મોદીએ 50 કલાક ખરી તપસ્યા કરી હોત તો આવું ના બોલત : પ્રિયંકા ગાંધી

રાહુલ - મોદી Image copyright Getty Images

વડા પ્રધાન મોદીએ શનિવારે ઇન્ડિયન એક્સ્પ્રેસને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે "મોદીની છબી દિલ્હીની ખાન માર્કેટ ગૅંગે નથી બનાવી, દિલ્હીના લ્યુટીયન્સે નથી બનાવી."

તેમણે કહ્યું, "45 વર્ષની મોદીની તપસ્યાએ છબી બનાવી છે. સારી હોય કે ખરાબ. તે વાત તમે નકારી શકો નહીં."

"દિલ્હીના લ્યુટ્ન્સે અને ખાન માર્કેટ ગૅંગે છેલ્લા વડા પ્રધાન માટે એક છબી બનાવી હતી, મિસ્ટર ક્લીન, મિસ્ટર ક્લીન, શું અંત આવ્યો એનો? મારી છબી? એ એનો જવાબ હતો. હવે તેની તપાસ કરીને લોકોને માહિતી આપવી એ તમારું કામ છે."

આ નિવેદનનો જવાબ આપતા રવિવારે મતદાન બાદ કૉંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું, "જો વડા પ્રધાને કમ સે કમ 50 કલાક માટે પણ ખરી તપસ્યા કરી હોત તો આવી નફરતની ભાષા ન બોલતા હોત."

જ્યારે કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું, "વડા પ્રધાન નફરતના આધારે આ ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે કૉંગ્રેસ પ્રેમપૂર્વક લડી રહી છે."

તમે આ વાંચ્યું કે નહીં?

ઓડિશામાં વાવાઝોડાના કારણએ કુલ 64 લોકોનાં મોત

Image copyright Getty Images

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ ઓડિશાની સરકારે રવિવારે વધુ 21 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે.

3 મેના રોજ આવેલા આવેલા વાવાઝોડામાં પહેલાં મૃતકોની સંખ્યા 43 હતી જે હવે વધીને 64 થઈ છે.

રવિવારે સ્પેશિયલ રિલીફ કમિશ્નરે સ્થિતિનો અહેવાલ રજૂ કરતાં જણાવ્યું હતું કે માત્ર પુરી જિલ્લામાં જ 39 લોકોનાં મૃત્યુ થયાં છે.

રવિવારે મુખ્ય મંત્રી નવીન પટનાયકે કહ્યું હતું કે જે લોકોના ઘરોમાં નુકસાન થયું છે, તેમને પાકાં ઘરો આપવામાં આવશે, તેના માટેનો સર્વે 15 મેથી શરૂ થશે.

તેમણે જણાવ્યું હતું કે આ વાવાઝોડામાં લગભગ 5 લાખ ઘરોને નુકસાન થયું છે. તેમાંથી લગભગ 1.9 લાખ પુરી જિલ્લામાં જ છે.


પાકિસ્તાન ભારત માટે હવાઈક્ષેત્ર ખોલવા પર વિચારણા કરશે

Image copyright Reuters

પાકિસ્તાને કહ્યું છે કે તે ભારતીય વિમાનો માટે પોતાનું હવાઈક્ષેત્ર ફરી વખત ખોલવા અંગે વિચારણા કરશે.

પાકિસ્તાનના એક નાગરિક ઉડ્ડયન અધિકારીના જણાવ્યા અનુસાર આ ચર્ચા 15મે ના રોજ કરવામાં આવશે. જોકે, એક વરિષ્ઠ નેતાએ એવા સંકેત આપ્યા છે કે ભારતની ચૂંટણીઓ સુધી આ સ્થિતી યથાવત રહેશે.

26 ફેબ્રુઆરીના રોજ થયેલા બાલાકોટ હુમલા બાદ પાકિસ્તાને પોતાના હવાઈક્ષેત્રને સંપૂર્ણ બંધ કરી દીધું હતું. ત્યાર બાદ 27 માર્ચે દિલ્હી, બૅંગકોક અને કુઆલાલ્મપુર સિવાયનાં અન્ય સ્થળોનાં વિમાનને આવવાની મંજૂરી આપી હતી.

પાકિસ્તાનના નાગરિક ઉડ્ડ્યન વિભાગના પ્રવક્તા મુજતબા બેગે સમાચાર એજન્સી પીટીઆઈને રવિવારે જણાવ્યું કે, "પાકિસ્તાન સરકાર ભારતીય ઉડાનો માટે પોતાનો પ્રતિબંધ હઠાવશે કે નહીં તે અંગેનો નિર્ણય 15 મેના રોજ થશે."

જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના નજીકના મનાતા વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના મંત્રી ફવાદ ચૌધરીએ સમાચાર એજન્સીને કહ્યું, "ભારતમાં ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી સ્થિતિ યથાવત રહેશે. મને ચૂંટણી પૂરી થઈને ભારતમાં નવી સરકાર બને ત્યાં સુધી ભારત પાકિસ્તાનના સંબંધમાં કોઈ સુધારો દેખાતો નથી. હું માનું છું કે ભારતમાં ચૂંટણી સુધી એકબીજા પર લગાવેલા પ્રતિબંધો યથાવત રહેશે."


બુરકીના ફાસોમાં ચર્ચ પર હુમલો, 6 લોકોની હત્યા

Image copyright Getty Images

પશ્ચિમી આફ્રિકાના દેશ બુરકીના ફાસોમાં બંદૂકધારીઓએ એક ચર્ચમાં હુમલો કરીને છ લોકોની હત્યા કરી છે.

અધિકારીઓનું કહેવું છે કે એ સમયે ચર્ચમાં પ્રાર્થના ચાલી રહી હતી. આ ગોળીબારમાં પાદરીનું પણ મૃત્યુ થયું.

20 થી 30ની સંખ્યામાં આવેલા હુમલાખોરોએ ગોળીબારી કરીને ચર્ચને સળગાવી દીધું.

ડાબ્લો શહેરના મેયર આઉસમૅન ઝોંગોએ કહ્યું કે હુમલાખોરોએ સ્વાસ્થ્ય કેન્દ્રમાં પણ લૂંટ મચાવી હતી.

બુરકીના ફાસો 2016થી ઇસ્લામિક ઉગ્રવાદનો શિકાર બનતું આવ્યું છે. છેલ્લા પાંચ અઠવાડિયામાં ચર્ચ પર થયેલો આ ત્રીજો હુમલો છે.

આ વિસ્તારના ઉગ્રવાદીઓ અલ કાયદા, ઇસ્લામિક સ્ટેટ અને સ્થાનિક ઉગ્રવાદી સંગઠન અંસારૂલ ઇસ્લામ સાથે જોડાયેલા છે.


ચાર વાહનોને નિશાન બનાવાયા હોવાનો યૂએઈનો દાવો

Image copyright EPA

યુનાઇટેડ આરબ અમીરાતના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે સતામણીના હેતુથી તેમની જળસીમા નજીક ચાર વાહનને નિશાન બનાવાયાં છે.

આ પ્રકારના હુમલાનો ઓમાનના અખાતમાં પ્રયત્ન થયો હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું પણ કોના દ્વારા આ હુમલો કરવામાં આવ્યો એ અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી.

છેલ્લા કેટલાક વખતથી અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી રહ્યો છે.

અમેરિકા તેમજ પોતાનાં યુદ્ધજહાજ રવાના કરી ચૂક્યું છે. આ વિસ્તાર તેલ અને કુદરતી ગૅસ માટે મહત્ત્વનો હોવાથી આ સ્થિતિને ગંભીરતાથી લેવામાં આવી છે.

યૂએઈને આ હુમલાને ખતરારૂપ ગણાવીને આંતરરાષ્ટ્રિય સ્તરે તેને અટકાવવાની અપીલ કરી હતી.

જ્યારે રવિવારે યૂએઈ અમીરાત ઑફ ફુજૈરાહે આ પ્રકારના હુમલાના મીડિયા અહેવાલોનું ખંડન કર્યું હતું.

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો