JEE Mains : એક-એક માર્ક્સની કિંમત હોય ત્યાં 8 માર્ક્સની ઘટ નુકસાનકારક સાબિત થઈ શકે છે

અનુરાગ પાઠક Image copyright Anurag Pathak
ફોટો લાઈન અનુરાગ પાઠક

ગુજરાત હાઇકોર્ટે મંગળવારના રોજ કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી છે. અનુરાગ પાઠક નામના એક વિદ્યાર્થીએ પિટિશન દાખલ કર્યા બાદ આ નોટિસ ફટકારવામાં આવી હતી.

પાઠકે પોતાની પિટિશનમાં JEE Mainsની પરીક્ષામાં ફિઝિક્સ અને મૅથ્સનાં એક-એક પ્રશ્ન પર સવાલ કર્યા છે.

અંગ્રેજીમાંથી ગુજરાતી ભાષાના અનુવાદમાં થયેલી આ ભૂલને કારણે ગુજરાતના અનેક વિદ્યાર્થીઓને નુકસાન થાય તેવી શક્યતા છે.

નિષ્ણાતો માને છે કે અનુવાદમાં ભૂલ તે ગંભીર બાબત છે, અને તેનાથી વિદ્યાર્થીઓને પ્રશ્નનો જવાબ આવતો હોય તેમ છતાંય રૅન્કિંગમાં ફેર પડી જાય છે.

9 એપ્રિલ, 20196ના રોજ પ્રથમ શિફ્ટમાં JEE Mainsની પરીક્ષા લેવાઈ હતી.

જેમાં ફિઝિક્સનો પ્રશ્નનંબર 7 ખોટો હોવાનો દાવો અનુરાગ પાઠકે પોતાની પિટિશનમાં કર્યો છે.

તેમનો એ પણ દાવો છે કે મૅથ્સના પ્રશ્નનંબર 13ની આન્સર-કીના બધા ચારેય ઑપ્શનમાં ખોટા જવાબો હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

માર્ક્સ રિવાઇવ કરવાની માગણી

આથી તેને અને તેના જેવા ગુજરાતી માધ્યમના અંદાજે 5000થી 6000 વિદ્યાર્થીઓને અન્યાય થયો છે અને તેથી સરકારે આ માર્ક્સ રિવાઇવ કરવા જોઈએ.

અનુરાગ પાઠકનો રૅન્ક હાલમાં 54511મો છે, પરંતુ તેમના પિતા મહેન્દ્ર પાઠક માને છે કે જો ચાર-ચાર માર્ક્સના આ બન્ને પ્રશ્નોમાં ભૂલ ન થઈ હોત તો તેમના દીકરાનો રૅન્ક ખૂબ સારો હોત.

મહેન્દ્ર પાઠક એક શિક્ષક છે.

2019માં દરેક મીડિયમના વિદ્યાર્થીઓ સહિત અંદાજે 80,000 વિદ્યાર્થીઓ JEE-Mainsની પરીક્ષામાં અપીયર થયા હતા.

અનુરાગની પિટિશન પ્રમાણે રાજ્યભરમાં આશરે 5000-6000 વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમની પરીક્ષામાં અપીયર થયા હતા, અને પ્રશ્નપત્રમાંની આ ભૂલને કારણે તમામ વિદ્યાર્થીઓને નુકસાન થયું છે.

અનુરાગ ઇચ્છે છે કે તેમને સુરતમાં કમ્પ્યૂટર એન્જિનિયરિંગમાં ઍડમિશન મળી શક્યું હોત, પરંતુ તેમના રૅન્કિંગને લઈને ચિંતા છે.

આ પરીક્ષાનું પરિણામ 29 એપ્રિલ, 2019ના રોજ આવ્યું હતું.

અનુરાગની પિટિશનના સંદર્ભે બીબીસીએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.

તેમને મોકલાવેલા ઈ-મેલનો પણ કોઈ જવાબ મળ્યો ન હતો.


20 મેના રોજ સુનાવણી

Image copyright Getty Images

NTA JEEની ઍન્ટ્રન્સ પરીક્ષા લેવા માટેની નોડલ એજન્સી છે.

હાઈકોર્ટમાં અનુરાગ તરફથી દલીલ કરનાર ઍડ્વોકેટ હાર્દિક શાહ જણાવે છે કે આ પરીક્ષામાં નૅગેટિવ માર્કિંગ હોવાથી વિદ્યાર્થીઓને 5+1 એમ પાંચ માર્ક્સની ખોટ જઈ છે.

અનુરાગના પર્સેન્ટાઇલ 95થી વધુ છે અને કૉમન રૅન્કિંગ લિસ્ટ (CRL)માં તેમનો રૅન્ક 54511મો છે, પરંતુ તેમનો રૅન્ક હજી ખૂબ સારો આવી શક્યો હોત.

આ પિટિશનની વધુ સુનાવણી 20 મેના રોજ રાખવામાં આવી છે.

જોકે, આ સંદર્ભે વાલીમંડળના પ્રતિનિધિઓ પણ અનુરાગની મદદે આવ્યા છે.

અમદાવાદ સ્થિત વાલી સ્વરાજ મંચના કન્વીનર ધર્મેશ પટેલ માને છે કે શિક્ષણને લઈને સરકારમાં ગંભીરતાની કમી છે.

તેઓ કહે છે, "પ્રશ્નપત્રના અનુવાદ જેવી સામાન્ય બાબતમાં ભૂલ થવી અને ત્યારબાદ વિદ્યાર્થીએ હાઇકોર્ટનાં દરવાજા ખટખટાવવા પડે તે સાબિત કરે છે કે અહીંની સરકાર શિક્ષણ માટે કેટલી ગંભીર છે."


'એક-એક માર્ક્સની કિંમત'

Image copyright Getty Images

આ વિશે જ્યારે બીબીસી ગુજરાતીએ ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ-ચાન્સેલર એમ. એન. પટેલ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે રિજિનલ લૅંન્ગ્વેજમાં પરીક્ષા આપવાનો પરીક્ષાર્થીનો અધિકાર છે.

એમ. એન. પટેલે કહ્યું, "ઘણી વખત એવું જોવા મળ્યું છે કે અનુવાદકો ઍક્ઝેક્ટ શબ્દો શોધવા માટે પ્રશ્નપેપરમાં ભૂલ કરી દે છે."

તેઓ એ પણ માને છે કે હવે જ્યારે આ ભૂલ થઈ ચૂકી છે અને જો તે સાબિત થઈ જાય તો આ પ્રશ્નના માર્ક્સ કાઢીને ટોટલમાંથી પણ આટલા ગુણ ઓછા કરી દેવા જોઇએ.

JEE Mainની પરીક્ષા 360 માર્ક્સની હોય છે.

ઍડમિશન કમિટીના મેમ્બર સેક્રેટરી, GP વડોદરિયાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "પિટિશન પ્રમાણે ગણિતના પ્રશ્નના ઑપ્શનમાં બધા જ જવાબો ખોટા હતા."

"જો આ વાત સાચી સાબિત થાય તો તે ગંભીર ભૂલ કહેવાય. સામાન્ય રીતે પરીક્ષાના પેપરનો અનુવાદ થઈ જાય ત્યારબાદ તેનું વેરિફિકેશન થતું હોય છે."

"આ કેસમાં વેરિફિકેશન સ્ટેજ પર પણ ભૂલ થઈ હોય તેવું લાગી રહ્યું છે."

છેલ્લાં 10 વર્ષથી JEE કોચિંગ કરાવતા નીરજ શાહ માને છે કે PDPU, Nirma, DAIICT જેવી ઇન્સ્ટિટ્યૂટમાં ઍડમિશન મેળવવા માટે એક-એક માર્ક્સની કિંમત હોય છે, અને તેવામાં વિદ્યાર્થીને 8 માર્ક્સની ઘટ પડવી એ નુકસાનકારક સાબિત થઈ શકે છે.

આપને આ પણ વાંચવું ગમશે

તામિલ મીડિયમમાં પણ આવી જ ભૂલ

ગઈ સાલ તામિલ મીડિયમમાં પણ આવી જ ભૂલ થઈ હતી.

જુલાઇ 2018માં મદ્રાસ હાઇકોર્ટે જે વિદ્યાર્થીઓએ NEETની પરીક્ષા તામિલ મીડિયમમાં લીધી હતી તેમને 196 ગ્રેસ માર્ક્સ આપવાનો હુકમ કર્યો હતો.

TK રંગરાજન નામની વ્યક્તિએ પોતાની PILમાં જણાવ્યું હતું કે તામિલ મીડિયમના પેપરમાં 49 સવાલોના અનુવાદ યોગ્ય ન હોવાથી વિદ્યાર્થીઓ અસમંજસમાં હતા.

એવી જ રીતે હાલમાં જ પંજાબ સ્ટેટ બોર્ડે સમાજવિદ્યાના પ્રશ્નપત્રમાં ભૂલ હોવાને કારણે વિદ્યાર્થીઓને 5 માર્ક્સ ગ્રેસ આપવા પડ્યા હતા.

હાલમાં રાજ્ય સરકારે પણ ગુજરાતમાં ધોરણ-12 સાયન્સનું પરિણામ સુધારવા માટે 12 માર્ક્સ ગ્રેસ આપ્યા છે, પરંતુ અમુક વાલીઓની માગણી છે કે 12 માર્ક્સની જગ્યાએ 20 માર્ક્સ ગ્રેસ આપવા જોઈએ.

જોકે, આ ગ્રેસ માર્ક્સ આપવા પાછળ પ્રશ્નપત્રમાં કોઈ ભૂલ જવાબદાર નહોતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા