લોકસભા ચૂંટણી : સરકાર કોઈ પણ પક્ષની બને, આ હશે સૌથી મોટો પડકાર

પ્રતીકાત્મક તસવીર Image copyright Reuters

લોકસભાની ચૂંટણી જેમજેમ અંતિમ તબક્કા તરફ ગતિ કરી છે અને નરેન્દ્ર મોદીનો પક્ષ ફરી એક વાર બહુમત માગી રહ્યો છે. એની સાથે જ કેટલાક ચિંતાજનક સમાચારો પણ આવી રહ્યા છે.

દુનિયાની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા મંદી તરફ ગતિ કરી રહી હોય એવું લાગી રહ્યું છે અને એના સંકેત ચારેતરફ છે.

ડિસેમ્બર પછીના ત્રણ મહિનામાં આર્થિક વિકાસદર 6.6 ટકા પર આવી ગયો છે, જે છેલ્લા 18 મહિનામાં સૌથી ઓછો છે.

કાર અને એસયુવીનું વેચાણ સાત વર્ષના તળિયે પહોંચી ગયું છે. ટ્રેક્ટર અને બે પૈડાંવાળાં વાહનોનું વેચાણ પણ ઓછું થયું છે.

ફાઇનાન્સિયલ એક્સપ્રેસના સમાચાર મુજબ બૅન્ક અને નાણાકીય સંસ્થાઓ સિવાયની 334 કંપનીઓનો નફો 18 ટકા નીચે આવી ગયો છે.

એટલું જ નહીં દુનિયાના સૌથી ઝડપથી વિકસી રહેલા ભારતના હવાઈ મુસાફરીના બજારમાં મુસાફરોની વૃદ્ધિ છ વર્ષમાં સૌથી ઓછી રહી છે અને બૅન્ક ધિરાણની માગ અસ્થિર છે.

ઉપભોગની વસ્તુઓ બનાવતી દેશની અગ્રણી કંપની હિન્દુસ્તાન યુનિલીવરે માર્ચ મહિનામાં ત્રિમાસિક હિસાબમાં ફક્ત 7 ટકાનો વિકાસ રજૂ કર્યો છે, જે છેલ્લા 18 મહિનામાં સૌથી ઓછો છે.

એક અખબારે તો ત્યાં સુધી પણ લખ્યું કે 'ભારત ક્યાંક ઉત્પાદન આધારિત બજારની વાર્તામાં' ફેંકાઈ તો નથી ગયું ને?


હાલત ઘણી ખરાબ

Image copyright Getty Images

આ ચિત્ર દર્શાવે છે કે શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં આવક ઓછી થઈ રહી છે અને માગ ઘટી રહી છે.

કૃષિ ક્ષેત્રમાં સારો પાક છતાં માલના ભરાવાથી આવક ઘટી છે. બૅન્ક સિવાયની મોટી નાણાકીય સંસ્થાઓએ દેવાળું ફૂંકતા ધિરાણમાં સ્થિરતા આવી ગઈ છે અને તેને લીધે લોન આપવાનું ઘટ્યું છે.

કાર્નૅલ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રોફેસર અને વિશ્વ બૅન્કના પૂર્વ મુખ્ય અર્થશાસ્ત્રી કૌસિક બસુનું માનવું છે કે તેઓ શરૂઆતમાં સમજતા હતા એના કરતાં આ મંદી ઘણી વધારે ગંભીર છે.

એમણે કહ્યું કે 'હવે આપણે મંદી અવગણી ન શકીએ અને તેના પૂરતા પુરાવાઓ છે.'

એમનું માનવું છે કે આનું મોટું કારણ 2016માં થયેલી વિવાદિત નોટબંધી પણ છે, જેણે ખેડૂતો પર અવળી અસર કરી છે.

રોકડ આધારિત ભારતીય અર્થવ્યવસ્થામાં 80 ટકા ચલણી નોટોને પ્રતિબંધિત કરી દેવામાં આવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના એક સલાહકારના શબ્દોમાં કહીએ તો નોટબંધી એ એક મનઘડંત, ક્રૂર અને ખૂબ મોટો ઝટકો હતી.

આ બધું 2017ની શરૂઆતથી જ બધાને દેખાવા લાગ્યું હતું. એ સમયે નિષ્ણાતોને એ ન દેખાયું કે આ ઝટકાએ ખેડૂતોનાં કરજ પર મોટી અસર કરી છે અને એના કારણે એમને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે અને એ હજી પણ ચાલુ છે. ખેતીવાડીના ક્ષેત્રમાં પણ સતત ઘટાડો થઈ રહ્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?


નિકાસ પર સૌથી વધારે ચિંતા

Image copyright AFP

પ્રોફેસર બસુના કહેવા મુજબ નિકાસ પણ નિરાશાજનક રહી છે.

તેઓ કહે છે, 'છેલ્લાં પાંચ વર્ષમાં નિકાસનો દર લગભગ શૂન્ય નજીક રહ્યો છે."

"ભારતની ઓછા વેતનવાળી અર્થવ્યવસ્થા માટે નાણાકીય નીતિ અને સૂક્ષ્મ પ્રોત્સાહનનું સંતુલન આ ક્ષેત્રના વિકાસ માટે જરૂરી છે, પરંતુ અફસોસ કે નિવેદનબાજી નીતિઓમાં નથી જોવા મળી.'

આની સામે વડા પ્રધાનની આર્થિક સલાહકાર સમિતિના સભ્ય એવા રથિન રૉય માને છે કે ભારતની ઉત્પાદન આધારિત અર્થવ્યવસ્થાની ઝડપ હવે સંતુલિત થઈ રહી છે.

ડૉ. રૉયનું કહેવું છે કે ભારતના ઝડપી આર્થિક વિકાસદરમાં દેશની ઉપરના સ્તરની 10 કરોડ વસતિની મુખ્ય ભૂમિકા છે.

તેઓ કહે છે કે કાર, બે પૈડાંવાળાં વાહનો, એસી વગેરેની ખરીદી એ આર્થિક રીતે સધ્ધર હોવાના સંકેતો છે.

ઘરની જરૂરિયાતના સામાનની ખરીદી પછી હવે અમીર ભારતીયોનો ઝોક વિદેશી લકઝરીને ખરીદવા તરફ વળ્યો છે. જેમ કે, વિદેશની ટૂર, ઇટાલિયન કિચન વગેરે.

મોટા ભાગના ભારતીયો ઇચ્છે છે કે એમને પોષણયુક્ત ખોરાક, સસ્તાં કપડાં અને ઘર મળે.

એમને આરોગ્ય અને શિક્ષણની સુવિધાઓ મળે. આર્થિક વિકાસદરના માપદંડ ખરેખર તો આ હોવા જોઈએ.


ભારત મધ્યમ આવકની જાળમાં

Image copyright Reuters

ડૉ. રૉય કહે છે કે મોટા પાયા પર ઉપભોગ માટે ફક્ત સબસિડી અને આર્થિક સહયોગ પર આધારિત ન રહી શકાય. ઓછામાં ઓછી અડધી વસતિની આવક એટલી હોવી જોઈએ જેનાથી તેઓ ઉપભોગની વસ્તુઓ ઓછા દરે ખરીદી શકે. જેથી કલ્યાણની કામગીરી માટેની સબસિડી વધારાના 50 કરોડ લોકોને આપી શકાય.

જ્યાં સુધી ભારત આવનારા દશકાઓમાં આમ નહીં કરી શકે ત્યાં સુધી દેશનો વિકાસદર સ્થિરતાનો શિકાર બની રહેશે.

ડૉ. રૉય કહે છે, "ભારતની અર્થવ્યવસ્થા મધ્યમ આવકની જાળમાં ફસાઈ રહેલી દેખાય છે. મતલબ જ્યારે દેશની ઝડપ અટકી ગયેલા વિકાસદરનો શિકાર થઈ જાય અને તે વિકસિત અર્થવ્યવસ્થાઓની બરોબરી કરવાનું બંધ કરી દે એવી સ્થિતિ."

એમના કહેવામાં મુજબ અર્થશાસ્ત્રી આર્ડો હૈનસન આ સ્થિતિને એક એવી જાળ કહે છે જેમાં તમારો ખર્ચ વધતો જાય છે અને તમે એ રીતે હરીફાઈમાંથી બહાર નીકળી જાવ છો.

સમસ્યા એ છે કે તમે એક વાર મધ્યમ આવકની જાળમાં ફસાઈ જાવ છો તો એમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે.

વિશ્વ બૅન્કના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 1960માં મધ્યમ આવકવાળા 101 દેશોમાંથી ફક્ત 13 દેશો જ 2008 સુધી ઉચ્ચઆવકવાળા દેશોની શ્રેણી (અમેરિકાની સરખામણીમાં પ્રતિ વ્યકિત આવક)માં સામેલ થઈ શક્યા.

આ 13 દેશોમાં ફક્ત ત્રણ દેશોની વસતિ અઢી કરોડથી વધારે છે. ભારત ઓછી મધ્યમ આવકની અર્થવ્યવસ્થા છે અને આવા સમયે આ જાળમાં સપડાવું મુશ્કેલી સર્જનારું છે.

રૉય કહે છે કે ધનિકો પરનો કર વધારીને ગરીબોને બુનિયાદી સુવિધાઓ આપવી એ મધ્યમ આવકની જાળનો અર્થ છે.

તેઓ કહે છે, "આપણી હાલત બ્રાઝિલ જેવી થશે. જેનો તમામ ભારતીયો ઉપયોગ કરવા માગે છે એવી ઉપભોગની વસ્તુઓ ભારત બનાવે અને એ પણ ઓછા દરે બનાવે તો સમાવેશી વિકાસદર મધ્યમ આવકની જાળને રોકી શકે છે. તો આપણે જાપાન જેવા થઈશું."

આગળની સરકાર ગમે તેની બને એમની સામે આ સૌથી મોટો પડકાર છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

આ વિશે વધુ