શું હરીયાણામાં મહિલાઓ પાસે જબરદસ્તી એક પક્ષને મત અપાવાયા? - ફૅક્ટ ચેક

વાઇરલ વીડિયોની તસવીર Image copyright IN UnPlugged/Twitter
ફોટો લાઈન વાઇરલ વીડિયોમાં એક વ્યક્તિ મહિલાને જબરદસ્તી કોઈ ખાસ પાર્ટીને મત આપવા માટે કહે છે

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે કે જેમાં કોઈ મતદાન કેન્દ્ર પર ત્રણ મહિલા મતદારો પર કોઈ ખાસ પક્ષનેમત આપવા દબાણ કરાઈ રહ્યું છે.

શૅર કરતી વખતે વીડિયોના કૅપ્શનમાં લખાયું હતું, - વીડિયો હરીયાણાનો છે, કેવી રીતે @ECIVEEP #DeshKaMahaparab મનાવી રહ્યું છે.

સોશિયલ મીડિયા પર ચૂંટણીપંચ પાસે ત્વરિત કાર્યવાહીની માગ સાથે ઘણા લોકો વીડિયોને શૅર કરી રહ્યા છે અને હજારોની સંખ્યામાં લોકો આ વીડિયો જોઈ રહ્યા છે.

12 મેના રોજ લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાની ચૂંટણી બાદ આ વીડિયોને ફરીદાબાદનો હોવાનું કહેવાઈ રહ્યું છે.

આ વીડિયોમાં એક મહિલા પોતાનો મત આપવા આગળ વધે છે અને બ્લૂ રંગનું ટી-શર્ટ પહેરેલી એક વ્યક્તિ તેમની પાસે જાય છે તથા ઇવીએમ મશીન પર કોઈ ખાસ ચિહ્ન તરફ ઇશારો કરીને બટન દબાવવા કહે છે કે પછી બટન દબાવી જ દે છે.

આ રીતે એ વ્યક્તિ અન્ય બે મહિલા મતદારો સાથે પણ આવું જ કરે છે.

આ વીડિયોમાં એક અન્ય વ્યક્તિ હસી રહી હોય એવું સાંભળવા મળે છે. એ વ્યક્તિ કહે છે, "ભાજપ! ભાજપ! ગિરિરાજ, તેઓ તમને બોલાવી રહ્યા છે. તમારી ફરિયાદ પહોંચી ગઈ છે."

આ વીડિયો વાઇરલ થયા બાદ ઘણા લોકોએ ચૂંટણીપંચને ટ્વિટર પર ટૅગ કરીને કહ્યું છે કે આ વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે.

બીબીસીની તપાસમાં આ વીડિયો સાચો હોવાનું જાણવા મળ્યું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

હકીકત

Image copyright OfficeFaridabad/Twitter
ફોટો લાઈન ફરીદાબાદ જિલ્લા નિર્વાચન કાર્યાલયે પોતાના ઔપચારિક ટ્વિટર અકાઉન્ટર પર વીડિયોને સાચો ગણાવ્યો છે

ફરીદાબાદ જિલ્લા ચૂંટણીકાર્યાલયે પોતાના ટ્વિટર અકાઉન્ટર પર વીડિયો સાચો હોવાનું જણાવી બ્લૂ ટી-શર્ટ પહેરેલી વ્યક્તિને પૉલિંગ એજન્ટ ગણાવી છે.

રવિવારના રોજ એ વ્યક્તિની ફરીદાબાદ લોકસભા બેઠકના પલવલ જિલ્લાના અસાવટી ગામથી ધરપકડ કરવામાં આવી છે.

ટ્વીટમાં કહેવામાં આવ્યું છે, "બૂથ પર મતદાન સાથે કોઈ પ્રકારની સમજૂતી કરવામાં આવી ન હતી અને પૉલિંગ એજન્ટની બપોરે ધરપકડ કરવામાં આવી છે."

બીબીસી ફૅક્ટ ચેકની ટીમે પલવલના એસપી નરેન્દ્ર બિજરણિયા સાથે વાત કરી.

તેમણે બીબીસીને જણાવ્યું, "તે વ્યક્તિ એક પૉલિંગ એજન્ટ હતી જેમની રાજકીય પાર્ટી હજુ સુધી અજ્ઞાત છે. તેમની ઓળખ ગિરિરાજ નામે થઈ છે અને તેમની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે. તેમને મૅજિસ્ટ્રેટની સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. અત્યારે તેઓ જામીન પર બહાર છે અને તપાસ ચાલી રહી છે. "

રવિવારના રોજ હરીયાણામાં 69.50% મતદાન નોંધાયું હતું. ફરીદાબાદમાં 64.46% મતદાન થયું.

બૂથ પર પ્રક્રિયાની દેખરેખ રાખવા માટે ચૂંટણીમાં ઊભા રહેલા ઉમેદવારો દ્વારા પૉલિંગ એજન્ટની નિમણૂક કરવામાં આવે છે.

પરંતુ જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તેમની રાજકીય પાર્ટી અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી શકી નથી.

ફરીદાબાદમાં ભાજપના કેન્દ્રીય મંત્રી કૃષ્ણપાલ ગુર્જર ફરી ચૂંટણી લડી રહ્યા છે. અવતાર સિંહ ભડાના કૉંગ્રેસના ઉમેદવાર છે અને પંડિત નવીન જયહિંદ આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે.

મતદાનના નિયમોનું ઉલ્લંઘન

Image copyright Twitter/@AshokLavasa
ફોટો લાઈન ચૂંટણી અધિકારી અશોક લવાસાએ ટ્વીટ કરીને પૉલિંગ એજન્ટની ધરપકડ થઈ હોવાની વાત કહી છે

ભારતના ચૂંટણીપંચ દ્વારા નક્કી કરાયેલા નિયમો અનુસાર મતદાન અધિકારી પહેલાં મતદારનું નામ અને તેનું ઓળખકાર્ડ ચકાશે છે.

બીજા મતદાન અધિકારી તેમની આંગળી પર સાહી લગાવે છે, તેમને એક રિસિપ્ટ આપે છે અને તેમના હસ્તાક્ષર કરાવી તેમને મોકલી દે છે.

મતદાતાએ ત્રીજા અધિકારીને રિસિપ્ટ અને શાહી લાગેલી આંગળી બતાવવાની હોય છે.

આખરે મતદાર ઇલેક્ટ્રૉનિક વોટિંગ મશીન પર પોતાની પસંદગીના ઉમેદવાર અને તેમની રાજકીય પાર્ટીના ચિહ્નની આગળ આપવામાં આવેલું બટન દબાવે છે.

તેમાં બીપનો અવાજ સંભળાય છે અને વીવીપેટ મશીનમાં એક પારદર્શી બારી હોય છે જ્યાં એક કાપલી દેખાય છે, જેના પર ઉમેદવારનો નંબર, નામ અને તેમની પાર્ટીનું ચિહ્ન અંકાયેલાં હોય છે.

કોઈ પણ અધિકારી કે એજન્ટને મતદાન પેટી તરફ જવાની પરવાનગી હોતી નથી. પરંતુ વાઇરલ વીડિયોમાં બ્લૂ ટી-શર્ટ પહેરેલા પૉલિંગ એજન્ટ ઓછામાં ઓછા ત્રણ વખત બૅલેટ કમ્પાર્ટમેન્ટ તરફ જતા જોવા મળે છે.

ચૂંટણી અધિકારી અશોક લવાસાએ ટ્વીટ કર્યું, "DEO ફૈઝાબાદે જણાવ્યું છે કે પર્યવેક્ષક સંજય કુમારે સમગ્ર મામલાની તપાસ કરી છે. વીડિયોમાં દેખાતી વ્યક્તિ પૉલિંગ એજન્ટ છે કે જેમની બપોરે જ ધરપકડ કરવામાં આવી હતી. FIR નોંધાઈ ગઈ છે. પર્યવેક્ષકનો રિપોર્ટ ECI દ્વારા તપાસવામાં આવશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો