ભાજપની જીતના દાવા સાથે બીબીસીના નામે ફરતો સર્વે ફેક છે

બીબીસી Image copyright Getty Images

લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન સમયે બીબીસીને નામે એક ફેક સર્વે સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.

બીબીસીની વેબસાઇટની લિંક સાથે ફેલાવાવમાં આવી રહેલા આ ફેક ન્યૂઝમાં કથિત રીતે અમેરિકી જાસૂસી સંસ્થા સીઆઈએ અને પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈને ટાંકીને ભાજપના વિજયનો દાવો કરવામાં આવ્યો છે.

બીબીસી ભારતમાં ચૂંટણીઓ પહેલાં કે ચૂંટણી બાદ આવા કોઈ પણ પ્રકારના સર્વે કરતી નથી.

તેથી જો તમારી પાસે બીબીસીના નામે કોઈ પણ આવો ચૂંટણીલક્ષી સર્વે આવે તો તેને સાચો ગણવો નહીં.


શું છે આ સર્વેમાં?

Image copyright Social Media grab

આ ફેક ન્યૂઝમાં બીબીસીની વેબસાઈટની લિંક મૂકવામાં આવી છે. બીબીસીએ આવો કોઈ સર્વે કર્યો નથી કે કરાવ્યો નથી.

મૂકેલી લિંકને ક્લિક કરતાં બીબીસીનું હોમ પેજ ખૂલે છે પરંતુ આવા કોઈ જ સમાચાર બીબીસીએ છાપ્યા નથી.

આ ખોટા સમાચારમાં જો ભાજપનું પ્રદર્શન ખરાબ રહે તો 323 બેઠકો અને પ્રદર્શન સારૂં રહે તો 380 બેઠકો મળવાનો દાવો કરવામાં આવ્યો છે.

ઉપરાંત રાજ્ય મુજબ ભાજપને કેટલી બેઠકો મળશે તેનું વિવરણ પણ આપવામાં આવ્યું છે.

જેમાં ભાજપ ગુજરાતમાં 26 લોકસભા બેઠકમાંથી 24થી 25 બેઠક જીતશે તથા ઉત્તર પ્રદેશમાં 45થી 70 બેઠક જીતશે એવો દાવો કરાયો છે.

આ જ રીતે અલગ અલગ રાજ્યમાં લઘુત્તમ અને મહત્ત્મ ભાજપને મળનારી બેઠકોનો દાવો કરવામાં આવ્યો છે.

સર્વેના અંતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં સૌથી વધુ લોકપ્રિય નેતા છે એમ પણ કહેવામાં આવ્યું છે.

આથી તમામ વાચકોને અમે જણાવીએ છીએ કે બીબીસીના નામથી વૉટ્સઍપ પર ફરી રહેલો આ સર્વે ફેક છે.

ઘણી વખત આવો સર્વે કૉંગ્રેસ જીતશે એવી રીતે પણ શૅર થતો હોય છે. જોકે, બીબીસી આવા કોઈ સર્વે કરતી નથી.

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો