નીરવ પટેલ : પ્રતિરોધી સાહિત્યના અગ્રણી દલિત-સર્જકની ચિરવિદાય

નીરવ પટેલ Image copyright facebook/neerav patel
ફોટો લાઈન નીરવ પટેલ

સર્જકના બે પ્રકાર હોય છે - મુગ્ધ અને સંપ્રજ્ઞ. કોઠાસૂઝથી સંવેદનાને વ્યક્ત કરતા કવિ મુગ્ધ હોય છે, પરંતુ પોતાના સર્જન પર પણ ચાંપતી નજર રાખનાર કવિ સંપ્રજ્ઞ હોય છે.

ગુજરાતીમાં દલિત સાહિત્યનો હવે સબળ ઇતિહાસ છે. એ ઇતિહાસમાં નીરવ પટેલ ઓછી મૂડીએ પણ સ્વતંત્ર માગ કરી શકે એવા સર્જક છે.

જે ગાળામાં દલિત યુવાનોને 'પટેલ' જેવી અટક વિના સૅન્ટ ઝેવિઅર્સ જેવી કૉલેજમાં ભણવું અઘરું હતું, ત્યારે નીરવ પટેલ ત્યાં ભણેલા.

આજેય દલિત વિદ્યાર્થીઓને નીચી નજરે જોવાનું પ્રવર્તે છે, ત્યારે એ ગાળામાં કેવું મુશ્કેલ હશે એ સમજી શકાય તેમ છે.


કવિતામાં પ્રગટતો પ્રતિરોધ

"ગામ હોય ત્યાં ફૂલવાડો હોય.

આ ફૂલો સદીઓથી અંધકારમાં સબડતાં હતાં.

કદીક ચાંદની રાત મળે તો પોયણાંની જેમ પાંગરતાં,

કદીક રાતરાણીની જેમ છૂપાછૂપા સુવાસ રેલાવતાં,

કદીક લજામણીની જેમ મૂગાંમૂગાં રડતાં."

'બહિષ્કૃત ફૂલો' સંગ્રહમાં આ ફૂલવાડો કવિતા છે, આ કવિતા થકી એક દૃષ્ટિએ તેમણે ભાષા બદલવાની કોશિશ કરી છે. દલિતોનાં રહેઠાણ માટે વપરાતા શબ્દ 'ઢેડવાડો'ની જગ્યાએ તેમણે 'ફૂલવાડો' શબ્દ વાપર્યો છે.

"ભઈ, હાંભર્યું સ ક એ તો માથાદીઠ દહ આલ સ

તમાર બાર આલવા હોય તો બે સ :

હું ન ડોશી...

ઝાઝા નથી,

બે દહાડીનાં મૂલ સ."

ચૂંટણીમાં મત માટે દલિતોના થતા ઉપયોગ પર તેમણે 'હું અને ડોશી' કવિતા લખી છે.

તેમણે વેશ્યા પર અને ગોધરાકાંડ પછીની સ્થિતિ પર પણ કવિતા લખી છે.

કવિતામાં તેમણે સ્ટેટમેન્ટ પાસેથી કામ લીધાં. તેમની કવિતાને તમે વ્યંજના, પ્રતીકની દૃષ્ટિએ ન જોઈ શકો, તેમની કવિતાને સામાજિક આંદોલન અને વર્તમાન સ્થિતિના સંદર્ભે જોઈ શકાય.

તેમની કવિતામાં સતત પ્રતિરોધ પ્રગટ થાય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ગુજરાતમાં પ્રતિરોધ સાહિત્યના અગ્રણી

Image copyright facebook/neerav patel

આજે 'હું દલિત છું, પછાત છું' એવી ચૂંટણી જાહેરાત કરનારા વડા પ્રધાનના પક્ષે ગુજરાતમાં 80-84-85માં અનામતવિરોધી આંદોલન કરેલાં. જેના કારણે શિક્ષિત દલિતોએ પોતાની કલમ ઉપાડી. નીરવ પટેલ એમાંના એક.

ગુજરાતના તમામ પટેલોને એક કરવા સુરતમાં વિશાળકાય પટેલ લાડુ બનાવેલો, ત્યારે નીરવ પટેલે 'પટેલ લાડુ' કવિતા કરેલી, જેમાં અમને પણ સમાવો તો ખરા! એવો વ્યંગ હતો.

ત્યારબાદ મંડલ-મંદિર પ્રકરણમાં પુનઃ દલિતોને 'સવાયા હિંદુ' બનાવી મુસ્લિમો સામે શતરંજના ખેલાડીઓએ મૂક્યા, ત્યારે પણ નીરવ પટેલની કવિતામાં એનો પ્રતિરોધ હતો.

ગુજરાતમાં પ્રતિરોધી સાહિત્ય (Resistance Literature)ના નીરવ પટેલ અગ્રણી છે. આવો સર્જક ઋજુ ન હોઈ શકે.

રાજુ સોલંકી, નીરવ પટેલ, ચંદુ મહેરિયાથી માંડી આજે ઉમેશ સોલંકી કે કૌશિક પરમારમાં જે દલિત દૃષ્ટિ (Dalit Vision) જોવા મળે છે એ રંગદર્શી, મુગ્ધ સર્જકોથી એમને જુદા પાડે છે.

દલિત સાહિત્યના નામે પણ જો એંઠવાડ ઠલવાતો હોય તો એ એમને મંજૂર ન હતો.


'દલિત કવિસંમેલનમાં દલિત અસ્મિતા હોવી જોઈએ'

ફોટો લાઈન જયેશ રાઠોડના વરઘોડા ઉપર વિવાદ ઊભો થયો

મને યાદ છે કે દિલ્હીના એક પરિસંવાદમાં એમણે ઉગ્રતાથી કહેલું- 'ગુજરાતીમાં હજુ દલિત નવલકથા અવતરવી બાકી છે.' રંગભેદથી પીડિત બ્લૅક લિટરેચરના એ અભ્યાસી હતા.

જૂનાગઢમાં એક દલિત કવિસંમેલનમાં તેઓ અધ્યક્ષ હતા અને રજૂ થયેલી મોટા ભાગની કવિતાઓ દલિત સંવેદનને વાચા આપનારી નહોતી, ત્યારે એમણે અધ્યક્ષસ્થાનેથી કહેલું કે 'તમે આને કવિસંમેલન નામ આપો. જો દલિત કવિસંમેલન હોય તો રચનામાં દલિત અસ્મિતા હોવી જોઈએ.'

સ્વમાન ફાઉન્ડેશન દ્વારા 'સર્વનામ' સામયિક દ્વારા એમણે દલિત-વિમર્શને યોગ્ય પરિપ્રેક્ષ્ય આપવાની કોશિશ કરેલી. જોકે, એ યોગ્ય પ્રોત્સાહનના અભાવે એ ચાલી ન શક્યું.

આજે જ્યારે ઉના-થાનગઢ-વરઘોડાની ઘટનાઓ બન્યા જ કરે છે, ત્યારે એમની ગોલાણા હત્યાકાંડની કવિતા યાદ આવે.

છેલ્લે એમના વિશે ગુજરાતી સાહિત્ય અકાદમીએ એક કાર્યક્રમ કર્યો.

અકાદમીની સ્વાયત્તતા આંદોલનમાં એમની ભૂમિકા પ્રતિરોધની નથી એ મારા જેવા માટે આશ્ચર્યજનક ઘટના હતી.

જ્યાં કોઈ પણ ચૂંટણીનો સ્વીકાર ન હોય અને 'સાધના' (આરએસએસનું મુખપત્ર)ના સુદીર્ઘ સમય સુધી તંત્રીની સેવા આપનાર વિષ્ણુ પંડ્યા પૅરાશૂટ પ્રમુખ હોય એ સંસ્થા દ્વારા કાર્યક્રમ થયો.

નીરવ પટેલ સતત દલિતોના અસ્તિત્વ વિશે સાશંક હતા. એમને એ અસ્તિત્વનો પૂરી માત્રાથી સ્વીકાર થાય તેમાં રસ હતો.

'બહિષ્કૃત ફૂલો' કવિતા એ અનુઆધુનિક ચેતનાનું પ્રાગટ્ય છે. આંબેડકર-ફૂલે-કાંશીરામ દ્વારા વર્ણપીડિતની વ્યથાનો પ્રતિરોધ કરનાર ચિંતનના તેઓ સર્જક હતા.

જેની આજે પુનઃ 'રાષ્ટ્ર' 'દેશ' બની રહ્યો છે, ત્યારે સવિશેષ જરૂર છે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. બીબીસી તેની કોઈ જવાબદારી લેતું નથી.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો