ગ્રાઉન્ડ રિપોર્ટ : ખંભીસરમાં બીજા દિવસે કઈ રીતે વરઘોડો નીકળ્યો?

વરરાજા જયેશ રાઠોડ
ફોટો લાઈન વરરાજા જયેશ રાઠોડ

12 મેના રોજ જ્યારે અરવલ્લી જિલ્લાના ખંભીસર ગામે દલિતોએ વરઘોડો કાઢવાનો પ્રયત્ન કર્યો તો તેમના વરઘોડાને ગામમાંથી પસાર થવા દેવામાં ન આવ્યો.

અત્યાર સુધી આ ગામમાં દલિતોએ લગ્નમાં ક્યારેય વરઘોડો કાઢ્યો ન હતો, આ પ્રથમ પ્રસંગ હતો કે ગામમાં કોઈ દલિતનો પુત્ર ઘોડે ચડવાનો હતો.

વરઘોડા માટે વરરાજાના પિતાએ પોલીસરક્ષણ પણ માગ્યું હતું. વરઘોડા સાથે પોલીસ હતી છતાં તેને પસાર થવા ન દેવાયો.

વરરાજાના પિતા ડાયાભાઈ રાઠોડ કહે છે કે અમે એક પછી એક ત્રણ શેરીઓ બદલાવી પરંતુ ત્રણેય જગ્યાએ અમને રોકવામાં આવ્યાં.

તેઓ કહે છે, "અમે વરઘોડો લઈને ઘરેથી નીકળ્યા, જ્યાંથી પસાર થવાનું હતું તે શેરીમાં ગામના સવર્ણ લોકો રસ્તા વચ્ચે રામધૂન કરવા બેસી ગયા."

તમે આ વાંચ્યું કે નહીં?

"અમે બીજી શેરીમાંથી નીકળવા ગયા તો ત્યાં પણ એ જ લોકો રસ્તામાં બેસી ગયા અને થાળી વેલણ વગાડવા હતા. અમે ત્રીજી જગ્યાએ ગયાં ત્યાં પણ એ જ લોકો હતા."

"એટલામાં અંધારુ થવા આવ્યું હતું, પોલીસે સમજાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ હઠ્યા નહીં. આ બબાલમાં ઘણો સમય પસાર થઈ ગયો. એટલા સુધીમાં અંધારું થઈ ગયું."

"જેવું જ અંધારું થયું કે અચાનક પથ્થમારો થયો, પોલીસે લાઠીચાર્જ કર્યો. પોલીસનું રક્ષણ અમે માગ્યું હતું પણ જાણે એવું લાગ્યું કે પોલીસ એમની સાથે હતી."

આ ઘટનાના એક દિવસ બાદ એટલે કે 13મી મેના રોજ બીબીસીની ટીમે આ ગામની મુલાકાત લીધી હતી.

ખંભીરસ ગામમાં આગળના દિવસે બનેલી ઘટનાના કારણે ઊભી થયેલી પરિસ્થિતિ જોવા મળી. ગામમાં પ્રવેશતાની સાથે જ અનેક પોલીસકર્મીઓ જોવા મળ્યા, ગામ જાણે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.

ગામની શાળામાં પોલીસનાં વાહનો તહેનાત હતાં, સ્થાનિક પોલીસની સાથે સાથે સ્ટેટ રિઝર્વ પોલીસના જવાનો પણ ફરજ પર હતા.

મોટા પ્રમાણમાં ગામમાં બોલાવવામાં આવેલી પોલીસ સ્થિતિની ગંભીરતા દર્શાવતી હતી. મહિલા પોલીસની સંખ્યા પણ નોંધપાત્ર હતી. ગામમાં લગ્નપ્રસંગ નહીં પરંતુ કર્ફ્યુ જેવો માહોલ હતો.

આપને આ પણ વાંચવું ગમશે

રક્ષણ હેઠળ જાન નીકળી

ગાંધીનગર રેન્જ આઈજી મયંકસિંહ ચાવડાએ જણાવ્યું, "12 મેએ વરઘોડામાં જે વિવાદ થયો એ પછી રાત્રે અમે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ડીએસપી વચ્ચે બેઠક બોલાવી હતી અને સમુદાયો વચ્ચે સુમેળ કરાવ્યો હતો. જે દુર્ઘટના થઈ છે એની પોલીસ ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે."

ખંભીસર ગામમાં બહુમતી સવર્ણો છે અને તેમાં 40 જેટલાં ખોરડાં દલિતોનાં છે. આશરે 200 જેટલા દલિતોનો વસતી છે.

12 મેની ઘટનાને વર્ણવતા જયેશ કહે છે, "રાત્રે જેવું જ અંધારું થયું કે ગામની લાઇટો બંધ કરી દેવામાં આવી. અમારા વિસ્તારની લાઇટો ચાલુ હતી પણ ગામની લાઇટો બંધ થઈ ગઈ. જે બાદ પથ્થરમારો થયો."

"પથ્થરમારા અને લાઠીચાર્જમાં મારાં બહેન અને મારી આઠ વર્ષની નાની ભાણેજને ઈજા થઈ છે. ડીજેને ખૂબ નુકસાન થયું. ડીજેના માલિકના ફોન આવ્યા કરે છે મારે તેમને શું જવાબ આપવો?"

"અમને પહેલાંથી ખબર હતી કે આ લોકો અમારો વિરોધ કરવાના છે. તો પણ અમે નક્કી કર્યું કે વરઘોડો કાઢવો છે. અમારે ક્યાં કંઈ ખોટું કરવાનું હતું? ખોટું કરતા હોઈએ તો ડરીએ. કાલે તો અમે વરઘોડો ના કાઢી શક્યા પરંતુ આજે અમે કાઢીશું."

પથ્થરમારો અને લાઠીચાર્જની ઘટનાના બીજા દિવસે ગામમાંથી રંગેચંગે જાન નીકળી હતી. ગામમાંથી પોલીસના રક્ષણના હેઠળ જાન નીકળી હતી.


દલિતોમાં વરઘોડાની ખુશી

દલિત વિસ્તારમાં જ્યારે જાન પસાર થઈ ત્યારે લોકો જોવા માટે ટોળે વળ્યા હતા.

જોકે, જાન જ્યારે અન્ય જ્ઞાતિઓના મહોલ્લામાંથી પસાર થઈ ત્યારે તેને જોવા માટે કોઈ દેખાયું નહીં.

બારી-બારણાંમાંથી પણ કોઈ ડોકાયું નહીં.

સાથે પોલીસની એટલી સંખ્યા હતી કે જાણે આ જાન કોઈ પોલીસપરેડનો ભાગ હોય.

ગામમાં નીકળેલા આ વરઘોડાની ખુશી દલિતોના મોં પર ઝળકતી હતી.

જાનમાં ડીજેના તાલે પુરુષો અને મહિલાઓ જાણે મનમૂકીને નાચ્યાં હતાં.

આપને આ પણ વાંચવું ગમશે

'શિક્ષણ વધ્યું તો સંઘર્ષ પણ વધ્યો'

વરઘોડાની સાથે-સાથે કેટલાક લોકો 'જય ભીમ'ના નારા પણ પોકારતા હતા. આંબેડકરની તસવીરવાળો ઝંડો પણ જાનમાં જોવા મળ્યો હતો.

જાન અહીંથી પંદરેક કિલોમિટર દૂર આવેલા માળી ગામે જવાની હતી. પોલીસના રક્ષણ હેઠળ આખરે જાન હેમખેમ માળી ગામે પહોંચી હતી.

ગુજરાતમાં તાજેતરમાં જ બનેલી દલિતો અને સવર્ણો સાથેના સંઘર્ષની ઘટનાઓ અંગે બીબીસી સાથે વાત કરતાં દલિત કાર્યકર્તા માર્ટિન મેકવાન કહે, "જેમ-જેમ સમય જાય છે તેમ-તેમ દેશમાં જ્ઞાતિ વ્યવસ્થા મજબૂત બની રહી છે."

તેઓ કહે છે, "દલિત સમાજમાં શિક્ષણ વધ્યું છે, હવે અન્ય સમાજો પરનો તેમનો આધાર ઘટ્યો છે.

બીજી તરફ જ્ઞાતિનું પરિબળ મજબૂત બનતાં આવા સંઘર્ષો સર્જાય છે."

જ્યારે ગુજરાતના વિધાનસભામાં અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે દલિતોની પ્રગતિ અન્ય સમાજો સાંખી શકતા નથી.

મેવાણી કહે છે, "વરઘોડો કાઢવાની દલિતોની હિંમત કેવી રીતે થાય, આ પ્રકારનું વલણ બીજા સમાજોમાં જોવા મળી રહ્યું છે. બીજી તરફ દલિત સમાજની પ્રગતિ થઈ રહી છે, જે અન્યથી સાંખી શકાતી નથી. "

"જે લોકો આ સાંખી લેવા માગતા નથી તેમને વળી એવી ખાતરી છે કે દલિતો પર કોઈ પણ અત્યાચાર કરીશું પોલીસ અને પ્રશાસન આપણી સાથે જ છે."

તેમનું કહેવું છે કે ઉનાથી લઈને થાનગઢ સુધી સરકાર તરફથી જે મજબૂત સંદેશ જવો જોઈએ તે ગયો નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ