પોખરણ ટેસ્ટ 1 : કૃષ્ણે જ્યારે આંગળી પર પર્વતને ઉપાડ્યો...

પોખરણ ટેસ્ટ Image copyright Getty Images

18 મે, 1974ની સવારે આકાશવાણીના દિલ્હી સ્ટેશન પર "બૉબી" ફિલ્મનું એ પ્રખ્યાત ગીત વાગી રહ્યું હતું, "હમ તુમ ઈક કમરે મેં બંધ હો ઔર ચાબી ખો જાએ..."

નવ વાગ્યે ગીતને રોકીને જાહેરાત કરાઈ કે એક મહત્ત્વના પ્રસારણની રાહ જુઓ.

કેટલીક સેકંડ બાદ રેડિયો પર જાહેરાત કરાઈ, "આજે સવારે આઠ અને પાંચ મિનિટે પશ્વિમ ભારતના એક અજ્ઞાત સ્થળે શાંતિપૂર્ણ કાર્ય માટે એક ભૂમિગત પરમાણુ પરીક્ષણ કરાયું છે".

જાહેરાતના એક દિવસ પહેલાં એ ભારતનાં એ સમયનાં વડાં પ્રધાન ઇંદિરા ગાંધીના મુખ્ય સચિવ પી. એન. હક્સર લંડનમાં ભારતીય રાજદૂત બી. કે. નહેરુને વારંવાર પૂછી રહ્યા હતા, "દિલ્હીથી કોઇ સમાચાર આવ્યા?"

ભારતના પરમાણુ પરીક્ષણના સમાચાર મળ્યા કે હક્સરના ચહેરા પરની રાહતને નહેરુ સ્પષ્ટ રીતે કળી શક્યા.

દિલ્હીથી આવનારા સમાચાર અંગે વારંવાર પૂછવાનો હક્સરનો ઉદ્દેશ તેઓ સમજી ગયા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

કોનું માથું વાઢવું?

પાંચ દિવસ પહેલાં 13 મેએ પરમાણુ ઊર્જા આયોગના અધ્યક્ષ હોમી સેઠનાની દેખરેખમાં ભારતના પરમાણુ વૈજ્ઞાનિકોએ પરમાણુ ડિવાઇસને ઍસેમ્બ્લ કરવાનું કામ શરૂ કર્યું હતું.

14મેની રાત્રે અંગ્રેજી અક્ષર એલના આકારમાં બનેલા શાફ્ટમાં ડિવાઇસની ગોઠવણ કરાઈ અને બીજા દિવસે સેઠના દિલ્હી માટે રવાના થયા. ઇંદિરા ગાંધી સાથે તેમની મુલાકાત પહેલાંથી જ નક્કી હતી.

સેઠનાએ કહ્યું, "અમે શાફ્ટમાં ડિવાઇસની ગોઠવણ કરી દીધી છે. હવે તમે મને એવું કહેતાં નહીં કે આને બહાર કાઢો કારણ કે આવું કરવું હવે શક્ય નથી. હવે અમને આગળ વધતા તમે રોકી નહીં શકો."

ઇંદિરા ગાંધીનો જવાબ હતો, "ગૉ અહેડ. શું તમને ડર લાગી રહ્યો છે?"

સેઠના બોલ્યા, "બિલકુલ નહીં. બસ હું માત્ર એવું કહેવા ઇચ્છતો હતો કે હવે અહીંથી પરત ફરી શકાય તેમ નથી."

બીજા દિવસે ઇંદિરા ગાંધીની પરવાનગી લઇને સેઠના પોખરણ પરત ફર્યા.

તેમણે આખી ટીમને એકઠી કરી અને સવાલ કર્યો કે જો પરીક્ષણ અસફળ રહેશે તો કોનું માથું કાપવું જોઈએ? બૉમ્બના ડિઝાઇનર રાજગોપાલ ચિદમ્બરમે જવાબ આપ્યો, "મારું."

ટીમના નાયબ વડા પી. કે. આયંગર પણ બોલ્યા, "કોઈનું માથું કાપવાનું જરૂર નથી. જો આ સફળ ન રહે તો સમજવું ભૌતિકશાસ્ત્રના સિદ્ધાંત યોગ્ય નથી. (રાજા રમન્ના, યર્સ ઓફ પિલગ્રિમેજ)"


જીપે દગો દીધો

18 મેની સવારે પોખરણના રણમાં ગરમી થોડી વધારે હતી. વિસ્ફોટને જોવા માટે ત્યાંથી પાંચ કિલોમીટર દૂર એક માંચડો બનાવાયો હતો.

ત્યાં હોમી સેઠના, રાજા રમન્ના, તત્કાલીન ભૂમિ દળના અધ્યક્ષ જનરલ બેવુર, ડીઆરડીઓના તત્કાલીન અધ્યક્ષ નાગ ચૌધરી, ટીમના વાઇસ ચેરમૅન પી. કે. આયંગર અને લેફ્ટનન્ટ કર્નલ પી. પી. સભરવાલ હાજર હતા.

નાગ ચૌધરીના ગળામાં કૅમેરા લટકી રહ્યો હતો અને તેઓ સતત તસવીરો ખેંચી રહ્યા હતા.

ચિદમ્બરમ અને બીજા એક ડિઝાઇનર સતેન્દ્ર કુમાર સિક્કા કંટ્રોલ રૂમની પાસે બીજા એક માંચડ પર હતા.

શ્રીનિવાસન અને ઇલેક્ટ્રૉનિક ડીટોનેશન ટીમના પ્રમુખ પ્રણવ દસ્તીદાર કંટ્રોલ રૂમની અંદર હતા. પરીક્ષણ માટે સવારે આઠ વાગ્યાનો સમય નક્કી કરાયો હતો.

જોકે, એક કલાક પહેલાં જ પરીક્ષણ સ્થળની છેલ્લી તપાસ કરવા ગયેલા વૈજ્ઞાનિક વિરેન્દ્ર સિંહ સેઠીની જીપ ચાલુ થવાનું નામ જ નહોતી લઈ રહી. સમય નીકળી રહ્યો હતો અને આખરે સેઠીએ જીપ ત્યાં જ છોડી દીધી. બે કિલોમિટર ચાલીને તેઓ કંટ્રોલ રૂમ પહોંચા.

સેઠનાએ ત્યાં હાજર ભૂમિદળના સેના અધ્યક્ષ જનરલ બેવુરને પુછ્યું કે પરીક્ષણ સ્થળની નજીક જ ઊભેલી જીપનું શું કરવું?

જનરલ બેવુરનો જવાબ હતો, "ઓહ! યૂ કૅન બ્લૉ ધ ડૅમ થિંગ અપ."

જોકે, ભારતીય સૈન્યના જવાનો એ જીપને ટૉ કરીને સુરક્ષિત જગ્યાએ ખસેડી લાવ્યા એટલે આવું કરવાની નોબત ન આવી પણ આ ચક્કરમાં પરીક્ષણનો સમય પાંચ મિનિટ વધી ગયો.


'વી વિલ પ્રૉસીડ'

Image copyright OTHERS

આખરે માંચડાં પર રહેલાં લાઉડસ્પીકરમાંથી ઊંધી ગણતરી શરૂ થઈ. સેઠના અને રમન્નાએ ટ્રિગર દબાવવાનું ગૌરવ પ્રણવ દસ્તીદારને આપ્યું.

જેવી જ પાંચ મિનિટની ગણતરી પૂર્ણ થઈ કે પ્રણવે હાઈ વૉલ્ટેજ સ્વિચને ઑન કરી. દસ્તીદારના પગ નીચેથી જમીન ખસી ગઈ જ્યારે તેમણે પોતાની ડાબી તરફ લાગેલા ઇલેક્ટ્રિસિટી મિટરને જોયું.

નક્કી કરેલાં વોલ્ટેજમાંથી માત્ર 10 ટકા વોલ્ટેજ જ પરમાણુ ડિવાઇસ સુધી પહોંચી રહ્યાં હતાં. તેમના સહાયકોએ પણ મિટર જોયું અને બૂમો પાડી, "શૅલ વી સ્ટૉપ? શૅલ વી સ્ટૉપ?" ગભરામણમાં ગણતરી પણ અટકી ગઈ.

જોકે, દસ્તીદારનો અનુભવ જણાવી રહ્યો હતો કે શૉફ્ટની અંદર આદ્રતાનું વધારે પ્રમાણ ખોટું રીડિંગ બતાવી રહ્યું હતું. તેમણે પણ બૂમ પાડી, "નો વી વીલ પ્રૉસીડ."

જ્યોર્જ પરકોવિચ પોતાના પુસ્તક 'ઇન્ડિયાઝ્ ન્યૂક્લિયર બૉમ્બ' અનુસાર આઠ વાગ્યા ને પાંચ મિનિટે દસ્તીદારે લાલ બટન દબાવ્યું.


કૃષ્ણે પોતાની આંગળી પર પર્વત ઉઠાવ્યો

Image copyright OTHERS
ફોટો લાઈન ભારતે બીજી વખત પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે કેન્દ્રમાં વાજપેયીની સરકાર હતી

આ બાજુ માંચડાં પર હાજર સેઠના અને રમન્નાએ સાંભળ્યું કે ગણતરી બંધ થઈ ગઈ છે. એટલે એમને લાગ્યું કે વિસ્ફોટ અટકાવી દેવાયો છે.

રમન્ના 'યર્સ ઑફ પિલગ્રિમેજ'માં લખે છે કે તેમના સાથીદાર વેંકટેશન કે જેઓ આ દરમિયાન સતત વિષ્ણુ સહસ્રનામના પાઠ કરી રહ્યા હતા, તેમણે જાપને રોકી દીધા હતા.

બધા હજુ વિચારી જ રહ્યા હતા કે તેમની તમામ મહેનત એળે ગઈ છે ત્યાં જ ધરતીમાંથી ઓચિંતું રેતીના પર્વત જેવું કંઈક સર્જાયું. જે એક મિનિટ સુધી હવામાં રહ્યાં બાદ એ નીચે પડવા લાગ્યું.

પછી પી. કે. આયંગરે લખ્યું, "તે એક અદ્ભુત દ્રશ્ય હતું. અચાનક મને એ તમામ પૌરાણિક કથાઓ સાચી લાગવા લાગી કે જેમાં કહેવાયું હતું કે કૃષ્ણે એક વખત પર્વતને પોતાની આંગળીથી ઉપાડી લીધો હતો."

તેમની બાજુમાં બેસેલાં સિસ્ટમ ઇન્ટિગરેશન ટીમના પ્રમુખ જિતેન્દ્ર સોનીને લાગ્યું કે જાણે તેમની સામે રેતીનો કુતુબ મિનાર ઊભો થઈ ગયો છે.


ઊંધા મોંએ પડ્યાં

Image copyright Getty Images

ભારે ભૂકંપ આવ્યો હોય એવો અનુભવ તમામ લોકોએ કર્યો. ધરતી હલી હોવાનો અહેસાસ સેઠનાને પણ થયો હતો. પણ તેમણે વિચાર્યું કે વિસ્ફોટનો અવાજ કેમ નથી આવી રહ્યો? કે પછી તેમને સંભળાઈ નથી રહ્યો?(રીડિફ.કોમ સાથે વાતચીત - 8 સપ્ટેમ્બર 2006)

પરંતુ એક સેકંડ બાદ વિસ્ફોટનો દબાયેલો અવાજ આવ્યો. ચિદમ્બરમ, સિક્કા અને તેમની ટીમે એકબીજાને ભેટવાનું શરૂ કરી દીધું.

ચિદમ્બરમે પછી લખ્યું, "આ મારા જીવનની સૌથી મોટી ક્ષણ હતી." જોશમાં સિક્કા માંચડાં પરથી નીચે કૂદી પડ્યા અને તેમનો ઘૂંટણ મચકોડાઈ ગયો.

કંટ્રોલ રૂમમાં હાજર રહેલાં શ્રીનિવાસનને લાગ્યું તેઓ જાણે એક નાનકડી હોડીમાં બેઠા છે અને દરિયામાં તે ડગમગ ડગમગ થઈ રહી છે.

રમન્નાએ પોતાની આત્મકથામાં લખ્યું, "મેં મારી સામે રેતીના પર્વતને ઉપર જતો જોયો. જાણે હનુમાને તેણે ઉઠાવ્યો હોય!"

આપને આ પણ વાંચવું ગમશે

પરંતુ આ ઉત્તેજનામાં તેઓ ભૂલી જ ગયા કે થોડા વખતમાં ધરતી ધ્રુજવાની છે. અચાનક જમીન ધ્રુજવા લાગી અને માંચડા પરથી ઊતરી રહેલા રમન્નાએ પોતાનું સંતુલન ગુમાવ્યું.

તેઓ જમીન પર પડ્યા.

આ એક રસપ્રદ ઘટના છે કે ભારતના પરમાણુ બૉમ્બના જનક આ મહાન ઉપલબ્ધિની વેળાએ ગરમ રેતી પર ઊંધા મોઢે પડ્યો હતો.


બુદ્ધા ઇઝ સ્માઇલિંગ

ફોટો લાઈન રાજા રમન્ના

હવે પછીનો સવાલ એ હતો કે આ સમાચારને ઇંદિરા ગાંધી સુધી કેવી રીતે પહોંચાડવા?

માત્ર આ જ ઉદ્દેશ સાથે સૈન્યએ ત્યાં વડાં પ્રધાન કાર્યાલય માટે ખાસ હૉટલાઇનની વ્યવસ્થા કરી.

પરસેવાથી રેબઝેબ સેઠનાના અનેક પ્રયાસો પછી વડાં પ્રધાન કાર્યાલય સાથે સંપર્ક સધાયો.

બીજા છેડે વડાં પ્રધાનના અંગત સચિવ પી. એન. ધર હતા. સેઠના બોલ્યા, "ધર સાહેબ, ઍવરી થિંગ હૅઝ ગૉન..." અને ત્યાં જ લાઇન ડૅડ થઈ ગઈ.

સેઠનાને લાગ્યું કે પરિક્ષણ નિષ્ફળ ગયું હોવાનું ધર સમજ્યા હશે એટલે તેઓ લેફ્ટનન્ટ કર્નલ પી. પી. સભરવાલ સાથે ગાંડાની જેમ ડ્રાઇવિંગ કરીને પોખરણ ગામમાં પહોંચ્યા.

અહીં સૈન્યનું ટેલિફોન ઍક્સચેન્જ હતું.

આપને આ પણ વાંચવું ગમશે

ત્યાં પહોંચ્યા ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે ધરનો ડાયરેક્ટ નંબર તો તેઓ ભૂલી ગયા છે.

એ વખતે સભરવાલ તેમની મદદે આવ્યા. તેમણે ટેલિફોન ઑપરેટરને કહ્યું, 'ગેટ મી ધ પ્રાઇમ મિનિસ્ટર્સ ઑફિસ.'

ઑપરેટર પર આ આદેશની કોઈ અસર ન પડી. તેમણે હિંદીમાં પૂછ્યું કે તમે કોણ છો?

કેટલાય પ્રયાસો અને તકલીફો પછી આખરે વડાં પ્રધાન કાર્યાલયનો સંપર્ક કરી શકાયો.

બહુ ખરાબ લાઇન પર લગભગ બૂમો પાડતા સેઠનાએ એ પ્રખ્યાત કૉર્ડવર્ડ કહ્યો, "બુદ્ધા ઇઝ સ્માઇલિંગ."


વડાં પ્રધાન નિવાસ

Image copyright Getty Images

આ ઘટનાનાં 29 વર્ષ સુધી પી. એન. ધરે આ વાત કોઈને નહોતી જણાવી કે સેઠનાના તમામ પ્રયાસો નકામા સાબીત થયા હતા કારણ કે દસ મિનિટ પહેલાં જ ભૂમિદળના જનરલ બેવુરે તેમને સંદેશો પહોંચાડી દીધો હતો.

ધર તેમને સીધો સવાલ કરી શકે એમ નહોતા કારણ કે ટેલિફોન લાઇન પર વાતચીત સાંભળી શકાય એમ હતી. ધરે તેમને પુછ્યું હતું 'શું સ્થિતિ છે?' બેવુરે કહ્યું કે, 'બસ આનંદ છે.'

ધરને ત્યારે લાગ્યું કે ભારતનું પરમાણું પરીક્ષણ સફળ રહ્યું છે. તેઓ તરત જ વડાં પ્રધાનના નિવાસસ્થાન તરફ વળ્યા ત્યારે ઇંદિરા ગાંધી પોતાની લૉનમાં બેસીને સામાન્ય લોકોને મળી રહ્યાં હતાં.

જ્યારે તેમણે ધરને આવતાં જોયાં તો લોકો સાથેની વાત અટકાવીને તેઓ તેમની તરફ દોડ્યાં,

અધ્ધર ચડી ગયેલા શ્વાસે તેમણે પૂછ્યું 'શું થઈ ગયું?'

ધરનો જવાબ હતો, "બધું બરોબર છે મૅડમ."

ધરે પોતાની આત્મકથામાં લખ્યું, "મને હાલ પણ યાદ છે કે આ સાંભળીને ઇંદિરા ગાંધી ખૂબ જ ખુશ થઈ ગયાં હતાં. જીતની ખુશી તેમના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાતી હતી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ