લોકસભા ચૂંટણી 2019 : વડા પ્રધાન વિરુદ્ધ નિવેદનો અને મોદીના વિવાદિત બોલ

નરેન્દ્ર મોદી Image copyright Getty Images

ભારતીય ચૂંટણીની મોસમમાં એવા રાજકારણીઓનો લાંબો ઇતિહાસ રહ્યો છે, જે બેફામ બોલ્યા હોય.

આ વખતની ચૂંટણીમાં કેટલાક નેતાઓની માત્ર જીભ જ નથી દોડી પણ નેતાઓનાં અંગત જીવન અંગે એવાંએવાં નિવેદનો કરાયાં છે કે જે માત્ર વાંધાજનક જ નહોતાં પણ આની કોઈએ અપેક્ષા પણ નહોતી રાખી.

ચૂંટણીની રેલીઓમાં લોકોની સામે પોતાના વિરોધીને નીચા દેખાડવા માટે આ નેતાઓ મર્યાદા અને નૈતિકતાની રેખાઓને પાર કરતા જોવા મળ્યા છે.

આ જમાતમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને તમામ પક્ષોના મોટા રાજનેતાઓનો સામેલ થઈ ગયા છે.

જેમજેમ લોકસભાની ચૂંટણી આગળ વધવા માંડી વિવાદાસ્પદ નિવેદનો પણ વધવાં લાગ્યાં.


મહિલાની અસ્મિતા પર ઘા

Image copyright Getty Images

તાજેતરમાં જ આવું એક નિવેદન બસપાનાં સુપ્રીમો માયાવતીએ કર્યું, જેમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અંગે વિવાદાસ્પદ વાત કરી.

માયાવતીએ રવિવારે કહ્યું કે ભારતીય જનતા પક્ષના લોકો મહિલાઓનું સન્માન કરતા નથી અને વડા પ્રધાન મોદીએ રાજકીય સ્વાર્થ માટે પોતાનાં પત્નીને છોડી દીધાં છે.

આ મામલે કૉંગ્રેસનેતા નવજોત સિંઘ સિદ્ધુ પણ પાછળ ન રહ્યા. તેમણે જે નિવેદન કર્યું તેની ટીકા એવું કહેતા કરાઈ કે તેઓ મહિલાને ઓછી આંકે છે.

તેમણે ઇન્દોરમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું, "મોદી એવી કન્યા જેવા છે જે રોટલી ઓછી વણે અને બંગડીઓ વધુ ખણકાવે, જેથી મહોલ્લામાં લોકોને ખબર પડે કે તે કામ કરી રહી છે. આ હું આઠમી વખત પૂછી રહ્યો છું કે મોદી પોતાની માત્ર એક સિદ્ધિ મને જણાવી દે."

ભાજપે કહ્યું કે આવું નિવેદન કરી કૉંગ્રેસ એવું બતાવવા માગે છે કે આ દેશની અડધી વસતીનું પ્રતિનિધિત્વ કરનારી મહિલાઓ નબળી છે.

ભાજપે કહ્યું, "સિદ્ધુ અને કૉગ્રેસે આ નિવેદન બદલ માફી માગવી જોઈએ."


ફાંસો ખાશે મોદી... ?

Image copyright AFP

વિવાદ અહીં જ ન અટક્યો. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિવાદિત નિવેદન કર્યું.

ખડગેએ રવિવારે કર્ણાટકના કુલબર્ગીની એક ચૂંટણીસભામાં કહ્યું કે જો અમને 40થી વધારે બેઠકો મળી તો શું મોદી દિલ્હીના વિજયચોક પર ફાંસો ખાઈ લેશે?

મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, "જ્યાં પણ તેઓ (મોદી) જાય છે. ત્યાં કહે છે કે કૉંગ્રેસને લોકસભામાં 40થી વધારે બેઠકો નહીં મળે. શું તમારામાંથી કોઈ આ વાત માને છે? જો કૉંગ્રેસને 40થી વધારે બેઠકો મળશે તો શું મોદી દિલ્હીના વિજયચોક પર ફાંસો ખાશે?"

કૉંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધી વડા પ્રધાન મોદી પર રફાલ સોદામાં કથિત રીતે ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લગાવે છે અને પોતાની તમામ રેલીમાં 'ચોકીદાર ચોર હૈ'નો નારો પોકારે છે,

છઠ્ઠા તબક્કાની ચૂંટણી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 9 મેના રોજ રાહુલ ગાંધીના 'ચોકીદાર ચૌર હૈ'ના નારાના જવાબમાં વડા પ્રધાન રાજીવ ગાંધી પર નિશાન તાક્યું.

તેમણે રાજીવ ગાંધીને ભ્રષ્ટાચારી કહ્યા અને કહ્યું કે તેમના જીવનનો અંત પણ "ભ્રષ્ટાચારી નંબર-એક" તરીકે થયો.

મોદીએ પણ કહ્યું કે, "રાજીવ ગાંધી આઈએનએસ વિરાટ પર રજાઓ માણવા માટે જતા હતા અને આનો ઉપયોગ તેમણે ટૅક્સીની માફક કર્યો હતો.


દુર્યોધન સાથે સરખામણી

Image copyright Getty Images

સક્રિય રાજકારણમાં નવા આવેલાં કૉગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધીએ મોદીને ધ્યાનમાં રાખીને આપેલું નિવેદન પણ ચર્ચામાં રહ્યું અને તેના પર વિવાદ પણ થયો.

પ્રિયંકાએ પડકાર ફેંક્યો કે જો મોદીમાં તાકાત હોય તો તે વિકાસના મુદ્દે ચૂંટણી લડે.

તેમણે કહ્યું કે લોકો વડા પ્રધાનને સારી રીતે સમજાવવાના છે. મોદીમાં પણ કૌરવનેતા દુર્યોધન જોવો જ અહંકાર છે.

પ્રિયંકા ગાંધીએ કહ્યું, 'આ દેશે ક્યારેય અહંકાર અને ઘમંડને માફ કર્યા નથી, ઇતિહાસ તેનો સાક્ષી છે. આવો અહંકાર દુર્યોધનમાં પણ હતો. તેને સત્ય બતાવવા માટે ભગવાન કૃષ્ણ તેને સમજાવવા ગયા ત્યારે દુર્યોધને કૃષ્ણને પણ બંધક બનાવવાનો પ્રયાસ કર્યો હતો."

પ્રિયંકા હરીયાણામાં અંબાલાથી કૉંગ્રેસની ઉમેદવાર કુમારી સૈલજાનો પ્રચાર કરવા માટે ગયાં હતાં.


ચોકીદારને જ્યારે 'જલ્લાદ' કહેવાયા

Image copyright Getty Images

આ દરમિયાન બિહારનાં પૂર્વ મુખ્ય મંત્રી રાબડી દેવીએ પ્રિયંકા ગાંધીએ મોદી પર કરેલાં દુર્યોધનના વિવાદિત નિવેદનને વધારે ધારદાર બનાવ્યું.

રાબડી દેવીએ કહ્યું, "તેમણે (પ્રિયંકા) દુર્યોધન બોલીને ખોટું કર્યું. બીજી ભાષા બોલવા જેવી હતી. તેઓ બધા તો જલ્લાદ છે, જલ્લાદ. જે જજ અને પત્રકારને મારી નાખે છે. ઉઠાવી લે છે. આવા માણસનાં મન અને વિચાર કેવાં હશે?"

સમાજવાદી પક્ષના નેતા અને પૂર્વ કૅબિનેટ મંત્રી રવિદાસ મેહરોત્રાએ પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 'જલ્લાદ' કહ્યા.

મેહરોત્રાએ સમાચાર એજન્સી એએનઆઇને કહ્યું હતું, "વડા પ્રધાને ગત પાંચ વર્ષોમાં જનતા પર અનેક જુલ્મ અને અન્યાય કર્યો છે. એટલા માટે આજે આખો દેશ આ જાલિમથી મુક્ત થવા માગે છે."

"પ્રજા પાંચ વર્ષથી પીડા ભોગવી રહી છે અને દેશના વડા પ્રધાન અબજો-ખર્વો રૂપિયાથી વિદેશ પ્રવાસ કરી રહ્યા છે. ગરીબ ભૂખથી મરી રહ્યા છે. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે, એટલાં માટે વાત સાચી છે કે દેશનો ચોકીદાર જલ્લાદ છે."


જ્યારે મોદીની વિરુ્ધ બોલ્યા ગિરિરાજ

Image copyright Getty Images

પોતાનાં વિવાદિત નિવેદનોને લઈને ચર્ચામાં રહેતા ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ ખાસ કરીને વિપક્ષો પર હુમલો કરતા જોવા મળે છે. પરંતુ હાલની ચૂંટણીમાં એમની જીભ દોડી કે વડા પ્રધાન મોદીની સામે જ બોલવા લાગી.

મેના પહેલા અઠવાડિયે મુઝફ્ફરપુરમાં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં ગિરિરાજ સિંહે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર ઉગ્રવાદીઓને સમર્થન આપવાની વાત કરી દીધી.

તેમણે કહ્યું હતું " આ આજથી નથી, જ્યારથી સરકાર બની, મોદીજીએ આંતકીઓને સમર્થન આપ્યું, સેનાને પણ ગાળો આપી."

ગિરિરાજ સિંહ આ વાત પહેલાંની સરકારની સામે બોલવાં માંગતાં હતા. જીભ લપસવાના કારણે તેમણે વિપક્ષીઓના નામની જગ્યાએ પોતાના નેતાનું જ નામ લઈ લીધું.


'દુર્યોધન' પછી 'ઔરંગઝેબ'

Image copyright SANJAY NIRUPAM FB

પ્રિયંકા ગાંધીએ મોદીને દુર્યોધન કહ્યા પછી કૉંગ્રેસના વરિષ્ઠ નેતા સંજય નિરુપમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તુલના ઔરંગઝેબ સાથે કરી હતી અને કહ્યું કે તેમનાથી ભાજપના લોકો પણ કંટાળેલા છે.

વારાણસીમાં કૉગ્રેસના ઉમેદવાર અજય રાયના સમર્થનમાં કરેલી એક સભામાં સંજયે કહ્યું કે "વારાણસીના લોકોએ જે વ્યક્તિને ચૂંટ્યા છે તે ઔરંગઝેબનો આધુનિક અવતાર છે કારણ કે અહીં કૉરિડોરના નામ પર અનેક મંદિરો તોડવામાં આવ્યાં છે અને વિશ્વનાથમંદિરમાં દર્શનના નામે 550 રૂપિયાની ફી લેવામાં આવી રહી છે."

આપને આ પણ વાંચવું ગમશે

તેમણે કહ્યું, "આ એ વાતનો પુરાવો છે કે જે કામ ઔરંગઝેબ ન કરી શક્યો તે નરેન્દ્ર મોદી કરી રહ્યા છે."

"ઔરંગઝેબે જજિયાવેરો લગાવીને હિંદુઓ પર અત્યાચાર કર્યો હતો, એ જ રીતે નરેન્દ્ર મોદીએ મંદિર તોડીને બાબા વિશ્વનાથના દર્શન માટે જજિયાવેરો લગાવ્યો છે."


લઘુમતી-બહુમતી અંગેનું નિવેદન

30 એપ્રિલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ધાની એક રેલીમાં રાહુલ ગાંધી પર નિશાન સાઘ્યું. તેમણે અહીં લઘુમતી અને બહુમતીનો મુદ્દો છેડ્યો.

મોદીએ કહ્યું, " હવે તેમની(રાહુલ ગાંધી) હિમત નથી કે જ્યાં પણ બહુમતી (હિંદુ) રહે છે ત્યાંથી ચૂંટણી લડે. એટલાં માટે તેઓ ત્યાં આશ્રય લઈ રહ્યા છે કે જ્યાં બહુમતી લઘુમતીમાં હોય."


કાંકરાવાળા લાડવા

Image copyright PTI

પશ્વિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીનું નિવેદન પણ ઘણું વિવાદિત રહ્યું. તેમણે વડા પ્રધાનને માટીના બનેલા અને કાંકરાથી ભરેલાં લાડવા મોકલવાની વાત કરી હતી.

તૃણમુલ કૉંગ્રેસનાં વડાંનું આ નિવેદન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફિલ્મ અભિનેતા અક્ષય કુમારને આપેલા ઇન્ટરવ્યૂ પછી આપ્યું હતું. એ ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, "મમતા દીદી તેમને વર્ષમાં એક વખત કુરતો અન મીઠાઈ મોકલે છે."

રાણીગંજની એક રેલીમાં મમતાએ કહ્યું હતું, "નરેન્દ્ર મોદી મત માગવા માટે બંગાળ આવી રહ્યા છે,

પરંતુ લોકો તેમને કાંકરાથી ભરેલા અને માટીથી બનેલા લાડવા આપશે, જેને ચાખ્યા પછી તેમના દાંત તૂટી જશે."

આ પહેલાં તેમણે કહ્યું હતું કે તે શિષ્ટાચારના ભાગરૂપે તેઓ મોદીને આ બધુ મોકલતાં હતાં પરંતુ મોદીએ એ જાહેર કરી એક રાજકીય મુદ્દો બનાવી દીધો હતો.


હિંદુસ્તાન ખતમ થઈ જશે

Image copyright EPA

એપ્રિલના છેલ્લાં અઠવાડિયામાં પૂર્વ ક્રિકેટર અને પંજાબના મંત્રી નવજોત સિંઘ સિદ્ધૂએ મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસના ઉમેદવાર માટે ચૂંટણીરેલીને સંબોધિત કરતા પીએમ નરેન્દ્ર મોદીને લઈને વિવાદિત નિવેદન કર્યું હતું.

તેમણે કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદી ફરીથી વડા પ્રધાન બનશે તો હિંદુસ્તાન ખતમ થઈ જશે.

તેમણે ભોપાલમાં કહ્યું હતું, "મચ્છરને કપડાં પહેરાવવાં, હાથીને ખોળામાં ઝુલાવવા અને તમારી પાસેથી સાચું બોલાવવું અસંભવ છે નરેન્દ્ર મોદી."

તેમણે એવું કહ્યું, "પહેલાં જ્યારે હુમલાં થતા તો લોકો રાજીનામું આપતા હતા. હવે લોકો મત માગે છે. મૃતદેહોનું રાજકારણ રમે છે."

"મોદી ડૂબતો સૂર્ય છે અને રાહુલ ગાંધી ઊગતો સૂર્ય છે. નરેન્દ્ર મોદી, વાત કરોડોની, દુકાન પકોડાની અને સંગત ભગોડાની કરે છે. વાહ રે તારા જુમલા, જુમલા પ્રસાદ."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો