મોદી : ગોડસેના નિવેદન અંગે પ્રજ્ઞા ઠાકુરને દિલથી માફ નહીં કરી શકું

પ્રજ્ઞા ઠાકુર Image copyright Getty Images

ભાજપ નેતા અને ભોપાલથી લોકસભા ચૂંટણીનાં ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા. તેમણે કહ્યું હતું કે નાથુરામ ગોડસે દેશભક્ત હતા, છે અને રહેશે. 

જોકે, તેમનું નિવેદન વિવાદના વંટોળે ચડ્યું હતું અને તેમની ટીકા થઈ રહી હતી. બાદમાં તેમણે માફી પણ માગી હતી.

ન્યૂઝ-24ને આપેલા ઇન્ટરવ્યૂમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર વિવાદ અંગે પ્રતિક્રિયા આપી છે.

મોદીએ કહ્યું, "ગાંધી તથા ગોડસે અંગે જે કોઈ ટિપ્પણી થઈ છે તે એકદમ ખરાબ છે, તે વખોડવાપાત્ર તથા નિંદનીય છે. સભ્ય સમાજમાં આ પ્રકારની ભાષા અને વિચારને કોઈ સ્થાન નથી."

"જેમણે આ પ્રકારનાં નિવેદન કર્યાં છે, તેમણે ભવિષ્યમાં 100 વખત વિચાર કરવાની જરૂર છે. બીજું કે તેમણે માફી માગી છે, પરંતુ હું ક્યારેય તેમને દિલથી માફ નહીં કરી શકું."

બીજી બાજુ ભાજપના અધ્યક્ષ અમિત શાહે ટ્વીટ કરીને આ નિવેદનને વખોડી કાઢ્યું છે. સાથે જ ઉમેર્યું છે કે આ નિવેદનોને ભાજપની શિસ્ત સમિતિ પાસે મોકલવામાં આવશે, જે આગળની કાર્યવાહી કરશે.

આ પહેલાં નાથુરામ ગોડસેના નિવેદન મુદ્દે પ્રજ્ઞા ઠાકુરે કહ્યું, "એ વાત ઉતાવળમાં કહેવાઈ ગઈ હતી, કોઈને ઠેસ કે કષ્ટ પહોંચાડવાની મારી ભાવના નહોતી."

"જો કોઈના મનને દુ:ખ થયું હોય, તો હું માફી માગું છું."

તેમણે એવું પણ કહ્યું કે ગાંધીજીએ દેશ માટે જે કર્યું તે ભૂલી શકાય એમ નથી.


'અમિત શાહ ભગવાન તો નથી, મમતા પણ દેવી નથી' : શિવસેના

Image copyright PTI

પશ્ચિમ બંગાળમાં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તોડી પડાયા બાદ વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે તેઓ ફરીથી પ્રતિમા બનાવશે. આ નિવેદન બાદ મમતા બેનરજીએ કહ્યું કે તેમને ખેરાતની કોઈ જરૂર નથી.

જોકે, આ બન્ને પક્ષોના વિવાદ વચ્ચે શિવસેનાએ પણ ઝંપલાવ્યું છે.

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ અનુસાર આ દરમિયાન શિવસેનાએ એક નિવેદનમાં કહ્યું કે 'અમિત શાહ ભગવાન તો નથી, પરંતુ મમતા પણ કોઈ દુર્ગા કે સંત નથી.'

બીજી તરફ પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કહ્યું કે 'રાજ્યને ભાજપના રૂપિયા'ની જરૂર નથી. તેમની પાસે પ્રતિમા બનાવવા માટે પૂરતું ભંડોળ છે.'

બંગાળના મથુરાપુરમાં રેલીને સંબોધતા તેમણે એવું પણ કહ્યું, "આપણે ભાજપની ખેરાત નથી ઇચ્છતા."

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે કોલકાતામાં અમિત શાહની રેલી દરમિયાન ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પ્રતિમા તોડી પાડવાની ઘટના ઘટી હતી, આ અંગે ભાજપ અને તૃણમૂલ કૉંગ્રેસે એકબીજાને જવાબદાર ઠેરવ્યા હતા.

તમે આ વાંચ્યું કે નહીં?

ગુહાએ જ અમદાવાદ યુનિ.માં જોડાવવાની ના પાડી હતી: વીસી

Image copyright Getty Images
ફોટો લાઈન રામચંદ્ર ગુહા

ગુજરાતની અમદાવાદ યુનિવર્સિટીમાં રામચંદ્ર ગુહાની નિયુક્તિ અંગેનો મામલો ફરીથી ચર્ચામાં આવ્યો છે.

જાણીતા ઇતિહાસકાર રામચંદ્ર ગુહાની અમદાવાદ યુનિવર્સિટીમાં નિયુક્તિ અંગે સર્જાયેલા વિવાદ મામલે યુનિ.ના વાઇસ ચાસન્સેલર પંકજ ચંદ્રે કહ્યું કે રામચંદ્ર ગુહાએ યુનિવર્સિટી સાથે જોડાવવાની ના પાડી હતી. આ વાત 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલમાં જણાવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ગુહા 1 ફેબ્રુઆરી, 2019થી યુનિવર્સિટીમાં જોડાવાના હતા, પરંતુ આરએસએસની વિદ્યાર્થી પાંખ 'અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ' (એબીવીપી)એ અમદાવાદ યુનિવર્સિટમાં રામચંદ્ર ગુહાની નિમણૂક સામે વિરોધ નોંધાવ્યો હતો.

પંકજ ચંદ્રે એવું પણ કહ્યું કે આ મુદ્દાઓ પર સારી રીતે વાત થઈ શકી હોત પણ ન થઈ.

તેમણે એવું પણ કહ્યું, "આવા પડકારો સતત ચાલુ જ રહેશે. જ્યારે હું અમદાવાદ આઈઆઈએમમાં પ્રધ્યાપક હતો, ત્યારે મેં પણ આવા પડકારોનો સામનો કર્યો છે."


'વડા પ્રધાન પદ નહીં મળે તો કૉંગ્રેસ મુદ્દો નહીં બનાવે'- ગુલામ નબી આઝાદ

Image copyright ANI

'બિઝનેસ સ્ટાન્ડર્ડ' અખબારના અહેવાલ અનુસાર વરિષ્ઠ કૉંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે 'બિનકૉંગ્રેસના નેતા વડા પ્રધાન બને તો તેમને કોઈ વાંધો નથી.'

આઝાદે કહ્યું, "જો વડા પ્રધાન પદ માટે કૉંગ્રેસના કોઈ નેતાનું નામ પ્રસ્તુત ન કરવામાં આવે તો અમે તેને મુદ્દો નહીં બનાવીએ."

તેમણે વધુમાં કહ્યું કે કૉંગ્રેસ ભાજપની સરકાર જે 'લોકવિરોધી, ખેડૂતવિરોધી, મજૂરવિરોધી અને અર્થતંત્રવિરોધી' છે, તેમને હઠાવવા માગે છે.

રાજ્યસભાના સભ્ય આઝાદે એવું પણ કહ્યું કે મોદીએ પ્રથમ એવા વડા પ્રધાન છે જેમણે પાંચ વર્ષના કાર્યકાળનો 60 ટકા સમય વિદેશયાત્રા પાછળ ખર્ચી નાખ્યો છે.

ખ્વાવેઈ : યુએસના પ્રતિબંધો પર ચીનની ધમકી

Image copyright AFP

મોબાઇલ ફોન કંપની ખ્વાવેઈ પર યુએસના પ્રતિબંધ બાદ ચીને ધમકી આપી છે કે તેઓ આ બાબતનો પ્રતિરોધ કરશે.

ચીને એવું પણ કહ્યું છે કે અમેરિકાના આ પ્રતિબંધોને તેઓ આંતરરાષ્ટ્રીય વેપારને નિયંત્રિત કરવાના પગલા રૂપે જુએ છે.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લુ કંગે કહ્યું કે જે દેશોએ ચાઇનીઝ કંપનીઓ પર એકતરફી પ્રતિબંધ લાદ્યો છે. તેનો તેમણે વિરોધ કર્યો છે અને તેની વિરુદ્ધ આગામી સમયમાં યોગ્ય પગલાં લેશે.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ પ્રશાસને બુધવારના રોજ અમેરિકન નેટવર્કમાં ખ્વાવેઈ કંપનીની પ્રોડક્ટ પર પ્રતિબંધ લાદી દીધો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો