WC 2019 : ભારતને ચૅમ્પિયન બનાવવું વિરાટ કોહલી માટે કેટલું સહેલું છે?

વિરાટ કોહલી Image copyright Getty Images

તારીખ પાંચ જૂન 2019. આ દિવસથી ભારતીય ટીમ વર્લ્ડ કપ 2019 માટે પોતાનો સફર શરૂ કરશે. પ્રથમ મૅચ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સાઉથૅમ્પ્ટનમાં રમાશે.

ભારતીય ટીમના ફૅન્સને સિવાય કોઈ ચીજ ખુશી નહીં આપી શકે. ટીમ પ્રત્યેના વિશ્વાસ અને જીતની બેચેનીનું કારણ પણ છે, એ કારણને લોકો વિરાટ કોહલીના નામથી ઓળખે છે.

વિરાટ કોહલી વિશ્વનો નંબર વન ટેસ્ટ બૅટ્સમૅન, નંબર વન વન-ડે બૅટ્સમૅન અને નંબર વન ટી-20 બૅટ્સમૅન છે.

2017માં જ્યારે ઇંગ્લૅન્ડ સામેની વન-ડે મૅચમાં ભારતે 351 રનનો લક્ષ્યાંક ચેઝ કર્યો ત્યારે ઇંગ્લૅન્ડના પૂર્વ કૅપ્ટન માઇકલ વૉને વિરાટ કોહલીનાં વખાણ કર્યાં હતાં.

તાજેતરમાં જ એક કાર્યક્રમમાં ઇંગ્લૅન્ડના પૂર્વ ઑલરાઉન્ડર અને 2019 આઈસીસી વર્લ્ડ કપના બ્રાન્ડ ઍમ્બૅસૅડર ઍન્ડ્ર્યુ ફ્લિન્ટૉફે કહ્યું કે વિરાટ કોહલી સચીન તેંડુલકર કરતાં પણ સારા ખેલાડી છે, કદાચ ઑલ ટાઇમ બેસ્ટ!

આ શ્રેષ્ઠ ખેલાડી અને કૅપ્ટન પર કરોડો ફૅન્સને આશા છે, ફૅન્સ માને છે કે ભારત ફરીથી વર્લ્ડ કપ જીતી લાવશે.

પણ આ સ્તરે પહોંચવા સુધીનો વિરાટ કોહલીનો સફર સહેલો રહ્યો નથી.


આ રીતે લાગી લગની

Image copyright Getty Images

વિરાટ કોહલીનો જન્મ દિલ્હીના એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો. પિતા પ્રેમ કોહલીનું સપનું હતું કે વિરાટ એક મોટો ક્રિકેટર બને અને ભારતીય ટીમ માટે રમે. તેમણે વિરાટનું ઍડમિશન દિલ્હીમાં કોચ રામકુમાર શર્માની એકૅડૅમીમાં કરાવ્યું.

વિરાટની લગન અને કોચની મહેનતે તેમને સફળતા અપાવી અને સમય જતા વિરાટને દિલ્હીની રણજી ટીમમાં પણ સ્થાન મળ્યું. પછી કંઈક એવું થયું જેને રાતોરાત વિરાટને એક યુવા ખેલાડીમાંથી પરિપક્વ ક્રિકેટર બનાવી દીધા.

દિલ્હીની રણજી મૅચ કર્ણાટક સાથે હતી. દિલ્હીની ટીમની હાલત ખરાબ હતી અને મૅચ બચાવવી મુશ્કેલ લાગતી હતી. સામેની ટીમના 446 રનના જવાબમાં દિલ્હીએ 5 વિકેટ ગુમાવીને 103 રન પર દિવસ પૂરો કર્યો, વિરાટ 40 પર નોટઆઉટ ખેલાડી રહ્યા હતા.

તેમના ઘરે સ્થિતિ ઠીક નહોતી. પિતા પ્રેમ કોહલી કેટલાક દિવસથી પથારીવશ હતા અને એ રાત્રે તેમનું અવસાન થયું.

કોચ રાજકુમાર શર્માએ 'વિરાટ કોહલી - ધ મેકિંગ ઑફ એ ચૅમ્પિયન' લખતી વખતે ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે ઑસ્ટ્રેલિયામાં હતા ત્યારે તેમને વિરાટનો ફોન આવ્યો.

તેમણે કહ્યું, "ફોન પર વિરાટ રડી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે આ સ્થિતિ સર્જાઈ છે અને શું કરવું જોઈએ. મેં પૂછ્યું કે તું શું કરવા ઇચ્છે છે તો તેને કહ્યું હું રમવા માગું છું. મારો જવાબ હતો તો એવું જ કરો."

"થોડા કલાકો પછી વિરાટનો ફરીથી ફોન આવ્યો અને ફરીથી તે રડતો હતો. તેણે કહ્યું કે અમ્પાયરે તેને ખોટી રીતે આઉટ આપ્યો છે."

વિરાટે દિલ્હી માટે વિકેટકીપર-બૅટ્સમૅન પુનિત બિષ્ટ સાથે મોટી પાર્ટનરશિપ કરી અને દિલ્હીને મુશ્કેલ સ્થિતિમાંથી ઉગારી લીધું. એ સ્થિતિમાં જ્યારે એક દિવસ પહેલાં જ તેમના પિતા, મેન્ટર અને ગાઇડનું અવસાન થયું હતું.

ક્રિકેટ પ્રત્યેની આવી લગન જ કોહલી જેવા ચૅમ્પિયન પેદા કરે છે.

તમે આ વાંચ્યું કે નહીં?


રન ચેઝના દેવતા

Image copyright Getty Images

વિરાટને ભારતીય અંડર-19 ટીમની કૅપ્ટનશિપ મળી અને તેઓ આ ટીમ સાથે અંડર-19 વિશ્વ કપ પણ જિત્યા.

ભારતીય ટીમમાં તેમની એન્ટ્રી પણ વધારે દિવસો સુધી રોકી શકાઈ નહીં. 2008માં તેમણે શ્રીલંકા સામે ડેબ્યૂ કર્યું. કોહલીએ તેમની પહેલી સિરીઝમાં અર્ધસદી ફટકારી અને શાનદાર આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી.

વન-ડે મૅચમાં વિરાટે એક પછી એક રેકર્ડ બનાવવાનો શરૂ કર્યો. ખાસ કરીને સ્કોર ચેઝ કરવામાં તેમની સામે કોઈ ટકી શકે તેમ નથી.

સ્કોર ચેઝ કરતા કોહલીએ 84 મેચમાં 21 સદી નોંધાવી અને 5000થી વધારે રન બનાવ્યા છે. આમાંથી 18 સદી એવી છે જેની મદદથી વિરાટે ભારતને જીત અપાવી છે.

વન-ડે ક્રિકેટમાં માત્ર એક ખેલાડી એવો હશે જેનો રેકર્ડ સ્કોર ચેઝ કરવાની બાબતમાં વિરાટ કોહલીથી સારો હોય.

વિરાટ કોહલીએ કહ્યું કે રિષભ પંતનો ટીમમાં સમાવેશ કેમ કર્યો નથી.

વન-ડેમાં વિરાટ કોહલી

મૅચ 227
ઇનિંગ્સ 219
રન 10,843
એવરેજ 59.57
સ્ટ્રાઇક રેટ 92.96
અડધી સદી 49
સદી 41

વિરાટ કોહલી જે પ્રકારે રન બનાવી રહ્યો છે. તેનાથી ઍક્સ્પર્ટ્સ કહેવા લાગ્યા કે જ્યારે તે રિટાયર થશે ત્યારે તેણે બેટિંગના તમામ રેકર્ડ પોતાના નામે કર્યા હશે.

ખાસ કરીને જે પ્રકારે તે સદી નોંધાવે છે તે અદ્ભુત છે. તેમણે 49 અધર્સદી અને 41 સદી નોંધાવી છે, જે બતાવે છે કે વિકેટ પર ઊભા રહેવું તેમને કેટલું પસંદ છે અને લગભગ તમામ બીજી અર્ધસદીને તે સદીમાં બદલી નાખે છે.


ત્રીજી તક

Image copyright Getty Images

વિરાટ કોહલી માટે આ ત્રીજો વર્લ્ડ કપ હશે. પહેલી વાર તેઓ 2011માં વિશ્વ કપ રમ્યા અને 21 વર્ષની ઉંમરે વર્લ્ડ ચૅમ્પિયન પણ બન્યા.

બાંગલાદેશ સામે તેમણે સદી નોંધાવી અને વીરેન્દ્ર સેહવાગની સાથે 200 રનની પાર્ટનરશિપ કરી. શ્રીલંકાની સામે ફાઇનલમાં ધોનીનો હેલિકૉપ્ટર શૉટ અથવા ગૌતમ ગંભીરની શાનદાર ઇનિંગ્સ તમામને યાદ હશે. પરંતુ આ ઇનિંગ્સમાં કોહલીએ ગંભીરની સાથે ખૂબ મહત્ત્વની 85 રનની ભાગીદારી કરી જે મેચમાં અને ભારતની જીતમાં ખૂબ જ નિર્ણાયક રહી હતી.

2015નો વર્લ્ડ કપ ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં રમાયો હતો. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની સામે કોહલીએ 126 બોલમાં 107 રન બનાવ્યા. ભારતે આ મૅચ 76 રને જીતી હતી.

કોહલીએ આ ટુર્નામેન્ટમાં ઘણી મહત્ત્વની ઇનિંગ્સ રમી જેની મદદથી ભારત પોતાના ગ્રૂપમાં ટોપ પર રહ્યું. જોકે, ઑસ્ટ્રેલિયા સામે સેમિફાઇનલમાં કોહલી માત્ર 1 રન પર આઉટ થયા અને મૅચ ભારતે ગુમાવી દીધી.

ઇંગ્લૅન્ડનો વર્લ્ડ કપ કોહલીનો ત્રીજો વર્લ્ડ કપ હશે.

કોહલી છેલ્લાં કેટલાંક વર્ષોથી જબરજસ્ત ફોર્મમાં છે અને તેમના બૅટમાંથી સદીઓનો વરસાદ થઈ રહ્યો છે.

ઍૅક્સ્પર્ટ્સ માને છે કે તેઓ પોતાના કરિયરમાં શીર્ષ પર છે. ભારતીય ટીમ સંતુલિત જોવા મળે છે. જેમાં અનુભવ અને યુવાશક્તિનું યોગ્ય મિશ્રણ છે.

ટીમમાં મહેન્દ્ર સિંહ ધોની પણ છે જે કદાચ પોતાનો છેલ્લો વર્લ્ડ કપ રમી રહ્યા છે.

શું કોહલીની ટીમ આઇસીસી વર્લ્ડ કપ 2019 જીતી શકશે? ફૅન્સ માને છે કે આ વર્લ્ડ કપ કોહલી અને ટીમ ઇન્ડિયાનો જ છે.

(લેખક ખેલ પત્રકાર છે અને તેમણે નીરજ ઝાની સાથે 'વિરાટ કોહલી : ધ મેકિંગ ફ અ ચૅમ્પિયન' પુસ્તક લખ્યું છે જેને હૈશેટે છાપ્યું છે.)

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ