દલિતના વરઘોડામાં ભેદભાવના કોણ-કોણ જાનૈયા? - દૃષ્ટિકોણ

વરરાજા જયેશ રાઠોડની તસવીર
ફોટો લાઈન જયેશ રાઠોડના વરઘોડા ઉપર વિવાદ ઊભો થયો

એક માણસને હૃદયરોગ થયો ત્યારે ખબર પડી કે તેને હૃદય પણ છે. આ થઈ રમૂજ. કોઈ મોટો બનાવ છાપે ચડે ત્યારે જ ઘણાને ખબર પડે છે, 'બોલો. દલિતો સાથે હજુ ભેદભાવ રાખવામાં આવે છે.' આ થઈ વાસ્તવિકતા.

છેલ્લા થોડા દિવસમાં દલિતો સાથે થતા ભેદભાવ મથાળાંમાં છવાયા. ખાસ કરીને, દલિતોની વરઘોડો કાઢવાની ચેષ્ટા સામેના સામાજિક વિરોધ અને ગરમાગરમીના કિસ્સા ચગ્યા.

દલિતોની વાસ્તવિક પરિસ્થિતિ વિશે સરકારી તંત્રની અને મોટા ભાગના નાગરિકોની નીંદર કુંભકર્ણની છ માસિક ઊંઘને ટપે એવી હોય છેઃ

થાનગઢની નીંદર ઊના થાય ત્યારે ઊડે, જાહેરમાં ફટકા પછી ખેંચેલી નીંદર વરઘોડામાં વાંધાટાણે ઊડે. વળી પાછું બધું વાઇબ્રન્ટનું વાઇબ્રન્ટ.

સોશિયલ મીડિયા અને દલિતોના અમુક વર્ગમાં આવેલી જાગૃતિ, આર્થિક સરખાઈ અને ઓળખની સભાનતાને કારણે ત્રણ દાયકા પહેલાંના ગોલાણા હત્યાકાંડ જેવું હવે નથી થતું.

ગુજરાત કે દેશમાં જ નહીં, વિદેશોમાં પણ અત્યાચારના સમાચાર તરત પહોંચી જાય છે અને સોશિયલ મીડિયા પર ઠીક ઠીક ઉકળાટ ઠલવાય છે.

સાથોસાથ, હકીકત એ પણ છે કે ગોલાણા હત્યાકાંડ પછી સ્વૈચ્છિક સંસ્થાઓના ઘણા કાર્યકરો-આગેવાનોએ જે રીતે ધીરજથી, ચીવટથી અને નિષ્ઠાથી આખી લડત ઉપાડી અને તેને તાર્કિક અંત સુધી પહોંચાડી, એવું પણ હવે નથી થતું. એટલે સામાજિક ભેદભાવનું દુષ્ચક્ર જુદાજુદા સ્વરૂપે અવિરતપણે ચાલતું રહે છે.

પરિણામે લોકો વાસ્તવિકતા પ્રત્યે આંખ આડા કાન કરીને દલિતો પ્રત્યેના ભેદભાવનો દહાડો આથમી ગયાનું માની લે છે.

પછી એકાદ બનાવ ચગે ત્યારે બધા સ્વૈચ્છિક નિદ્રામાંથી જાગીને, ભેદભાવ અંગેની વાસ્તવિકતામાં પોતાની ભૂમિકા વિશે પૂરેપૂરી નિર્દોષતા ધારણ કરી લે છે અને અરેરાટી બોલાવવા બેસી જાય છે.

ભેદભાવની સ્થિતિ ન ઉકેલવાનો સહેલો રસ્તો એ છે કે ફરિયાદીને દુનિયાભરના ઉપદેશો આપવા, તેમના આચરણને કડક ફૂટપટ્ટીથી માપવું, તેમાં માનવસહજ (કે ભારતસહજ) ચૂક જણાય તો 'તમે તો ખરાબ વ્યવહારને જ લાયક છો' એવું સાબિત કરી દેવું.

બીજી તરફ, અપરાધીઓ કે આરોપીઓને છૂટો દોર અને શંકાનો આપી શકાય તેટલો લાભ આપવો.

કમનસીબે, ભેદભાવની સ્થિતિના ઉકેલનો કોઈ સહેલો કે ટૂંકો રસ્તો નથી. હા, સાચો રસ્તો છે--જો અપનાવવાની દાનત હો તો.

સૌથી પહેલાં તો, પોતાની જાતને ઉજળિયાત ગણનારા લોકોએ સમજવું અને સ્વીકારવું કે દલિતો પ્રત્યે અનેક પ્રકારના ભેદભાવ આજે પણ રાખવામાં આવે છે.

ભલભલા શાણા ને ઠેકાણાસરના લોકો પણ એવું માનવાની ભૂલ કરે છે કે ભેદભાવ હવે ભૂતકાળ બની ગયા.

શહેરોમાં રહેતા ને પોતાનાં સામાજિક વર્તુળોમાં હરતાફરતા લોકોને ગટરસફાઈ કે સોસાયટીસફાઈ માટે કોણ આવે છે, એટલી સાદી બાબતનો પણ ખ્યાલ હોતો નથી.

આમ, પહેલું પગથિયું છે ભેદભાવ પ્રત્યેની સભાનતા અને સ્વીકાર.

દલિતો સાથેનો ભેદભાવ ભૂતકાળ બની ગયો છે એવી દલીલ કરનારા ઘણા હોંશથી કહે છે, 'આપણને એવું કશું નહીં. હું તો ઑફિસમાં અમારા દલિત મિત્ર સાથે જમવા બેસું જ છું.'

આવા લોકોને જણાવવાનું કે હજુ તમારા મનમાંથી તમે દલિત સાથે જમો છો એટલી સભાનતા તો રહી જ છે, જે દર્શાવે છે કે બહારનું સ્તર ખર્યું, પણ હાડમાંથી જ્ઞાતિની સભાનતા ને ઊંચા હોવાનો અહેસાસ ગયાં નથી.

આપને આ પણ વાચવું ગમશે

બીજો મુદ્દો છે અનામત. શહેરી અને હવે સોશિયલ મીડિયા પર સક્રિય લોકો અનામતને મહાઅન્યાયી વ્યવસ્થા માને છે--ખાસ કરીને, દલિતોની અનામતને.

આટલેથી ન અટકતાં, અનામતથી બિનદલિતોને કેવો અન્યાય થાય છે અને મેરિટના ખ્યાલને કેટલું નુકસાન પહોંચે છે, તેનાં ભાષ્યો રજૂ થાય છે.

આ જ ભાષ્યકારોનો મેરિટપ્રેમ અને અન્યાયબોધ ઓછા માર્કે ડોનેશન સીટ પર કે એન.આર.આઈ. સીટ પર ઍડ્મિશન મેળવી લેતા બિનદલિતો માટે લાગુ પડતો નથી.

તેજસ્વી દલિત વિદ્યાર્થીઓ અને સામાન્ય તથા અનામત કૅટેગરીના કટ ઑફ માર્ક વચ્ચેનો મામૂલી તફાવત પણ જૂની, ભેદભાવપ્રેરિત દલીલો ઝીંક્યે રાખતા કથિત મેરિટપ્રેમીઓના ધ્યાને ભાગ્યે જ આવે છે.

અનામત સામાજિક ભેદભાવ દૂર કરવાની ઉત્તમ વ્યવસ્થા નથી. તેની ઘણી મર્યાદાઓ છે.

તેનાથી ઓછી ખરાબ, છતાં સામાજિક ન્યાય સિદ્ધ કરતી વૈકલ્પિક વ્યવસ્થા અમલી બને, તો પહેલી તકે અનામતને રદ કરવી જોઈએ.

પણ એ ન થાય ત્યાં સુધી અનામતનો વિરોધ કરવાનો મતલબ છેઃ 'અમે ભેદભાવની વાસ્તવિકતા નહીં સ્વીકારીએ.'

છેલ્લા થોડા વખતથી અનામતવિરોધીઓ નવી ચાલ તરીકે, પોતાના સમુદાય માટે અનામત માગતા થઈ ગયા છે.

સમાજનાં વિવિધ ક્ષેત્રોમાં પોતાની વસ્તીના પ્રમાણ કરતાં ઘણું વધારે પ્રતિનિધિત્વ ધરાવનારા સમુદાયો અન્યાયનું બુમરાણ મચાવીને અનામત માગે, ત્યારે તેમાં એક જ વાત સંભળાય છેઃ 'અમે અમારું વર્ચસ્વ જાળવી રાખવા માટે અનામતની માગણી કરીશું. સામાજિક ન્યાય માટે નહીં, સામાજિક વર્ચસ્વ માટે અનામત.'

અનામત વ્યવસ્થાની મર્યાદાઓ ઘટાડવાનું તેનો લાભ લેતા સમુદાયોના હાથમાં પણ છે.

પામતાપહોંચતા દલિત-આદિવાસી પરિવારોનાં સંતાનોને સમાન તક મળતી થઈ હોય, ત્યારે તેમની ફરજ બને છે કે તેમણે અનામતનો લાભ જતો કરીને, તેમનામાં પણ છેવાડાના ગણાતા સમુદાયો સુધી તે પહોંચાડવો.

(આ ઉપદેશ બિનદલિતોએ પહેલી તકે દલિતોને આપવાની જરૂર નથી. બિનદલિતો નકારની માનસિકતામાંથી બહાર આવીને, દલિતો પ્રત્યે ભેદભાવ થાય છે એટલું સ્વીકારતા થાય, તો પણ શરૂઆત માટે તે ઘણું છે.)

નવા જમાનામાં દલિતોની નવી પેઢીની પોતાના હક અને પોતાની ઓળખ માટેની સભાનતા આવકાર્ય છે.

સાથોસાથ, તેમણે એ પણ સમજવાનું છે કે તેમની લડાઈ પોતાની પેટાજ્ઞાતિનાં હિતો માટે કે માત્ર રાજકીય લાભ માટે ન હોઈ શકે અને હળહળતો પેટાજ્ઞાતિવાદ હૈયે રાખીને નીકળીએ, તો તેને સમાનતા માટેની લડાઈ ન કહેવાય.

જેમ માન આપવાથી મળે, તેમ સમાનતા રાખવાથી મળે.

કેવળ હકની ને ઓળખની સભાનતાથી સમાનતાના લડવૈયા ન થવાય. પેટાજ્ઞાતિવાદના પુરાણા ભેદભાવોથી માંડીને જ્ઞાતિપંચોના સડી ગયેલા રૂઢિરિવાજોને પણ ફગાવી દેવાની તૈયારી રાખવી પડે.

પોતાની અંદર ઊંડા ઊતરી ગયેલા ભેદભાવ કાઢવા માટે દલિત ને બિનદલિત બધાએ સરખો પ્રયત્ન કરવાની જરૂર છે. સૌ પોતાનું કરશે, તો બધાનું થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો