ઉત્તરાખંડ : લગ્નમાં દલિતની સરાજાહેર 'માર મારીને હત્યા' કરાઈ પણ જોયું કોઈએ નહીં

લગ્ન પ્રસંગ દરમિયાન વપરાયેલી ખુરસીઓની તસવીર
ફોટો લાઈન 26 એપ્રિલની રાત્રે કાલેદાસ નામની વ્યક્તિના દીકરાના લગ્નમાં નજીકના ગામમાં રહેતા કેટલાય લોકો આવ્યા હતા

26 એપ્રિલની રાત્રે ઉત્તરાખંડના શહેરી વિસ્તારથી દૂર વસેલા ગામ કોટમાં કાલેદાસના દીકરાના લગ્નમાં નજીકના ગામથી કેટલાય લોકો આવ્યા હતા.

પર્વતો વચ્ચે નાનાનાના ખેતરોની નજીક વસેલા આ ગામમાં આવેલા મોટા મેદાનમાં લગ્નની વ્યવસ્થા કરવામાં આવી હતી.

કાલેદાસ દલિત છે અને પરંપરા પ્રમાણે લગ્નનું ભોજન સવર્ણો બનાવી રહ્યા હતા. આ વિસ્તારોમાં ઘણાં સવર્ણો દલિતોના હાથે બનેલું ભોજન ખાતા નથી અને પાણી પણ પીતા નથી.

દલિતોના જણાવ્યા અનુસાર લગ્નોમાં પણ સવર્ણો અને દલિતોના જમવાની વ્યવસ્થા અલગઅલગ હોય છે પરંતુ કેટલાક સવર્ણો આ વાતનો ઇન્કાર કરે છે.

ઘણા દલિતોએ જણાવ્યું કે સવર્ણો તેમને ઘરની બહાર જ ચાનો પ્યાલો આપી દે છે. તેમને કહેવામાં આવે છે કે પ્યાલો ધોઈને પરત આપે અને ધોઈને આપવા એને ફરી એક વખત ધોવામાં આવે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

કોઈએ કંઈ ન જોયું

ફોટો લાઈન જીતેન્દ્રની હત્યાના ઘણા સાક્ષીઓ હોવા છતાં કોઈ કંઈ કહેવા તૈયાર નથી

26 એપ્રિલની રાત્રે મહેમાનોથી ખચોખચ ભરેલા આ મેદાનમાં 21 વર્ષના દલિત યુવક જીતેન્દ્રને માર મારવામાં આવ્યો અને કોઈએ કંઈ ન જોયું.

આરોપ છે કે જીતેન્દ્રને પહેલાં લગ્નનાં મંડપની અંદર અને પછી મંડપથી થોડે દૂર લઈ જઈને મારીમારીને અધમૂઓ કરી નાખવામાં આવ્યો પણ કોઈએ કંઈ જોયું નહીં.

જીતેન્દ્રના પરિવારના પ્રમાણે તેમને માર મારવાનું કારણ હતું ઉચ્ચ જ્ઞાતિના લોકોની સામે બેસીને જમવું.

કાલેદાસ (જેમના દીકરાના લગ્ન હતા)ના જણાવ્યા પ્રમાણે ડીજેના અવાજના વચ્ચે કંઈ સંભળાયું નહોતું.

જીતેન્દ્રના ગામ બસાણગામના ઘણાં લોકો લગ્નમાં પહોંચ્યાં હતાં પરંતુ કોઈએ કંઈ જોયું નહીં.

જીતેન્દ્રના ગામ બસાણગામથી ત્રણ કિલોમિટર દૂર લગ્નવાળા ગામ કોટના લોકો પણ લગ્નમાં પહોંચ્યા હતા પરંતુ તેમણે પણ કંઈ જોયું નહીં.

'આ જ્ઞાતિ સાથે જોડાયેલી વાત છે'

ફોટો લાઈન માહિતી પ્રમાણે જીતેન્દ્ર જ્યારે જમવા બેઠા ત્યારે જાતિસૂચક શબ્દનો ઉપયોગ કરીને તેમને બીજી જગ્યાએ બેસવા કહેવાયું હતું

પરંતુ બધાએ સાંભળ્યું છે કે તે રાત્રે શું થયું હતું.

લોકોની માહિતી પ્રમાણે આ લગ્નમાં જમતા સમયે જ્યારે જીતેન્દ્ર ખુરસી પર બેઠા અને તેમણે મોઢામાં એક કોળિયો લીધો તો એક આરોપીએ કથિત રૂપે જાતિસૂચક શબ્દનો ઉપયોગ કરી તેમને બીજી કોઈ જગ્યાએ બેસવાનું કહ્યું.

જ્યારે જીતેન્દ્રએ વાત ન માની તો આરોપીએ લાત મારીને તેમને થાળી ઢોળી નાખી.

ગરમા-ગરમી વચ્ચે આરોપી અને તેમની સાથેના બીજા કેટલાક લોકોએ જીતેન્દ્રને માર મારવાનું શરૂ કર્યું.

આરોપ પ્રમાણે જ્યારે જીતેન્દ્ર માંડમાંડ બચીને લગ્ન સમારોહમાંથી બહાર નીકળ્યા તો થોડે દૂર આરોપીઓએ તેમને ઘેરી લીધા અને નિર્દયતાપૂર્વક માર માર્યો.

મામલાની તપાસ કરી રહેલી ઉત્તરાખંડ પોલીસના ડાયરેક્ટર જનરલ (લૉ ઍન્ડ ઓર્ડર) અશોક કુમાર કહે છે, "મારપીટ ક્યાંક ને ક્યાંક જમવાના સમયે થઈ છે. ખુરસી પર બેસવાના કારણે વિવાદ થયો જેના કારણે જેમની સાથે મારપીટ થઈ તેમનાં કપડાં પર ભોજન પડ્યું. એસસી-એસટી ઍક્ટની કલમ લગાવવી દર્શાવે છે કે આ જ્ઞાતિ સાથે સંબંધિત ઘટના છે."

આગામી દિવસે જ્યારે જીતેન્દ્રનાં માતા ગીતા દેવી સવારે વહેલાં ઊઠ્યાં તો જોયું કે ઘરના દરવાજા પર જીતેન્દ્ર અધમરી હાલતમાં પડ્યા હતા.

લગ્ન માટે જે શર્ટ તેમણે પહેર્યો હતો તે અલગઅલગ જગ્યાએથી ફાટી ગયો હતો.

જીતેન્દ્રની છાતી, ચહેરા, હાથ અને ગુપ્તાંગો પર ઘાના નિશાન હતાં.

જીતેન્દ્રને ઘરની બહાર કોણ મૂકી ગયું?

ફોટો લાઈન જીતેન્દ્રના ગામ બસાણગામમાં આશરે 50 પરિવાર રહે છે જેમાંથી 12-13 પરિવાર દલિત છે

માતા ગીતા નજીક જ આવેલા પોતાના સંબંધીના ઘરેથી દીકરી પૂજાને બોલાવવા માટે દોડ્યાં અને દરવાજો જોરથી ખટખટાવ્યો.

તેમને જીવનમાં ફરી એક દુર્ઘટનાનો ભાસ થઈ રહ્યો હતો.

લગભગ પાંચ વર્ષ પહેલાં પરિવારની ગેરહાજરીમાં તેમના પતિનો મૃતદેહ ઘરમાં લટકતો મળ્યો હતો.

લોકોએ ઘટનાને આત્મહત્યા ગણાવી હતી પરંતુ પરિવારને શંકા હતી કે તેમની હત્યા કરી દેવામાં આવી છે.

પોતાના બે ઓરડાવાળા ઝૂંપડાની બહાર માટીના ઓટલા પર બેઠેલાં પૂજાએ જણાવ્યું,

"જીતેન્દ્ર થોડું ઘણું જ બોલી શકતા હતા. જેમની સાથે તેમની લડાઈ થઈ હતી, તેમનું જ નામ તેઓ લઈ રહ્યા હતા. તેઓ મોઢાથી બોલી શકતા ન હતા. તેઓ બોલવાનો પ્રયાસ કરી રહ્યા હતા. કંઈ વધારે સમજાઈ રહ્યું ન હતું."

તેઓ કહે છે, "ખબર નહીં જીતેન્દ્રને ઘરની બહાર કોણ મૂકી ગયું? મોટરસાઇકલ પાસે હું ઊભી હતી. ચાવી પણ પાટલૂનમાં જ રાખેલી હતી."

તપાસના આદેશ

ફોટો લાઈન જીતેન્દ્રની હત્યા મામલે કાયદાની વિભિન્ન કલમો અંતર્ગત સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે

નવ દિવસ બાદ દહેરાદૂનની હૉસ્પિટલમાં જીતેન્દ્રનું મૃત્યુ થઈ ગયું.

ભાઈના મૃત્યુ પર સતત રડવાના કારણે પૂજાનું ગળું બેસી ગયું હતું અને ખૂબ મુશ્કેલીથી તેમનો અવાજ નીકળી શકતો હતો.

કાયદાની વિભિન્ન કલમો અંતર્ગત સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. એસસી- એસટી ઍક્ટમાં મામલો દાખલ થયો હોવાના કારણે તપાસ એક વરિષ્ઠ પોલીસ અધિકારીના હાથમાં છે.

સ્થાનિક દલિતોએ જણાવ્યું છે કે ઘટનાના ઘણા સાક્ષી હતા પરંતુ કોઈ બોલવા માટે તૈયાર નથી.

આ વિસ્તારમાં કામ કરતા દલિત કાર્યકર્તા જબર સિંહ વર્મા કહે છે, "ઘટના 26 એપ્રિલની છે પરંતુ 29 એપ્રિલ સુધી કોઈ FIR નોંધાઈ ન હતી. આ વચ્ચે દબંગ લોકોને તક મળી ગઈ. લોકોને લાગ્યું કે આ મામલે કંઈ થવાનું નથી. જે સાક્ષી હતા, જેમણે વચ્ચે વચ્ચે માર પણ ખાધો તેઓ પણ નિવેદન આપવા તૈયાર નથી. તેઓ વિચારે છે કે કેમ દુશ્મની કરવી."

FIR નોંધવામાં કથિત રીતે મોડું થવા પર ઉત્તરાખંડ પોલીસના ડાયરેક્ટર જનરલ (લૉ ઍન્ડ ઑર્ડર)એ જણાવ્યું, "અમે તપાસના આદેશ આપી દીધા છે કેમ કે આ પ્રકારના આરોપ મીડિયામાં પણ આવ્યા છે. પોલીસ સ્ટેશનના અધ્યક્ષ અને સ્ટેશનના ઇન્ચાર્જને ત્યાંથી હટાવીને પોલીસ લાઇન મોકલી દેવામાં આવ્યા છે અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે."

દલિતો પર અત્યાચારના મામલા

ફોટો લાઈન ઉત્તરાખંડની જનસંખ્યાનો 19% ભાગ દલિત છે

બીજું કારણ છે ડર અને સવર્ણો પર આર્થિક નિર્ભરતા.

જબર સિંહ વર્મા કહે છે, "વિસ્તાર ખૂબ અંદર છે. આ દલિત પરિવાર છે. આ લોકો પાસે પોતાની જમીન નથી. તેમની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ છે. દરેક ગામમાં માત્ર ચાર પાંચ પરિવાર અનુસૂચિત જાતિના હોય છે અને તે સવર્ણો પર નિર્ભર હોય છે. આ કારણોસર તેમની અંદર ભય છે અને આ પહેલી ઘટના નથી. આવી ઘટનાઓ વારંવાર ઘટતી રહે છે જેનાથી તેઓ ડરેલા રહે છે."

"આ પ્રેશરનો મામલો છે. સામે જે વ્યક્તિ છે તે પૈસાદાર છે, તેમની પહોંચ છે, તેમના ઘરના અધિકારીઓ છે, તેમની પાસે પોતાની જમીન છે, પૈસા છે, તેમના સંપર્કો છે. તો આ તરફ નાનું એવા એક ઓરડારમાં રહેતો પરિવાર છે, જેમની પાસે એક ટકના ભોજનની પણ વ્યવસ્થા નથી. પરિવારની આર્થિક સ્થિતિ થોડી સારી હોત તો કદાચ લોકો સાથે ઊભા રહેત પરંતુ એવું નથી. જીતેન્દ્રના પિતાનું પણ મૃત્યુ થઈ ચૂક્યું છે. તો લોકોને લાગ્યું કે એક પરિવારના ચક્કરમાં પોતાના વિસ્તારમાં દુશ્મન કોણ ઊભા કરે."

જીતેન્દ્રના ગામ બસાણગામમાં આશરે 50 પરિવાર રહે છે જેમાંથી 12-13 પરિવાર દલિત છે. આ જ પરિસ્થિતિ આસપાસના ગામની પણ છે જ્યાં થોડા ઘણા જ દલિત પરિવારો વસે છે.

ઉત્તરાખંડની જનસંખ્યાનો 19% ભાગ દલિત છે.

રાજ્યના અનુસૂચિત જાતિ આયોગ પ્રમાણે તેમની પાસે દર વર્ષે દલિતો પર અત્યાચારના આશરે 300 કરતાં વધારે કેસ પહોંચે છે અને અસલી સંખ્યા તો તેના કરતાં ઘણી વધારે છે.


કોણ હતા જીતેન્દ્ર?

ફોટો લાઈન જીતેન્દ્રને ઓળખતા લોકો કહે છે કે તેઓ એક શાંત માણસ હતા અને ઓછી વાતચીત કરતા હતા

જીતેન્દ્ર બાજગી સમુદાય સાથે સંબંધ ધરાવતા હતા. આ સમુદાયના લોકો લગ્નમાં ઢોલ કે અન્ય વાદ્ય યંત્રો વગાડીને લગ્ન અને શુભ અવસરોની રોનક વધારે છે.

જીતેન્દ્રને ઓળખતા લોકો જણાવે છે કે તેઓ ખૂબ જ શાંત હતા અને ઓછી વાતચીત કરતા હતા.

પાંચ વર્ષ પહેલાં પિતાના મૃત્યુના કારણે તેમણે સાતમા ધોરણથી જ શિક્ષણ મેળવવાનું છોડવું પડ્યું હતું.


તણાવપૂર્ણ માહોલ

ફોટો લાઈન વિસ્તારના સવર્ણો આ ઘટનાને જાતિગત હિંસા માનવા તૈયાર નથી

બસાણગામ, કોટ અને આસપાસના ગામમાં દલિતોમાં જીતેન્દ્રના મૃત્યુ મામલે ખૂબ રોષ છે.

કેટલાક લોકો પોતાનો ગુસ્સો ખુલીને વ્યક્ત કરી રહ્યા છે, પરંતુ મોટાભાગના લોકો ચૂપ છે.

વિસ્તારના સવર્ણો આ ઘટનાને જાતિગત હિંસા માનવા તૈયાર નથી.

એક વ્યક્તિએ કહ્યું, "લગ્નમાં થોડી બોલાચાલી થઈ હશે જેનાથી જીતેન્દ્ર શરમમાં મુકાયો હશે અને તેણે આત્મહત્યા કરી લીધી હશે."

અન્ય એક વ્યક્તિએ કહ્યું, "જીતેન્દ્રએ મારા ખાવાની શરમથી બચવા માટે વાઈની 20-30 ગોળીઓ ખાઈ લીધી અને તેનાથી તેમનું મૃત્યુ થયું."

જીતેન્દ્ર છેલ્લાં ચાર વર્ષથી વાઈથી પીડતા હતા અને તેમનો આયુર્વેદિક રીતે ઇલાજ ચાલી રહ્યો હતો પરંતુ જીતેન્દ્રના પરિવારજનોના જણાવ્યા અનુસાર તેમણે કોઈ ગોળી ખાધી નથી.

જીતેન્દ્રના ઘરની બહાર જ્યારે એક સવર્ણ મોટરસાઇકલ સવારે જીતેન્દ્રના મૃત્યુના કારણો પર સવાલ ઉઠાવ્યા તો સાથે ઊભેલો એક દલિત યુવક ગુસ્સામાં લાલચોળ થઈ ગયો અને ઊંચા અવાજે તેમની વાતને ખોટી ગણાવવો લાગ્યો.

સોશિયલ મીડિયા પર પણ ચર્ચા ચાલી રહી છે કે જ્યાં ઘણા સવર્ણો જીતેન્દ્રના મૃત્યુને જાતિગત હિંસા માનવા તૈયાર નથી.

જીતેન્દ્રના મૃત્યુની મેડિકલ તપાસ રિપોર્ટમાં શું કારણ આપવામાં આવ્યા છે, તે અંગે કોઈ સ્પષ્ટતા નથી.

દહેરાદૂન પોલીસ હેડક્વાર્ટરમાં એક સવર્ણ વ્યક્તિએ ટોણો માર્યો, "તો દલિતનો મુદ્દો આંતરરાષ્ટ્રિય મુદ્દો બની ગયો છે?"

'આ ષડયંત્ર છે'

ફોટો લાઈન જબર સિંહ વિસ્તારમાં કામ કરતા દલિત કાર્યકર્તા છે

જીતેન્દ્રના મૃત્યુ પામેલા આરોપી તેમના ગામની નજીકના ભટવાણી ગામમાં એક પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

આરોપીના ઘરે અમને પ્રિયંકા મળ્યાં જેમનાં ખોળામાં એક મહિનાનું બાળક ઊંઘી રહ્યું હતું.

તેમના પિતા, કાકા અને બે ભાઈ આ મામલે આરોપી છે અને પોલીસે તેમની ધરપકડ કરી છે.

પ્રિયંકા લગ્નમાં ગયાં ન હતાં અને તેઓ આરોપોને ષડયંત્ર ગણાવે છે.

તેઓ કહે છે, "મારા પિતાએ જ મને જણાવ્યું છે કે તેમના પર ખોટો આરોપ લાગ્યો છે. અમે તેમને પૂછ્યું તો તેમણે કહ્યું, ન અમે કંઈ કર્યું છે કે કંઈ જોયું છે. જો તેઓ જાતિસૂચક શબ્દનો પ્રયોગ કરતા હોત તો લગ્નમાં કેમ જાત? જો આટલા લોકો એક વ્યક્તિને મારે તો તે વ્યક્તિ મરી ન જાય?"

પ્રિયંકા સાથે વાતચીત દરમિયાન અમને ઘણા સવર્ણોએ ઘેરી લીધા. તેઓ ઊંચા અવાજે બોલી રહ્યા હતા કે જાતિગત આધારે કોઈ ભેદભાવ કરતું નથી. 41 પરિવારોના આ ગામમાં 11-12 દલિત પરિવાર છે.

એક વ્યક્તિએ ઊંચા અવાજમાં એક દલિત તરફ ઇશારો કરીને કહ્યું, "તેમને પૂછો કે શું અમે તેમની સાથે કોઈ ભેદભાવ કરીએ છીએ?"

એ પહેલા કે હું કંઈ સમજી શકું તે દલિત વ્યક્તિ ત્યાંથી જતી રહી.


સામાજિક દબાણ?

ફોટો લાઈન પોલીસ અધિકારી અશોક કુમાર

કમાણીના એકમાત્ર સ્રોત જીતેન્દ્રના મૃત્યુ બાદ મા, દીકરી અને નાના ભાઈ માટે ઉચ્ચ જ્ઞાતિનું પ્રભુત્ત્વ ધરાવતા સમાજમાં પડકાર ઓછા નથી.

જ્યારે અમે જીતેન્દ્રના ઘરે હતા ત્યારે સાંત્વના આપવાવાળા લોકોમાં શૂટર જસપાલ રાણાના પિતા અને RSS સાથે જોડાયેલી સંસ્થા ક્રીડા ભારતી સાથે સંબદ્ધ નારાયણ સિંહ રાણા પણ હાજર હતા.

તેઓ લખનૌથી પોતાના 'વેવાઈ' રાજનાથસિંહના ચૂંટણીપ્રચારમાંથી પરત ફર્યા હતા.

જીતેન્દ્રનાં માતા ગીતા દેવી નારાયણ સિંહ રાણાના ઘરે ઘરકામ કરતાં હતાં.

પૂર્વ એમએલસી અને મંત્રી નારાયણ રાણા જીતેન્દ્રના ઘરે ચોખાની એક ગૂણ લઈને પહોંચ્યા હતા.

ફોટો લાઈન જીતેન્દ્રનાં માતા ગીતા દેવી નારાયણ સિંહ રાણાના ઘરે ઘરકામ કરતાં હતાં. નારાયણ સિંહ રાણા શૂટર જસપાલ રાણાના પિતા છે

તેમણે જીતેન્દ્રના મૃત્યુને 'દર્દનાક અને પીડાદાયક' ગણાવ્યું હતું પરંતુ સાથે જ કહ્યું, "એક ઘટના ઘટી ગઈ. ઇરાદાપૂર્વક તો કોઈએ કંઈ કર્યું નથી. દારૂ ન હોત તો આવી ઘટના ન ઘટત. ઘટના નાની ઘટી અને મુદ્દો મોટો બની ગયો."

મેં તેમને પૂછ્યું કે શું તમે આ ઘટનાને નાની ઘટના માનો છો? તેના પર નારાયણ રાણા બોલ્યા, "આ નાની ઘટના નહીં, ખૂબ મોટી ઘટના છે."

જીતેન્દ્રનાં માતા ગીતા દેવીના જણાવ્યા અનુસાર જીતેન્દ્રના મૃત્યુ બાદ તેમને મળવા કેટલાક લોકો આવ્યા.

તેઓ કહે છે, "તે લોકો અમને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ કહે છે કેસ પરત લઈ લો. તમારો વાંક છે. તેમણે મારા દીકરાને ખૂબ માર્યો, ખરાબ રીતે માર માર્યો. તે ભોજન પણ લઈ શકતો ન હતો. અમારી આગળ પાછળ કોઈ નથી. અમે ખૂબ તકલીફમાં છીએ."

આવા ગામમાં કેસ પરત લેવા માટે દબાણ કરવું કોઈ નવી વાત નથી. આ તરફ પોલીસ પરિવારમાં ડર અને દબાણની વાતને નકારે છે.

નારાયણ રાણા કહે છે, "તેમણે હજુ સમાજમાં રહેવું છે. આપણે તેમનો બચાવ કરવાનો છે. આપણે તેમની સુરક્ષા કરવાની છે. હજુ તેમનું ભરણપોષણ કરવાનું છે."

કદાચ સમાજના આ જ તાણાવાણા જવાબદાર છે, જેના કારણે આ ગામ અને તેની આસપાસની દરેક વ્યક્તિ કહી રહી છે- તેમણે કંઈ જોયું નથી.

દલિતો વિરુદ્ધ અત્યાચારનો ઇતિહાસ

ઉત્તરાખંડ અનુસૂચિત જાતિ આયોગમાં વરિષ્ઠ સલાહકાર દેવ સિંહના જણાવ્યા અનુસાર આયોગને દર વર્ષે દલિતો વિરુદ્ધ અત્યાચારના આશરે 300 કેસ મળે છે પરંતુ ખરેખર આ સંખ્યા ઘણી વધારે છે.

તેઓ કહે છે, "ગામડાંમાં દલિતોના સામાજિક તિરસ્કારની ઘટનાઓ સામાન્ય છે. ઉચ્ચ જ્ઞાતિના લોકો તેમની જમીન પર કબજો કરી લે છે. ઘણા મામલે પોલીસ FIR નોંધવાની પણ ના પાડી દે છે."

પરંતુ ઉત્તરાખંડમાં દલિતો વિરુદ્ધ આવતા કેસનો ઇતિહાસ જૂનો છે.

વર્ષ 1980માં કફલ્ટામાં ઉચ્ચ જ્ઞાતિના લોકોએ બિરલગામમાં 14 દલિતોની હત્યા કરી દીધી હતી.

જ્યારે એક જાન કફલ્ટા ગામથી પસાર થઈ રહી હતી ત્યારે કેટલીક મહિલાઓએ ભગવાન બદ્રીનાથનું માન રાખવા માટે વરરાજાને ઘોડા પરથી ઊતરવા કહ્યું હતું.

દલિતો કહ્યું કે વરરાજા મંદિરની સામે જ ઊતરશે, ગામના કોઈ છેડે નહીં.

થોડાં મહિના પહેલા ઉત્તરાખંડ પોલીસના જવાનની જાનને મંદિરમાં ઘૂસવા દેવામાં આવી ન હતી.

તે જ જાનમાં હાજર દલિત કાર્યકર્તા દૌલત કુંવર જણાવે છે, "તે ગામમાં દલિતોની સંખ્યા ઓછી છે. મેં ગામના ઉચ્ચ જ્ઞાતિના લોકોને કહ્યું કે આ પોલીસકર્મી છે, ભેટ ચઢાવવા માગે છે. તમે તેમને ભેટ ચઢાવવા દો. તો તેમણે મને કહ્યું, તમે વધારે નેતાગીરી ન કરો. ભેટ ચઢાવવી હોય તો દરવાજાની બહાર ફાટક પર રાખી દો."

વર્ષ 2016માં જ્યારે દૌલત કુંવર પૂર્વ સાંસદ તરુણ વિજય સાથે રાજ્યના ચકરાતા ક્ષેત્રના પુનાહ દેવતાના મંદિરે ગયા હતા તો તેમના પર પથ્થરમારો થયો હતો જેમાં બન્નેને ઇજા પહોંચી હતી.

બાગેશ્વરમાં જ્યારે એક દલિત વ્યક્તિએ લોટની ચક્કીને 'દૂષિત' કરી તો તેમનું માથુ કાપી નાખવામાં આવ્યું હતું.

રાજ્યની એક કૉલેજમાં જ્યારે એક દલિત ભોજનમાતાને નિયુક્ત કરવામાં આવ્યાં તો તેમને હટાવવાં માટે પ્રદર્શન થયાં હતાં.

દલિત કાર્યકર્તા દૌલત કુંવર જણાવે છે, "દલિત ભોજનમાતા માત્ર લાકડાંને સ્પર્શતાં હતાં. તેઓ લાકડાં લઈને રસોડાંની બહાર મૂકી દેતાં હતાં. પરંતુ એક પણ બાળકે ત્રણ દિવસ સુધી સ્કૂલમાં ભોજન લીધું નહતું."

દલિત કાર્યકર્તા જણાવે છે કે રાજ્યના જૌનસાર ક્ષેત્રમાં કાયદાનો હસ્તક્ષેપ હોવા છતાં હજુ પણ એવાં મંદિર છે કે જ્યાં દલિત પ્રવેશ મેળવી શકતાં નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ