મોદી સહિતના સાંસદોની ગ્રાન્ટનાં નાણાં કેમ અટકાવાયાં?

નરેન્દ્ર મોદી Image copyright AFP

કેન્દ્રીય આંકડાકીય મંત્રાલયે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સાંસદ તરીકે મળતી ગ્રાન્ટ ઉપર વર્ષ 2018માં નિયંત્રણ મૂક્યું હતું.

વિભાગની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલા આંકડા પ્રમાણે, નરેન્દ્ર મોદીને 10માંથી માત્ર સાત હપ્તા જ ચૂકવવામાં આવ્યા હતા. સાંસદ તરીકે રૂ. 25 કરોડમાંથી મોદીને માત્ર રૂ. 17 કરોડ 50 લાખ જ મળ્યા છે.

છેલ્લે તા. 22મી ઑક્ટોબરે મોદીના ખાતામાંથી રૂ. અઢી કરોડનું ચૂકવણું થયું હતું.

વેબસાઇટના રિપોર્ટ મુજબ, 'ક્ષતિપૂર્ણ ઑડિટ સર્ટિફિકેટ'ને કારણે મોદીને સાંસદ તરીકે મળતી ગ્રાન્ટમાં કાપ મૂકવામાં આવ્યો હતો.

જોકે, સર્ટિફિકેટમાં શું ખામી હતી તે અંગે વિભાગના રિપોર્ટમાં કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી.

આ અંગે બીબીસીએ સાંસદની ગ્રાન્ટના વપરાશ માટે જવાબદાર વારાણસીના જિલ્લા અધિકારીનો સંપર્ક સાધ્યો હતો. તેમના કહેવા પ્રમાણે, ગત પાંચ વર્ષ દરમિયાન આંકડાકીય વિભાગમાંથી કોઈ વાંધો કાઢવામાં નથી આવ્યો.


શું છે મામલો?

Image copyright REUTERS

ભારત સરકાર દ્વારા રાજ્યસભા તથા લોકસભાના દરેક સાંસદને દર વર્ષે રૂ. પાંચ કરોડ આપવામાં આવે છે. MPLADS (સંસદસભ્ય સ્થાનિક ક્ષેત્ર વિકાસ યોજના) હેઠળ આ રકમ આપવામાં આવે છે.

સાંસદો તેમના મતવિસ્તારની જરૂરિયાતને આધારે જિલ્લાના વહીવટી તંત્રને કેટલાંક વિકાસકાર્યો હાથ ધરવાની સૂચના આપી શકે છે.

જિલ્લાનું વહીવટી તંત્ર નિયમોને ધ્યાને લઈને સાંસદનાં સૂચનો મુજબ વિકાસકાર્યો હાથ ધરે છે.

જિલ્લાનું વહીવટી તંત્ર સાંસદ ભંડોળમાંથી થયેલા ખર્ચ સંબંધિત જરૂરી કાગળિયાં આંકડાકીય વિભાગને મોકલે છે, જેના આધારે વધુ રકમ આપવામાં આવે છે.

જો જિલ્લા વહીવટી તંત્રે સુપ્રત કરેલા દસ્તાવેજોમાં કોઈ ખામી હોય તો સાંસદોને વધુ રકમ આપવામાં આવતી નથી. આ અંગેની માહિતી www.mplads.gov.in ઉપરથી મળી રહે છે.

બીબીસીએ આંકડાકીય વિભાગના ઉપમહાનિદેશક દિનેશ કુમારને ફોન કરીને તથા ઈમેલ મારફત વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સાંસદ તરીકે મળતી ગ્રાન્ટ અંગે કેટલાક સવાલના જવાબ માગ્યા હતા. પરંતુ આ અહેવાલ લખાય છે, ત્યાર સુધી તા. 10મી મેના દિવસે મોકલવામાં આવેલા ઈમેલનો જવાબ મળ્યો નથી.

વારાણસી જિલ્લા વહીવટી તંત્રમાં MPLADS માટે જવાબદાર અધિકારી ઉમેશ ચંદ્ર ત્રિપાઠીના કહેવા પ્રમાણે, ગત પાંચ વર્ષ દરમિયાન ઑડિટ સર્ટિફિકિટમાં ખામી કે ચૂક હોવાને કારણે કોઈ વાંધો ઉઠાવવામાં આવ્યો નથી.


એકલા મોદીથી

Image copyright DRDA/VARANASI
ફોટો લાઈન વારાણસી પ્રશાસન દ્વારા મળેલી માહિતી

મોદી સિવાય મીનાક્ષી લેખી (નવી દિલ્હી), કુમારી શોભા કરંડલાજે (ઉડુપી ચિકમંગલૂર), લલ્લુ સિંહ (ફૈઝાબાદ), શ્યામચરણ ગુપ્તા (અલ્લાહાબાદ) અને ભુવનચંદ્ર ખંડૂરી (ગઢવાલ)ની ગ્રાન્ટ્સ પણ અટકાવવામાં આવી હતી.

આંકડાકીય વિભાગે 443 સાસંદોની ગ્રાન્ટ કોઈકને કોઈક કારણસરથી અટકાવી હતી. જેમાં ગુજરાતના 26માંથી 21 સાંસદોની ગ્રાન્ટ અટકાવવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના 83 સાંસદ (પેટાચૂંટણી જીતીને સાંસદ બનેલા નેતાઓ સહિત)માંથી 54 સાંસદોની ગ્રાન્ટ અટકાવવામાં આવી હતી.

ભાજપના (288માંથી 219) તથા કૉંગ્રેસના (51માંથી 38) સાંસદોની ગ્રાન્ટ અટકાવવામાં આવી હતી, આ સિવાય શિવસેના (18), તેલુગુ દેશમ્ પાર્ટી (16), તેલંગણા રાષ્ટ્ર સમિતિ (12) અને રાષ્ટ્રીય જનતા દળ (5) એમ તમામ સાંસદોની ગ્રાન્ટ અટકાવવામાં આવી હતી.

આંકડાકીય મંત્રાલયનો સંપર્ક કર્યો તે પહેલાં તા. 26મી માર્ચે વેબસાઇટ ઉપર મોદીની ગ્રાન્ટની રકમ અટકાવવા પાછળ 'અયોગ્ય ઑડિટ સર્ટિફિકેટ' જણાવવામાં આવ્યું છે, પરંતુ તા. 15મી એપ્રિલે 'આદર્શ આચારસંહિતાનો અમલ' એવું કારણ આપવામાં આવ્યું છે.

જો આવું જ હોય તો તા. 10મી માર્ચે ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત સાથે જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો હતો, તો તા. 26મી માર્ચે પણ કારણ તરીકે 'આદર્શ આચારસંહિતાનો અમલ' એવું હોવું જોઈતું હતું.


કેગે ટાંક્યાં સ્મૃતિ ઈરાનીનાં કાર્યો?

Image copyright FACEBOOK/MLEKHIBJP

કેગે તેના 74 પેજની રિપોર્ટમાં પૅજ નંબર 21 ઉપર નોંધ્યું છે, "સાંસદે વર્ષ 2015-2017 દરમિયાન લગભગ રૂ. 8.93 કરોડનાં 276 કામોની ભલામણ કરી હતી. જિલ્લા કાર્યક્રમ અધિકારી દ્વારા શ્રી શારદા મજૂર કામદાર કૉ-ઑપરેટિવ સોસાયટી, ખેડા (એનજીઓ)ને રૂ. 8.93 કરોડનાં કામ આપવામાં આવ્યાં હતાં"

"આ સંસ્થાને કામ આપવા માટે કોઈ ટૅન્ડર બહાર પાડવામાં આવ્યાં નહોતાં. આમ તે નિર્ધારિત દિશા-નિર્દેશોનો ભંગ કરે છે."

આ અહેવાલ માટે બીબીસી હિંદીના લેખનો આધાર લેવામાં આવ્યો છે. હિંદીમાં મૂળ લેખને વાચવા માટે અહીં ક્લિક કરો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ