અમિત શાહના રોડ શોમાં 'હોબાળો કરવાની અપીલ' કરતા વીડિયોનું સત્ય - ફૅક્ટ ચેક

અમિત શાહ Image copyright Getty Images

સોશિયલ મીડિયામાં 53 સેકંડની એક વીડિયો ક્લિપ વાઇરલ થઈ રહી છે કે જેમાં એક ભાજપ કાર્યકર્તા કોલકાતામાં તૃણમૂલ કૉંગ્રેસના કાર્યકર્તાઓને લાકડીથી મારવા માટે પાર્ટી સમર્થકોને ભડકાવી રહ્યા છે.

ઑલ ઇન્ડિયા તૃણમૂલ કૉંગ્રેસના સોશિયલ મીડિયા સંયોજક દિપ્તાંશુ ચૌધરીએ પોતાના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પરથી બુધવારે ટ્વીટ કર્યું, "શું ઈશ્વરચંદ્રની મૂર્તિ તોડવાની ભાજપની પૂર્વ યોજના હતી? ભાજપ બંગાળના ક્લોઝ વૉટ્સઍપ ગ્રૂપમાં આ વીડિયો પ્રસારિત કરતા અમિત શાહના રોડ શોમાં ડંડા સાથે આવવાનું કહેવામાં આવ્યું છે. અને મિસ્ટર અમિત શાહ એ વાત પર સહાનુભૂતિ માગી રહ્યા છે કે તેમના પર હુમલો થયો હતો. 'નફરતના શાહ'ને કોણ નિશાન બનાવશે. ખોટું બોલવાવાળા."

સોશિયલ મીડિયા પર આ વીડિયોને 60,000 કરતાં વધારે વખત શૅર કરવામાં આવ્યો છે અને હજારો લોકોને તેને જોઈ ચૂક્યા છે.

આ વીડિયોમાં એ કહેતા સાંભળી શકાય છે, "ફાટાફાટી ગ્રૂપ (વૉટ્સએપ)ના સભ્યો, તમે શા માટે છો તમને ખબર છે. કાલે રોડ શો દરમિયાન કંઈ પણ થઈ શકે છે. જે સભ્યો કાલે નહીં આવે તેમને અમે લોકો આ ગ્રૂપમાંથી કાઢી મૂકીશું. હું ફાટાફાટી ગ્રૂપના સભ્યોને અપીલ કરું છું કે કાલે ગમે તે પ્રકારની તકલીફ ઊભી કરવી છે. તમારે બધાએ કાલે આવવાનું છે. તમારા બધાનું સ્વાગત છે. કેમ કે અમિત શાહના કાલના રોડ શોમાં તમારે મુખ્ય ભૂમિકા નિભાવવાની છે. આઠ ફૂટનો ડંડો લઈને પોલીસ અને ટીએમસીના ગુંડાઓ સાથે આપણે લડવાનું છે."

તમે આ વાંચ્યું કે નહીં?

આરોપ પ્રત્યારોપ

Image copyright ANI

મંગળવારના રોજ કોલકાતામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન થયેલી હિંસા બાદ આ વીડિયો સામે આવ્યો.

ચૂંટણીમાં હિંસા થતાં ચૂંટણીપંચે રાજકીય પક્ષોને પશ્ચિમ બંગાળમાં પોતાનો ચૂંટણીપ્રચાર એક દિવસ પહેલાં જ ખતમ કરવા કહ્યું છે.

ભાજપે આ નિર્ણયનું સ્વાગત કરી કહ્યું કે તેનાથી તેમના એ તર્કની પુષ્ટિ થઈ છે કે મુખ્ય મંત્રી મમતા બેનરજીના નેતૃત્વમાં રાજ્યમાં અરાજકતા ફેલાઈ છે.

આ તરફ મમતા બેનરજીએ કહ્યું છે કે આ નિર્ણય લોકશાહીવિરોધી છે અને તેણે બંગાળના લોકોનું અપમાન કર્યું છે.

હિંસા કોણે શરૂ કરી, આ વાતને લઈને બન્ને પાર્ટીઓ વચ્ચે ખૂબ ચર્ચા થઈ રહી છે.

બન્ને પક્ષોએ પોતપોતાના સમર્થનમાં અને સામા પક્ષ પર આરોપ લગાવવા માટે ઘણા વીડિયો પુરાવા તરીકે રજૂ કર્યા છે.

પોતાને ટ્વિટર પર કૉંગ્રેસના સમર્થક ગણાવતા ગૌરવ પાંઢીએ કહ્યું છે કે આ હિંસા ભાજપ તરફથી પૂર્વઆયોજિત હતી.

અમારી તપાસમાં આ વીડિયો સાચો હોવાનું જાણવા મળ્યું છે.

બીબીસીએ આ વીડિયોમાં દેખાતી વ્યક્તિ રાકેશ કુમાર સાથે વાત કરી. તેમણે આ વીડિયોમાં પોતે હોવાનો ઇન્કાર કર્યો છે.

તેમણે કહ્યું, "ટીએમસીની એક વ્યક્તિએ અમિત શાહ પર ટીએમસીના ગુંડાઓ દ્વારા સંભવિત હુમલાની ધમકી આપી હતી. તેમણે મને સતર્ક રહેવા કહ્યું હતું. સમર્થકના રૂપમાં અમારે તૈયાર રહેવાનું હતું. આ વીડિયો બે મિનિટનો છે. પરંતુ ખોટી જાણકારી ફેલાવવા માટે વીડિયોનો માત્ર એક ભાગ જ શૅર કરવામાં આવી રહ્યો છે."

તેમણે કહ્યું, "8 ફૂટના ડંડાવાળી કૉમેન્ટથી મારો મતલબ ભાજપના ઝંડા સાથે હતો. પરંતુ વીડિયો સાથે ચેડાં કરવામાં આવ્યાં છે."

જ્યારે બીબીસીએ તેમને આખો વીડિયો આપવાનું કહ્યું તો તેમણે એવું કહીને ઇન્કાર કરી દીધો કે તેમના વરિષ્ઠ નેતાઓએ તેમને મૂળ વીડિયો શૅર ન કરવા માટે કહ્યું છે, કેમ કે તેઓ આ જ આધારે કાયદાકીય કાર્યવાહીની યોજના બનાવી રહ્યા છે.

બીબીસી આ વાતની પુષ્ટિ કરતું નથી કે આ વીડિયો ઍડિટ કરવામાં આવ્યો છે કે નહીં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો