ગાંધી, ગોડસે, RSS : ગૌરવ અને શરમનું રાજકારણ - દૃષ્ટિકોણ

ગાંધીજી Image copyright FOX PHOTOS/GETTY IMAGES

ગાંધી-ગોડસે-આર.એસ.એસ.-ભાજપના મુદ્દે થતા વિવાદો વખતે ગૂંચવાડા ટાળવા માટે કેટલીક બાબતો અંગે સ્પષ્ટતા કરી લેવા જેવી છે. ગાંધીહત્યા વાજબી હતી?

ગાંધીજી પ્રત્યે બધાને આદર હોય એવું જરૂરી નથી. ઘણા તેમની સામે નાનામોટા વાંધા ધરાવે છે. એ તો હોય. માણસમાત્ર, વાંધાને પાત્ર. પરંતુ વાંધો પડે તે માણસને મારી નાખવાનો અને રાષ્ટ્રહિતના નામે એ હત્યાને વાજબી ઠરાવવી - એ બંને બાબતો સામાન્ય સભ્યતાથી વિરુદ્ધની છે.

જો તેને સ્વીકારી લેવામાં આવે તો પછી બીજું ઘણું પણ આપણે સ્વીકારી લેવાનું થાય.

જેમ કે, વિચારભેદ ધરાવતા માણસને દેશભક્તિની પોતાની (મર્યાદિત-સંકુચિત) સમજ પ્રમાણે મારી શકાય, તો બંગાળમાં ભાજપ-તૃણમૂલ પક્ષના ગુંડાઓથી મારામારી પણ કરી શકાય, કૉંગ્રેસથી 1984નો શીખ હત્યાકાંડ આચરી શકાય, ભાજપથી 2002નો ગુજરાત હિંસાચાર પણ આચરી શકાય.

આ બધાની પાછળ રહેલો 'સિદ્ધાંત' તો એક જ છે.


ગોડસે દેશભક્ત હતો?

Image copyright Getty Images

એક હત્યારાને, એ પણ ગાંધીજી જેવી વ્યક્તિની હત્યા કરનારાને, દેશભક્તનો દરજ્જો આપીને દેશભક્તિના ખ્યાલને એટલો નીચો લઈ જવો કે કેમ, એ પહેલો સવાલ છે. (ગાંધીજી વિશે ગોડસેનું પણ મૂલ્યાંકન એવું તો હતું કે તેમને ગોળી મારતાં પહેલાં, તેમના પ્રદાન બદલ પ્રણામ કરવાં પડે.)

દેશભક્તિનો ઉપયોગ ધાક જમાવવા કરનારા માટે તો, તેમના પૂર્વગ્રહોનો જેના પૂર્વગ્રહો સાથે મેળ ખાઈ જાય એ બધા દેશભક્ત.

એક તરફ ત્રાસવાદવિરોધી કાર્યવાહીની દુહાઈ દેવાની અને બીજી તરફ ત્રાસવાદવિરોધી કાર્યવાહીમાં મૃત્યુ પામનાર હેમંત કરકરે વિશે બેફામ બોલનાર પ્રજ્ઞા ઠાકુરને ઉમેદવાર તરીકે પણ ચાલુ રાખવાનાં.

આ થયો રાજકીય સ્વાર્થે રંગાયેલી કહેવાતી દેશભક્તિનો એક પ્રકાર. એ પ્રકાર અનુસાર જ 'રાષ્ટ્રપિતા'ના હત્યારાને દેશભક્ત ગણાવી શકાય. એ સિવાય નહીં.

'દેશભક્તિ' જેવા શબ્દો મનમાં અનુભવવાની અને દેશવાસીઓને મદદરૂપ થવાની ભાવના તરીકે હોઈ શકે. તેનો ઉપયોગ પોતાના મિથ્યાભિમાન-સ્વાર્થ-પૂર્વગ્રહો-કુંઠાઓ સંતોષવા અને બીજાને ફટકારવા માટે કરતા હોય, એવા લોકો જ ગોડસેને દેશભક્ત ગણી શકે.

જેમના 'દેશ'ના ખ્યાલમાં બહુરંગી વૈવિધ્યનો નહીં, ઉપરથી લાદેલી 'સમરસતા'-એકરૂપતાનો મહિમા હોય, એવા લોકો પણ ગોડસેને દેશભક્ત ગણી શકે.

પાકિસ્તાનમાં કટ્ટરતાવાદીઓ-ત્રાસવાદીઓ-આત્મઘાતીઓ અમુક વર્તુળોમાં 'ધર્મયોદ્ધા'ની ઓળખ પામતા હોય છે. એવા ધોરણે ગોડસેને ભારતમાં 'દેશભક્ત' ગણવો હોય તો ગણાવી શકાય.

ટૂંકમાં, ગોડસેને દેશભક્ત ગણવાનો ઘણો બધો આધાર ગોડસે શું હતો એની પર નથી. એ તો દેખીતી રીતે જ હત્યારો છે. તેને દેશભક્ત ગણવાનો ઘણો બધો આધાર તમારી વિચારપ્રક્રિયા અને વલણો કેવાં છે, તેના પર રહે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ગોડસેને આર.એસ.એસ. સાથે સંબંધ હતો? અને રહેશે?

ફોટો લાઈન ગાંધીજીની હત્યા કરતી વખતે ગોડસેએ આ કપડાં પહેર્યાં હતાં અને આ ગીતા ફાંસી પર જતા પહેલાં ગોડસે પાસે હતી.

આ સવાલના બે જવાબ છે : એક ટેકનિકલ એટલે કે કાયદાની-પુરાવાની અદાલતમાં માન્ય રહે એવો અને બીજો સામાન્ય સમજનો.

પ્રચલિત ઇતિહાસ પ્રમાણે, ગોડસે આર.એસ.એસ.નો સભ્ય હતો, પણ ગાંધીહત્યા વખતે તે આર. એસ. એસ.(સંઘ)માં સક્રિય ન હતો.

કોઈ માણસ સંઘનો સભ્ય છે કે નહીં, તેની કોઈ યાદી કે આધારપુરાવા જાહેર થતા નથી હોતા. એટલે ગાંધીહત્યા વખતે ગોડસેના સભ્યપદનો પણ કોઈ પુરાવો નથી.

તેના ભાઈ ગોપાલ ગોડસેએ વર્ષો પછી એ મતલબનું કહ્યું હતું કે ગોડસે સંઘમાં હતો, પણ તે નિષ્ક્રિય થઈ ગયો હતો, જેથી ગાંધીહત્યા પછી સંઘ પર તવાઈ ન ઊતરે.

છતાં, સંઘ અને ગોડસે વચ્ચે પ્રગટ કે અપ્રગટ નાળસંબંધ હતો અથવા સંઘને ગોડસે પ્રત્યે સારો ભાવ હતો એવું જણાઈ આવે છે. અલબત્ત, એનો અર્થ એવો બિલકુલ નથી કે સંઘે ગોડસે સાથેના તેના પ્રત્યક્ષ કે પરોક્ષ ભાવનો ભાર આખી જિંદગી વેંઢાર્યા કરવાનો.

સંઘ ઇચ્છે તો સ્પષ્ટ શબ્દોમાં, ભારપૂર્વક 'જો અને તો' સિવાયની ભાષામાં, ગોડસેના કૃત્યનો વિરોધ કરીને અને પોતાનો વિરોધ પ્રામાણિક છે એવું સ્પષ્ટ કરીને એ ભારમાંથી મુક્તિ મેળવી શકે છે.

આવો વિરોધ પ્રામાણિક છે એવું દર્શાવવા માટેના શરૂઆતના પગલા તરીકે, પ્રજ્ઞા ઠાકુર જેવા લોકોને ઠપકો આપવાનું કે નિવેદન પાછું ખેંચાવવાનું પૂરતું નથી. ગોડસેનું મંદિર થયું હોય તો તે તોડી પાડવાનું પણ પૂરતું નથી.

પ્રચારમાં અને 'વિસ્પર કૅમ્પેન'માં (આડકતરા ગુસપુસ અપપ્રચારમાં) માહેર ગણાતા સંઘને ગોડસેપ્રેમી તરીકેની પોતાની છાપ કેવી રીતે દૂર કરવી, એ બીજા કોઈએ શીખવાડવું પડે એવું લાગે છે?

સવાલ સંઘના પક્ષે ઇચ્છાશક્તિનો છે. એ પ્રામાણિક ઇચ્છાશક્તિ દાખવશે તો ભૂતકાળના બોજમાંથી મુક્ત થવાનો માર્ગ ખુલ્લો છે, પણ ગાંધીજીને અંજલિઓ આપતી વખતે, મનમાં ગોડસે પ્રત્યેનો ભાવ બરકરાર રાખશે, સેવશે તો ત્યાં સુધી એ સંબંધ દૂર નહીં થાય.


ગાંધીહત્યા માટે ફક્ત ગોડસે ગુનેગાર નથી?

Image copyright KEYSTONE/GETTY IMAGES

બહુ ડાહ્યા બહુ ખરડાય - એવી એક કહેણી પ્રમાણે, કેટલાક વિદ્વાનો એવું સિદ્ધ કરે છે કે ગાંધીવિચારને વેચી ખાનારા કે વટાવી ખાનારા ગોડસે કરતાં પણ વધારે મોટા અપરાધી છે. તેમણે ગાંધીજીના વિચારની હત્યા કરી છે.

ભાવનાત્મક રીતે આ વાત સાચી છે, પરંતુ એવું કહેવા પાછળ ગાંધીજીના વિચારો અને જીવનકાર્ય પ્રત્યેનો આદર કારણભૂત હોય છે. તેમાં ઊણા ઊતરેલા લોકોને આકરો ઠપકો આપવાની આ એક રીત છે.

તે રીતને ગાંધીજનોના સ્વતંત્ર મૂલ્યાંકન માટે વાપરી શકાય, પણ ગોડસેએ કરેલી હત્યાની વાત ચાલતી હોય, ત્યારે ગાંધીહત્યા કરતાં ગાંધીવિચારની હત્યાને વધારે ગંભીર ગણાવવામાં સીધુંસાદું પ્રમાણભાન ચૂકાઈ જાય છે.

વિચારોની હત્યા ગંભીર નૈતિક ગુનો છે, પણ તેનો ઉપયોગ વ્યક્તિની હત્યા જેવા સ્પષ્ટ અને ઘાતકી ગુનાને મોળવી નાખવા માટે ન કરી શકાય.


ગાંધીહત્યા સાથે ભાજપને શી લેવાદેવા?

Image copyright Getty Images

આ સવાલનો સ્પષ્ટ અને ટૂંકોટચ જવાબ છેઃ ભાજપ ઇચ્છે એટલી.

કૉંગ્રેસ અથવા બીજા પક્ષો ભાજપ પર ગોડસેતરફી કે ગાંધીવિરોધી હોવાનો આરોપ મૂકે છે, કારણ કે ભાજપ તરફથી તેમને એ માટેનાં પૂરતાં કારણ પૂરાં પાડવામાં આવે છે.

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે તેમણે શરૂઆતનાં વર્ષોમાં ગાંધીજીને નીચા પાડીને સરદારને ઊંચા કરવાની તરકીબ અપનાવી હતી, પછી તેમને લાગ્યું હશે કે ગાંધીજીને સાવ વિસારે પાડી દેવાનું હજુ શક્ય નથી.

એટલે ગાંધીજીમાંથી સ્વચ્છતા જેવી નિર્દોષ બાબતો ઉપાડીને, ગાંધીજીને એટલા પૂરતા સીમિત કરીને સાથે રાખ્યા.

પરંતુ પોતાનું વિચારકુળ ગાંધીજીનાં પાયાનાં જીવનમૂલ્યોના વિરોધમાં નથી, એવું હજુ સુધી ભાજપ સ્પષ્ટ રીતે કહી શકતો નથી. બલ્કે, હિંદુ-મુસ્લિમ એકતા જેવા મુદ્દે તે પ્રગટપણે ગાંધીજીના વિચારવિરોધી તરીકે ઊભરે છે.

આજની કૉંગ્રેસને કે બીજા કોઈ પણ પક્ષને ગાંધીવિચાર સાથે કશી લેવાદેવા નથી. છતાં, ગાંધીવિચાર પ્રત્યેની તેમની ઉદાસીનતા કે તેની સાથેનો તેમનો વિચ્છેદ મૂળભૂત, પ્રગટ અને વિચારધારાકીય આધાર ધરાવતો નથી.

ભાજપ ઇચ્છે તો તે પણ કોમવાદી વિચારધારા કે હિંદુ રાષ્ટ્ર જેવી બાબતોના-એવી વાતો કરનાર તેમના 'વિચારપુરુષો'ના વળગણમાંથી મુક્તિ મેળવી શકે છે અને ગાંધીવિરોધી તરીકેની છાપ પ્રતીતિપૂર્વક ભૂંસી શકે છે.

બાકી, કેવળ પ્રચારબાજીથી અને અર્ધસત્યોથી ગાંધીવિરોધનો ધબ્બો મિટાવવાનું ભાજપ જેવા પ્રચારપટુ પક્ષ માટે પણ અશક્ય પુરવાર થયું છે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો