ગીરમાં જેમના માટે મતદાનમથક ઊભું કરાય છે તે ભરતદાસબાપુ કેવી રીતે જંગલમાં એકલા રહે છે?

ભરતદાસ બાપુ

દેશમાં સાતમા અને અંતિમ તબક્કાની ચૂંટણીનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે ગીરનું બાણેજ એક એવું સ્થળ છે જ્યાં એકમાત્ર મતદાર માટે મતદાનમથક ઊભું કરવામાં આવે છે.

બાણેજધામમાં રહેતા એકમાત્ર મતદાર ભરતદાસ બાપુ મતદાન કરે છે અને ત્યાં સો ટકા મતદાન નોંધાય છે.

ધારાસભા તેમજ લોકસભાની ચૂંટણી વખતે ચર્ચામાં રહેતા બાણેજના એકમાત્ર મતદાર ભરતદાસ બાપુ દિવસ દરમિયાન શું કરે છે? જંગલમાં સાવજ-દીપડા વચ્ચે એકલા રહેતા તેમને ક્યારેય કોઈ તકલીફનો સામનો કરવો પડ્યો છે કે કેમ?

તેમની તબિયત બગડે તો અફાટ જંગલમાં તેઓ શું કરે છે? વગેરે સવાલો લઈને બીબીસીની ટીમ તેમને મળવા પહોંચી.

ગીરસોમનાથ જિલ્લાના ઊના તાલુકાના ગીરના જંગલમાં બાબરિયા રેન્જમાં બાણેજધામ આવેલું છે. જ્યાં મંદિરમાં ભરતદાસ બાપુ રહે છે.

બાણેજ મંદિર પહોંચવા માટે જંગલખાતાની ચેકપોસ્ટ પરથી પરવાનો મળ્યા બાદ ત્યાં જઈ શકાય છે.

વનવિભાગનો વિસ્તાર હોવાથી સાંજે સાડા પાંચ પહેલાં વિસ્તાર છોડી દેવો પડે છે. માત્ર ભરતદાસ બાપુ બાણેજ મંદિરમાં સાંજ પછી રહે છે.

તમે ક્યારે અહીં રહેવા આવ્યા અને તમારી દિનચર્યા શું છે? આ સવાલનો જવાબ આપતાં ભરતદાસ બાપુએ કહ્યું, "2001-02માં હું અહીં બાણેજધામમાં રહેવા આવ્યો હતો. રોજ સવારે છ વાગ્યે હું ઊઠું છું. ત્યારબાદ નાહીધોઈને સવારે આઠ-સાડા આઠે પૂજાપાઠ શરૂ થાય છે, જે સવારે દસ-સાડા દસ સુધી ચાલે છે."

"ત્યારબાદ આંગણામાં પંખીને દાણા નાખું છું. મોર, ઢેલ વગેરે પંખી આવે છે. પંખીને ચણ નાખ્યા બાદ મારી એક બેઠક છે ત્યાં હું બેસી જાઉં છું. સાંજના પાંચ વાગ્યા સુધી હું ત્યાં જ બેસું છું."

"દિવસ દરમિયાન શ્રદ્ધાળુઓ આવે છે તેમની સાથે વાતચીત થાય છે. સૂરજ આથમે એટલે ભોજન વગેરે પતાવીને સૂવાની તૈયારી કરું છું. બાણેજધામમાં રોજના સરેરાશ સોએક લોકો અહીં આવે છે."

"વૅકેશનમાં વધુ લોકો આવે છે. શિવરાત્રી તેમજ હોળી જેવા તહેવારોમાં પણ લોકોની સંખ્યા અહીં વધારે હોય છે. જે દર્શનાર્થીઓ આવે તેમને ચા-પાણી, ભોજન વગેરે આપવામાં આવે છે."

તમે આ વાંચ્યું કે નહીં?

સોએક લોકોની રસોઈ

અહીં રોજના સોએક લોકો આવતા હોય તો એમના ભોજન માટે અનાજ વગેરેની વ્યવસ્થા કઈ રીતે કરો છો?

એવા સવાલના જવાબમાં ભરતદાસ બાપુ કહે છે, "અહીં બે સેવક છે જે ભોજન વગેરે બનાવે છે. માણસો વધુ હોય તો હું પણ ભોજનની વ્યવસ્થામાં જોડાઈ જાઉં છું. અનાજ વગેરેની વ્યવસ્થાની વાત કરીએ તો શ્રદ્ધાળુઓ અનાજ વગેરે આપી જાય છે."

"જો વધારે અનાજની જરૂર પડે તો 30 કિલોમિટર દૂર ગીરગઢડા જઈને હું લઈ આવું છું."

"અહીં દૂધની સગવડ નથી થઈ શકતી એટલે દૂધને બદલે પાઉડર વાપરીએ છીએ. ક્યારેક કોઈ શ્રદ્ધાળુ સાથે દૂધ પણ લઈને આવે છે. અભયારણ્ય હોવાથી લોકો રાત્રે અહીં રોકાઈ શકતા નથી."

ભરતદાસ બાપુએ કહે છે કે અહીં વીજળી નથી. સૌરઊર્જા (સોલર) દ્વારા વીજળી મેળવવામાં આવે છે. લાઇટ અને પંખા સોલરથી જ ચાલે છે. 2004-05થી અહીં સોલરની વ્યવસ્થા છે.


100 ટકા મતદાન

ભરતદાસ બાપુ કહે છે, "અહીં આવ્યે મને વીસ વર્ષ થઈ જશે. મને ક્યારેય કોઈ જંગલી પ્રાણીએ પરેશાન કર્યો નથી. અવારનવાર સિંહ સાથે ભેટો થઈ જાય છે. સાંજે દીવા મૂકવા જઈએ તો સિંહ મળી જાય."

"થોડા વખત પહેલાં મંદિરના પટાંગણમાં હનુમાનજીના દેરા પાસે બેસીને હું હનુમાનચાલીસાનો પાઠ કરતો હતો, ત્યારે ત્રણ સિંહણ આવી ગઈ હતી. ચારથી પાંચ ફૂટના અંતરેથી જ પસાર થઈ હતી. મને ક્યારેય કોઈ વન્યપ્રાણીનો ખરાબ અનુભવ નથી થયો."

તમે ક્યારથી મતદાન કરો છો? એ સવાલના જવાબમાં ભરતદાસ બાપુએ કહ્યું, "2002થી વિધાનસભા અને લોકસભાની તમામ ચૂંટણીમાં બાણેજથી મતદાન કર્યું છે. બાણેજધામથી પાંચસો મીટરના અંતરે જંગલખાતાનું થાણું છે ત્યાં મતદાનમથક ઊભું કરાય છે. હું ત્યાં જઈને મતદાન કરું છું."

"અહીં હું એકમાત્ર મતદાર છું. મારા માટે મતદાનમથક ઊભું કરાય છે. હું મતદાન કરું એટલે અહીં સો ટકા મતદાન થયું કહેવાય છે."

"પ્રશાસન એક મત માટે મહેનત કરે છે તે સારી બાબત છે. તેમની એ જહેમત દર્શાવે છે કે એક મત કેટલો કિંમતી છે. મતલબ કે દરેકે મતદાન કરવું જ જોઈએ."

"ક્યાંક 40-45 ટકા મતદાન થાય તો એ દુઃખની વાત છે. જો સંપૂર્ણ મતદાન થાય તો બહુમતી પણ સ્પષ્ટ બને અને સરકાર પણ સ્પષ્ટ ચૂંટાય."

"બાણેજમાં જેમ સો ટકા મતદાન થાય છે તેમ સમગ્ર દેશમાં સો ટકા મતદાન થાય તો લોકશાહીનો ખરો અર્થ સરે."

સડકની સમસ્યા

Image copyright Getty Images

ભરતદાસ બાપુ કહે છે, "બાણેજ મંદિર સુધી પહોંચવા માટેનો જે રસ્તો છે તે અત્યંત બિસમાર છે એનો વિકાસ થવો જોઈએ."

"રસ્તાનો વિકાસ બધે થયો છે, અહીં નથી થયો. કૃષિ મંત્રી આર. સી. ફળદુ બાણેજધામ અવારનવાર આવે છે."

"રસ્તાની તકલીફ વિશે તેમને વાકેફ કર્યા છે પરંતુ કોઈ નિવેડો આવ્યો નથી. જંગલખાતાને એવું લાગે છે કે રસ્તા સારા થઈ જશે તો લોકોનો ધસારો વધી જશે."

"મારું કહેવાનું એટલું જ છે કે પાકા નહીં તો કાચા રસ્તા બનાવો, પરંતુ કમસેકમ બનાવો તો ખરા.

"તંત્ર જો ચૂંટણી વખતે એક મતદાર માટે મતદાનમથક ઊભું કરી શકતું હોય તો પછી રસ્તો કેમ ઠીક નથી કરતું?"

"પ્રશાસનને એ બતાવવામાં રસ છે કે એક વોટ માટે તેઓ કેટલી દરકાર કરે છે, પરંતુ એ એક વોટ આપનાર વ્યક્તિની જે તકલીફ છે એમાં પ્રશાસનને રસ નથી."


નેશનલ પાર્કમાં ઘર

Image copyright Getty Images

ચોમાસામાં શું સ્થિતિ હોય છે? બાપુ જણાવે છે કે "ચોમાસામાં અગવડ પડે છે. અહીં પાંચસો મીટર દૂર જે થાણું છે ત્યાંથી મચ્છુન્દ્રી નદી પસાર થાય છે."

"વરસાદ પડે ત્યારે એ રસ્તો લગભગ બંધ થઈ જાય છે. ત્યાં જો પુલ બની જાય તો અગવડ ન પડે. તકલીફ ન પડે એ માટે ચોમાસા અગાઉ અમે અનાજ ભરી રાખીએ છીએ."

બાણેજ સુધીના રસ્તા વિશે ભરતદાસ બાપુએ જે સ્થિતિ જણાવી તે અંગે બીબીસીએ ગીર (પશ્ચિમ)ના ડેપ્યુટી કન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ્સ ધીરજ મિત્તલ સાથે વાત કરી.

તેમણે કહ્યું, "ભરતદાસજી જ્યાં રહે છે એ રહેણાક વિસ્તાર કે રહેણાક વસાહત નથી. એ નેશનલ પાર્ક કે અભયારણ્ય છે. તેઓ વૉલન્ટરીલી એટલે કે સ્વેચ્છાએ રહે છે. અમે તો ઇચ્છીએ છીએ કે તેઓ ત્યાંથી અન્ય ઠેકાણે જતા રહે."

બાપુ પાસે તો ચૂંટણીકાર્ડ અને આધારકાર્ડ છે, જેમાં બાણેજનું સરનામું છે.

એ સવાલના જવાબમાં ધીરજ મિત્તલે કહ્યું હતું, "કોઈ મહારાજ કોઈ મંદિરમાં પૂજાપાઠ કરતા હોય અને આધારકાર્ડ કે રૅશનકાર્ડ બનાવી લે તો એનો મતલબ એ નથી કે તે ઇલાકો રહેણાક વિસ્તાર બની ગયો."

"એ વિસ્તાર નેશનલ પાર્ક - અભયારણ્યનો છે. રસ્તાની વાત કરીએ તો નેશનલ પાર્ક અને અભયારણ્યમાં નિયમિત વિકાસકામ ન થાય. ત્યાં ડામર રોડ કે અન્ય પાકો રોડ ન બની શકે. અમારી પાસે જે બજેટ હોય એ અનુસાર અમે આવજા મુજબનો રસ્તો રાખીએ જ છીએ."

"એ વાઇલ્ડલાઇફ વિસ્તાર છે. ત્યાં જાનવર રહે છે. એ રસ્તો પેટ્રોલિંગ માટે બનાવાયો છે. અમને જ્યારે જરૂરત લાગે ત્યારે મરામત કરાવીએ જ છીએ."

સાધુ પહેલાં સંસારી

બાપુની તબિયત અચાનક બગડે તો જંગલખાતાની મદદ મળે છે.

બાપુ કહે છે કે જંગલખાતાવાળાને બોલાવું છું. તેઓ તબીબ પાસે લઈ જવાની વ્યવસ્થા કરી આપે છે.

તેઓ કહે છે, "ક્યારેક અમારા કોઈ શ્રદ્ધાળુને જાણ કરવામાં આવે તો તે પણ મદદ કરે છે. બે મહિના પહેલાં શ્વાસની તકલીફ થઈ હતી. એ વખતે જંગલખાતાને જાણ કરી તો 108 આવી ગઈ હતી. 108ને આવતાં કલાક જેટલો સમય થયો હતો."

1 જાન્યુઆરી, 1950માં જન્મેલા ભરતદાસ બાપુ બાણેજ આવ્યા તે અગાઉ ત્રણ વર્ષ બાણેજની નજીક આવેલા જામવાળાના જમદગ્ની આશ્રમમાં રહ્યા હતા.

બાપુએ જણાવ્યું હતું, "હું મૂળે રાજસ્થાનના પાલી જિલ્લાના ખાંડી ગામનો છું. અમારો પરિવાર ખેતી સાથે જોડાયેલો હતો."

"1967માં અમે મુંબઈ સ્થાયી થયા હતા. મુંબઈમાં અમે અંધેરી (વેસ્ટ)માં રહેતા હતા. અંધેરીમાં મારી કરિયાણાની દુકાન હતી."

"1998માં મેં સંસાર છોડ્યો. મુંબઈથી હું નાસિક ગયો, ત્યાંથી સોમનાથ, દેલવાડા (ઊના), જામવાળા થઈને પછી હું બાણેજ આવ્યો હતો."

"બાણેજ આવ્યા પછી હું ક્યાંય ગયો નથી. બાણેજમાં જ મારાં ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ તૈયાર થયાં હતાં. બાણેજધામ જંગલની વચ્ચે છે. શાંતિ છે."


બીજે ક્યાંય જશો?

આ એક મતદારવાળા ક્ષેત્રમાં કોઈ રાજકીય પાર્ટી આ વખતે લોકસભા ચૂંટણીના પ્રચારાર્થે તમારી પાસે આવી હતી?

ભરતદાસ બાપુએ કહ્યું કે 'ના, કોઈ રાજકીય પાર્ટી ક્યારેય ચૂંટણીપ્રચાર કરવા અહીં આવતી નથી. એ નથી આવતા એ સારું છે.'

એક છેલ્લો સવાલ, અંતરિયાળ વિસ્તારમાં તમારા એક માટે ખાસ મતદાનમથક ઊભું કરવાને બદલે અન્ય કોઈ નજીકના મતવિસ્તારના મતદાનમથકમાં મતદાનની વ્યવસ્થા ગોઠવવામાં આવે, અને વાહનની પણ સગવડ કરવામાં આવે તો તમે ત્યાં મત આપવા જશો?

ભરતદાસ બાપુનો જવાબ હતો, "ના, હું નહીં જાઉં."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો