ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર : જેમના નામ પર શાહ અને મમતા આમને-સામને આવ્યાં

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની તૂટેલી મૂર્તિ સાથે મમતા બેનરજી Image copyright Twitter/TMC
ફોટો લાઈન ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની તૂટેલી મૂર્તિ સાથે મમતા બેનરજી

જાણીતા શિક્ષણશાસ્ત્રી અને સમાજ સુધારક ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે ક્યારેય એવું વિચાર્યું પણ નહીં હોય કે મૃત્યુનાં 125 બાદ પોતાના રાજ્યમાં જ ચૂંટણીનો મુદ્દો બની જશે.

પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતામાં સાતમા અને આખરી તબક્કાના મતદાન પહેલાં ભાજપના અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન થયેલા હંગામા અને તોડફોડ બાદ વિદ્યાસાગર રાતોરાત મોટો મુદ્દો બની ગયા છે.

આ તોફાન દરમિયાન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ના કથિત સમર્થકોએ કૉલેજ સ્ટ્રીટ વિસ્તારમાં આવેલી વિદ્યાસાગર કૉલેજમાં ઘૂસીને ન માત્ર તોડફોડ કરી, પરંતુ ત્યાં સ્થાપિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની એક મૂર્તિને પણ તોડી નાખી હતી.

મુખ્ય મંત્રી અને તૃણમૂલ કૉંગ્રેસનાં પ્રમુખ મમતા બેનરજીએ તુરંત જ આ મુદ્દાને બંગાળના લોકોની ભાવનાઓ સાથે જોડતા તેને એક મુદ્દો બનાવી દીધો હતો.

તેમણે ભાજપ પર બંગાળના મહાપુરુષોનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે મૂર્તિ તોડનારોઓને છોડવામાં નહીં આવે.


કોણ છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર

Image copyright EPA

26 સપ્ટેમ્બર, 1820માં પશ્ચિમ બંગાળના મિદનાપોર જિલ્લાના નાનકડા ગામમાં એક ગરીબ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા ઈશ્વરચંદ્ર આગળ જતાં એક મહાન સમાજ-સુધારક, શિક્ષણશાસ્ત્રી અને સ્વતંત્રતા સેનાની તરીકે વિખ્યાત બન્યા હતા.

તેમણે મહિલા શિક્ષણને પ્રોત્સાહન આપવાની સાથે-સાથે વિધવાવિવાહના સમર્થનમાં પોતાનો અવાજ ઉઠાવ્યો હતો.

ઈશ્વરચંદ્ર માનતા હતા કે અંગ્રેજી અને સંસ્કૃત ભાષાઓના જ્ઞાનના સમન્વયથી જ ભારતીય અને પાશ્ચાત્ય પરંપરાઓનું શ્રેષ્ઠ જ્ઞાન હાંસલ કરી શકાય છે.

ગામમાં શરૂઆતના શિક્ષણ બાદ ઈશ્વરચંદ્ર પિતા સાથે કોલકાતા આવી ગયા હતા. તેઓ અભ્યાસમાં ખૂબ તેજ હતા અને અન્ય સાથીઓના મુકાબલે તેઓ જલદી શીખી લેતા હતા.

અભ્યાસમાં ખૂબ જ હોશિયાર હોવાના કારણે તેમને ઘણી સ્કૉલરશિપ મળી હતી. જેના કારણે તેમને વિદ્યાસાગરની ઉપાધિ આપવામાં આવી હતી.

વર્ષ 1839માં વિદ્યાસાગરે કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ 1841માં માત્ર 21 વર્ષની ઉંમરે ફોર્ટ વિલિયમ કૉલેજમાં સંસ્કૃત વિભાગના વડા તરીકે કામ શરૂ કર્યું હતું.

વર્ષ 1849માં એક વાર તેઓ ફરી સાહિત્યના પ્રોફેસર બન્યા અને સંસ્કૃત કૉલેજમાં જોડાયા હતા.

પોતાના સમાજ સુધારણા અભિયાન અંતર્ગત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે સ્થાનિક ભાષા અને છોકરીઓના શિક્ષણ માટે સ્કૂલો ખોલવાની સાથે કોલકાતામાં મેટ્રોપોલિટન કૉલેજની સ્થાપના કરી હતી.

આ સ્કૂલોને ચલાવવા બાંગ્લામાં શાળાનાં બાળકો માટેનાં પુસ્તકોના વેચાણમાંથી તેઓ નાણાં મેળવતા હતા.

તેમના અથાગ પ્રયત્નોના કારણે વિધવા પુનર્વિવાહ કાયદો-1856 પસાર કરવામાં આવ્યો. તેઓ દેખાડાને બદલે કાર્ય કરવામાં વિશ્વાસ ધરાવતા હતા.

આ જ કારણ છે કે તેમણે પોતાના પુત્રનાં લગ્ન એક વિધવા સાથે કર્યાં હતાં. તેમણે બહુપત્નીત્વ પ્રથા અને બાળવિવાહની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો.

વિદ્યાસાગરનું અવસાન 1891માં થયું હતું, પરંતુ હાલ તેઓ અચાનક જ રાજકીય મુદ્દો બની ગયા છે.

રાજકીય નિષ્ણાત ગોપેશ્વર મંડલના કહે છે, "ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પણ બંગાળમાં જન્મેલા અન્ય મહાપુરુષોની જેમ જ રાજ્યના લોકોની ભાવનાઓ સાથે જોડાયેલા છે."

"આ જ કારણે મમતાએ ચૂંટણીના છેલ્લા તબક્કા પહેલાં ભાજપને હરાવવા માટે મૂર્તિ તોડવાની ઘટનાને મુદ્દો બનાવ્યો છે."


જ્યારે 'દયાસાગર'ની ઉપાધિ મળી

Image copyright Ani

પશ્ચિમ બંગાળના શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર આપેલી માહિતી પ્રમાણે સંસ્કૃત કૉલેજમાંથી રાજીનામું આપ્યા બાદ તેઓ ફરીથી ફોર્ટ વિલિયમ કૉલેજમાં જોડાયા હતા.

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કેટલા ઋજુ હૃદયના હતા તે તેમની ગરીબો પરત્વેની લાગણીથી ખ્યાલ આવે છે.

તેઓ જ્યારે કોઈ ગરીબને ફૂટપાથ પર સૂતેલા જોતા તો દુઃખી થઈને રડવા લાગતા હતા. તેઓ પોતાની સ્કૉલરશિપ અને પગારમાંથી પણ કેટલાક રૂપિયા ગરીબોના કલ્યાણ માટે વાપરતા હતા.

જ્યારે તેમણે કૉલેજો અને સ્કૂલોના દરવાજા નીચી જાતિના વિદ્યાર્થીઓ માટે ખોલી દીધા ત્યારે લોકો તેમને 'દયાસાગર'ના નામથી ઓળખવા લાગ્યા હતા.

બંગાળમાં એ જમાનામાં ઉચ્ચશિક્ષણમાં માત્ર સવર્ણ ગણાતી જ્ઞાતિઓ અને ખાસ કરીને બ્રાહ્મણોનું પ્રભુત્વ હતું.


જ્યારે નવાબે વિદ્યાસાગરને દાનમાં જૂતું આપ્યું

Image copyright Ani

કોલકાતા યુનિવર્સિટી બનાવવા માટે વિદ્યાસાગર અને તેમના મિત્રો ફાળો ઉઘરાવવા બંગાળ અને નજીકનાં રાજ્યોમાં ફરતા હતા.

ત્યારે એક દિવસ તેઓ એક નવાબના મહેલમાં પહોંચ્યા. તેમણે નવાબને ફાળો આપવા માટે કહ્યું.

વિદ્યાસાગરની વાત સાંભળીને નવાબે ફાળારૂપે પોતાનું જૂતું તેમની ઝોળીમાં નાખી દીધું. વિદ્યાસાગર તેમનો આભાર માનીને ત્યાંથી નીકળી ગયા.

બીજા દિવસે વિદ્યાસાગરે નવાબના જૂતાની હરાજી કરી, જેના તેમને 1,000 રૂપિયા મળ્યા.

નવાબે હરાજીની આ વાત સાંભળી કે પોતાના જૂતાના આટલા રૂપિયા મળ્યા છે તો તેમણે ફાળાપેટે બીજા એક હજાર રૂપિયા આપ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ