એવી બાબતો જે તમે દેશના કોઈ પણ રાજ્યમાં કરી શકશો પણ ગુજરાતમાં નહીં

બર્થ જે સેલિબ્રેશન Image copyright Getty Images

સુરતમાં જાહેરસ્થળો પર જન્મદિવસની ઉજવણી પર પ્રતિબંધ મુકાયો છે. ભારતમાં પહેલી વાર આ પ્રકારે જાહેરસ્થળો પર જન્મદિવસની ઉજવણી પર પ્રતિબંધ મુકાયો છે.

ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં અનેક પ્રકારના પ્રતિબંધ દેશમાં સૌથી પહેલાં લાદવામાં આવ્યા છે.

ગુજરાતમાં સમયાંતરે PUBG, હુક્કાબાર, ફિલ્મો, નાટકો, પુસ્તકો અને બીજી અનેક વસ્તુઓ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ભારતમાં પહેલી વાર દારૂબંધી ગુજરાતમાં જ લાગુ કરાઈ હતી.

સુરત પોલીસ કમિશનરે તાજેતરમાં જાહેરનામું બહાર પાડીને જાહેરસ્થળોએ રાત્રીના સમયે જન્મદિવસની ઉજવણી પર પ્રતિબંધ મૂક્યો છે.

સુરત પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામામાં જણાવ્યું હતું, "રાત્રીના સમયે જાહેરસ્થળોએ અન્ય વ્યક્તિ પર જબરજસ્તીથી કેક કે સેલોટેપ લગાવવી કે કેમિકલ વગેરે ફોમનો ઉપયોગ કરી, જાહેરજનતાને ત્રાસદાયક રીતે અને જાહેરસંપત્તિને નુકશાન થાય તે રીતે જાહેર જગ્યાઓ પર જન્મદિવસની ઉજવણી પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે."

જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે 'આ પ્રતિબંધ શહેરના નાગરિકો અને અરજદારની રજૂઆતો અને સોશિયલ મીડિયામાં પ્રસિદ્ધ થયેલા બનાવોને ધ્યાનમાં લઈને મૂકવામાં આવ્યો છે. જન્મદિવસની ઉજવણીમાં માર મારવાની ઘટનાઓ પણ જોવા મળતી હોય છે. પોલીસે આ હિંસાત્મક અને ક્રૂર ઉજવણીમાં વ્યક્તિનું મૃત્યુ નીપજવાની શક્યતા રહેલી હોવાથી આ પ્રતિબંધ મૂક્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ગુજરાતમાં દારૂબંધી

Image copyright Getty Images

ગુજરાત ભારતનું પહેલું એવું રાજ્ય છે, જેમાં દારૂબંધી લાગુ કરાઈ હતી.

ગુજરાત જ્યારે બોમ્બે રાજ્યનો ભાગ હતું ત્યારે 1948 અને 1950ની વચ્ચે પહેલી વખત દારૂબંધી લાગુ કરાઈ હતી. ત્યારબાદ 1958માં ફરીથી દારૂબંધી લાગુ કરાઈ.

ગુજરાત રાજ્ય બોમ્બે રાજ્યમાંથી છૂટું થઈ 1960માં સ્વતંત્ર બન્યું ત્યારથી દારૂબંધી લાગુ કરાઈ છે. ગુજરાતમાં 2016-17માં થયેલા દારૂબંધીનાં આંદોલનોને ધ્યાનમાં રાખીને સરકારે માર્ચ 2017માં ગુજરાત પ્રોહિબિશન (ઍમેન્ડમૅન્ટ) ઍક્ટ, 2017માં સુધારો કરીને તેને વધારે કડક બનાવ્યો.

બાદમાં ગુજરાતમાં દારૂનું ઉત્પાદન કરવું, વેચાણ-ખરીદી અને તેની હેરફેરની ઘટનાઓમાં 3 વર્ષની સજાને વધારીને 10 વર્ષ કરવામાં આવી અને 5 લાખના દંડની જોગવાઈ પણ કરાઈ છે. દારૂ સાથે પકડાવું તે બિનજામીનપાત્ર ગુનો બને છે.

ભારતમાં ગુજરાત સિવાય બિહાર, મિઝોરમ, લક્ષદ્વીપ, નાગાલૅન્ડમાં દારૂબંધી છે.


જાહેરમાં PUBG ગેમ અને મોમો ચેલેન્જ પર પ્રતિબંધ

Image copyright Getty Images

ભારતમાં સૌપ્રથમ PUBG ગેમ પર પ્રતિબંધ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે મૂક્યો હતો. પ્રાથમિક શાળાનાં બાળકો પર ખોટી અસર ન પડે તે માટે પ્રાથમિક શિક્ષણ સમિતિએ નિર્ણય લીધો હતો.

ત્યારબાદ વિવિધ જિલ્લાના કલેક્ટર અને પોલીસવડાઓએ જાહેરનામું બહાર પાડીને PUBG ગેમ જાહેરમાં રમવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

આ પરિપત્ર બાદ પોલીસે અનેક લોકોની ધરપકડ પણ કરી હતી.

ઉલ્લેખનીય છે કે જાહેરનામાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ તેને આગળ વધારવામાં આવ્યો ન હતો.

આ સિવાય મોમો ચેલેન્જ તથા બ્લૂ વ્હેલ ચેલેન્જ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ગુજરાતમાં હુક્કાબાર પર પ્રતિબંધ

Image copyright Getty Images

ગુજરાતમાં 2016માં હુક્કાબાર પર પ્રતિબંધ મુકાયો હતો.

ગુજરાત સરકારે તમાકુ નિયંત્રણ અધિનિયમ (કોપ્ટા ઍક્ટ-2003)માં સુધારો કરીને હુક્કાબાર પર પ્રતિબંધ લાદ્યો હતો.

આ કાયદાના ભંગ બદલ એક વર્ષથી ત્રણ વર્ષની સજા ઉપરાંત 20,000થી 50,000નો દંડ થઈ શકે છે. તેમજ કોગ્નિઝેબલ ગુનો ગણવામાં આવશે.

આ સિવાય ગુટખા ઉપર પ્રતિબંધ ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન લાદવામાં આવ્યો હતો.


ગુજરાતમાં ન રિલીઝ થયેલી ફિલ્મો

Image copyright Getty Images

ગુજરાતમાં હાલ સુધી અનેક ફિલ્મો રિલીઝ થઈ નથી, જેમાં 'ચાંદ બૂઝ ગયા', 'ફના', 'પરઝાનિયા', 'ફિરાક' અને 'પદ્માવત' સામેલ છે.

ગુજરાતના નાટ્યકાર કબીર ઠાકોરે જણાવ્યું હતું, "ગુજરાતમાં કોઈ ફિલ્મ પર પ્રતિબંધ મુકાતો નથી, પરંતુ એવું વાતાવરણ બની જાય છે કે જેમાં ફિલ્મ રિલીઝ જ થઈ ના શકે. હાલ સુધી અનેક ફિલ્મો સંદર્ભે આ જોવા મળ્યું છે."


ગુજરાતમાં નાટકો પર પણ પ્રતિબંધ લદાયો છે

Image copyright Getty Images

ગુજરાતના કર્મશીલ અને નાટ્યકાર હીરેન ગાંધીએ જણાવ્યું, "ગુજરાતમાં હાલ સુધીમાં 'સૂનો નદી ક્યા કહેતી હૈ' અને જસવંત ઠાકરના 'મોચીનું વહુ' નાટક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે."

તેમણે વધુમાં કહ્યું કે ગુજરાતમાં નાટકો પર પ્રતિબંધ મૂકવામાં આવતો નથી, પરંતુ નાટકની પ્રી-સેન્સરશિપ છે એટલે તમારે નાટકની સ્ક્રિપ્ટ પહેલાં પાસ કરાવવાની હોય છે. સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ તમને મળે તો અમને હૉલમાં નાટક કરવાની પરવાનગી મળે છે.


ગુજરાતમાં અગાઉ બે પુસ્તકો પર પ્રતિબંધ લદાયો હતો

Image copyright Getty Images

જસવંત સિંહના પુસ્તક 'જિન્હા - ઇન્ડિયા, પાર્ટિશન, ઇન્ડિપેન્ડન્સ' પર 19 ઑગસ્ટ, 2009માં પ્રતિબંધ મૂક્યો હતો. તેમાં સરદાર પટેલની સામે વાંધાજનક વાતો કરવામાં આવી હતી. પરંતુ ગુજરાત હાઇકોર્ટે 4 સપ્ટેમ્બરે બેન ઉઠાવી લીધો હતો.

જોસેફ લેલ્યવેલ્ડે લખેલા પુસ્તક 'ગ્રેટ સૌલ - મહાત્મા ગાંધી ઍન્ડ હિઝ સ્ટ્રગલ વિથ ઇન્ડિયા' પર ગુજરાતમાં 31 માર્ચ, 2011ના રોજ પ્રતિબંધ મુકાયો હતો.

આ પુસ્તકમાં ગાંધીને બાયસેક્સ્યુઅલ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. જેનો ગાંધીજીના ત્રણ પ્રપૌત્રોએ વિરોધ કરતા પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હતો.

અગાઉ ચંદ્રકાંત બક્ષીની ટૂંકીવાર્તા 'કુત્તી' પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ વાર્તા અશ્લીલ હોવાનો આરોપ લગાવી તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

આપને આ પણ વાંચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો