. સુપ્રીમ કોર્ટે બેઉ અરજીઓ નકારી કાઢી હતી.


'રાજીવ ગાંધીએ INS વિરાટનો ઉપયોગ પરિવારના વૅકેશન માટે ટૅક્સીની જેમ કર્યો'

Image copyright EPA

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દિલ્હી ખાતે આવેલા રામલીલા મેદાનમાં એક સભા સંબોધતા દેશના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી પર આક્ષેપ કર્યો હતો કે, રાજીવ ગાંધીએ દેશના યુદ્ધ જહાજ આઈએનએસ વિરાટનો પોતાના પરિવાર અને મિત્રો સાથે એક ટાપુ પર વૅકેશન માણવા જવા માટે અંગત ટૅક્સીની જેમ ઉપયોગ કર્યો હતો.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ નરેન્દ્ર મોદી પર વારંવાર ભારતીય સેનાનો અંગત હિતો માટે ઉપયોગ કરવાનો આક્ષેપ કરવામાં આવે છે, જેના જવાબમાં મોદીએ કહ્યું કે ભારતીય નેવીનું આ જહાજ દેશની દરિયાઈ સીમાઓની રક્ષા માટે છે, જ્યારે તેણે 10 દિવસ સુધી ગાંધી પરિવારની સેવા કરી.

તેમણે એમ પણ કહ્યું કે એક આઈએએફ હેલિકૉપ્ટર અને અન્ય સરકારી સુવિધાઓનો પણ આ સમયગાળામાં અંગત ઉપયોગ થયો હતો. આ પહેલાં તેઓ કહી ચૂક્યા છે કે રાજીવ ગાંધી 'ભ્રષ્ટાચારી નંબર. 1' તરીકે મૃત્યુ પામ્યાં.

ઇન્ડિયા ટુડેના એક અહેવાલ મુજબ રાજીવ ગાંધી ડિસેમ્બર 1987માં લક્ષદ્વીપના બંગરામ ટાપુ પર ગયા હતા, જેમાં સોનિયા ગાંધી, સોનિયા ગાંધીનાં બહેન, બનેવી તેમજ બાળકો, રાહુલ, પ્રિયંકા, તેમના મિત્રો, અમિતાભ અને જયા બચ્ચન, તેમનાં બાળકો તેમજ અમિતાભના ભાઈ અજિતાભનાં પુત્રી પણ સામેલ હતાં.


શૉ અને પંતે હૈદરાબદને આઈપીએલમાંથી બહાર કર્યું

Image copyright TWITTER/ RISHABH PANT
ફોટો લાઈન ઋષભ પંત

આઈપીએલ-12માં બુધવારે દિલ્હી કૅપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મહત્ત્વની મૅચ રમાઈ.

આ રોમાંચક મૅચમાં દિલ્હી કૅપિટલ્સે બે વિકેટથી જીત મેળવીને ક્વૉલિફાયર-2માં ચેન્નઈ સામે રમવાનો રસ્તો સાફ કરી લીધો.

દિલ્હી સામે જીતવા માટે 163 રનનું લક્ષ્ય હતું જે પૃથ્વી શૉના 56 અને ઋષભ પંતના 49 રનની મદદથી 19.5 ઓવરમાં હાંસલ કરી લીધું.

આ મૅચ હાર-જીતની ઘણી રોમાંચક ક્ષણોમાંથી પસાર થઈ.

જ્યારે પૃથ્વી શૉએ 31 બૉલમાં 56 રન કરીને સારી શરૂઆત આપી, તો દિલ્હીની ટીમને ઋષભ પંતે એકલા હાથે જીત સુધી પહોંચાડી દીધી.

તેમણે 18મી ઓવરમાં થંપીના બૉલ પર બે ફોર અને બે સિક્સની મદદથી 22 રન કર્યા.

આમ ઋષભ પંત 21 બૉલમાં બે ફોર અને પાંચ સિક્સ સાથે 49 રન કરીને ભુવનેશ્વર કુમારના બૉલમાં આઉટ થયા.

આપને આ પણ વાંચવું ગમશે

પરમાણુ કરાર મુદ્દે ઈરાને પશ્ચિમી દેશોને 60 દિવસનો સમય આપ્યો

Image copyright AFP
ફોટો લાઈન ન્યીક્લિયર પ્લાન્ટની મુલાકાતે ઈરાનના રાષ્ટ્રપતિ હસન રૂહાની

પરમાણુ કરારમાં સામેલ પશ્ચિમી દેશોને પોતાને ટેકો આપવા ઈરાને 60 દિવસનો સમય આપ્યો છે, નહીંતર પરમાણુ કરાર તોડવાની શરત મૂકી છે.

સાથે જ પશ્ચિમના દેશોએ પણ આ શરત તૂટે, તો ઈરાને તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે તેવી ચેતાવણી આપી છે.

ચીન, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને જર્મની, ઈરાન સાથેના આ પરમાણુ કરારમાં સામેલ છે, જ્યારે યૂએસ ગત વર્ષે તેમાંથી અલગ થઈ ગયું હતું.

વર્ષ 2015માં આ દેશો સાથે ઈરાનના કરાર થયા હતા, જેનો હેતુ ઈરાનની મહત્ત્વાકાંક્ષાઓ પર નિયંત્રણ લાવવાનો હતો. જેના બદલામાં ઈરાન પર લાગેલા પ્રતિબંધોમાં તેમને કેટલીક છૂટ આપવામાં આવી હતી.

પરંતુ ગત વર્ષે અમેરિકાએ કરારથી અલગ થઈને ઈરાન પર અન્ય કેટલાક પ્રતિબંધો લગાવ્યા. જેના પરિણામે ઈરાને પણ આ સમજૂતીથી પોતાને આંશિક દૂર કરી દીધું અને કેટલીક શરતોનો અસ્વીકાર કર્યો.

અમેરિકાએ લાદેલા નવા પ્રતિબંધોથી ઈરાનની અર્થવ્યવસ્થાને નુકસાન થયું છે અને તેમનું નાણું સૌથી નીચેના સ્તર પર પહોંચી ગયું છે, તેમજ મોંઘવારીનો દર લગભગ ચાર ગણો થઈ ગયો છે.

ઈરાનના વિદેશ મંત્રી જાવેદ ઝરીફે આ મુદ્દે કહ્યું કે, તેમણે તાજેતરમાં ઊઠાવેલાં કદમ સમજૂતીના ભાગરૂપે જ છે.

ઈરાને યૂરોપના દેશોને 60 દિવસનો સમય આપતાં કહ્યું કે જો તેઓ ઈરાનને અમેરિકા તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધોથી બચવા ટેકો નહીં આપે તો ઈરાન ફરી યૂરેનિયમનું ઉત્પાદન શરૂ કરશે.


ટ્રેડ વૉર: ટ્રમ્પે કહ્યું, 'ચીને કરાર તોડ્યા'

Image copyright Getty Images

યૂએસના રાષ્ટ્ર પ્રમુખ ટ્રમ્પે કહ્યું, "ચીને કરાર તોડ્યા છે" ચીન અને યેસ વચ્ચે વેપાર અંગે દ્વિપક્ષી ચર્ચા થાય તે પહેલાં ટ્રમ્પે આ વાત કરી છે.

બીજીંગથી એવું નિવેદન આવ્યું હતું કે જો યૂએસ ચાઈનીઝ ઉપાદન પરના કર વધારશે તો ચીન પણ જરૂરી પગલાં લેશે.

શુક્રવારે ટ્રમ્પે ચાઇનીઝ ઉત્પાદનો પરનો કર બમણો કરવાની વાત કરી હતી. છતાં ગુરુવારે બંને પક્ષો વ્યાપારી સમીક્ષા કરશે.

આ બેઠક પહેલાં જ ટ્રમ્પે ચીનના નેતાઓ પર કરાર તોડવાના આક્ષેપ કર્યા છે.

આ સંદર્ભે પત્રકારો સાથે વાત કરતાં ફ્લોરિડામાં ટ્રમ્પે કહ્યું કે, "તેમણે કરારનો ભંગ કર્યો છે. તેઓ આવું ન કરી શકે, તેમને તેના પરિણામ ભોગવવા પડશે."

આ બંને પક્ષોની બેઠકથી ટ્રેડ વૉરનો અંત આવશે તેવી આશાઓ સેવાઈ રહી હતી પણ રવિવારે ટ્રમ્પે ટ્વીટ કર્યું કે યૂએસ ચાઇનીઝ 200 મિલિયન ડોલરના ઉત્પાદનો પરનો કર વધારશે અને નવા દર જાહેર કરશે.


'ચોકીદાર ચોર હે' પર રાહુલની સુપ્રીમ કોર્ટમાં માફી

Image copyright Getty Images

કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટની અવગણના કરવા બાબતે સુપ્રીમ કોર્ટની બિનશરતી માફી માગી છે.

સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરતા તેમણે અપીલ કરી છે કે હવે અવગણનાના કેસને બંધ કરી દેવો જોઈએ.

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હવે તો સુપ્રીમ કોર્ટે પણ માની લીધું કે 'ચોકીદાર ચોર હે'.

હવે આ મુદ્દે 10 મે, શુક્રવારે સુનાવણી થશે.

આ પહેલાં જ બુધવારે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં ત્રણ પાનાનું સોગંદનામું રજૂ કરીને પોતાના નિવેદન પર માફી માગી લીધી હતી.

તેમણે કહ્યું કે આ નિવેદન તેમની ભૂલ હતી અને તેમનો એવો કોઈ ઇરાદો નહોતો.

દેશે.તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો